કઠુઆ રેપ કેસમાં ત્રણ દોષિતોને આજીવન કેદ, ત્રણને પાંચ વર્ષની સજા

કઠુઆ ગૅગરેપ

જમ્મુ-કાશ્મીરના કઠુઆના બળાત્કાર અને મર્ડરના કેસમાં ત્રણ દોષિતોને આજીવન કેદ અને ત્રણને પાંચ-પાંચ વર્ષની સજા કરવામાં આવી છે.

સાંઝી રામ, દીપક ખજુરિયા અને પરવેશને આજીવન કેદની સજા કરવામાં આવી છે. જ્યારે તિલક રાજા, આનંદ દત્તા અને સુરેન્દ્રકુમારને 5-5 વર્ષની સજા કરવામાં આવી છે.

આ કેસમાં સાત પૈકી એકમાત્ર આરોપી ગુનેગાર નથી ઠર્યા, જે સાંજી રામના પુત્ર વિશાલ છે.

પીડિતાનાં માતાએ બીબીસીને જણાવ્યું હતું, "ન્યાય ત્યારે જ કહેવાશે જ્યારે મુખ્ય આરોપી સાંજી રામ અને પોલીસ અધિકારી દીપક ખજુરિયાને મૃત્યુદંડની સજા થશે."

"મારી દીકરીનો ચહેરો હજી પણ મને ડરાવે છે, આ પીડા ક્યારેય ખતમ નહીં થાય. મારી દીકરીની ઉંમરનાં બાળકોને રમતાં જોઉં છું ત્યારે મારું હૃદય દ્રવી ઊઠે છે."

બીજી તરફ વિશાલનાં માતા દર્શના દેવીએ ઇશ્વરનો આભાર માન્યો હતો કે તેમનો દીકરો નિર્દોષ છૂટ્યો છે.

સુપ્રીમ કોર્ટના વકીલ મુબીન ફારુકીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ધર્મનિરપેક્ષ રહીને સમગ્ર દેશે આ કેસ લડ્યો છે. અલગઅલગ વકીલો સુપ્રીમ કોર્ટ અને ટ્રાયલ કોર્ટમાં ન્યાય માટે લડ્યા છે. આ બંધારણીય જીત છે."

"દીપક ખજુરિયા, પરવેશ કુમાર, સાંજી રામને આઈપીસીની કલમ 376 D, 302, 201, 363, 120 B, 343, 376 B હેઠળ દોષી ઠેરવ્યા છે."

"તિલક રાજ, આનંદ દત્તા અને સુરિન્દર વર્માને આઈપીસી 201 અંતર્ગત દોષી કરાર ઠેરવ્યા છે."

line

શું છે સમગ્ર ઘટના?

કઠુઆ ગૅગરેપ

પોલીસે કોર્ટમાં જણાવ્યા પ્રમાણે આઠ વર્ષની બાળકી પર 6 લોકોએ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

ઘટના 10 જાન્યુઆરીની છે જ્યારે વિચરતા સમુદાય તરીકે ઓળખાતા બકરવાલ સમાજની આઠ વર્ષની બાળકી બપોર બાદ ઘોડા ચરાવવા ગઈ. પરંતુ એ સાંજે ઘરે પરત નહોતી આવી.

જ્યારે બાળકી ઘરે ના આવી તો તેમનાં માતાએ તેની જાણ તેમના પતિને કરી. તાત્કાલિક જ બાળકીના પિતા તેમના ભાઈ અને પાડોશીઓ સાથે શોધવા માટે નીકળી ગયા.

આખી રાત તેઓ બાળકીને શોધતા રહ્યા પરંતુ તેનો કોઈ પત્તો ના લાગ્યો.

12 જાન્યુઆરી એટલે કે બાળકીના ગુમ થયાના બે દિવસ બાદ પરિવારજનોએ હીરાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

વિરોધ પ્રદર્શનનો ભાગ બનેલી બાળકી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કઠુઆ ગૅંગરેપ મામલે સમગ્ર દેશમાં પ્રદર્શન થયાં હતાં

હીરાનગર પોલીસ સ્ટેશન કઠુઆ જિલ્લામાં આવે છે, જ્યારે રસાના ગામ પણ આ જિલ્લામાં આવે છે.

બાળકીના કાકાનો આરોપ છે કે આ કેસમાં જે આરોપી છે તે પોલીસ અધિકારી તિલક રાજે એવો ઉડાઉ જવાબ આપ્યો કે બાળકી તેના મિત્રો સાથે જતી રહી હશે.

તિલક રાજે બૂમો પાડીને ફરિયાદ કરવા ગયેલા લોકોને ભગાડી દીધા હતા. જોકે, સમગ્ર દેશમાં થયેલા જોરદાર વિરોધ પ્રદર્શન બાદ પોલીસે તપાસ શરૂ થઈ હતી.

આ પોલીસ તપાસમાં એક 28 વર્ષના દીપક ખજુરિયા નામના પોલીસ અધિકારી પણ હતા. તેઓ પણ આ મામલામાં આરોપી છે.

બાળકીના પિતાનો આરોપ છે કે આ બે પોલીસકર્મીઓએ બે જગ્યાઓ છોડીને બાકી બધી જ જગ્યાએ તપાસ કરી. આ બે જગ્યાઓ હતી સાંજીરામનું ઘર અને રસાના ગામનું મંદિર.

આ મામલે પોલીસે જે ચાર્જશીટ દાખલ કરી છે તેમાં સાંજીરામ નામના એક શખ્સને બળાત્કાર અને હત્યાના મુખ્ય કાવતરાખોર દર્શાવાયા છે.

લાઇન
લાઇન

કઈ રીતે બની બળાત્કારની ઘટના?

બાળકીના પિતા

પોલીસના જણાવ્યા અનુસાર આઠ વર્ષીય બાળકીને પૂજાના સ્થળ પર કેદ કરીને રાખવામાં આવી હતી અને એક અઠવાડિયા સુધી તેનો બળાત્કાર થતો રહ્યો હતો.

ચાર્જશીટમાં વર્ણવ્યા પ્રમાણે ઘોડા ચરાવવા ગયેલી બાળકીને ખોવાયેલા ઘોડા શોધી આપવાની લાલચ આપીને સાંજીરામે તેનું અપહરણ કરી લીધું હતું. સાંજીરામ એક નિવૃત ઑફિસર છે અને તે રસાના ગામમાં આવેલા મંદિરના પૂજારી પણ છે.

ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે કથિત રીતે સાંજીરામ સાથે સ્પેશિયલ પોલીસ ઑફિસર દીપક ખજૂરિયા, સુરેન્દર વર્મા, તેમના મિત્ર પરવેશકુમાર, સાંજીરામનો સગીર ભત્રીજો અને સાંજી રામના પુત્ર વિશાલ જનગોત્રા આ સામૂહિક બળાત્કારની ઘટનામાં સામેલ હતા.

ચાર્જશીટ પ્રમાણે સાંજીરામના ભત્રીજાએ વિશાલ જંગોત્રાને મેરઠથી ફોન કરીને એવું કહીને બોલાવ્યો હતો કે જો તેની કામવાસના સંતોષવા માગતો હોય તો તે જલદી જ પરત આવી જાય.

લાઇન
લાઇન

નશીલી દવાઓ આપી બળાત્કાર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

તપાસકર્તાના જણાવ્યા પ્રમાણે બાળકીને રસાના ગામના મંદિરમાં સાત દિવસ સુધી રાખવામાં આવી હતી.

બાળકીને નશીલી દવાઓ ખવડાવીને કેટલાય દિવસ સુધી તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. નાની બાળકીને અસહ્ય ત્રાસ પણ આપવામાં આવ્યો હતો.

એનડીટીવીના અહેવાલ પ્રમાણે જંગલમાં બાળકીને મારી નાખવામાં આવે તે પહેલાં પોલીસ ઑફિસર દીપક ખજૂરિયાએ કહ્યું કે મારો તે પહેલાં તેમને ફરીથી એકવાર બળાત્કાર કરવા દેવામાં આવે.

જે બાદ બાળકી પર ફરીથી સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો જે બાદ તેને મારી નાખવામાં આવી.

પહેલાં બાળકીને ગળું દબાવીને મારી નાખવામાં આવી તે બાદ તે મરી છે કે નહીં તેની ખાતરી કરવા સાંજીરામના ભત્રીજાએ તેના માથા પર બે વખત પથ્થરો માર્યા હતા.

ત્યારબાદ બાળકીને જંગલમાં ફેંકી દેવામાં આવી હતી. માનવામાં આવે છે કે બકરવાલ સમાજને ત્યાંથી ભગાડવા માટે આ કાવતરું ઘડવામાં આવ્યું હતું.

લાઇન
લાઇન

અત્યાર સુધી શું થયું?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ મામલે સમગ્ર દેશમાં પ્રદર્શન થયાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પીડિતાને ન્યાય અપાવવાની માગ ઊઠી હતી.

તપાસ એજન્સીએ આ મામલે માસ્ટરમાઇન્ડ સાંજી રામ અને તેમના દીકરા વિશાલ કુમાર સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી હતી.

તેમાં એક પોલીસ હેડ કૉન્સ્ટેબલ, બે એસપીઓ અને એક સબઇન્સ્પેક્ટર પણ સામેલ છે.

મે 2018ના રોજ સુપ્રીમ કોર્ટે કઠુઆ ગૅંગરેપ અને હત્યા મામલાને પંજાબના પઠાણકોટમાં સ્થળાંતરિત કરી દીધો હતો.

હાલ મામલા અંગે સુનાવણી ચાલી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પોતાના સાક્ષીઓ કોર્ટમાં રજૂ કર્યા છે.

હવે જ્યારે આ મામલે ચુકાદો આવવાની શક્યતા છે ત્યારે પીડિતાના પિતાએ બીબીસી સાથે ફોન પર વાતચીતમાં જણાવ્યું કે તેમને ન્યાયતંત્ર પર ભરોસો છે, પરંતુ કેસ ખૂબ લાંબો સમય ચાલ્યો છે.

તેઓ કહે છે, "આ કેસ મામલે કોર્ટ જે કંઈ કરી રહી છે, તેની પ્રક્રિયા પર મને પૂરો ભરોસો છે. પરંતુ હું મારી દીકરી સાથે ઘટેલી દુર્ઘટનાને ભૂલી શકતો નથી. જ્યારે પણ તેની તસવીર મારી સામે આવે છે, હું ક્ષણ માટે મૃત્યુ પામી જઉં છું. મને વિશ્વાસ છે કે મારી દીકરીને ન્યાય મળશે અને આરોપીઓને સજા થશે."

line

'મારું હૃદય રડતું હતું'

બીબીસીના સહયોગી સંવાદદાતા માજીદ જહાંગીર સાથેની વાતચીતમાં એ બાળકીનાં માતાએ ચુકાદા પહેલાં કહ્યું હતું, "અમને ત્યારે શાંતિ મળશે જ્યારે અમારી દીકરીને ન્યાય મળશે. મારી દીકરી નિર્દોષ હતી. અમે તેની સાથે ઘટેલી દુર્ઘટનાને ભૂલી શકતાં નથી."

"દરેક ક્ષણે મારું હૃદય રડતું રહે છે. હાલ જ મારી બહેનનું મૃત્યુ થયું, પણ તેમનાં મૃત્યુથી મને એટલી તકલીફ થઈ નહોતી, પરંતુ મારી દીકરી સાથે ઘટેલી ઘટનાએ અમને વિખેરી દીધાં છે."

"ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં એક વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો છે. હું જ્યારે નાની છોકરીઓને જોવું છું તો મને ખૂબ તકલીફ થાય છે. મારી દીકરી આ છોકરીઓ સાથે રમતી હતી."

પોલીસની માહિતી અનુસાર જાન્યુઆરી 2018માં બાળકીનું અપહરણ કરી, તેમને નશીલી દવાઓ આપી તેમનો બળાત્કાર કરી હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનાનો આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ થયો હતો.

"અમને સૌથી વધારે આજે યાદ આવે છે તે એ વાત છે કે અમારી દીકરી આજે અમારી સાથે નથી. આજે અમે કોઈ પણ જગ્યાએ જઈએ અમને અમારી દીકરી યાદ આવે છે. એ જગ્યાએ જોઈને અમને ખૂબ તકલીફ થાય છે, જ્યાં અમારી દીકરી અમારી સાથે હતી, અમારી સાથે બેસતી. અમને હવે ન્યાયની રાહ છે. મારી દીકરીની હત્યા કરી દેવાઈ હતી. તેણે કોઈ એવો ગુનો કર્યો ન હતો જેની સજારૂપે તેને આવું મૃત્યુ મળે. અમારી દીકરીની હત્યા બાદ અમે ડરમાં જીવીએ છીએ."

આ શબ્દો એ માતાના છે કે જેમણે ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં પોતાની આઠ વર્ષની દીકરી ગુમાવી હતી, ચુકાદા પહેલાં તેમણે આ કહ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો