કાશ્મીરમાં પથ્થરમારો કરનારાઓ પર આર્મીએ શ્વાન છોડ્યા? - ફૅક્ટ ચેક

    • લેેખક, ફૅક્ટ ચેક
    • પદ, બીબીસી ન્યૂઝ, નવી દિલ્હી

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં ભારત પ્રશાસિત કાશ્મીરમાં સૈન્યના બે શ્વાન પથ્થરમારો કરનારા લોકોને કરડી રહ્યા છે.

આ વીડિયો સાથે કૅપ્શન લખવામાં આવ્યું છે : "એક મુસ્લિમ કાશ્મીરીએ પથ્થરમારો કરી શ્વાનને ઈજા પહોંચાડી. જોકે, શ્વાને સરકાર પાસેથી સૂચન મળવાની રાહ ન જોઈ અને તેમણે એ જ કર્યું, જે તેને યોગ્ય લાગ્યું."

સોશિયલ મીડિયા પર આ વીડિયોને 70,000 કરતાં વધારે વખત જોવામાં આવ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ શ્વાન પર કંઈક વસ્તુ ફેંકે છે અને શ્વાન ક્રુરતાપૂર્વક તે વ્યક્તિ પર હુમલો કરી દે છે.

આ વીડિયો સાચો છે પણ તેને જે દાવા સાથે શૅર કરવામાં આવ્યો છે તે ભ્રામક છે. અમારી તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

વીડિયોની વાસ્તવિકતા

અમારી તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો વર્ષ 2013નો છે અને તે ઉત્તર આફ્રિકન દેશ મોરક્કોનો છે.

રિવર્સ ઇમેજ સર્ચથી જાણવા મળ્યું કે આ વીડિયો યૂટ્યૂબ અને ડૅઇલીમોશન પર 2013માં અપલૉડ થયો હતો.

વીડિયોમાં પ્રાપ્ત માહિતીના આધારે મોરક્કોના એક ગામમાં શ્વાને એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો.

ગૂગલ સર્ચના માધ્યમથી આ ઘટના સંબંધિત કેટલાક રિપોર્ટ પણ અમને મળી આવ્યા કે જે વર્ષ 2013ના એપ્રિલ મહિનાના છે.

મીડિયા રિપોર્ટ્સના આધારે, મોરક્કોની એક વ્યક્તિએ ઉશ્કેરણી બાદ શ્વાન અને તેમના માલિક પર પથ્થર ફેંક્યા હતા, જોકે તેમને એવી ખબર ન હતી કે પછી શ્વાન આટલી ક્રૂરતાપૂર્વક કરડશે.

જ્યારે તે વ્યક્તિએ જોરથી પથ્થરનો ઘા કર્યો, તો શ્વાન માલિકની પકડમાંથી છૂટી ગયા તે વ્યક્તિને કરડ્યા.

સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયા બાદ IPS ડી રૂપાએ ટ્વીટ કર્યું, "ભારતમાં પોલીસ કે મિલિટરી લોકો પર નિયંત્રણ મેળવવા માટે શ્વાનનો ઉપયોગ કરતી નથી. જોકે, તેમનો ઉપયોગ કેટલાક દેશોમાં થાય છે."

"ભારતમાં તેમનો ઉપયોગ માત્ર બે ઉદ્દેશથી થાય છે - 1. ડાકુ/લૂંટારૂઓ/ચોરને શોધવા માટે ટ્રૅકર ડૉગનો ઉપયોગ થાય છે. 2. સ્નાઇફર ડૉગનો ઉપયોગ બૉમ્બ જેવી વસ્તુઓને ઓળખવા માટે થાય છે. એટલે આ વીડિયો ભારતનો નથી."

બીબીસીએ નિવૃત્ત IPS અધિકારી ડૉ. વિક્રમ સિંહ સાથે વાત કરી એ જાણવાનો પ્રયાસ કર્યો કે શું મિલિટ્રી કે પોલીસ શ્વાનને છૂટ્ટા મૂકી શકે છે.

ડૉ. વિક્રમ સિંહ કહે છે, "ભારતમાં શ્વાનનો ઉપયોગ માત્ર સુરક્ષાના હેતુથી થાય છે અને બૉમ્બ જેવા વિસ્ફોટકોને સુંઘવા માટે કરવામાં આવે છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, લોકો પર શ્વાનને છોડવામાં આવતા નથી. પૂર્વ સોવિયેત યૂનિયન અને દક્ષિણ આફ્રિકામાં આવું થતું હતું. પણ ભારતમાં આ રીતે શ્વાનના ઉપયોગનો સવાલ જ નથી."

આ વાતથી એ સાબિત થાય છે કે જે જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર એવું કહીને શૅર કરવામાં આવી રહ્યો છે કે પથ્થરમારો કરતી મુસ્લિમ કાશ્મીરી વ્યક્તિ પર આર્મીના શ્વાને હુમલો કર્યો. હકીકતમાં આ દાવો ખોટો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો