નરેન્દ્ર મોદી 30 મેના રોજ વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નરેન્દ્ર મોદીને આગામી વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. તેમનું મંત્રીમંડળ 30 મેના રોજ શપથ ગ્રહણ કરશે.

રાષ્ટ્રપતિ કોવિંદે રવિવારે ટ્વીટ મારફતે જણાવ્યું કે 30 મેના રોજ સવારે સાત વાગ્યે રાષ્ટ્રપતિભવન ખાતે આ સમારોહ થશે.

નરેન્દ્ર મોદી બીજી વખત દેશના વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે.

નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે તે અંગે સ્પષ્ટતા થઈ નથી. એવી પણ વાત છે કે ચૂંટણી જીતીને સંસદ પહોંચનારા ભાજપ અધ્યક્ષ અમિત શાહની મંત્રીમંડળમાં નિયુક્તિ થઈ શકે છે.

શનિવારે સાંજે વડા પ્રધાન રાષ્ટ્રપતિને મળ્યા અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો. મોદીએ એનડીએના ઘટકદળોનાં સમર્થનપત્રો પણ રાષ્ટ્રપતિને સોંપ્યા હતા.

રાષ્ટ્રપતિએ તેમને વડા પ્રધાનપદે નિયુક્ત કર્યા હતા અને પ્રધાનમંડળના સભ્યો તથા શપથવિધિ માટે અનુકૂળ સમય અને તારીખ જણાવવા પણ કહ્યું છે.

આ પહેલાં શનિવારે સાંજે નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સની બેઠક મળી, જેમાં નરેન્દ્ર મોદીને યુતિના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા.

પોતાના પ્રથમ ભાષણમાં નરેન્દ્ર મોદીએ નવા ચૂંટાયેલા સાંસદોને 'મીડિયા તથા દિલ્હીના સ્થાપિત હિતો'થી બચીને રહેવાની સલાહ આપી.

તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં એનડીએને 353 (ભાજપને 303) મળી છે. વર્ષ 2014માં એનડીએને 329 (ભાજપને 282) બેઠક મળી હતી.

આમ ગત વખતની સરખામણીમાં એનડીએને 31 તથા ભાજપને 21 બેઠક વધુ મળી છે.

રવિવારે મોદી ગુજરાતમાં

શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ રવિવારે સાંજે ગુજરાતનો પ્રવાસ ખેડશે અને માતા હીરાબાના આશીર્વાદ લેશે.

બીજી વખત વડા પ્રધાન તરીકે ચૂંટાયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવશે, તેમની સાથે ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ હશે.

ભાજપ કાર્યાલયની યાદી પ્રમાણે, રવિવારે સાંજે શાહ-મોદી અમદાવાદના ખાનપુરમાં આવેલા ભાજપના કાર્યાલય ખાતે જાહેરસભાને સંબોધશે.

સોમવારે સવારે મોદી વારાણસી પહોંચશે અને ત્યાંની જનતાનો આભાર માનશે.

2014ના ચૂંટણી પરિણામ સમયે મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા અને વલણમાં એનડીએનો વિજય સુનિશ્ચિત થતા તેઓ હીરાબાને મળવા ગયા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.

હવે પછીશું?

આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી અને તેમની કૅબિનેટની શપથવિધિ યોજાશે, જો વડા પ્રધાન ઇચ્છે તો પહેલાં પોતે એકલા શપથ લે અને બાદમાં અલગથી પ્રધાનમંડળની શપથવિધિ યોજી શકે છે.

બીજી વખત વડા પ્રધાન તરીકે મોદીની શપથવિધિનો કાર્યક્રમ ક્યારે અને ક્યાં યોજાશે, તે અંગે હજુ સુધી સ્પષ્ટતા નથી થઈ.

ગત વખતે મોદીએ સાર્ક રાષ્ટ્રોના સર્વોચ્ચ નેતાઓને આમંત્રણ આપીને બધાને ચોંકાવી દીધા હતા.

17મી લોકસભામાં નવા ચૂંટાયેલા સાંસદોમાંથી પ્રો-ટેમ સ્પીકર ચૂંટવામાં આવશે. જે નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવશે.

સામાન્ય રીતે સંસદના સૌથી વરિષ્ઠ સાંસદને આ જવાબદારી સોંપવામાં આવે છે.

ત્યારબાદ અમુક દિવસો સુધી નવી લોકસભામાં ચૂંટાયેલા સાંસદોની શપથવિધિ ચાલશે, જેઓ બાદમાં કાયમી સ્પીકરને ચૂંટશે.

સંખ્યાબળ તથા પદનું મહત્ત્વ જોતા ભાજપ પોતાના કોઈ સાંસદને આ જવાબદારી સોંપવા ઇચ્છશે.

નવા ચૂંટાયેલા સ્પીકર વિશ્વાસમતની અધ્યક્ષતા કરશે અને નિર્ધારિત તારીખે મોદી સંસદ સમક્ષ વિશ્વાસનો મત માગશે.

ગૃહમાં ભાજપ તથા એનડીએના સાંસદોની સંખ્યા જોતા આ માત્ર ઔપચારિકતા જ હશે.

જોકે, આ દરમિયાન પક્ષ-વિપક્ષ પ્રસ્તાવના સમર્થનમાં અને વિરોધમાં જે કંઈ કહે તેનું સાંકેતિક મહત્ત્વ રહેલું હોય છે.

આ પહેલાં શનિવારે બપોરે કેન્દ્રીય ચૂંટણીપંચના ઇલેકશન કમિશનર્સે રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરી અને 17મી લોકસભામાં નવા ચૂંટાયેલા સાંસદોની યાદી સુપરત કરી.

આપને આ પણ વાચવું ગમશે

મીડિયાના મોહથી બચે સાંસદ

નવા ચૂંટાયેલા સાંસદોને સંબોધિત કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે સાંસદો મીડિયાના મોહથી બચે.

મોદીએ કહ્યું, "આજે ગૃહનો પહેલો દિવસ છે એટલે કહું છું કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ ચોક્કસ નિવેદનના સંદર્ભમાં અર્થઘટન કરવામાં ન આવે."

મીડિયાને પણ ખબર હોય છે કે ચોક્કસ સાંસદને પકડીશું એટલે 'કામ થઈ જશે.'

મોદીએ કહ્યું હતું કે ગત સરકારમાં નેતાઓના બફાટને કારણે કલ્પના બહારનું નુકસાન થયું, જેના કારણે તેમની સરકારની સમસ્યાઓ વધી હતી.

તેમણે કહ્યું હતું કે સાંસદો વાણી, વર્તન, આચાર અને વ્યવહારથી સતર્ક રહે.

મીડિયા સાથે 'ઑફ ધ રેકર્ડ વાતચીત' (નેતા તથા મીડિયાકર્મી વચ્ચે થતી એવી ચર્ચા જે છાપવા માટે નહીં, પરંતુ માહિતી કે દૃષ્ટિકોણ મેળવવા માટે હોય) નથી હોતી. તેનું રેકર્ડિંગ પણ થઈ શકે છે.

મીડિયામાં પ્રધાન તરીકે વહેતાં થયેલાં નામો અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે 'હજી સુધી ચૂંટાયેલા સાંસદોનાં નામો પણ મને ખબર નથી. જો શપથવિધિ માટે ફોન આવે તો પણ કન્ફર્મ કરી લેજો.'

મોદીએ સોશિયલ મીડિયાના યુગમાં સાંસદોને 'વીઆઈપી કલ્ચર'નો મોહ છોડવાની સલાહ આપી હતી.

મોદીએ શું કહ્યું ?

  • પ્રચંડ જનાદેશે મોટી જવાબદારી જેને દરેક સાંસદ સમજે અને મત આપનાર તથા નહીં આપનાર સાથે ભેદ ન કરે
  • ટ્રમ્પને જેટલા મત મળ્યા, તેટલા આપણા મત વધ્યા
  • ભારતની ચૂંટણીએ વિશ્વ માટે અભ્યાસપાત્ર
  • આ વખતની ચૂંટણી 'પ્રો-ઇન્કમ્બન્સી લહેર' હતી એટલે મોટો જનાદેશ મળ્યો
  • 2019ની લોકસભા ચૂંટણી મારા માટે તીર્થયાત્રા હતી
  • લોકશાહી પ્રક્રિયાના પંડિતોએ ચૂંટણી પરિણામોનું શાંતિપૂર્વક વિશ્લેષણ કરવાની જરૂર
  • 17 રાજ્યમાં ભાજપને 50 ટકા કરતાં વધુ મત મળ્યા
  • આ ચૂંટણી ભાજપ, મોદી કે કોઈ ઉમેદવાર નથી લડ્યા, જનતાએ લડી
  • મોદી જ મોદીના ચેલેન્જર
  • આ વખતની ચૂંટણીમાં મહિલાઓએ કમાલ કરી.
  • આઝાદી પછી આ વખતે સૌથી વધુ મહિલાઓ સાંસદ બની
  • એનડીએ ગઠબંધન નહીં વિશ્વાસપાત્ર સંગઠન
  • 303 બેઠક મળવા છતાં કહું છું કે એનડીએને વધુ સશક્ત બનાવવાની જરૂર
  • દેશના વિકાસ પાયામાં પ્રાદેશિક આકાંક્ષા અને રાષ્ટ્રીય મહત્ત્વકાંક્ષા
  • એનડીએમાં ઍનર્જી અને સિનર્જી (સંયુક્ત શક્તિ) પણ
  • ભૂલશો નહીં કે તમે મોદી, જ્ઞાતિ કે જાતિને કારણે નહીં જનતાના આદેશને કારણે છો
  • સાંસદો માત્ર પોતાના વિસ્તાર જ નહીં, રાષ્ટ્રનો પહેલા વિચાર કરે
  • સાંસદ બંધારણ તથા છેવાડાના માનવીનું હિત નજર સામે રાખીને નિર્ણય કરે
  • એનડીએની સરકારએ દલિત, પીડિત, શોષિત, વંચિત માટેની સરકાર
  • 2019ની આ સરકાર દેશના ગરીબોએ બનાવી
  • લઘુમતીઓને ભ્રમિત અને ભયભીત રાખવામાં આવ્યા, ડર અને કાલ્પનિક ભયના આધારે અન્યોથી દૂર રાખવામાં આવ્યા
  • આપણી સામે લઘુમતીઓનો વિશ્વાસ જીતવાનો પડકાર
  • સ્વરાજ્ય બાદ હવે સુરાજ્યનો સમય આવ્યો
  • મોદીએ 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ'ના નિવેદન દ્વારા તમામ સમુદાયોનો વિશ્વાસ હાંસલ કરવા આહ્વાન કર્યું હતું.

સેન્ટ્રલ હોલમાં શું થયું?

  • નરેન્દ્ર મોદીએ બંધારણને શીશ ઝુકાવીને ભાષણ શરૂ કર્યું
  • લાલકૃષ્ણ અડવાણી અને પ્રકાશસિંઘ બાદલનાં પગમાં પડીને આશીર્વાદ લીધા
  • નરેન્દ્ર મોદીને ભાજપના સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા
  • નરેન્દ્ર મોદીને એનડીએના સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા
  • ભાજપના અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના સંસદીય દળના નેતા તરીકેનો મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો
  • પૂર્વ અધ્યક્ષો રાજનાથ તથા નીતિન ગડકરીએ અનુમોદન આપ્યું

એનડીએના નેતા તરીકે મોદીના નામને નીતિશ કુમાર (જેડીયૂ), ઉદ્ધવ ઠાકરે (શિવસેના), પ્રકાશસિંઘ બાદલ (શિરોમણિ અકાલીદળ), રામવિલાસ પાસવાન (લોક જનશક્તિ પાર્ટી) સહિત અન્ય નેતાઓએ અનુમોદન આપ્યું.

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, તામિલનાડુના મુખ્ય મંત્રી ઓ. પન્નીરસેલ્વમ્, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટર, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, ઝારખંડના મુખ્ય પ્રધાન રઘુવરદાસ, ત્રિપુરાના મુખ્ય મંત્રી બિપ્લવ દાસ, આસામના મુખ્ય મંત્રી સર્બાનંદ સોનોવાલ સહિતના નેતા હાજર રહ્યા.

જોશી-અડવાણી સાથે મુલાકાત

આ પહેલાં શુક્રવારે વડા પ્રધાન મોદીએ ટ્વિટર ઉપર લખ્યું, 'ડૉ. મુરલી મનોહર જોશી વિદ્વાન છે. તેમણે ભારતની શિક્ષણ વ્યવસ્થાને સુધારવામાં મોટું પ્રદાન કર્યું છે. તેમણે હંમેશાં પક્ષને મજબૂત કરવા પ્રયાસ કર્યા અને મારા જેવા અનેક કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. તેમને મળીને આશીર્વાદ લીધા.'

અડવાણી સાથે મુલાકાત અંગે ટ્વીટ કર્યું, 'આદરણીય અડવાણીજી સાથે મુલાકાત કરી. અડવાણી જેવા મહાન લોકોએ પાર્ટીનું નિર્માણ કર્યું, જેના કારણે ભાજપની સફળતા શક્ય બની છે. તેમણે જનતા સમક્ષ વિચારધારાની દૃષ્ટિએ વૈકલ્પિક વાત લીધી.'

'પરિણામો હતાશ કરનારાં'

ચૂંટણી પરિણામો અંગે પ્રતિક્રિયા આપતાં કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ તથા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રૉબર્ટ વાડ્રાએ ફેસબુક પોસ્ટ પર તેમના વિચાર વ્યક્ત કર્યા હતા.

વાડ્રાએ લખ્યું કે "હારજીત એ જીવનના ભાગરૂપ છે. કૉંગ્રેસના નેતા-કાર્યકરોને શુભેચ્છા. ચૂંટણી માટે સખત મહેનત કરી હતી. આ પરિણામો નિઃશંકપણે હતાશ કરનારાં છે, પરંતુ લડાઈ ચાલુ છે."

વાડ્રાએ વધુમાં લખ્યું, "હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી એનડીએ તથા ભાજપને અભિનંદન આપું છું. આશા રાખું છું કે તેઓ બિનસાંપ્રદાયિક તથા લોકશાહી ઢબે સરકાર ચલાવશે."

ભાજપની ત્રેવડી સદી

લોકસભાની ચૂંટણીમાં ભાજપ 303 બેઠક જીતવામાં સફળ થયો છે. ગુરુવારે સવારથી શરૂ થયેલી મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે શુક્રવારે સવારે પણ ચાલુ રહી હતી.

શુક્રવારે સવારે ભાજપે બેઠકોની ત્રેવડી સદી ફટકારી હતી અને ઔપચારિક રીતે 302 બેઠક ઉપર વિજયી જાહેર થયા હતા.

52 બેઠક સાથે કૉંગ્રેસ બીજા ક્રમે, ડીએમકેને 23, તૃણમૂલ કૉંગ્રેસને 22, વાયએસઆર કૉંગ્રેસને 21, શિવસેનાને 18, જનતાદળ યુનાઇટેડને 16, બીજુ જનતા દળને 10 બેઠક ઉપર ઔપચારિક રીતે વિજય મળ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો