રાહુલ ગાંધીનું કૉંગ્રેસ અધ્યક્ષપદેથી રાજીનામું, CWC દ્વારા અસ્વીકાર

લોકસભાની ચૂંટણીમાં પરાજય અંગે મંથન કરવા માટે શનિવારે નવી દિલ્હી ખાતે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી છે.

કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાના કહેવા પ્રમાણે, આ બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપવાની જાહેરાત કરી, જેનો કમિટીએ અસ્વીકાર કર્યો હતો.

બેઠકમાં રાહુલ ગાંધીનાં માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી તથા પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘ સહિતનાં સભ્યો હાજર રહ્યાં હતાં.

આ પહેલાં ઉત્તર પ્રદેશ, ઓડિશા તથા કર્ણાટકના પ્રદેશાધ્યક્ષોએ રાજીનામાં મોકલી આપ્યાં છે.

લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે તેનું પ્રદર્શન ગત વખતની (44 બેઠક) સરખામણીએ સુધાર્યું છે અને 52 બેઠક ઉપર વિજય મેળવ્યો છે. જોકે, લોકસભામાં વિપક્ષના નેતાનું પદ હાથવેંતનું છેટું રહી ગયું છે.

રાજીનામાનો ક્રમ

ગુરૂવારે લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરે રાજીનામું આપી દીધું છે.

પાર્ટી તેના અધ્યક્ષ રાહુલ ગાંધીની પરંપરાગત બેઠક અમેઠી પણ બચાવી શકી ન હતી.

ખુદ રાજ બબ્બર પણ ફતેહપુર સિકરીની બેઠક ઉપરથી લગભગ પાંચ લાખ મતે હારી ગયા હતા. બબ્બરે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ પરાજયની જવાબદારી લે છે અને પદ પરથી રાજીનામું મોકલી આપ્યું છે.

યૂપીમાં ભાજપે 80માંથી 62 (એનડીએ 64) બેઠકો મેળવી હતી. કૉંગ્રેસ સોનિયા ગાંધીની એકમાત્ર રાય બરેલી બેઠક ઉપર વિજય મેળવ્યો હતો.

કર્ણાટક કૉંગ્રેસના અધ્યક્ષ એચ. કે. પાટિલે પરાજયની જવાબદારી સ્વીકારી છે અને પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. કર્ણાટકમાં ભાજપને 25 જ્યારે કૉંગ્રેસને માત્ર એક બેઠક ઉપર વિજય મળ્યો ચે. રાજ્યમાં કુલ 28 બેઠક છે.

ઓડિશા કૉંગ્રેસના અધ્યક્ષ નિરંજન પટનાયકે પણ તેમના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ઓડિશામાં પાર્ટીને વિધાનસભાની નવ અને લોકસભામાં એક બેઠક ઉપર વિજય મળ્યો છે.પટનાયકે વિધાનસભાની બે બેઠક ઉપરથી ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું, પરંતુ બન્ને ઉપર પરાજય થયો હતો.

રાજ્યમાં વિધાસભાની 146 અને લોકસભાની 21 બેઠક છે.

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો