You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs WI : ICC રૅન્કિંગમાં ભારત ટોચ પર, આજની મૅચ નક્કી કરશે ભાવિ
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી રૅન્કિંગમાં ભારતે ઇંગ્લૅન્ડની ટીમને પછાડીને નંબર વનનું સ્થાન હાંસલ કરી લીધું છે, જોકે ભારત આ સ્થાને રહેશે કે કેમ તે 'જો...અને તો...' ઉપર આધારિત છે.
ટેસ્ટ રૅન્કિંગમાં ભારત અગાઉથી જ પ્રથમ ક્રમે છે. વનડે રૅન્કિંગમાં ભારત 123 પૉઇન્ટ્સ સાથે પ્રથમ ક્રમે છે, જોકે ઇંગ્લૅન્ડ ખાસ દૂર નથી અને 122 પૉઇન્ટ્સ સાથે બીજા ક્રમે છે.
વર્લ્ડ કપ દરમિયાન ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં ઇંગ્લૅન્ડનો પરાજય થયો હતો, જેની અસર રૅન્કિંગ પર પણ પડી હતી અને ભારતની ટીમ આગળ નીકળી ગઈ હતી.
જો વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં ભારતનો પરાજય થાય તો ફરી એક વખત ઇંગ્લૅન્ડની ટીમ ટોચ ઉપર પહોંચી જશે.
તા. 30મી જુલાઈએ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે મૅચ રમાશે.
રૅન્કિંગનું 'જો...અને તો...'
જો ભારતની ટીમ વેસ્ટ ઇન્ડીઝ તથા ઇંગ્લૅન્ડ એમ બંને સામે વિજય હાંસલ કરે તો 124 પૉઇન્ટ સાથે ભારત ટોચ પર જ રહેશે અને ઇંગ્લૅન્ડની ટીમ 121 પૉઇન્ટ ઉપર અટકી જશે, પરંતુ જો ઇંગ્લૅન્ડની ટીમ વિજેતા બને, તો તે ફરીથી પ્રથમ ક્રમે પહોંચી જશે.
જો વૅસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લૅન્ડ બન્નેની સામે ભારત હારી જાય, તો પણ પ્રથમ ક્રમે યથાવત્ રહેશે.
નારંગી કે ભગવો
તા. 30મી જૂને ભારત યજમાન ઇંગ્લૅન્ડ સામે મેદાનમાં ઊતરશે. એ દિવસે ભારતીય ટીમ નારંગી રંગની જર્સી પહેરશે, જેના કારણે વિવાદ ઊભો થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જનસત્તામાં પ્રકાશિત અહેવાલ મુજબ, કૉંગ્રેસ તથા સમાજવાદી પક્ષે ટીમની જર્સીના રંગ માટે 'ભગવાકરણ'ની શંકા વ્યક્ત કરી છે.
અખબારના અહેવાલ પ્રમાણે, મુંબઈમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર દરેક બાબતનું 'ભગવાકરણ' કરવાનો આરોપ મૂક્યો છે સાથે જ ઉમેર્યું હતું કે તેઓ સમગ્ર દેશને 'ભગવા' રંગે રંગવા માગે છે.
કૉંગ્રેસના ધારાસભ્ય નસીમ ખાને આઝમીના આરોપને ટેકો આપ્યો છે. જ્યારે ભાજપે તેને 'સંકુચિત માનસિકતા' ગણાવીને તેની મજાક ઉડાવી છે.
બીજી બાજુ, કૉંગ્રેસના નેતા આનંદ શર્માને ટાંકતા અખબાર લખે છે કે ટીમનો ડ્રેસ રાજકારણનો મુદ્દો નથી અને તેઓ ઇચ્છે કે ભારતીય ટીમ વિશ્વવિજેતા બનીને પરત ફરે.
દરમિયાન સમાચાર સંસ્થા એએનઆઈએ 'આઈસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ને ટાંકતા લખ્યું છે કે બીસીસીઆઈ (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ને કેટલાક વિકલ્પ આપવામાં આવ્યા હતા.'
'ઇંગ્લૅન્ડની ટીમ પણ ભારત જેવા જ બ્લૂ રંગનો ડ્રેસ પહેરતી હોવાથી બંને ટીમોને અલગ પાડવા માટે આ વિચાર કરવામાં આવ્યો છે.'
'ભારતે નારંગી રંગની ડિઝાઇન સ્વીકારી હતી, જે તેની જૂની ટી-20 જર્સી સાથે સામ્યતા ધરાવે છે.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો