You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#TabrezAnsari: મૉબ લિન્ચિંગ વિરુદ્ધ ભારતનાં 50થી વધુ શહેરોમાં પ્રદર્શન
'લોકો મને જબરદસ્તી પ્રેમ કરે એવું સરકાર કરી શકતી નથી પરંતુ મને પીટી-પીટીને મારી નાંખતા અટકાવી શકે છે.'
આ માર્ટિન લ્યુથર કિંગના શબ્દો છે, જે બુધવારે ભારતનાં ઘણાં શહેરોમાં ગૂંજી ઊઠ્યા.
કારણ હતું, ઝારખંડમાં મુસલમાન યુવક તબરેજ અંસારીના મૉબ લિન્ચિંગના વિરોધમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન થયાં.
થોડા દિવસો પહેલાં 17 જૂનના રોજ ઝારખંડના ઘાતકીડીહ ગામમાં તબરેજ અંસારી નામના એક યુવકને કહેવાતી ચોરીની શંકામાં વીજળીના થાંભલા સાથે બાંધીને મારવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેનું મૃત્યુ થયું હતું.
ટોળાએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો અને સોશિયલ મીડિયા પર શૅર કર્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે ભીડ તબરેજને મારી રહી છે અને સાથે જ તેની પાસે 'જય શ્રી રામ' અને 'જય હનુમાન'ના નારા લગાવડાવી રહી છે.
આ ઘટનાની દેશભરમાં ટીકા થઈ અને આ મુદ્દે ભારતનાં 50થી વધુ શહેરોમાં મૉબ લિન્ચિંગના વિરોધમાં પ્રદર્શનો થયાં.
'હું પણ તબરેજ'
ભારતનાં અલગ-અલગ શહેરોમાં માનવ અધિકાર અને સામાજિક કાર્યકર્તા, સિવિલ સોસાયટીના સભ્યો, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોએ એક સાથે મળીને મૉબ લિન્ચિંગના ગુનાઓ વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિરોધ પ્રદર્શનોમાં વિપક્ષના કેટલાક નેતાઓ પણ સામેલ હતા.
સોશિયલ મીડિયા પર પણ આ પ્રદર્શનોની ચર્ચા રહી. #IndiaAgainstLynchTerror અને #JusticeForTabrez હૅશટૅગ સાથે ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી.
અમદાવાદમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. અમદાવાદ શહેરના સામાજિક કાર્યકર નિર્જરી સિંહાની આગેવાનીમાં સાબરમતી ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી સુધી એક રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ત્યાર બાદ કલેક્ટરને મૉબ લિન્ચિંગની ઘટનાઓ માટે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનું પાલન કરીને કડક પગલાં લેવાંની માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેએનયૂના પૂર્વ વિદ્યાર્થી અને 'યુનાઇટેડ અગેન્સ્ટ હેટ' સંસ્થા સાથે જોડાયેલા ઉમર ખાલિદે ટ્વીટ કર્યું, "મૌનનું રાજ નહીં ચાલે, વિરોધ થશે. માનવતા હજી જીવે છે એ સાબિત કરવા દેશ અને દિલ્હીમાં હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે અને વિરોધ થતો રહેશે."
સમાજવાદી પાર્ટીના પૂર્વપ્રવક્તા અમીક જામેઈએ લખનૌમાં વિરોધપ્રદર્શનની તસવીરો પોસ્ટ કરી.
દિલ્હીના એક ફોટો જર્નાલિસ્ટે પણ જંતર-મંતરની તસવીરો પોસ્ટ કરી જેમાં લોકો પ્લૅકાર્ડ લઈને વિરોધ કરે છે.
વડા પ્રધાને મૌન તોડ્યું
આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મૌનને લઈને સતત પ્રશ્નો ઊઠી રહ્યા હતા. ત્યારબાદ વડા પ્રધાને બુધવારે રાજ્યસભામાં આ ગુના અંગે વાત કરી.
તેમણે કહ્યું, "વિપક્ષ કહી રહ્યો છે કે ઝારખંડ મૉબ લિન્ચિંગનો અડ્ડો બની ગયું છે. અમને યુવાનના મૃત્યુનું દુઃખ છે. દોષિતોને કડક સજા થવી જોઈએ. પરંતુ શું તેના માટે સમગ્ર ઝારખંડને બદનામ કરવું યોગ્ય છે? તેનાથી કોઈનું સારું થશે નહીં. ગુનો થાય તો યોગ્ય કાયદા અને બંધારણની મર્યાદામાં રહીને કાર્યવાહી કરવી જોઈએ."
મોદીએ કહ્યું, "દુનિયામાં આતંકવાદને સારા અને ખરાબની દૃષ્ટિએ જોવો પડશે. હિંસાને આપણે અલગ-અલગ ચશ્માથી નહીં જોઈ શકીએ. માનવતા પ્રત્યે આપણે સંવેદનશીલ રહેવું જોઈએ. આપણે કેરળ અને પશ્ચિમ બંગાળની હિંસાને અલગ-અલગ દૃષ્ટિકોણથી ન જોઈ શકીએ. જેણે આ કામ કર્યું છે તેને કડકમાં કડક સજા થવી જોઈએ."
વડા પ્રધાને કહ્યું, "હું સમજું છું કે રાજકીય ચશ્મા ઉતારી નાંખવા જોઈએ. આવું કરીશું તો ઉજ્જવળ ભવિષ્ય દેખાશે. જે લોકોએ દિલ્હીના રસ્તાઓ પર શીખોનાં ગળામાં ટાયર લટકાવીને તેમને જીવતા સળગાવી દીધા હતા, તેમાં શંકાસ્પદ રહેલા ઘણા લોકો આજે બંધારણીય હોદ્દાઓ પર બેઠા છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો