ગાંધીજીના આગમન પહેલાં ગુજરાતનો રાજકીય માહોલ કેવો હતો?

- લેેખક, ઉર્વિશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગાંધીજીના આવતા પહેલાં ગુજરાત ઊંઘતું હતું? ગુજરાતનું રાજકારણ ઠંડુ હતું? ગાંધીજીની નેતાગીરી માટે મોકળું મેદાન હતું? તે આવ્યા અને સીધા ટોચે પહોંચી ગયા?
દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી પાછા આવ્યા ત્યારે તે ખાસ્સા 46 વર્ષના હતા. છતાં, જાહેર જીવનમાં તેમની પરિસ્થિતિ વિશિષ્ટ હતી.
એક તરફ, તેમની પાસે દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતના વિવિધ પ્રાંતના લોકોની નેતાગીરીનો અને સત્યાગ્રહ જેવી ચળવળનો વિશિષ્ટ અનુભવ હતો.
તેના કારણે મળેલી નામના પણ ખરી. બીજી તરફ ભારતની વાસ્તવિકતાથી તે અજાણ હતા.
પોતે આ જગતને કંઈક આપવાનું છે, એ બાબતમાં તેમનો આત્મવિશ્વાસ ભારે હતો. સાથે, દેશના લોકો અને દેશના પ્રશ્નોથી તે કેટલા દૂર છે એનો પણ તેમને બરાબર અહેસાસ હતો.
1919માં તેમણે 'નવજીવન' સાપ્તાહિક સંભાળ્યું, તેના પહેલા જ અંકમાં લખ્યું હતું, 'મારું ભાષાજ્ઞાન (અહીંના લેખકોની સરખામણીમાં) ઘણું ઓછું છે. 20 વર્ષ સુધી બહાર રહેલા મને હિંદુસ્તાનના પ્રશ્નોની ઓછી જ માહિતી હોય.
આ વિવેકની ભાષા નથી, પણ મારી દશાનો તાદૃશ ચિતાર છે.' (નવજીવન 7 સપ્ટેમ્બર, 1919 પૃ.3, 'અમારો ઉદ્દેશ')
આ જ લેખમાં આગળ તેમણે લખ્યું હતું કે તેમણે જીવનમાં ગોઠવેલા ને અમલમાં મૂકેલા કેટલાક સિદ્ધાંતોથી તેમને સુખ મળ્યું છે અને 'એ સિદ્ધાંતો હિંદને આપી મારા સુખનો અનુભવ હિંદને કરાવવાની મને ભારે અભિલાષા છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગુજરાતની-મુંબઈ પ્રાંતની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
અંગ્રેજી રાજના મુંબઈ પ્રાંતમાં અત્યારના ગુજરાતનો સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયનો ભાગ આવી જતો હતો. એવી જ રીતે, અત્યારનું મહારાષ્ટ્ર પણ મુંબઈ પ્રાંતમાંથી અલગ પડ્યું ન હતું.
અમદાવાદ-વડોદરા-સુરતની સાથે મુંબઈ-પૂના પણ પ્રાંતનાં મહત્ત્વનાં કેન્દ્રો હતાં.
વર્ષ 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ, તેના એક વર્ષ પહેલાં રાજકીય પ્રશ્નોની ચર્ચા માટે અમદાવાદમાં 'ગુજરાત સભા' સ્થપાઈ હતી.
મુંબઈમાં ફિરોજશાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી જેવા અગ્રણીઓએ 'પ્રૅસિડેન્સી ઍસોસિયેશન' સ્થાપ્યું હતું. (અર્વાચીન ગુજરાતીનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ડૉ. શિવપ્રસાદ રાજગોર, પૃ.141) 1902માં રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં ભરાયું હતું.
તેના અધ્યક્ષપદે સુરેન્દ્રનાથ બૅનરજી અને સ્વાગતપ્રમુખ તરીકે અંબાલાલ સાકરલાલ દેસાઈ હતા.
એ સમયે મુંબઈ પ્રાંતની રાજકીય પ્રવૃત્તિમાં ગુજરાતીભાષી પારસીઓ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા.
'મુંબઈના બેતાજ બાદશાહ' ફિરોજશાહ મહેતા ઉપરાંત 'હિંદના દાદા' તરીકે ઓળખાયેલા દાદાભાઈ નવરોજી અને દિનશા વાચ્છા તેમાં મુખ્ય હતા.
મરાઠી નેતાઓમાં ગાંધીજીથી તેર વર્ષ મોટા 'લોકમાન્ય' બાળગંગાધર ટિળક અને ગાંધીજીથી ત્રણ વર્ષ મોટા ગોપાલકૃષ્ણ ગોખલેનો દબદબો હતો.
ગુજરાતી ભાષી મહંમદઅલી ઝીણા જેવા તેજસ્વી-યુવાન બૅરિસ્ટર ગોખલેની સાથે રહીને 'મુસ્લિમ ગોખલે' બનવાની ઇચ્છા ધરાવતા હતા.
ગોખલેએ દેશના લોકોની સેવા માટે 1905માં 'સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટી' (હિંદ સેવક સમાજ)ની સ્થાપના કરી હતી.
તેમનાથી દસ વર્ષ મોટા ટિળક દેશસેવા માટે બીજા કાર્યક્રમો ઉપરાંત મરાઠીમાં 'કેસરી' અને અંગ્રેજીમાં 'મરાઠા' જેવાં છાપાં ચલાવતા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

રાજકારણના બે ફાંટા

ઇમેજ સ્રોત, Getty Images
કોંગ્રેસનું રાજકારણ સમાજના ઉપલા વર્ગના કેટલાક લોકો પૂરતું મર્યાદિત, ભાષણ-ચર્ચા કેન્દ્રી અને અંગ્રેજીમય હતું.
નેતાઓ સાહેબી ભોગવતા. ગાંધીજીએ 1901ના અધિવેશનમાં ભાગ લેવાનો તેમનો અનુભવ 'આત્મકથા'માં નોંધ્યો છે.
ફિરોજશાહ ટ્રેનમાં ખાસ સલુન જોડાવીને જતા. રવીન્દ્રનાથના બનેવી અને અગ્રણી જાનકીનાથ ઘોષાળનાં બટન સુદ્ધાં નોકર બંધ કરી આપતા.
નવોદિત તરીકે ગાંધીજીએ વડીલનું એ કામ ઉપાડી લીધું ત્યારે જાનકીનાથ તેમને કહેતા હતા, 'જુઓને, મહાસભાના સેવકને બટન ભીડવાનો સમય ન મળે, કેમ કે તે વખતે પણ કામ કરવાનું રહે.' (આત્મકથા, સમીક્ષિત આવૃત્તિ, પૃ.281) નેતાઓ કે અધિવેશનમાં આવેલા પ્રતિનિધિઓ જાતે કશું કરે નહીં.
સ્વયંસેવકોને જ હુકમ આપ્યા કરે. નેતાઓ-પ્રતિનિધિઓના જ્ઞાતિના ખ્યાલો ને ચુસ્તતા પ્રમાણે તેમનાં રસોડાં પણ જુદાં થાય. સંમેલનમાં અંગ્રેજીમાં ઠરાવો વંચાય ને પસાર થાય. આવી સ્થિતિ હતી.
1905માં બંગાળના ભાગલા અને સ્વદેશી આંદોલન પછી ઉગ્ર અને નરમ વિચારધારા વચ્ચેના ભેદ વધારે તીવ્ર બન્યા.
અંગ્રેજો સાથે તો લડાઈ થતાં થાય, પણ 1907ના સુરત અધિવેશનમાં નરમ અને ઉગ્ર જૂથો વચ્ચે લડાઈ થઈ.
ઉગ્ર પક્ષના કોઈ ટેકેદારે નરમ પક્ષના નેતાઓ પર જોડો ફેંક્યો અને ધાંધલ મચ્યું.
બંગાળના ભાગલાના ઉગ્ર વિરોધમાંથી બૉમ્બ બનાવવાની હિંસક પ્રવૃત્તિ શરૂ થઈ અને રાષ્ટ્રીય આંદોલનનો હિસ્સો બની.
ત્યાર પહેલાં ટિળક અંગત સ્વાર્થ વિના થતી હિંસાને વાજબી ઠેરવી ચૂક્યા હતા.
બૉમ્બથી ક્રાંતિ કરવાનો ખ્યાલ યુવાનો માટે આકર્ષક હતો. બંગાળ ઉપરાંત ગુજરાતમાં પણ તેના છૂટાછવાયા પ્રયાસ થયા.
1909માં અમદાવાદમાં વાઇસરૉય લૉર્ડ મિન્ટો પર બૉમ્બ ફેંકાયો. અંગ્રેજી રાજના તાપથી સલામત અંતરે, ગાયકવાડી વડોદરામાં અરવિંદ ઘોષ જેવા અધ્યાપકને કારણે યુવાનોમાં જાગૃતિ અને ઉગ્રતા આવ્યા.
તેમના એક શિષ્ય અને આગળ જતાં અહિંસાનો માર્ગ અપનાવાર નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલે બૉમ્બ બનાવવાની રીતો વર્ણવતાં પુસ્તક લખ્યાં.
ઇંગ્લૅન્ડમાં અભ્યાસ દરમિયાન ગાંધીજીના સમકાલીન એવા કેશવરાવ દેશપાંડે વડોદરામાં ગંગનાથ વિદ્યાલય ચલાવતા હતા. તેમાં અખાડા પ્રવૃત્તિની સાથે ઉગ્ર રાષ્ટ્રવાદના પાઠ પણ અપાતા હતા.
કાકાસાહેબ કાલેલકર, મામાસાહેબ ફડકે જેવા લોકો ગંગનાથ વિદ્યાલયમાં હતા.
કાકાસાહેબ અને સ્વામી આનંદ મિત્રો. વળી આ બધા મિત્રો ટિળકના અનુયાયી અને હિંસાનો છોછ નહીં રાખનારા. તેમના આરાધ્ય ટિળકને 1909માં રાજદ્રોહના આરોપસર છ વર્ષની જેલ થઈ. તેમને માંડલે (બર્મા) મોકલી દેવાયા.


ગાંધીજી : આરંભથી ટોચે

ઇમેજ સ્રોત, Getty Images
જેલમાંથી છૂટેલા લોકમાન્ય ટિળકે અને થિયોસૉફિકલ સોસાયટીનાં અધ્યાત્મવાદી ઍની બેસન્ટે 1915-16માં પોતપોતાની રીતે 'હોમરૂલ લીગ'ની સ્થાપના કરી.
લીગનો આશય ચળવળને નવું જોશ આપવાનો હતો. ગુજરાતનાં શહેરો-નગરો ઉપરાંત ગામડાંમાં પણ હોમરૂલના આંદોલને જોર પકડ્યું.
મહંમદઅલી ઝીણા, કનૈયાલાલ મુનશી, ઇન્દુલાલ યાજ્ઞિક જેવા ઘણા જુવાનો હોમરૂલ આંદોલનમાં જોડાયા. (જવાહરલાલ નહેરુ પણ હોમરુલ લીગમાં જોડાયા હતા.)
સ્વદેશી આંદોલન પછીના એકાદ દાયકે થયેલા હોમરૂલ આંદોલનથી સ્વરાજની ચળવળમાં નવી ગતિ-નવું જોશ પેદા થયાં.
ત્યારે ગાંધીજી ભારતમાં આવી ચૂક્યા હતા અને તે દેશનો તથા રાજકીય પ્રવાહોનો અભ્યાસ કરી રહ્યા હતા.
ગાંધીજીની ઇચ્છા ગોખલેની 'સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટી'માં જોડાવાની હતી.
ગોખલે તેમને જોડવા આતુર હતા પણ સોસાયટીના સભ્યોમાં એ બાબતે મતભેદ હતો. એટલે ગોખલેએ ગાંધીજી જ્યાં આશ્રમ સ્થાપે ત્યાં આર્થિક મદદ કરવાની તૈયારી બતાવી હતી અને કહ્યું હતું, 'તેને હું મારું જ આશ્રમ ગણવાનો છું.' (આત્મકથા, સમીક્ષિત આવૃત્તિ, પૃ.468-૯).
પરંતુ 1915માં ગોખલેનું અવસાન થતાં ગાંધીજી માટે એ દિશા બંધ થઈ.
દરમિયાન ગાંધીજીના નક્કર અભિગમનો અને કહેણી-કરણી વચ્ચેની એકરૂપતાનો અનુભવ બધાને થવા લાગ્યો.
બૅરિસ્ટર વલ્લભભાઈ પટેલ જેવા ઘણા લોકો સ્થાનિક જાહેર જીવનમાં સક્રિય હતા.પણ તેમને દેશના રાજકારણમાં ઝંપલાવવાની ઇચ્છા થતી ન હતી.
1917માં ગાંધીજીએ ચંપારણમાં સત્યાગ્રહની તાકાતનો પહેલો મોટો નમૂનો દેખાડ્યો. વલ્લભભાઈ જેવા અલિપ્ત રહેતા લોકો, હોમરૂલવાળા નેતાઓ અને કાકાસાહેબ-સ્વામી આનંદ જેવા ટિળકના અનુયાયીઓ ગાંધીજીની અનોખી કાર્યપદ્ધતિથી- તેમની સિદ્ધાંતનિષ્ઠાથી આકર્ષાતા ગયા.
ઇન્દુલાલ યાજ્ઞિકે તેમનું ગુજરાતી સામયિક 'નવજીવન અને સત્ય' તથા શંકરલાલ બૅન્કરે તેમનું અંગ્રેજી સામયિક 'યંગ ઇન્ડિયા' ગાંધીજીને સોંપ્યાં.
હોમરૂલ આંદોલનથી આવેલી સક્રિયતાનો કોંગ્રેસને સારો એવો લાભ મળ્યો. તેમાંથી કાર્યકરો પણ મળ્યા.
ચંપારણ સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહ જેવા સ્થાનિક પ્રશ્નો વિશેના સત્યાગ્રહોમાં વિશિષ્ટ પદ્ધતિ અને સત્યાગ્રહના અનોખા શાસ્ત્રને લીધે ગાંધીજી આખા દેશના નેતા તરીકે ઊભરતા ગયા.
વયોવૃદ્ધ ટિળકના જીવતાંજીવ જાણે દેશની નેતાગીરીના ટોચના સ્થાને સહજ ક્રમમાં ગાંધીજીનું સ્થાન તૈયાર થયું.
1920માં ટિળકનું અવસાન થયું ત્યારે એ પ્રક્રિયા સંપૂર્ણ બની.


વિશ્લેષણ

ગુજરાતનું-મુંબઈ પ્રાંતનું જાહેર જીવન ગાંધીજીના આગમન પહેલાં નિષ્ક્રિય ન હતું. ખાસ કરીને હોમરુલ આંદોલન વખતે ઘણી ચહલપહલ થઈ હતી.
પરંતુ ગાંધીજીએ પરંપરાગત પદ્ધતિઓને બદલે સાવ નવા અભિગમથી લડત ઉપાડી.
ગાંધીજીની નેતાગીરી પહેલાં સ્વરાજની લડત ઘણી હદે અમુક વર્ગ પૂરતી મર્યાદિત હતી.
ગાંધીજીએ તેનો વિસ્તાર કર્યો અને કોંગ્રેસના દરવાજા પણ સામાન્ય લોકો માટે ખોલી નાખ્યા.
વકીલ-બૅરિસ્ટરો દ્વારા અંગ્રેજીમાં લખી-બોલીને ચાલતી લડતને બદલે ગાંધીજીએ માતૃભાષાનો મહિમા કર્યો અને લખવા-બોલવા કરતાં વધારે ભાર આચરણ પર મૂક્યો. લોકોના મનમાં રહેલો સરકારનો ડર તેમણે દૂર કર્યો.
આ બધી બાબતોની ગુણાત્મક અસર એટલી મોટી અને જૂના નેતાઓ દ્વારા ચાલેલી ચળવળ કરતા એટલી અલગ હતી કે આખા આંદોલનનો જાણે એક જુદો, નવો અને નિર્ણાયક તબક્કો શરૂ થયો હોવાનું લાગ્યું.
ગાંધીજીનું આંદોલન ફક્ત મોટો વળાંક નહીં, મોટો કૂદકો પણ બન્યું. તેની સરખામણીમાં અગાઉના નેતાઓનું પ્રદાન ઝાંખું પડવા લાગ્યું.
અલબત્ત, ગાંધીજીએ તેમની પહેલાંના નેતાઓને હંમેશાં અત્યંત માનપૂર્વક યાદ કર્યા અને યથાયોગ્ય આદર આપ્યો. એ લોકો માટેનો ગાંધીજીનો ભાવ અને આદર તેમણે લખેલી અંજલિઓમાં બરાબર જોવા મળે છે.
ગાંધીજી એવું માનતા ન હતા કે તેમના આવતાં પહેલાં અંધારું હતું ને તેમણે જ ચળવળની શરૂઆત કરી.
સાથોસાથ, રાજકીય ઉપરાંતનાં બીજાં ક્ષેત્રોમાં તેમનો પ્રભાવ એટલો વ્યાપક અને ઊંડો પડ્યો કે તેમની લીટી બીજા બધા કરતાં લાંબી જ બની રહી.
(ઉર્વીશ કોઠારી ગુજરાતના જાણીતા પત્રકાર અને લેખક છે. બીબીસી ગુજરાતી સેવા પર બીજી ઑક્ટોબરથી શરૂ થયેલી 'બાપુ, બોલે તો...' શૃંખલામાં આ તેમનો બીજો લેખ છે. આ શૃંખલા અંતર્ગત દર અઠવાડિયે ગાંધીજી પર એક લેખ પ્રસિદ્ધ કરવામાં આવશે. )

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















