બાપુ બોલે તો... શું ગાંધીજીની સાદગી અત્યંત ખર્ચાળ હતી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
સરોજિની નાયડુએ એક વાર એ મતલબનું કહ્યું હતું કે ગાંધીજીને સાદગીમાં રાખવા માટે બહુ ખર્ચ કરવો પડે છે.
એ વાતને આગળપાછળના કશા સંદર્ભ વિના ટાંકીને, જેમની તેમ માની લેવામાાં આવે છે અને તેના આધારે ગાંધીજી દંભી હતા એવો ચુકાદો આપી દેવાય છે.
ગાંધીજીની સાદગી અને તેમના ખર્ચની હકીકત શી છે?

તમે આ વાંચ્યું કે નહીં?

ખાણીપીણી

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ભારત આવ્યા અને શાંતિનિકેતન ગયા ત્યારે પ્રોફેસર જીવતરામ કૃપાલાણી તેમને મળવા ગયા હતા.
કૃપાલાણીએ નોંધ્યું છે કે તે સૂકો મેવો, મગફળી, બદામ અને પિસ્તાં 'ઉદાર' પ્રમાણમાં (જથ્થામાં) અને સ્વાદથી ખાતા હતા.
એ વખતે ગાંધીજીએ ભારત જોયું ન હતું અને કૃપાલાણીએ લખ્યું છે તેમ, 'હિંદુસ્તાનમાં ગરીબોનું જીવન કેવું છે એના ખ્યાલ વગર જ પોતાની રીતે ગરીબોની જેમ જીવવા પ્રયત્ન કરતા હતા.' (આચાર્ય કૃપાલાનીની આત્મકથા, અનુવાદઃ નગીનદાસ પારેખ પૃ.5)
ભારત પાછા ફરતી વખતે તેમણે પહેરેલો કાઠિયાવાડી ફેંટા સહિતનો પોશાક પણ તેમના સામાન્ય ભારતીયો વિશેના (ખોટા) ખ્યાલ પર આધારિત હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ જ વર્ષે કુંભમેળાની મુલાકાત અને ત્યાં ધર્મને બદલે ઘણું પાપ થતું જોઈને ધાર્મિક પ્રકૃતિના ગાંધીજીએ વ્રત લેવાનું નક્કી કર્યું.
તેમાં એક વ્રત આખા દિવસમાં પાંચ વસ્તુઓ ખાવાનું અને એક રાતના ભોજનનો ત્યાગ કરવાનું હતું. (આત્મકથા, પૃ, 389) તેમ છતાં, યોગ્ય સંદર્ભ વિના તેમના ખોરાક વિશે લખવામાં આવે તો એવી છાપ ઊભી કરી શકાય કે તે સાદા ખોરાકને નામે વૈભવી ખોરાક લેતા હતા.
જીવનના અંતિમ સમયગાળામાં 78 વર્ષની વયે તેઓ દૂધ, ખાખરા, રાબ, શાકનો સુપ જેવી ચીજો અને મોસંબી, દ્રાક્ષ જેવાં ફળ લેતા.
કેટલાંક ઉદાહરણઃ 10 સપ્ટેમ્બર, 1947 સવારનો તેમનો ખોરાકઃ બે ખાખરા, આઠ ઔંસ (લગભગ સવા બસો ગ્રામ) દૂધ, આઠ ઔંસ મોસંબીનો રસ. (દિલ્હી ડાયરી, પૃ.5), 8 ઑક્ટોબર, 1947નો આખા દિવસનો ખોરાકઃ 24 ઔંસ (આશરે સાતસો ગ્રામ) દૂધ, શાક, સૂપ અને સંતરાં. (દિલ્હી ડાયરી. પૃ.88)

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ ખોરાક માટે, માલિસ કરાવવાની બાબતમાં, ખુલ્લી હવામાં ફરવામાં કે બીજા અવનવા પ્રયોગો માટેના તેમના આગ્રહમાં કેન્દ્રસ્થાને સાદગી ઉપરાંત આરોગ્ય માટેની ચુસ્ત કાળજી રહેલી હતી.
જાહેર સેવક શારીરિક રીતે સ્વસ્થ હોય તો જ બરાબર સેવા કરી શકે, એવું તે માનતા હતા અને આંતરડાનું દર્દ ધરાવતા સરદાર પટેલથી માંડીને ક્ષયરોગી મથુરાદાસ ત્રિકમજી જેવા નિકટના સાથીદારોના આરોગ્યમાં ઊંડો રસ લેતા હતા.
દાંડીકૂચ પછી તે જેલમાં ગયા ત્યારે સરકારે તેમના ખર્ચ માટે મહિનાના રૂ. દોઢસો મંજૂર કર્યા હતા.
પરંતુ ગાંધીજી બરાબર સમજતા હતા કે એ રૂપિયા ભારતની તિજોરીમાંથી જ ખર્ચાશે.
તેમણે સાથી કેદી કાકાસાહેબ કાલેલકરને કહ્યું હતું, 'પૈસા તો હિંદુસ્તાનની તિજોરીમાંથી જ ખરચ થશે ને? ગરીબ પ્રજા પર મારો આટલો બોજો હું નાખવા માગતો નથી. મેં મારા મન સાથે માસિક પાંત્રીસ રૂપિયા ગણ્યા છે...ખરું જોતાં મામૂલી કેદીની પેઠે જ મારે રહેવું જોઈએ. પણ મારે શરમ સાથે કબૂલ કરવું પડે છે કે મારું શરીર થોડી વધારે સગવડો માગી લે છે.' (મીઠાને પ્રતાપે, કાકા કાલેલકર, પૃ.12)
આ જેલવાસ દરમિયાન એક વાર તેમણે કાકાસાહેબને કહ્યું હતું, 'હું જાણું છું કે મારા ઉપર કશું અવલંબેલું નથી ભગવાનનું ધાર્યું જ થશે. પણ જાણે સ્વરાજ મારા જ પેટમાં હોય એવી રીતે હું મારી તબિયત સાચવી રહ્યો છું. ગર્ભિણી જેમ પોતાના પેટમાંના બાળકને ખાતર પોતાની તબિયતની વિશેષ કાળજી રાખે છે, ખાસ ખોરાક લે છે, તેવી રીતે હું મારી તબિયતને સાચવી રહ્યો છું. ' (મીઠાને પ્રતાપે, 18-19)


રહેણીકરણી

ઇમેજ સ્રોત, Getty Images
ભારત આવ્યા ત્યારે તેની ગરીબીનો પૂરો ખ્યાલ ગાંધીજીને ન હતો. પણ એ ખ્યાલ આવ્યા પછી તેમણે ફેંટો તો ઠીક, અંગરખું પણ છોડ્યું ને ફક્ત કચ્છ (ઢીંચણ સુધીની ધોતી) ધારણ કર્યો.
અંગત વ્યવહારમાં તેમની કરકસર પોતાની આધ્યાત્મિક ઉન્નતિ માટેની હતી, તો જાહેર વ્યવહારમાં કરકસરનો તેમનો આત્યંતિક લાગે એવો આગ્રહ જાહેર સેવકો માટેનાં ધોરણો નક્કી કરવા માટેનો હતો.
તેમના છૂટક પ્રચલિત બનાવોને આ દૃષ્ટિકોણથી જોતાં, તે છૂટાછવાયા નહીં, પણ જાહેર ક્ષેત્રની આચારસંહિતના સામાન્ય તાંતણે બંધાયેલા લાગશે અને તેમાં રહેલા દેખીતા વિરોધાભાસો પણ સમજી શકાશે.
છેલ્લાં વર્ષોમાં તેમની વધુ નિકટ રહેલા બ્રજકૃષ્ણ ચાંદીવાલાએ નોંધ્યું છે કે કાગળનો એક નાનો ટુકડો, એક નાનકડી ટાંકણી કે એક સામાન્ય રૂમાલની ઉપયોગિતા એમને મન કોઈ ધનવાનને કરોડ, બે કરોડની દોલતની હોય તેટલી જ હતી.
તેમની કોઈ ચીજ આમતેમ થઈ તો આવી બન્યું. તે શોધી કાઢ્યા વગર તેમને નિરાંત વળતી નહોતી...વર્ધામાં મગનવાડીમાં રહેતા હતા ત્યારે એક દિવસ પાયખાનાની બહાર પાણીમાં સાબુનો ટુકડો પડ્યો હશે તે ઉઠાવી લાવ્યા.
પછી લગભગ અડધા કલાક સુધી તેમણે સમજાવ્યું કે દેશનું ધન આમ બરબાદ કરવાનો આપણને કશો અધિકાર નથી.

ઇમેજ સ્રોત, Getty Images
આપણો દેશ ગરીબ છે અને ગરીબોની પેઠે આપણે જીવન ગાળવું જોઈએ. તેઓ નકામા તાર અને આવેલા પત્રોનાં પરબીડિયાં ઉલટાવીને તેના પર પોતાના મહત્ત્વના લેખો લખતા.
કપડાં નીચે છાપાં ચોઢીને ટાઢથી બચવાનું એક સરસ સાધન તેમણે શોધ્યું હતું. તૂટેલ સુતરના તારોને કપડામાં સીવી તેમની પીનદાની બનાવવામાં આવી હતી.
એક વાર ટાઇપ કરનાર ભાઈ એક ફાઇલ ખરીદી લાવ્યા. બાપુએ તે પાછી અપાવી અને કહ્યું કે છાપાના કાગળોમાંથી ફાઇલ બનાવી શકાય. ('બાપુની સેવામાં', પૃ.166-167)
નાનામાં નાની બાબતમાં કરકસર કરનારા અને પોતે પચીસ વર્ષથી પથ્થરના જે ટુકડાથી નહાતા હતા, તે મનુબહેન ગાંધી અગાઉના ઉતારે ભૂલી ગયા ત્યારે નોઆખલીના કોમી તનાવગ્રસ્ત માહોલમાં તેમને એકલાં મોકલીને એ પથ્થર શોધાવનાર ગાંધીજી વખત આવ્યે પૈસા ખર્ચી પણ જાણતા હતા.
આશ્વાસનના કે મહત્ત્વની બાબતોને લગતા તાર કરતી વખતે તે બાર-પંદર રૂપિયા સુદ્ધાં ખર્ચી નાખતા હતા.
એક વાર નક્કી કરેલા કાર્યક્રમમાં વચ્ચે અણધાર્યું વિધ્ન આવ્યું અને સામાન્ય લોકોને આપેલું વચન પાળી ન શકાય એવી સ્થિતિ ઊભી થઈ ત્યારે તેમણે સ્પેશિયલ ટ્રેન સુદ્ધાં કરી હતી અને રૂ. 1,140 ચૂકવ્યા હતા.
એ વખતે તેમને કશી અવઢવ થઈ ન હતી. સાથીદારોને તેમણે કહ્યું હતું, 'વાઇસરૉયને આપેલો સમય હું જેટલી સખતાઈથી પાળું છું તેટલી જ સખતાઈથી આપણા લોકોને આપેલો સમય પાળવો જોઈએ.' ('બાપુની ઝાંખી', કાકા કાલેલકર, પૃ.104-5)


મોંઘી સાદગી?

ઇમેજ સ્રોત, Getty Images
આઝાદી પછી તણાવગ્રસ્ત દિલ્હીમાં આવતી વખતે તેમણે ત્યારે ભંગી કોલોની તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેવાની ઇચ્છા વ્યક્ત કરી.
ત્યાં ગાંધીજી અને તેમના કાફલા માટે કેટલીક ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી, થોડાં છાપરાં અને તંબુ ઊભા કરવામાં આવ્યાં અને એક કૅમ્પ જેવી વ્યવસ્થા થઈ. ('બાપુની સેવામાં', પૃ.72-73)
ઘણું કરીને આ સંદર્ભે સરોજિની નાયડુએ એ મતલબનું કહ્યું હતું કે તેમને સાદગીથી રાખવામાં બહુ ખર્ચ થાય છે.
પરંતુ એ ટીપ્પણી ગાંધીજી સાથે છૂટથી રમૂજ કરી શકતાં, તેમને 'મિકી માઉસ' સાથે સરખાવી શકતાં સરોજિની નાયડુએ કરી હતી એ યાદ રાખવું પડે.
બ્રજકૃષ્ણ ચાંદીવાલાએ નોંધ્યું છે કે 1938માં વાઇસરોયને મળીને દિલ્હીથી પાછા જતી વખતે ગાંધીજીની મોટરમાં પંક્ચર પડ્યું.
ત્યારે તો પાછળ આવતા એક અંગ્રેજની મોટરમાં ગાંધીજી સ્ટેશને પહોંચ્યા, પણ ત્યાર પછી તે જ્યાં જતાં ત્યાં ઘણુંખરું એમની મોટર સાથે એક વધારાની મોટર રાખવામાં આવતી. ('બાપુની સેવામાં', પૃ.55)
પરંતુ માઉન્ટબેટને તેમને વિમાનમાં બોલાવ્યા, ત્યારે 'જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય?' અને 'ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું' એમ કહીને ટ્રેનમાં જવાનું નક્કી કર્યું. (બાપુઃ મારી મા, મનુ ગાંધી, પૃ.21)

ઇમેજ સ્રોત, Getty Images
મુસાફરીમાં મનુબહેને બે ખાનાંવાળો ડબ્બો પસંદ કર્યો અને ગાંધીજીએ પૂછ્યું ત્યારે બચાવમાં કહ્યું, 'હું અહીં જ બધું કામકાજ કરું--સ્ટવ પર દૂધ ગરમ કરું, વાસણો સાફ કરું, તેથી આપને તકલીફ પડશે એમ જાણીને મેં બીજા ખાનાનું કર્યું.'
ગાંધીજીએ તેમને કહ્યું હતું, 'કેવો લૂલો બચાવ છે? આંધળો પ્રેમ તે આનું નામ.
તને ખબર છે કે મને ઍરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેન, તકલીફ ન પડે માટે કહેવામાં આવેલ.
એક સ્પેશિયલ પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારનું ખર્ચ થઈ પડે? એ મને કેમ પોસાય? હું તો લોભિયો રહ્યો. તેં આજે તો વધારાનું ખાનું માગ્યું, પણ સલૂન માગ્યું હોત તો તે પણ મળત. પણ એ તને શોભત?
એટલે તેં બીજું ખાનું લીધું, પણ તે સલૂન માગ્યા બરાબર જ છે. હું જાણું છું કે તું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમને વશ થઈને કરે છે. પણ મારે તો તને ઊંચે ચડાવવી છે. નીચે નથી પછાડવી.' (બાપુઃ મારી મા, પૃ.22-23)


વિશ્લેષણ

ઇમેજ સ્રોત, Getty Images
ગાંધીજી માટે તેમના કાફલાને કારણે અને આખી કચેરી સાથે ચાલતી હોવાને કારણે વધારાની વ્યવસ્થા અને ખર્ચ બેશક કરવાં પડતાં હતાં, પરંતુ તે ખર્ચ આસમાની તો ઠીક, વૈભવી પણ જરાય ન હતો.
ગાંધીજીના સ્તરના નેતા માટે એ ખર્ચ મામુલી જ ગણાય. કેમ કે, તેમાં દફતર ચલાવવા માટે જરૂરી હોય એ ચીજો સિવાય બીજી મોજશોખની કે સુવિધાની ચીજો પણ ન હતી.
જે કંઈ ખર્ચ થતો તે ગાંધીજીનો મોભો પોસવા માટે નહીં, તેમની કામગીરી અસરકારક રીતે થઈ શકે એ માટેનો હતો.
તેને મોંઘી સાદગી ભાગ્યે જ કહી શકાય. કેમ કે, તે ખર્ચ વ્યક્તિગત નહીં, જાહેર હેતુ અને જાહેર હિત માટેનો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












