રાજકીય પરિવારો માટે ચૂંટણી પરિણામ કેટલો મોટો ઝટકો?

    • લેેખક, કિર્તી દૂબે
    • પદ, બીબીસી સંવાદદાતા

લોકસભા ચૂંટણી 2019નાં પરિણામોમાં ભાજપે વર્ષ 2014ની જીતના આંકડાઓને પણ ધ્વસ્ત કરી દીધા છે. ભાજપને જ 303 બેઠકો મળી છે તો રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એટલે કે એનડીએ 350 બેઠકો જીતવામાં સફળ રહી છે.

આ આંકડાઓએ વર્ષ 2014નાં પરિણામોને પાછળ છોડી દીધાં છે. તે વખતે ભાજપને 282 અને એનડીએને 336 બેઠકો મળી હતી.

મોદી નામની આ આંધીમાં ના ઉત્તર પ્રદેશ અને બિહારનું ગઠબંધન કામ આવ્યું કે ના કૉંગ્રેસની ન્યાય યોજના કામ કરી શકી.

વર્ષ 2014થી 2019 વચ્ચે દેશનો સૌથી જૂનો પક્ષ કૉંગ્રેસ આઠ બેઠકો જ વધારે મેળવી શક્યો.

2014માં કૉંગ્રેસ 44 બેઠકો પર સમેટાઈ ગયો હતો. આ વખતે મોદી લહેરમાં કૉંગ્રેસ સહિત કેટલાયે વિપક્ષી દળના નેતા પણ હારી ગયા જેમની પેઢીએ ક્યારેય હાર જોઈ જ ન હતી.

જાણો રાજકારણના એવા જ પરિવારોની કહાણી જે આ વખતે કદાચ પોતાના ગઢમાં પીછેહઠનો સામનો કરી રહ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

અમેઠી: ગાંધી પરિવારની આ બેઠક પર રાહુલ ગાંધીની હાર

ગત ગુરુવાર સુધી દેશમાં કૉંગ્રેસની બે બેઠક અમેઠી અને રાયબરેલી સૌથી સુરક્ષિત મનાતી હતી. પરંતુ લોકસભા ચૂંટણીનાં પરિણામો પછી કૉંગ્રેસને પોતાના જ ગઢમાં ઝટકો લાગ્યો છે.

અમેઠીમાં રાહુલ ગાંધીને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ 55 હજાર મતોથી હરાવ્યા.

આ ઝટકો કૉંગ્રેસ માટે દેશ ભરમાં કૉંગ્રેસને મળેલી હાર કરતાં પણ મોટો છે.

2014માં કૉંગ્રેસની 44 બેઠકો પર જીત મળી હતી અને આવા સમયે પણ રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીને એક લાખથી વધુ મતોના અંતરથી હાર આપી હતી.

કૉંગ્રેસે દેશમાં ભલે આઠ બેઠક વધારે મેળવવામાં સફળતા મેળવી પણ પોતાનો ગઢ તેના હાથમાંથી સરકી ગયો.

અમેઠીની બેઠક અને ગાંધી પરિવારના સંબંધો પર નજર કરીએ તો 1980માં સંજય ગાંધીએ અહીંથી ચૂંટણી જીતી હતી અને તેમનાં મૃત્યુ પછી 1981માં થયેલી પેટાચૂંટણીઓમાં અમેઠીએ રાજીવ ગાંધીને સાંસદ બનાવ્યા.

તે પછી રાજીવ ગાંધીએ 1984માં, 1989માં અને 1991માં આ બેઠક પરથી જીત હાંસલ કરી.

વર્ષ 1991 અને 1996માં ગાંધી પરિવારના નજીકના મનાતા કૅપ્ટન સતિશ શર્માએ આ બેઠક પર જીત નોંધાવી.

આ પછી 1998માં ભાજપના ઉમેદવાર સંજયસિંહે જીત મેળવી પરંતુ 13 દિવસમાં જ અટલ બિહારી વાજપેયી સરકાર પડી ગયા પછી 1999માં ફરી અહીં ચૂંટણી થઈ.

1999માં સોનિયા ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને અમેઠીને ફરી વખત કૉંગ્રેસની યાદીમાં ઉમેરી દીધું.

2004થી રાહુલ ગાંધી આ બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યા છે અને ત્રણ વાર અમેઠીના સાંસદ રહી ચૂક્યા છે.

આ રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દીની પહેલી હાર છે.

જોકે, રાહુલ ગાંધીએ આ વખતે કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડી જ્યાં તેમને 4 લાખથી વધારે મતોથી જીત મળી છે.

સ્વાભાવિક છે કે આ વખતે પણ તેઓ સંસદમાં તો જઈ રહ્યા છે પણ આ વખતે સરનામું નવું હશે.

સિંધિયા પરિવાર: વાજપેયીને હરાવનારા, મોદી લહેરમાં હારી ગયા

ગ્વાલિયરના સિંધિયા રાજવી કુટુંબ સાથે નિસ્બત ધરાવતા જ્યોતિરાદિત્ય સિંધિયા ગુના બેઠક પરથી એક લાખ પચીસ હજાર મતોથી હારી ગયા છે. તેમને ભાજપના ઉમેદવાર કૃષ્ણપાલ સિંહે હરાવ્યા.

પિતા માધવરાવ સિંધિયાના મૃત્યુ પછી 2002માં થયેલી પેટાચૂંટણીમાં ભાગ લઈ જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજકારણમાં પ્રવેશ કર્યો.

ગુના બેઠક પરથી આ વખતે પાંચમી વાર તેમણે ઉમેદવારી કરી હતી પરંતુ બે પેઢીઓથી ગુનામાં જીતનાર સિંધિયા પરિવારને આ વખતે જનતાએ મોટી હાર આપી છે.

સિંધિયા પરિવારના પ્રભાવનો અંદાજો એ વાત પરથી આવે કે ગુનાથી ચૂંટણી લડનારા માધવરાવ સિંધિયાને જ્યારે 1984માં કૉંગ્રેસે ગ્વાલિયરથી ઉમેદવાર જાહેર કર્યા ત્યારે તેમણે ખૂબ મોટા અંતરથી ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીને હરાવ્યા.

ગુના બેઠક પર સિંધિયા પરિવારની એવી અસર રહી કે સિંધિયા પરિવાર કયા પક્ષની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યો છે તે ક્યારેય અસરકર્તા મુદ્દો રહ્યો જ નહીં. ગુનામાં કુલ 20 ચૂંટણીઓમાંથી 14 ચૂંટણીઓ સિંધિયા પરિવારના વ્યક્તિઓએ જ જીતી છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાનાં દાદી વિજયા રાજે સિંધિયા કૉંગ્રેસ, સ્વતંત્ર પાર્ટી અને ભાજપ તરફથી ઉમેદવાર રહી ચૂંટણી લડી ચુક્યા છે. તો પિતા માધવરાવ સિંધિયા પહેલાં જનસંઘ અને પછી કૉંગ્રેસ તરફથી ચૂંટણીઓ લડ્યા અને જીત્યા.

2001માં રાજકારણમાં પ્રવેશ કરનાર જ્યોતિરાદિત્ય સિંધિયાએ હંમેશા કૉંગ્રેસ તરફથી જ ચૂંટણી લડી છે અને આ તેમની પહેલી હાર છે.

એક સમયે લોહિયાની બેઠક રહેલી કન્નોજને ના બચાવી શક્યા ડિમ્પલ

દેશના મોટા રાજકીય પરિવાર મુલાયમસિંહ યાદવની પુત્રવધૂ ડિમ્પલ યાદવ આ વખતે સમાજવાદી પાર્ટીની પારંપરિક બેઠક કન્નોજને ના બચાવી શક્યાં. ભાજપના ઉમેદવાર સુબ્રત પાઠકે તેમને બાર હજારથી વધારે મતોથી હરાવી દીધા.

કન્નોજની બેઠક એ છે જ્યાં સમાજવાદની રાજનીતિનો સૌથી મોટો ચહેરો મનાતા રામ મનોહર લોહિયાએ 1967માં ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી.

મુલાયમસિંહ યાદવ 1999માં આ બેઠક પરથી સાંસદની ચૂંટણી લડ્યા હતા.

તેપછી 2002થી લઈ 2012 સુધી ત્રણ વાર અખિલેશ યાદવ આ બેઠક પર ચૂંટણી લડી સાંસદ બન્યા. પરંતુ 2012માં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનવા માટે તેમણે આ બેઠક છોડવી પડી.

અહીંથી જ કન્નોજમાં ડિમ્પલે જીત હાંસલ કરી. અખિલેશ યાદવે બેઠક છોડ્યા પછી આ બેઠક પર પેટાચૂંટણી થઈ અને ખાસ વાત એ રહી કે તેમની સામે બસપા, કૉંગ્રેસ અને ભાજપે ઉમેદવાર મેદાનમાં ના ઉતાર્યા.

તે પછી 2014માં ડિમ્પલ યાદવ તેમની બેઠક બચાવવામાં સફળ રહ્યાં પરંતુ 2019માં મોદી લહેર તેમના પર એટલી ભારે પડી કે તે કન્નોજ જેવી સુરક્ષિત મનાતી બેઠક પર ના જીતી શક્યાં.

લાલુ યાદવ પરિવારની શાખ ના બચાવી શકી મીસા

લાલુપ્રસાદ યાદવનાં પુત્રી મીસા ભારતી બિહારની પાટલીપુત્ર બેઠક પર ભાજપના ઉમેદવાર રામકૃપાલ યાદવથી ઓગણચાળીસ હજાર મતોથી હારી ગયાં.

પાટલીપુત્ર બેઠકનો ઇતિહાસ બહુ જૂનો નથી, 2008થી અસ્તિત્વમાં આ બેઠક પર પહેલી ચૂંટણી 2009માં થઈ. ત્યારે આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવ આ બેઠક પર ચૂંટણી લડ્યા અને જેડીયૂના રંજનપ્રસાદ યાદવ સામે હારનો સામનો કરવો પડ્યો.

ત્યારપછી 2014માં આ બેઠક પર મીસા ભારતીને ટિકિટ અપાઈ. આ બેઠક પરથી ટિકિટ ના મળતા આરજેડીના મોટા ગજાના નેતા રામકૃપાલ યાદવે ભાજપનો હાથ પકડી લીધો.

ભાજપની ટિકિટ પર પાટલીપુત્રથી તેમણે ચૂંટણી લડી અને મીસા ભારતીને તેમના પક્ષના પૂર્વ સાથી રામકૃપાલથી આશરે ચાળીસ હજાર મતોથી હારનો સામનો કરવો પડ્યો.

ચૌધરી વિરાસતની શાખ ના બચાવી શક્યા અજીત સિંહ

રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ ચૌધરી અજીતસિંહને ભાજપના ઉમેદવાર સંજય બાલિયાને મુઝ્ઝફ્ફરનગર બેઠક પર છ હજાર પાંચસો મતોના અંતરથી હરાવી દીધા છે.

પશ્ચિમી ઉત્તર પ્રદેશના રાજકારણમાં મોટો ચહેરો મનાતા અજીતસિંહ આ ચૂંટણીમાં તેમની બેઠક ના બચાવી શક્યા.

દેશના પાંચમા વડા પ્રધાન રહેલા ચૌધરી ચરણસિંહના પુત્ર અજીતસિંહની જાટ સમુદાય પર પકડ ઘણી સારી રહી છે.

પરંતુ અટલ બિહારી વાજપેયીની સરકારમાં કૃષિમંત્રી અને મનમોહન સરકારમાં ઉડ્ડન મંત્રી રહેલા અજીતસિંહ અને તેમના પક્ષ માટે આ પરિણામ એક મોટો ઝટકો રહ્યા છે.

મુઝ્ઝફ્ફરનગરથી મળેલી હાર અજીતસિંહ માટે નવી નથી, 1971માં ચૌધરી ચરણસિંહે મુઝ્ઝફ્ફરનગરથી તેમની પહેલી ચૂંટણી લડી હતી અને તેમને પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

ના ફક્ત અજીતસિંહ પણ તેમના પુત્ર જયંત ચૌધરી પણ બાગપત બેઠક ના બચાવી શક્યા.

ભાજપના સત્યપાલસિંહે તેમને આશરે તેવીસ હજાર મતોથી હરાવ્યા. 2009માં જયંત ચૌધરી મથુરાથી ચૂંટણી લડી સાંસદ બન્યા હતા.

જોકે, ચૌધરી પરિવારની પારંપરિક બેઠક બાગપત માટે તેમનો ચહેરો નવો નથી. આ બેઠક પરથી ચૌધરી ચરણસિંહ 1971 પછી ત્રણ વાર સાંસદ રહ્યા અને તેમના પુત્ર અજીતસિંહ છ વાર આ બેઠક જીતી ચૂક્યા છે.

પરંતુ 2014માં ભાજપના સત્યપાલસિંહે બેઠકને ભાજપના ખાતામાં નાખી દીધી. આ વખતે ચૌધરી પરિવાર તેમના ગઢને ના બચાવી શક્યો.

હરિયાણામાં રાજકારણની જમીન ગુમાવતો ચૌટાલા પરિવાર

દેશના સૌથી યુવા સાંસદનો રેકર્ડ ધરાવનારા દુષ્યંત ચૌટાલા આ ચૂંટણીમાં હારી ગયા.

હરિયાણાની હિસાર બેઠક પર દુષ્યંત ચૌટાલાને ભાજપના ઉમેદવાર બ્રિજેન્દ્ર સિંહે ત્રણ લાખથી વધારે મતોથી હરાવ્યા.

રાજ્યની બધી 10 બેઠક પર ભાજપને જીત મળી છે અને હવે રાજ્યના રાજકારણમાં એક સમયે કૉંગ્રેસ અને ભાજપને પડકાર આપનારો ચૌટાલા પરિવાર ચિત્રમાંથી ગાયબ થતો દેખાઈ રહ્યો છે.

ઈન્ડિયન નેશનલ લોકદળ એટલે કે ઈનેલોનો ચૂંટણીમાં નુકસાનનો સિલસિલો આ વખતે પણ યથાવત રહ્યો. તેનું મુખ્ય કારણ ચૌટાલા પરિવારમાં વિખવાદને માનવામાં આવે છે.

એક સમયે હરિયાણામાં નારો હતો કે 'હરિયાણા તેરે તીન લાલ, બંસીલાલ, દેવીલાલ, ભજનલાલ.'

દેવીલાલ ચૌટાલાને ભારતના રાજકારણમાં કિંગમેકર માનવામાં આવતા હતા.

દેવીલાલ ચૌટાલા રાજ્યમાં બે વાર મુખ્ય મંત્રી રહ્યા છે. ચંદ્રશેખર સરકારમાં તેઓ ઉપમુખ્ય મંત્રી રહ્યા હતા. તેમના પુત્ર ઓમપ્રકાશ ચૌટાલા પણ રાજ્યના મુખ્ય મંત્રી રહ્યા હતા.

પરિવારના આંતરિક વિખવાદમાં 2018માં ઈનેલો પક્ષ ભાંગી ગયો અને જનનાયક જનતા પાર્ટી એટલે કે જેજેપી અસ્તિત્વમાં આવી.

હકીકતમાં ઓમપ્રકાશ ચૌટાલાએ તેમના પુત્ર અજય ચૌટાલાને પક્ષમાંથી હાંકી કાઢ્યા અને પછી જેજેપી બની.

2014માં ઈનેલોની ટિકીટ પર જીત મેળવનારા દુષ્યંત આ વખતે તેમના પક્ષના દમ પર ચૂંટણી જીતી શક્યા. રાજ્યમાં જેજેપી અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું. પરંતુ ચૌટાલા પરિવારને તેનાથી પણ કોઈ ફાયદો ના થયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો