બાપુ, બોલે તો...: ગાંધીજીના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ખરેખર કેવા સંબંધ હતા?

ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મથાળામાં 'ખરેખર' શબ્દની આમ તો જરૂર ન પડે, પણ કેટલીક વાર સ્થાપિત સત્યોને સલૂકાઈથી મોળવી કે આડા પાટે ચડાવી દેવાની અને ઇતિહાસને મનગમતો વળાંક આપવાની કોશિશ થતી રહે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક હોદ્દેદારે થોડા સમય પહેલાં એવું સાબિત કરવાની કોશિશ કરી કે 'ગાંધીજી મુસ્લિમ સમુદાયમાંથી અંતિમવાદી અને જેહાદી તત્ત્વોને શરણે થઈ ગયા, એ બાબતે અસંમતિ છતાં' RSSને તેમના પ્રત્યે આદરભાવ હતો.

આ લેખનો તથ્યો આધારિત વિરોધ પ્રતિવાદ થયા પછી, બીજા ભાઈએ લખ્યું કે ગાંધીજીના RSS સાથેના સંબંધને શંકાથી નહીં, મોકળાશથી સ્વીકારવા જોઈએ.

તેમણે દાવો કર્યો કે 'ગાંધીહત્યામાં RSSની સંડોવણી નથી એવી સરદારની ખાતરીને કારણે RSS પરનો પ્રતિબંધ હટાવી લેવાયો અને એ પણ બિનશરતી રીતે.'

તો સવાલ થાય કે ગાંધીજી અને RSS વચ્ચેના સંબંધોની અસલિયત શી છે?

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

બંનેની ભારતમાતા જુદી

1946માં ગાંધીજી અને જવાહરલાલ નહેરુ દિલ્હીની ભંગી કૉલોનીમાં

ઇમેજ સ્રોત, Underwood Archives/Getty

ઇમેજ કૅપ્શન, 1946માં ગાંધીજી અને જવાહરલાલ નહેરુ દિલ્હીની ભંગી કૉલોનીમાં

1947માં કોમી અશાંતિને ઠારવા માટે લડી રહેલા ગાંધીજી દિલ્હી આવ્યા ત્યારે ભંગી કૉલોની તરીકે ઓળખાતા વિસ્તારમાં રહ્યા.

ત્યારે નજીકમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા હતી.

ત્યાં હિંદુ જુવાનોનું એક જૂથ રોજ કવાયત-પરેડ-લાઠીના દાવ અને ભારતમાતાના ભગવા ઝંડાને વંદન કરતું.

ગાંધીજીના સચિવ પ્યારેલાલે નોંધ્યું છે કે 'ન્યાતજાત, કોમ, ધર્મ કે વર્ણના કશા પણ ભેદભાવ વિના આ ધરતી પર જન્મેલાં સૌ કોઈ જેનાં બાળકો હતાં એવી ગાંધીજીની 'હિંદમાતા'થી તેમની એ 'હિંદમાતા' જુદી હતી.'

' તેમની માતા તો, પોતાની અવજ્ઞા કરનારા વિધર્મીઓને, એટલે કે મુસલમાનોને શિક્ષા કરવાનો આદેશ આપનારી મહાકાલી માતા હતી...'

'એ સ્વયંસેવક સંઘ કોમવાદી હિંદુઓની મુસ્લિમ નેશનલ ગાર્ડ્ઝને મળતી લશ્કરી ઢબની સંસ્થા હતી.'

'તેનો ધર્મઝનૂની સિદ્ધાંત આખરે રાષ્ટ્રપિતાનો જાન લેવામાં પરિણમ્યો.' ('પૂર્ણાહુતિ-૧', પૃ.૨૩૪, ગુજરાતી અનુવાદઃ મણિભાઈ ભ. દેસાઈ)

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન

તે સમયના બીજા સાથી બ્રજકૃષ્ણ ચાંદીવાલા સાથેની વાતચીતમાં ગાંધીજીએ તેમને સંઘનો ઇતિહાસ જણાવીને કહ્યું હતુંઃ

'એના આદિ સંચાલક એક શુભ ભાવનાવાળા માણસ હતા, પણ હવે એ સંઘ છૂપી રીતે કામ કરવા લાગ્યો છે અને એની પદ્ધતિ બદલાઈ ગઈ છે. સંઘવાળા હવે હિંસાને માને છે.' ('બાપુની સેવામાં', બ્રજકૃષ્ણ ચાંદીવાલા, પૃ.૭૪)

સંઘની શાખાની ગાંધીજીએ લીધેલી મુલાકાતને અને ખાસ કરીને જમનાલાલ બજાજ સાથે ૧૯૩૪માં લીધેલી મુલાકાતને ટાંકીને એવું દર્શાવવામાં આવે છે કે ગાંધીજીને સંઘ માટે દુર્ભાવ ન હતો અને તેના કેટલાક ગુણો માટે ભાવ હતો.

આવું સિદ્ધ કરતી વખતે એ યાદ રાખવું જોઈએ કે ગાંધીહત્યાની સીધી કે આડકતરી જવાબદારીને કારણે સંઘ પ્રત્યે ઘણાને જે અભાવ થયો, તેને ગાંધીજીનો સંઘ પ્રત્યેનો કથિત ભાવ દર્શાવીને શી રીતે ભૂંસી શકાય?

હકીકતમાં ગાંધીજીને કોઈના પણ પ્રત્યે મૂળભૂત દ્વેષ કે દુર્ભાવ ન હતો.

કોમવાદી પ્રવૃત્તિઓ અને હિંસાનો વિરોધ કરતી વખતે તે ખરાબમાં ખરાબ જણાતા માણસના દાવા પર વિશ્વાસ મૂકવા આતુર હતા.

કારણ કે તેમને માણસની સારપ પર ભરોસો હતો.

તેમની આ ઉદારતા અને ક્ષમાશીલતા સામે કટ્ટરતાવાદી હિંદુ જૂથોને બહુ વાંધો હતો--અને હવે એ જ ઉદારતાથી સંઘ વિશે અપાયેલા એકલદોકલ અભિપ્રાયને અંતિમ અને આખરી ગણાવવાની કોશિશ કરવી એ નવો, અનુકૂળ ઇતિહાસ રચવાની ચેષ્ટા છે.

line

ગાંધીજી અને ગોળવલકર

ગોલવલકર

ઇમેજ સ્રોત, RSS.ORG

ઇમેજ કૅપ્શન, ગુરુ ગોળવલકર

સંઘના વડા ગોળવલકર 'ગુરુજી'ને ગાંધીજી પ્રત્યે બહુ આદર હતો, એવું વિવિધ પ્રસંગોએ તેમણે આપેલી શાબ્દિક અંજલિઓ ટાંકીને દર્શાવવામાં આવે છે.

એ કેટલો સાચો હોઈ શકે તે કલ્પનાનો વિષય છે.

કેમ કે દેશ ફક્ત હિંદુઓનો નહીં, દેશમાં રહેનારા સૌનો બનેલો છે--એવા ગાંધીજીના અને કૉંગ્રેસના સર્વસમાવેશક 'રાષ્ટ્રવાદ' સામે ગોળવલકર અને સંઘના સિદ્ધાંતો બીજા છેડે હતા.

ગોળવલકરને 'જૂના આક્રમણખોરો' (વાંચો : મુસ્લિમો) સાથેના સુમેળ-સમાનતા અને લોકશાહી સ્થાપવાની લ્હાયમાં હિંદુ રાષ્ટ્રને ભૂલી જવા સામે કટ્ટર વાંધો હતો.

તે મુસ્લિમો સહિતના બીજા ધર્મીઓને દેશમાં ઉતરતા દરજ્જે, કોઈ જાતના વિશેષાધિકારો તો ઠીક, નાગરિકતાના પણ અધિકાર વિના રહેવાનું સૂચવતા હતા. (ઇન્ડિયાઝ સ્ટ્રગલ ફોર ઇન્ડીપૅન્ડન્સ, પૃ.૪૩૭-૮)

'મુસ્લિમોમાં રહેલાં અંતિમવાદી અને જેહાદી તત્ત્વોને શરણે' થઈ ગયેલા ગાંધીજી પ્રત્યે ગોળવલકરની 'અસંમતિ'ની ભાષાને પણ જરા જોવા જેવી છે.

તેમણે લખ્યું હતું, 'હિંદુ-મુસ્લિમ એકતા વિના સ્વરાજ નહીં એવું જાહેર કરનારાએ સમાજ સાથે સૌથી મોટી છેતરપીંડી કરી છે. '

'તેમણે આપણી મહાન અને પ્રાચિન (હિંદુ) પ્રજાના જીવનજોસ્સાને હણી નાખ્યો છે.'

અને એવો ટોણો પણ માર્યો હતો કે 'હિંદુ-મુસ્લિમ એકતા સ્થાપવાની સૌથી સહેલી રીત છે બધા હિંદુઓએ મુસલમાન બની જવું.' (ઇન્ડિયાઝ સ્ટ્રગલ ફોર ઇન્ડીપેન્ડન્સ, પૃ.૪૩૮)

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન

ગાંધીજીએ લીધેલી સંઘની શાખાની મુલાકાતમાં તેમને 'હિંદુ ધર્મે પેદા કરેલા એક મહાપુરુષ' તરીકે ઓળખાવાયા હતા.

ત્યાં બોલતાં ગાંધીજીએ કહ્યું હતું કે 'હિંદુ હોવા માટે હું ખસૂસ ગર્વ લઉં છું, પરંતુ મારો હિંદુ ધર્મ અસહિષ્ણુ કે વાડાબંધીવાળો નથી.'

'મારી સમજ પ્રમાણે હિંદુ ધર્મની શોભા એ છે કે બધા ધર્મોનાં સારાં તત્ત્વો તે અપનાવે છે.'

'હિંદુઓ માનતા હોય કે હિંદમાં સમાન અને માનવંત ધોરણે બિનહિંદુઓ માટે સ્થાન નથી અને મુસલમાનો હિંદમાં રહેવા માગતા હોય તો તેમણે ઉતરતા દરજ્જાથી સંતોષ માનવો...તો એથી હિંદુ ધર્મનો અંત આવશે.'

સંઘ તરફથી તેમને એવી ખાતરી આપવામાં આવી હતી કે તેમની નીતિમાં ઇસ્લામ પ્રત્યે દુશ્મનાવટ નથી.

તેનો આનંદ સાથે ઉલ્લેખ કરીને ગાંધીજીએ કહ્યું હતું કે 'મુસલમાનોની કતલ પાછળ તમારી સંસ્થા હતી એવો તમારી સામેનો આરોપ સાચો હશે તો એનું આવી બનશે.' (પૂર્ણાહુતિ-૪, પૃ.૧૮)

ગાંધીજીના વક્તવ્ય પછી તેમને પુછાયેલો એક સવાલ સંઘ જે વિચારસરણીમાં માને છે, તે સૂચવનારો હતો.

તેમાં પૂછવામાં આવ્યું કે 'હિંદુ ધર્મમાં આતતાયીને મારી નાખવાની છૂટ નથી?'

' એવું ન હોય તો શ્રીકૃષ્ણ કૌરવોના નાશની સલાહ આપે છે એનો અર્થ તમે શો કરશો?'

ગાંધીજીએ તેમને સમજાવવાની કોશિશ કરી હતી કે આતતાયી કોણ છે એ નક્કી કરવા માટે માણસે પહેલાં તો પોતે દોષરહિત બનવું જોઈએ.

અને ન્યાયનું કામ સ્થાપિત સરકાર ને ન્યાયાધીશ કરી શકે.

કાયદો હાથમાં લઈને એ થઈ શકે નહીં. (પૂર્ણાહુતિ-૪, પૃ.૧૮)

line

શંકા જન્માવતી બાંહેધરીઓ

ગાંધીજી

ઇમેજ સ્રોત, Bettmann/Getty

સંઘ તરફથી ગાંધીજીને વારંવાર બાંહેધરીઓ આપવામાં આવતી હતી અને ગાંધીજી જેમ બીજા કોમવાદીઓના તેમ સંઘના દાવાને પણ ચેતવણી સાથે અને 'સાચો હોય તો'ની શરત સાથે સ્વીકારતા હતા.

ગોળવલકર સાથે ગાંધીજીની મુલાકાત થઈ ત્યારે ગાંધીજીએ કહ્યું હતું, 'મને એવી ખબર આપવામાં આવી છે કે તમારી સંસ્થાના હાથ પણ લોહીથી ખરડાયેલા છે.'

એ વખતે ગુરુજીએ એ વાત ખોટી હોવાની ખાતરી આપી અને કહ્યું કે અમારી સંસ્થા કોઈની દુશ્મન નથી.

મુસલમાનોની કતલ કરવાની અમારા ધ્યેયમાં કોઈ પ્રકારની વાત નથી.

અમારી સંસ્થા સર્વ શક્તિ ખર્ચીને હિંદુ ધર્મનું રક્ષણ કરવાનો ઇરાદો રાખે છે... અમારી સંસ્થા સુલેહશાંતિ ઇચ્છે છે અને અમારા આ વિચારો તમે જાહેર કરો એવી મારી તમને વિનંતી છે.' (દિલ્હી ડાયરી, પૃ.૧૧)

ત્યારે ગાંધીજીએ તેમને કહ્યું હતું કે 'તમે જે કંઈ કહો છો એ હૃદયપૂર્વકનું હોય તો પ્રજા તમારા પોતાના મુખે જ એ જાણે એ બહેતર છે.' (પૂર્ણાહુતિ-૪, પૃ.૧૭)

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન

પછી ગોળવલકરની અપીલની વાત ગાંધીજીએ પ્રાર્થનાસભામાં જાહેરમાં કહી હતી.

ત્યારપછી પણ સંઘની હિંસક પ્રવૃત્તિઓ વિશે ગાંધીજીને સતત ફરિયાદો મળતી રહી.

સંઘના માણસો નિરાશ્રિતોની છાવણીમાં કામ કરતી વખતે શિસ્ત, હિંમત અને સખત કામ કરવાની તાકાત બતાવ્યાં હતાં--એવું ગોળવલકરની હાજરીમાં ગાંધીજીના એક સાથીએ કહ્યું, ત્યારે ગાંધીજીનો જવાબ હતોઃ

'હિટલરના નાઝીઓએ તથા મુસોલિનીની આગેવાની નીચે ફાસિસ્ટોએ પણ એમ જ કર્યું હતું એ ભૂલશો નહીં.'

ગાંધીજી ભૂતકાળમાં જમનાલાલ બજાજ સાથે સંઘની શાખાએ ગયા ત્યારે તેમની શિસ્ત અને સાદગીથી પ્રભાવિત થયા હતા, એવું નોંધતી વખતે પછીનાં વર્ષોનો ગાંધીજીનો આ અભિપ્રાય પણ ધ્યાનમાં રાખવા જેવો છે.

આ વાતચીત ઉતારનાર પ્યારેલાલની નોંધ પ્રમાણે ગાંધીજીએ સંઘને 'સરમુખત્યારશાહી દૃષ્ટિવાળી કોમી સંસ્થા' તરીકે વર્ણવી હતી. (પૂર્ણાહુતિ-૪, પૃ. ૧૭)

line

વિશ્લેષણ

ગાંધીનો મૃતદેહ

ઇમેજ સ્રોત, Mondadori Portfolio/Getty

ગાંધીહત્યા સાથે આત્યંતિક હિંદુ વિચારસરણીને કોઈ સંબંધ ન રહે અને એ તો ગાંધીજીને મહાન હિંદુ માનતી હતી--એવાં અર્ધસત્યો સાથે બંને વચ્ચેના સંબંધોની ફરી શરૂઆત થાય, એ માટે સંઘની વિચારધારામાં માનતા લોકો ઉત્સુક છે.

એ માટે વારેવારે અવનવા પ્રયાસ થયા કરે છે.

પરંતુ ગાંધીજીના જીવનકાર્યના અત્યંત મહત્ત્વના પાયા જેવી હિંદુ-મુસ્લિમ એકતાનો ઉગ્ર વિરોધ કરીને ગાંધીજી પ્રત્યે વ્યક્ત થતાં કહેવાતા આદરનો વ્યવહારમાં કશો અર્થ નથી.

એવા 'આદર'નું મૂલ્ય પ્રચાર કવાયત કે રાજકીય દાવપેચથી વિશેષ ન હોઈ શકે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો