પેપ્સિકો ગુજરાતમાં બટાકાની ખેતી કરતા ખેડૂતો પર કરેલા કેસ પરત ખેંચશે

ઇમેજ સ્રોત, Paresh Padhiyar
- લેેખક, હરિતા કંડપાલ
- પદ, બીબીસી ગુજરાતી
અમેરિકન કંપની પેપ્સિકો ગુજરાતમાં બટાકાની ખેતી કરતા ચાર ખેડૂતો વિરુદ્ધ બિયારણના કૉપીરાઇટ ભંગ મામલે કરેલા કેસ પરત લઈ લેવા તૈયાર થઈ ગઈ હોવાનું કંપનીના પ્રવક્તાએ જણાવ્યું છે.
પ્રવક્તાના જણાવ્યા અનુસાર 'સરકાર સાથે ચર્ચા કર્યા બાદ કંપની ખેડૂતો વિરુદ્ધના કેસ પરત લઈ લેવા સહમત થઈ છે.'
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પેપ્સિકો ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું,
"ભારતમાં પેપ્સિકો છેલ્લાં 30 વર્ષથી કાર્યરત છે. કંપનીએ સહયોગાત્મક રીતે શ્રેષ્ઠ બટાકાનો કૃષિકાર્યક્રમ વિકસાવ્યો છે, જેનાથી દેશભરમાં હજારો ખેડૂતોનો લાભ થયો છે."
"આ કાર્યક્રમમાં બજારજાગૃતિની કેટલીય પહેલ સામેલ છે. જેના થકી ખેડૂતોને શ્રેષ્ઠ ઉત્પાદન, ગુણવત્તા, તાલીમ અને ઉત્તમ કિંમતો મળી છે અને તેમનું જીવનધોરણ સુધર્યું છે."
"ત્યારે ખેડૂતોના વિસ્તૃત લાભ માટે પેપ્સિકો ઇન્ડિયા પોતાના અધિકૃત પ્રકારના રક્ષણ માટે કાયદાકીય શરણ લેવા મજબૂર હતી. પેપ્સિકોએ શરૂઆતથી ખેડૂતો સક્ષમ મૈત્રીપૂર્ણ સમાધાનનો પ્રસ્તાવ રાખ્યો હતો."
"આ બાબતે સરકાર સાથે ચર્ચા થયા બાદ ખેડૂતો વિરુદ્ધના કેસ પરત લેવા કંપની તૈયાર થઈ છે."
ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું, "પેપ્સિકોએ ખેડૂતો વિરુદ્ધના કેસ પરત લેવાનો નીતિગત નિર્ણય લીધો છે. જોકે, આ નીતિગત નિર્ણય ન તો કોર્ટ સમક્ષ કે ન તો વકીલ સમક્ષ રજૂ કરાયો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જતન ટ્રસ્ટ સાથે સંકળાયેલા કપિલ શાહે આ ઘટનાને ખેડૂતોનો મોટો વિજય ગણાવ્યો છે.
શાહે જણાવ્યું, "કંપનીએ કેસ પરત લીધા છે કે લેવાની છે એ અંગેના દસ્તાવેજો ચકાશવામાં આવશે."
"વળી, આ બાબતે કંપનીની શરત અને નિયમો જોઈશું અને બાદમાં આગળની રણનીતિ તૈયાર કરીશું."
કપિલ શાહે આ મામલે પેપ્સિકો સમક્ષ ખેડૂતોની માફી અને વળતર માગ્યું છે.
આ ઉપરાંત, ભવિષ્યમાં કોઈ ખેડૂત વિરુદ્ધ આવું પગલું ન ભરવાની પેપ્સિકો દ્વારા ખાતરી આપવામાં આવે એવી પણ શાહે માગ કરી છે.
નોંધનીય છે કે લૅયઝ ચિપ્સમાં વપરાતા બટાકાનાં બિયારણની વેરાઇટી કંપનીએ રજિસ્ટર કરાવેલી હોઈ, પરવાનગી વિના કોઈ ખેડૂત આ વેરાઇટીના બટાકાની ખેતી કરી શકે નહીં એવું કહીને કંપનીએ ગુજરાતના ચાર ખેડૂતો વિરુદ્ધ કેસ દાખલ કર્યા હતા.
જેને પગલે 190થી વધારે કાર્યકરોએ એક પત્ર લખીને કેન્દ્ર સરકારને કહ્યું હતું કે સરકાર આંતરરાષ્ટ્રીય કંપની પેપ્સિકોને આ ખોટા કેસ પરત ખેંચી લેવા માટે કહે.

કરોડોનો દાવો મંડાયો હતો
આ પહેલાં પેપ્સિકોએ સાબરકાંઠાના ચાર ખેડૂતો વિરુદ્ધ કેસ કર્યા હોવાનું અને દરેક ખેડૂત પર એક કરોડ રૂપિયાનો દાવો માંડ્યો હોવાનું કપિલ શાહે જણાવ્યું હતું.
તેમના જણાવ્યા અનુસાર આ સિવાય 2018માં પણ ગુજરાતના અરવલ્લી જિલ્લાના પાંચ ખેડૂતો પર કેસ કરવામાં આવ્યા હતા.
એ વખતે પેપ્સિકો કંપનીએ બીબીસીને આપેલા જવાબમાં કહ્યું હતું કે આ પગલું તેણે પોતાના અધિકારોની રક્ષા માટે લીધું હતું.
પેપ્સિકો ઇન્ડિયા હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ 1 ફેબ્રુઆરી, 2016માં FL-2027 વેરાઇટીના બટાકાના બિયારણનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
જેનો પ્રૉટેક્શન પિરિયડ 31 જાન્યુઆરી, 2031ના રોજ પૂરો થાય છે. એટલે કે 2031 બાદ જ અન્ય ખેડૂતો આ બિયારણનો ઉપયોગ કરી શકે છે.

આપને આ પણ વાચવું ગમશે


શું કહે છે ખેડૂતો?

ઇમેજ સ્રોત, Getty Images
પેપ્સિકોએ 2018માં અરવલ્લી જિલ્લાના પાંચ ખેડૂતો પર FL-2027 વેરાઇટીના બટાકાનું વાવેતર કરવા બદલ મોડાસા કોર્ટમાં કેસ કર્યા હતા.
અરવલ્લીના ખેડૂત જિતુ પટેલ પર પણ પેપ્સિકોએ કેસ કર્યો હતો. બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે કંપનીએ આ અંગે કોઈ જાણકારી ના આપી હોવાનું જણાવ્યું.
જિતુ પટેલે કહ્યું, "કંપનીએ અમારી કે જતન ટ્રસ્ટ સાથે આ મામલે કોઈ પણ પ્રકારની વાત કરી નથી. અમને તો આ અંગે ટીવીમાંથી જાણવા મળ્યું છે."
તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે તેમના સહિત અરવલ્લીના ત્રણ અન્ય ખેડૂતો પ્રભુદાસ પટેલ, ભરત પટેલ અને વિનોદ પટેલ પર સંયુક્ત રૂપે 20 લાખ રૂપિયાનો દાવો કરવામાં આવ્યો હતો.
તેઓ કહે છે, "આ વિસ્તારમાં બટાકાના ખેડૂતો વેન્ડર મારફતે પેપ્સિકો કંપની સાથે જોડાય છે." તેમને ખબર પડી કે કંપનીએ તેમના વિરુદ્ધ દાવો માંડ્યો હતો."

ખેડૂતને કેવી રીતે મળે જાણકારી?

ઇમેજ સ્રોત, AFP/Getty
જિતુ પટેલ કહે છે કે તેમનો પરિવાર ચાર એકર જમીનમાં પેપ્સિકો કંપનીના કાર્યક્રમ હેઠળ બટાકાનું વાવેતર કરતો હતો.
જિગર પટેલે કહ્યું કે ખેડૂતો પાસે બટાકાની વેરાઇટી ચકાસવાનાં સાધનો હોતાં નથી. તેઓ અલગ-અલગ જગ્યાએથી બિયારણ લાવીને વાવેતર કરે છે.
તેઓ ઉમેરે છે કે ઘણી વેરાઇટીના બટાકા એકસરખા દેખાતા હોઈ ખેડૂતને એ સમજવામાં પણ મુશ્કેલી પડે છે કે કયા બટાકા કઈ વેરાઇટીના છે.

શું કંપની આ રીતે ખેડૂતો પર કેસ કરી શકે?

ઇમેજ સ્રોત, Shailesh Chouhan
ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અંબુભાઈ પટેલ કહે છે, "ખેડૂતો અનેક જગ્યાએથી બિયારણ લેતા હોય છે. એવામાં તેમના પર આ રીતે કરોડોનો દાવો કરવો અને એમ કહેવું કે તેઓ પેપ્સિકો માટે ખતરો છે તે બરાબર નથી."
જતન ટ્રસ્ટ સાથે જોડાયેલા કપિલ શાહ કહે છે કે ભારતમાં પીપીવી ઍન્ડ એફઆરએ એટલે પ્રૉટેક્શન ઑફ પ્લાન્ટ વેરાઇટી ઍન્ડ ફાર્મર્સ રાઇટ્સ ઍક્ટ હેઠળ ખેડૂતોને બિયારણના વાવેતરને લઈને રક્ષણ મળેલું છે.
190થી વધુ કાર્યકરોએ કેન્દ્રીય કૃષિમંત્રી અને પ્રૉટેક્શન ઑફ પ્લાન્ટ વેરાઇટી ઍન્ડ ફાર્મર્સ રાઇટ્સ ઑથૉરિટીને પત્ર લખીને કહ્યું હતું કે પેપ્સિકો પીપીવી ઍન્ડ એફઆરએની કલમ-64નું પોતાની રીતે અર્થઘટન કરીને ખેડૂતો પર કેસ કર્યો છે.
કલમ-64 પ્રમાણે જો કોઈ રજિસ્ટર કરેલી વેરાઇટીનું વેચાણ, આયાત, નિકાસ કે પછી વિના પરવાનગીએ ઉત્પાદન કરે તો તેને કાયદાનું ઉલ્લંઘન માનવામાં આવશે.
જોકે, આ કાયદાની કલમ 39 (iv)માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કાયદાની તમામ જોગવાઈઓ છતાં ખેડૂત બિયારણની બચત, ઉપયોગ, વાવતેર, ફરી વાવેતર, આદાન-પ્રદાન કરી શકે છે. તે બિયારણ કોઈને આપી શકે અને વેચી શકે છે.
તેમજ બિયારણના રજિસ્ટ્રેશન પહેલાં બિયારણથી લેવામાં આવેલા પાકનું વેચાણ કરતા હતા એ જ રીતે કરી શકે છે.
કૃષિ બાબતોના નિષ્ણાત દેવેન્દ્ર શર્મા કહે છે કે જો ખેડૂત ભૂલમાં કોઈ અન્યના નામે રજિસ્ટર્ડ બિયારણ વાપરી લે તો કાયદા પ્રમાણે તેના પર કેસ ન થાય.

આપને આ પણ વાચવું ગમશે


સમાધાનનો રસ્તો

ઇમેજ સ્રોત, Getty Images
પેપ્સિકોએ ઉત્તર ગુજરાતમાં ખેડૂતો પર અમદાવાદની કૉમર્શિયલ કોર્ટમાં કેસ કર્યા હતા, જેની 26 એપ્રિલના રોજ સુનાવણી થઈ હતી. ત્યારે પેપ્સિકો કંપનીએ ખેડૂતો સાથે સમાધાન કરવાની વાત કહી હતી.
કંપનીએ શરત મૂકી હતી કે ખેડૂતો બાંહેધરી આપે કે તેઓ રજિસ્ટર થયેલું બિયારણ નહીં વાપરે અથવા તેઓ કંપની સાથે કૉન્ટ્રેક્ટ કરીને જ તેનું વાવેતર કરશે.

ક્યાંથી આવ્યા લેઝ ચિપ્સના બટાકા?

ઇમેજ સ્રોત, Getty Images
ડીસા પોટેટો રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિક ડૉ. આર. એન. પટેલ કહે છે કે FL-2027 વેરાઇટી અમેરિકામાં 2003માં વિકસાવવામાં આવી હતી અને ભારતમાં તેનો ઉલ્લેખ FC-5 તરીકે કરવામાં આવે છે.
તેઓ જણાવે છે કે આ પ્રકારના બટાકામાં રહેલાં લક્ષણો પ્રોસેસિંગ માટે છે, જેથી તેનો ઉપયોગ ચિપ્સ બનાવવા માટે કરવામાં આવે છે.
તેઓ જણાવે છે કે પેપ્સિકો કમ્પની ખેડૂતો પાસે કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ કરાવતી થઈ છે, જેમ કે કરાર મુજબ ખેડૂતોને એ વિશેષ પ્રકારના બિયારણ આપવામાં આવે. કંપનીઓ 40-45 મિલીમિટરના વ્યાસવાળા બટાકા ખેડૂતો પાસે લેતી હોય છે. તેનાથી નાના આકારના બટાકા નથી લેવામાં આવતા.
ગૂગલ પેટેન્ટ્સ પ્રમાણે FL-2027 વેરાઇટીના બટાકાના શોધક રૉબર્ટ હૂપ્સ છે અને અમેરિકામાં 2003માં ફ્રિટો લે નૉર્થ અમેરિકા ઇન્ક નામની કંપનીને આ પેટેન્ટ આપવામાં આવી હતી, જેની એક્સપાયરી 2023માં થતી બતાવે છે.
ડૉ. આર. એન. પટેલ કહે છે કે કોઈ પણ બિયારણની રજિસ્ટ્રી કરવામાં આવે તો કોઈ પણ વેરાઇટી પર 20 વર્ષ સુધી વિશિષ્ટ અધિકાર મળી રહે છે. 20 વર્ષ પછી પરવાનગી અને રૉયલ્ટી વગર કોઈ પણ તેનો પ્રયોગ કરી શકે છે.

આપને આ પણ વાચવું ગમશે

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













