You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું કૉંગ્રેસનું ભવિષ્ય હવે નહેરુ-ગાંધી પરિવારથી અલગ થવામાં જ છે?
- લેેખક, રશીદ કિદવઈ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
આ વખતે લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ પાસે આશા હતી કે તે 2014 કરતાં સારું પ્રદર્શન કરશે, પરંતુ કૉંગ્રેસ માત્ર 52 બેઠક જ મેળવી શકી.
પરિસ્થિતિ એવી રહી કે ઘણાં રાજ્યોમાં તો કૉંગ્રેસ ખાતું પણ ખોલી ન શકી.
આ પરિણામોની સમીક્ષા માટે શનિવારના રોજ કૉંગ્રેસ કાર્યસમિતિની બેઠક યોજાઈ, જેમાં અધ્યક્ષ રાહુલ ગાંધી અને યૂપીએ ચૅરપર્સન સોનિયા ગાંધીએ પણ હાજરી આપી.
કૉંગ્રેસને મળેલી હાર મામલે રાહુલ ગાંધીના નેતૃત્વ પર પણ સવાલ ઊઠી રહ્યા છે. તેવામાં આ બેઠકમાં રાહુલ ગાંધીએ રાજીનામાની રજૂઆત કરી પરંતુ કાર્યસમિતિએ તેનો અસ્વીકાર કર્યો.
તેનાથી એ સ્પષ્ટ થઈ ગયું કે આગળ પણ કૉંગ્રેસનું નેતૃત્વ રાહુલ ગાંધી જ કરશે. તેવામાં સવાલ ઊઠે છે કે આગળ કૉંગ્રેસનું ભવિષ્ય કેવું દેખાય છે. શું પાર્ટી સતત મળી રહેલી હારમાંથી બહાર આવી શકશે?
જો પાર્ટીએ ફરી પોતાનું સ્થાન મેળવવું છે તો તેની રણનીતિ શું હશે?
તમે આ વાંચ્યું કે નહીં?
કૉંગ્રેસ માટે અસ્તિત્વનો સવાલ
કૉંગ્રેસ માટે ખૂબ મોટો પડકાર ઊભો થયો છે. સવાલ તેના અસ્તિત્વનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2014માં તો સમજાતું હતું કે 10 વર્ષ સુધી યૂપીએની સરકાર હતી. કેટલાક ભ્રષ્ટાચારના આરોપ હતા અને નેતૃત્વની સમસ્યા પણ હતી.
પરંતુ આ વખતે કૉંગ્રેસ પાંચ વર્ષ સુધી વિપક્ષમાં બેઠી હતી અને થોડો-ઘણો ફાયદો મળે એ જરૂરી હતું.
ચૂંટણીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પ્રચાર કર્યો હતો. કૉંગ્રેસે સારું ગઠબંધન પણ કર્યું હતું.
આશા હતી કે હાલ જે રાજ્યોમાં તેમની સરકાર બની હતી- મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ- ત્યાં ઓછામાં ઓછી ત્રીસ બેઠક તો આવશે જ, પરંતુ એવું કંઈ ન થયું.
કૉંગ્રેસના નવ પૂર્વ સીએમ હારી ગયા. જે અમેઠીને ગાંધી પરિવારનો મજબૂત ગઢ ગણવામાં આવતો હતો, ત્યાં પણ કૉંગ્રેસને હાર મળી.
તેવામાં કૉંગ્રેસની સામે ખૂબ મોટું સંકટ છે. તેમને કંઈ ખબર પડી રહી નથી કે શું કરવું?
પડકાર કેવો?
કૉંગ્રેસની સામે મોટી સમસ્યા એ છે કે નહેરુ-ગાંધી પરિવારના સભ્ય રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ફ્લૉપ થઈ ગયાં છે, પરંતુ કૉંગ્રેસ એવી સ્થિતિમાં નથી કે તેમની પાસેથી ત્યાગપત્ર માગી શકે.
વળી, પ્રિયંકા અને રાહુલ ગાંધી કૉંગ્રેસમાંથી અથવા તો સક્રિય રાજકારણમાંથી અલગ થવાં માગતાં નથી.
તેમને લાગે છે કે જો મોદી સરકાર દરમિયાન તેમના પર કોઈ આરોપ લાગે છે અથવા તો કૌભાંડના આરોપ લાગે છે તો તેમને કોઈ એક રાજકીય પક્ષના સમર્થનની જરૂર હશે કે જે તેમના બચાવમાં આવે.
પરંતુ કૉંગ્રેસની અંદર જ એક પ્રકારની મૂંઝવણ ચાલી રહી છે કે જેના કારણે આગામી સમય કૉંગ્રેસ માટે ઘણો અઘરો રહેશે.
વળી, રાહુલ ગાંધીનાં કે કૉંગ્રેસનાં કાર્યલયોમાં એવા કેટલાય લોકો મહત્ત્વપૂર્ણ સ્થાનો પર છે, જેમનો કોઈ જનાધાર નથી અને આ લોકો પોતાની શક્તિ ગુમાવવા માગતા નથી.
તેઓ નહીં ઇચ્છે કે રાહુલ ગાંધી તેમના પદ પરથી હટે. તેનો મતલબ મામલો થોડો ગૂંચવાયેલો છે અને તેનો કોઈ ઉકેલ નથી.
હવે જ્યારે રાહુલ ગાંધી જ પાર્ટીના અધ્યક્ષપદ પર રહેશે ત્યારે પાર્ટીની અંદર કેવી જવાબદારી નક્કી કરશે એ પણ એક સવાલ છે.
જવાબદારીની વાત આવશે તો સૌથી પહેલો પ્રશ્ન તેમના પોતાના પર જ ઊઠશે.
પરિવારના પ્રભાવમાંથી બહાર નીકળવું પડશે
કૉંગ્રેસ એ વાતને સમજી શકતી નથી કે નહેરુ-ગાંધી પરિવારને લઈને તેની જ શ્રદ્ધા સફળતાના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે.
રાહુલ ગાંધીએ આ ચૂંટણીમાં ઘણી સારી વાતો કહી, ઘણા પ્રયાસ કર્યા, પરંતુ જનતા તેમની વાત સાંભળવા માગતી નહોતી.
સમસ્યા એ છે કે જેને આપણે 'ન્યૂ ઇન્ડિયા' તરીકે ઓળખાવીએ છીએ એ નવા મતદારો જવાહરલાલ નહેરુ, ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી, સંજય ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીથી થાકી ગયા છે.
તેઓ એક પરિવારથી આગળ વધીને બીજું કંઈક ઇચ્છે છે.
તેમને લાગે છે કે આટલા મોટા દેશમાં કૉંગ્રેસે બીજા નેતા સામે લાવવા જોઈએ. એ કૉંગ્રેસ માટે પડકાર છે અને કૉંગ્રેસ તેના માટે તૈયાર નથી અને તે જ એના માર્ગનો અવરોધ છે.
જે દિવસે કૉંગ્રેસને સમજાઈ જશે કે નહેરુ-ગાંધી પરિવારનો ઉપયોગ ભલે કરે, પણ રાજકીય નેતૃત્વ, મહત્ત્વપૂર્ણ પદ બીજા કોઈને આપે. સમાજના નીચલા સ્તર પરથી આની શરૂઆત કરશે તે દિવસથી જ કૉંગ્રેસમાં પરિવર્તન આવવાનું શરૂ થઈ જશે.
ગાંધી પરિવારે છોડવાં પડશે મહત્ત્વનાં પદ
મારું માનવું છે કે નહેરુ-ગાંધી પરિવાર પોતાના વિવેકનો ઉપયોગ કરશે. તેમને ખબર છે કે રાહુલ ગાંધીથી કામ નહીં થાય.
પ્રિયંકા ગાંધી રાજકારણમાં પ્રવેશી ચૂક્યાં ગયાં છે અને તેમને લઈને કૉંગ્રેસીઓમાં ભારે ઉત્સાહ પણ છે.
પ્રિયંકાની શૈલી રાહુલ ગાંધી કરતાં સારી છે. તેઓ સારો સંવાદ સ્થાપિત કરે છે અને કાર્યકર્તાઓમાં જોશ ભરવાની ક્ષમતા ધરાવે છે.
લોકસભા ચૂંટણી દરમિયાન પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યાં હતાં, જ્યાં કૉંગ્રેસ પહેલાંથી જ નબળી હતી. પણ તેઓ કોઈ પરિવર્તન લાવી શક્યાં નહીં.
આમ જોઈએ તો કૉંગ્રેસની સામે ઘણા બધા રસ્તા છે.
ગાંધી-નહેરુ પરિવાર સિવાયની કોઈ વ્યક્તિને કૉંગ્રેસનું અધ્યક્ષપદ મળે અને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા તેમને સમર્થન આપે તો નહેરુ-ગાંધી પરિવાર પર લગાવાયેલા આરોપો હટે એવું મારું માનવું છે.
બીજી વાત, ઘણા એવા લોકો છે કે જેઓ કૉંગ્રેસ છોડીને ગયા તેમણે પોતાનો પક્ષ બનાવી લીધો છે, જેમ કે મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ, શરદ પવારની એનસીપી, જગન મોહન રેડ્ડીની YSR કૉંગ્રેસ કે પછી તેલંગણા રાષ્ટ્ર સમિતિ.
જો પ્રયાસ કરવામાં આવે કે કૉંગ્રેસ સાથે જોડાયેલા નેતાઓના પક્ષોનો ફ્રન્ટ બનાવવામાં આવે તો આ પક્ષોને પણ લાભ થશે અને કૉંગ્રેસને પણ.
જો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમની સાથે સંવાદ સ્થાપિત કરે તો આ શક્ય બની શકે.
પરંતુ આમ કરવા માટે કૉંગ્રેસનાં તમામ મોટાં પદો પર પરિવારની જે પકડ છે તે જતી કરવી પડશે. પછી તે સંસદમાં હોય કે સંગઠનમાં.
મમતા, જગન મોહન રેડ્ડી કે ચંદ્રશેખર રાવને મોટી ભૂમિકાઓ આપવી પડશે.
તેમની સાથે સંવાદ સ્થાપિત કરવો કે તેમને પરત લાવવા તે થોડું અઘરું છે, પરંતુ તેમાં સોનિયા ગાંધી સક્રિય ભૂમિકા નિભાવી શકે છે, કેમ કે તેમના દરેક સાથે સારા સંબંધ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો