You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાના કાનમાં શું કહ્યું?
- લેેખક, બ્રિજલ શાહ
- પદ, બીબીસી ગુજરાતી
2019ની લોકસભાની ચૂંટણીનાં પરિણામોએ ગુજરાત કૉંગ્રેસને વિચારતી કરી દીધી છે.
182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસને 77 બેઠકો મળી હતી અને ભાજપને પણ ત્રણ આંકડા સુધી પહોંચવા દીધો ન હતો.
એ બાદ સતત એવી ચર્ચા જાગી હતી કે ગુજરાતમાં કૉંગ્રેસ 2019ની લોકસભા ચૂંટણીમાં સારું પરિણામ લાવશે.
એવું માનવામાં આવે છે કે આ જ અપેક્ષાએ અને મોદી-શાહના ગઢ ગણાતા રાજ્યમાંથી ગાબડું પાડવાના ઇરાદા સાથે કૉંગ્રેસે CWCની બેઠક પણ ગુજરાતમાં યોજી હતી.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ વિધિસરના ચૂંટણીપ્રચારની શરૂઆત ગાંધીનગરમાં એક રેલીથી કરી હતી.
પ્રિયંકા ગાંધીએ કૉંગ્રેસનાં મહાસચિવ બન્યાં બાદ પ્રથમ જાહેરસભા ગાંધીનગરના અડાલજ ખાતે સંબોધી હતી.
કૉંગ્રેસની આટલી ચર્ચા અને કવાયત બાદ પણ તેમનો એકેય ઉમેદવાર જીતી શક્યો નથી. ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેની સીધા જંગમાં નરેન્દ્ર મોદીએ એવી તે શું કમાલ કરી કે કૉંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શકી?
મોદીએ કઈ રીતે કમાલ કરી?
ગુજરાતમાં દુષ્કાળ, પાણીની તંગી, નોટબંધી, જીએસટી (ગુડ્ઝ ઍન્ડ સર્વિસિઝ ટૅક્સ) વગેરે જેવા મુદ્દાઓની ચર્ચા ચૂંટણીટાણે થઈ, પરંતુ ભાજપ સામે તે મુખ્ય મુદ્દા બની શક્યા નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા વરિષ્ઠ પત્રકાર રાજ ગોસ્વામીએ કહ્યું કે નરેન્દ્ર મોદીની પર્સનાલિટીએ કૉંગ્રેસની કારમી હારમાં સૌથી મોટો ભાગ ભજવ્યો છે.
ગોસ્વામીએ કહ્યું, "આ ચૂંટણી પરિણામોને જોતાં એવું કહી શકાય કે ભારતમાં નવા રાજકારણનો ઉદય થયો છે. લોકોએ જ્ઞાતિના રાજકારણથી પર થઈને મતદાન કર્યું છે."
"ગુજરાત શરૂઆતથી ભાજપનો ગઢ રહ્યો છે તેમાં કોઈ બેમત નથી, પરંતુ છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં ભાજપની મતોની ટકાવારી ઘટી હતી, જે આ વખતે ચિંતાનો વિષય હતો."
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં પાણીની તંગી ભાજપ સરકારને દર વર્ષે પરેશાન કરી રહી છે.
સરદાર સરોવર ડેમ, 'સૌની' યોજના, 'સુજલામ્ સુફલામ્' જેવી યોજનાઓ બાદ પણ આ વર્ષે ગુજરાતમાં ચૂંટણી પહેલાં પાણીની તંગીની ચર્ચા થઈ રહી હતી.
ખેડૂતો અને પાણીના સ્થાનિક મુદ્દાઓ પર વિધાનસભા 2017ની ચૂંટણીમાં ભાજપને નડ્યા હતા, તે મુદ્દાઓ લોકસભામાં ક્યાંય નડ્યા નહીં.
આ મામલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને જાણીતા અર્થશાસ્ત્રી વાય. કે. અલઘે કહ્યું કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓના મુદ્દાઓ અલગ હોય છે.
તેઓ કહે છે, "2017ની વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતો તરફ સેવાયેલા દુર્લક્ષનો મુદ્દો હતો, જ્યારે લોકસભાની આ ચૂંટણીમાં રાષ્ટ્રીય સુરક્ષા મોટો મુદ્દો હતો. જેથી આ કારણે પરિણામમાં મોટો ફેર જોવા મળી રહ્યો છે."
આપને આ પણ વાચવું ગમશે
લોકોએ રાષ્ટ્રવાદને સ્વીકાર્યો
ગુજરાતમાં ચૂંટણી પહેલાં ખેડૂતોના પાકવીમાનો પ્રશ્ન, પાકના પૂરતા ભાવ ન મળવા, બેરોજગારી જેવા મુદ્દાઓ ચર્ચાતા હતા.
કૉમોડિટી વર્લ્ડના એડિટર અને ખેતીના જાણકાર મયૂર મહેતાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે ગુજરાતના ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ નથી આવતું તે બાબતનો રોષ ખેડૂતોમાં ચોક્કસ જોવા મળે છે, પણ તેમને પોતાની ભૂમિ અને રાષ્ટ્રવાદ સાથે પણ એટલો જ લગાવ હોય છે.
મહેતાએ કહ્યું, "પુલવામા અને બાલાકોટ સાથે સંકળાયેલો રાષ્ટ્રની સુરક્ષાનો મુદ્દો તેમના માટે જીવન જરૂરિયાત જેટલો પ્રાથમિકતામાં હતો."
"રાષ્ટ્રની સુરક્ષાને લઈને શહેરી લોકો કરતાં ગામડાંના લોકોમાં વધારે ભાવનાત્મક વલણ જોવા મળ્યું છે."
"અમે થોડા સમય પહેલાં પાકના સર્વે વખતે ખેડૂતો સાથે વાત કરેલી ત્યારે તેમનું માનવું હતું કે અમે ભૂખ્યા રહીશું તો ચાલશે, પણ દેશની સુરક્ષા મામલે જરાય ઢીલ ન ચલાવી લે તેવા નેતા જોઈએ."
મયૂર મહેતા કહે છે કે ગુજરાતમાં લોકોની સમસ્યા સમજવી, લોકો સુધી પહોંચવું અને તેમની સાથે સંવાદ કરવાની કળા વડા પ્રધાન મોદી અને ભાજપના કાર્યકર્તાઓ વધુ જાણે છે. જ્યારે કૉંગ્રેસમાં આ મામલે ઉદાસીનતા જોવા મળે છે.
મહેતા કહે છે, "ગુજરાત કૉંગ્રેસ પાસે નરેન્દ્ર મોદી સામે ઉત્તમ વિકલ્પ ન હતો. જો આવો કોઈ વિકલ્પ પૂરો પાડી શકી હોત તો કદાચ પરિણામમાં કોઈ ફેરફાર થઈ શક્યો હોત."
કૉંગ્રેસની પોતાની જ માનસિકતા નડી?
ગુજરાતના વરિષ્ઠ રાજકારણી અને લોકસભા ચૂંટણી પહેલાં એનસીપીમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ભાજપ ગુજરાતમાં જીતે છે, કારણ કે કૉંગ્રેસ નબળી છે.
કૉંગ્રેસની ભાજપ સાથે 'ઉપલા સ્તર' પરની દોસ્તી આનું સૌથી મોટું કારણ છે.
"કૉંગ્રેસ સારા ઉમેદવારોને 'ફ્રિહૅન્ડ' નથી આપતી. એનો સીધો જ ફાયદો ભાજપને થાય છે. 'ભાજપ ભલે ફાવી જાય પણ કૉંગ્રેસની કોઈ વ્યક્તિ આગળ ન આવવી જોઈએ' એવી કૉંગ્રેસીઓની માનસિકતા ભાજપને લાભ કરાવી રહી છે."
"એમ પણ કહી શકાય કે ભાજપને મજબૂત કરવામાં કૉંગ્રેસનો સૌથી મોટો ફાળો છે."
મોદીએ ગુજરાતના કાનમાં શું કહ્યું?
આ વખતે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત જૂનાગઢથી કરી હતી.
વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ, પોરબંદર અને માણાવદરની બેઠકમાં ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું હતું. ત્યારે માનવમાં આવતું હતું કે સૌરાષ્ટ્રનો વિસ્તાર અનઅપેક્ષિત પરિણામો આપવા માટે પંકાયેલો છે એટલે આ બેઠકોને બેધ્યાન કરવી પાલવે તેમ નથી.
ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોની આત્મહત્યા, પાકવીમો, પાણી જેવી સમસ્યા મોટી છે. એથી વિશેષ ધ્યાન આપવા પ્રચારની શરૂઆત અહીંથી કરવામાં આવી હતી.
રાજ ગોસ્વામી કહે છે કે ગુજરાતમાં 'આ વખતે પણ લોકોએ મોદીને જ મત આપ્યા છે, જે તે વિસ્તારના ઉમેદવારને નહીં.'
ગોસ્વામી કહે છે, "દલિતહત્યા, જાતિવાદ જેવા મુદ્દાઓ ભારે બન્યા હોવા છતાં એ વિસ્તારોમાં પણ સારું મતદાન થયું અને ભાજપની મતની ટકાવારી વધી છે."
"ગુજરાતમાં મોદીની પ્રતિભા વધુ કામ કરે છે. લોકોને એમ લાગે છે કે મોદી તેમની વચ્ચેની જ એક વ્યક્તિ છે. જે ત્વરિત નિર્ણયો લઈ તેનો અમલ પણ કરે છે."
"એક સમયે સર્વણોના પક્ષ તરીકે ઓળખાતો ભાજપ આ ચૂંટણીમાં માત્ર સર્વણોનો જ નહીં, પણ 'દરેકનો પક્ષ' એમ સાબિત કરવામાં કયાંક ને કયાંક સફળ થયો છે."
"પરંપરાગત રાજનીતિ, જાતિવાદ કે ગરીબ-અમીરના ભેદથી ઉપર ઊઠીને મોદી પોતાની વાત લોકો સુધી પહોંચાડવામાં સફળ થયા છે."
"કૉંગ્રેસની હારનું એક મુખ્ય કારણ એ પણ છે કે ગુજરાતમાં તે હજુ પણ લોકો સાથે સંવાદ સાધી શકતી નથી. પરંપરાગત ચાલતી આવતી રાજનીતિને જ અનુસરવાને લીધે કે નક્કર મુદ્દાઓ પર વાત ન કરવાને લીધે મજબૂત વિપક્ષ નથી મળી શક્યો."
ગોસ્વામી ઉમેરે છે, "ચૂંટણીના માહોલમાં પ્રજ્ઞા ઠાકુર જો ગાંધીજી વિશે જેમ-તેમ બોલીને પણ જીતી જાય તો સ્પષ્ટ છે કે લોકોએ મત મોદીને આપ્યા છે. નહીં કે મતક્ષેત્રના ઉમેદવારોને."
"લોકોએ કૉંગ્રેસને ભૂતકાળમાં સારો એવો સમય આપ્યો છે. હવે તેઓ મોદીને આપીને નવો પ્રયોગ કરવા માગતા હોય એમ ચોક્કસ કહી શકાય."
"ગુજરાતના દીકરા તરીકેની વાત હોય કે સમસ્યાનું નિરાકરણ કે પછી મજબૂત વિપક્ષની અછત અથવા તો લોકોનો નવો પ્રયોગ મોદીએ ગુજરાતના કાનમાં જેટલી પણ વાત કહી તે 26 બેઠકોના પડઘા રૂપે દેખાઈ રહી છે. પણ અહીં પ્રશ્ન એ છે કે શું કૉંગ્રેસ ગુજરાતનો અવાજ સાંભળવા માગે છે?"
સેવી ગ્રૂપના એમડી અને CREDAI નેશનલના ચૅરમૅન જક્ષય શાહનું કહેવું છે કે વેપારીઓ રાજનીતિ અને પૉલિસીનું અમલીકરણ- બંનેને સારી રીતે સમજે છે.
શાહે કહ્યું, "રીફૉર્મ્સ થયા પણ તેમાં સુધારા પણ કરવામાં આવ્યા. ઇન્ડસ્ટ્રીને ખ્યાલ છે કે સ્વાસ્થ્ય સુધારવા માટે કડવી દવા પીવી પડશે અને પ્રૉબ્લેમ ભલે થયા હોય તેનું નિરાકરણ પણ આ સરકાર આપશે એવો વિશ્વાસ છે. તેથી મારા મતે લોકોએ ફરી એક વખત આ જ સરકારને તક આપી છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો