શું 'નરેન્દ્ર મોદીના જયાપુર' સિવાય અન્ય ગામોમાં વિકાસ નથી પહોચ્યો?

કચહરિયા ગામના બિમલા દેવી
ઇમેજ કૅપ્શન, કચહરિયા ગામનાં બિમલા દેવી
    • લેેખક, નિતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા, વારાણસી(જયાપુર ગામ)થી

માટી લીપેલી એક ખુલ્લી ઝૂંપડીની અંદર ચૂલા પર ચા ઊકળી રહી છે.

બાજુમાં ખાટલા પર બેઠેલા બે યુવાનો ચર્ચા કરી રહ્યા છે કે આ શનિવારે બાજુના ગામમાં બૅન્ક ખુલશે કે બંધ રહેશે?

સાંકળા પણ પાક્કા રસ્તાના કિનારે આવેલી આ ચાની દુકાન 79 વર્ષનાં જૂના દેવીની છે.

તેમણે પૂછ્યું, "વિધવાઓને પેન્શન મળશે? ઘડપણમાં હવે ચા-પાનની દુકાન ચલાવવાનું મુશ્કેલ થઈ રહ્યું છે અને પરિવારમાં બીજો કોઈ સહારો પણ નથી."

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન
ચાની દુકાન ચલાવતા જૂના દેવી
ઇમેજ કૅપ્શન, ચાની દુકાન ચલાવતાં જૂના દેવી

આ વારાણસી મતવિસ્તારમાં આવતું કચહરિયા ગામ છે.

અમે અહીં એવા માટે પહોંચ્યા કે આ ગામને અડીને જ જયાપુર આવેલું છે. જયાપુર એ જ ગામ છે જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત દત્તક લીધું છે.

એમ તો સાંસદ તરીકે નરેન્દ્ર મોદીએ પોતાના વારાણસી મતવિસ્તારમાં ચાર ગામ જયાપુર, નાગેપુર, કકહરીયા અને ડોમરીને દત્તક લીધાં છે. પરંતુ તેમાં સૌથી પહેલો નંબર જયાપુરનો આવ્યો હતો.

વારાણસી શહેરથી લગભગ એક કલાકના અંતરે આવેલા જયાપુર જતાં પહેલાં રસ્તામાં બે ગામ પડે છે. જેમાં કચહરિયા પહેલાં આવે છે.

અમે કચહરિયા ગામની સ્થિતિ પર વાત કરતા આગળ વધતા હતા, ત્યાં જ બે મહિલાઓએ અમને આવીને અટકાવ્યા, "મીડિયામાંથી આવ્યા છો?"

જવાબ આપતાં જ બોલી, "છેલ્લાં પાંચ વર્ષમાં ઘણા મીડિયાવાળા આવ્યા. ટીવી પર જયાપુર જ બતાવે છે, બસ. અમારા ઘરે આવો બે મિનિટ માટે."

તેમાંથી એક આધેડ વયની મહિલા અમને તેના ઘરે લઈ ગઈ.

બે ઓરડી, પાંચ ફૂટ ઊંચી છત વાળી એક ઝૂંપડીની અંદર થોડાં વાસણ રાખ્યાં છે, એક ટેબલ છે અને બે બલ્બ લગાવેલા છે.

મેં પૂછ્યું, "તમારે ત્યાં વીજળી છે?" તો જવાબ મળ્યો, "વીજળી તો પહેલાં કરતાં ઘણી સારી થઈ ગઈ છે. એક વર્ષ પહેલાં ગામના લગભગ દરેક ઘરમાં મીટર લાગી ગયાં છે. પણ તકલીફ એ છે કે મીટર બંધ પડ્યાં છે અને અમે તાર લગાવીને વીજળી વાપરીએ છીએ."

આ રીતે વીજળી વાપરવી ગેરકાયદેસર છે અને તેને વીજળીની ચોરી કહેવાય, એવો પ્રશ્ન કરતા બિમલા મારા પર વિફર્યાં.

"અમે લોકોએ આટલું બધું માગ્યું, કમ સે કમ એક હૅન્ડપંપ મળી જાત, કારણ કે કૂવા પર પાણી ભરવાં જવું પડે છે પણ કંઈ મળ્યું નહીં. તો હવે શું આમ વીજળી ન લઈએ અને ગરમીમાં મરી જઈએ?"

લાઇન
લાઇન
કચહરિયા ગામના લોકો હૅન્ડપંપની માગ કરી રહ્યા છે
ઇમેજ કૅપ્શન, કચહરિયા ગામના લોકો હૅન્ડપંપની માગ કરી રહ્યા છે

કચહરિયા ગામના લગભગ સો પરિવારને પીવાના પાણી માટે કૂવા પર આધાર રાખવો પડે છે.

ગામમાં ન કોઈ પાણીની ટાંકી છે ન પાણીનો કોઈ સપ્લાય. કેટલીક વસાહતોમાં તો પાણીની ડંકી પણ નથી.

છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે શૌચાલય તો બનાવી દીધાં છે પણ તેમાં પાણીનો સપ્લાય નથી. ગામમાં પીવાના શુદ્ધ પાણીની પણ અછત છે.

અમે જેમને મળ્યા તે સુનિતા દેવીના દિવસની શરૂઆત ઘરમાં પાણી લાવવાથી ચિંતાથી જ થાય છે.

સુનિતા દેવીએ કહ્યું, "ચોમાસામાં પાણી બહુ જ ગંદુ હોય છે. આસપાસમાં સો લોકો છે, કમ સે કમ એક મહિના સુધી કૂવાનું પાણી પી શકતા નથી. એક-બે કિલોમીટર જઈએ ત્યારે પાણી મળે છે."

સુનિતા દેવી
ઇમેજ કૅપ્શન, સુનિતા દેવી

કચહરિયા ગામ બાદ આવે છે ચંદાપુર. જયાપુરથી જોડાયેલા આ ગામની બહાર હવે એક માર્કેટ બની ગયું છે. જેમાં ઈંડાં-બ્રેડથી લઈને કૂલર સુધીની વસ્તુઓ મળે છે.

એ જોતાં થોડું આશ્ચર્ય થયું કેમ કે આ ગામને આદર્શ ગામ યોજના અંતર્ગત દત્તક નથી લેવાયું અને બે વર્ષ પહેલાં અહીં દુકાનો પણ નહોતી.

અહમદ નામના એક દુકાનદાર આનું કારણ જણાવે છે.

તેમના મતે, "જ્યારે જયાપુરમાં વિકાસનું પૂર આવ્યું તો અહીંના લોકોની માગ પણ વધી ગઈ. એ ગામમાં તો જે ખુલ્યું તે ખુલ્યું, અમારા ગામમાં પણ લોકોએ ઉધાર લઈને દુકાનો શરૂ કરી દીધી કારણ કે બધાને ખબર છે કે જયાપુરનો વિકાસ નિશ્ચિત છે."

જોકે, ચંદાપુરમાં પ્રવેશતા સ્પષ્ટ થાય છે કે ગામની સુવિધા માટે કેટલાંક કામ થયાં છે. જેમકે લગભગ દરેક ઘરમાં શૌચાલય બની ગયાં છે. તેમજ સૌથી છેલ્લી વસાહત સુધી સાંકડી પણ પાક્કી સડક બની ગઈ છે.

વાળંદની દુકાને અમે બેઠક જમાવી.

વાળંદની દુકાન ચલાવતા મુલ્ક રાજ શર્મા
ઇમેજ કૅપ્શન, વાળંદની દુકાન ચલાવતા મુલ્ક રાજ શર્મા

દુકાનના માલિક મુલ્ક રાજ શર્માએ કહ્યું, "એવું નથી કે કામ નથી થયું. કામ થયું પણ ઓછું થયું. હવે નવી સરકાર આવશે તો વધુ સારું થશે."

તેમની દુકાનની બરાબર સામે એક જર્જરિત ઇમારત હતી, જેની દિવાલો તૂટી ગઈ હતી. જાણવા મળ્યું કે એ ગામની પંચાયતનું કાર્યાલય છે.

થોડા આગળ ગયા તો કચહરિયા ગમનું દૃશ્ય સ્પષ્ટ થવા લાગ્યું.

કચરાના ઢગલા, ફાઈબરના બનેલાં પણ બંધ પડેલાં શૌચાલય. ઘણા લોકોએ એમાં ઘાસ ભર્યું હતું.

કેટલાંક કાચાં મકાનો સામે બે સ્ત્રી ચબૂતરા પર બેસીને કપડાં ધોઈ રહી હતી.

ગામમાં આટલાં વર્ષોમાં શું બદલાયું એવું પૂછતા એકે કહ્યું, "ફરીને જોઈ લો, જાતે જ ખબર પડી જશે, અમે તો જ્યાં હતાં ત્યાં જ છીએ."

એટલામાં તેમના પતિ ઘરમાંથી બહાર નીકળે છે અને પત્નીને ચુપ કરાવતા બોલ્યા, "બધુ બરાબર છે, સારું જ છે. બધું જ થયું છે, હું કહું છું મોદીજીએ ઘણું કામ કર્યું છે."

પણ હવે ચંદાપુર અને કચરિયામાં અમને વધારે ફેર નહોતો જણાતો.

ચંદાપુર

ગામના વેપારી અનિલ ગોસ્વામી સાથે અમારી મુલાકાત થઈ.

તેમણે કહ્યું, "મોદીજીનું લક્ષ્ય હતું કે અમે જાતે વિકાસ ન કરીએ, તાલુકાના માધ્યમે અમારો વિકાસ થાય. પરંતુ તેના નામે કોઈ બહારની કંપની આવીને સોલર લાઇટ લગાવી દે છે, પાણીની ટાંકી મૂકી જાય છે. અમારા ગામમાં થયું હોત તો સારું થાત પણ અમારા ગામમાં કંઈ થયું નથી."

હવે સમય હતો પાંચસો મીટર આગળ વધીને જયાપુર ગામમાં પ્રવેશવાનો.

2014માં જ્યારે વડા પ્રધાને સાંસદોને ગામ દત્તક લેવા કહ્યું અને પોતે આ ગામ દત્તક લીધું ત્યારે જયાપુર ગામ સમાચારમાં ચમક્યું હતું.

દત્તક લેવાયા બાદ જયાપુર ગામના તો દિવસો જ બદલાઈ ગયા. ગામમાં સોલર પ્લાન્ટથી રાત્રે પણ વીજળી આવે છે, એટીએમ ખુલ્યાં છે. જળનિગમમાંથી પાણીનો પુરવઠો મળી રહ્યો છે, દવાખાનું બની ગયું છે, જેમાં 24 કલાક ઍમ્બુલન્સ હાજર રહે છે. એક કમ્પ્યુટર સેન્ટર અને સિલાઈકેન્દ્ર પણ ખુલી ગયું છે.

જયાપુર ગામ
ઇમેજ કૅપ્શન, જયાપુર ગામ

બપોરના સમયે ગામના ચોકમાં દિનેશ પટેલ સાથે મુલાકાત થઈ, તેઓ હવે મોબાઇલનો વેપાર કરે છે.

તેમણે કહ્યું, "અહીં સુવિધા થઈ ગઈ છે, બે-બે બૅન્ક છે. જળનિગમ ખુલ્યું છે, પાણી મળે છે.

સોલર પૅનલથી રાત્રે લાઇટ મળે છે. 24 કલાક વીજળી અને રસ્તા પણ બની ગયા છે."

જો આંકડા પર નજર નાખીએ તો જયાપુર ગામમાં લગભગ 30 ટકા લોકો ખેતી કરે છે અને 20 ટકા ખેતમજુર છે. અહીં 34 ટકા વસતી કામદારોની છે.

ઉત્તર પ્રદેશમાં સાક્ષરતાનો દર 53 ટકા છે. જ્યારે રાષ્ટ્રીય સાક્ષરતાનો દર 73 ટકા છે, પરંતુ જયાપુરની સાક્ષરતા 73 ટકા છે. આ ગામના 100 પુરુષોની સરખામણીએ 62 મહિલાઓને લખતાં- વાંચતાં આવડે છે.

એટલે કે આજની તારીખે જયાપુર ગામ વારાણસી મત વિસ્તારનું જ નહીં પણ સમગ્ર પૂર્વાંચલના વિકસિત ગામો પૈકીનું એક છે.

હોસ્પિટલ

જયાપુરના લોકોને પણ એ વાતનો અહેસાસ છે કે તેઓ તેમના વિસ્તારમાં નસીબદાર છે કે સાંસદ તરીકે વડા પ્રધાને તેમના ગામની પસંદગી કરી.

પરંતુ આ સાથે જ જયાપુરના લોકો એ પણ સમજે છે કે તેમની આસપાસના ગામની સ્થિતિ સુધરી નથી.

જયાપુર ગામના પાદરમાં પાન-સિગારેટની દુકાન ચલાવતા વંશરાજ સાથે મુલાકાત થઈ તો તેમણે કહ્યું, "ભારતની આશા મોદી જ છે."

પરંતુ પડોશી ગામો વિશે તેમણે કહ્યું,"હિંદુસ્તાનના નાગરિક છીએ, બધાનો વિકાસ થવો જોઈએ. મોદીજી બોલે છે કે સબકા સાથ સબકા વિકાસ તો દરેક ગામ, દરેક શહેરનો વિકાસ થવો જોઈએ. જેમ કે બનારસનો વિકાસ થવાથી કંઈ નહીં થાય, સમગ્ર દેશનો વિકાસ થવો જોઈએ."

જોકે, મોદીએ દત્તક લીધેલા ગામના લોકો કામની ગુણવત્તા પર પણ સવાલ કરે છે. તેમનું કહેવું છે કે જેટલા પૈસા આવ્યા હતા અને જે ગુણવત્તા સાથે કામ થવું જોઈતું એ નથી થયું. બીબીસીની અન્ય એક ટીમ સાથે ગામના લોકોએ કહ્યું હતું કે રસ્તા બન્યા ખરા પણ થોડા સમયમાં જ તૂટી ગયા.

તેમનું કહેવું હતું કે મોદીએ ગામને દત્તક લીધા બાદ ગામની તસવીર બદલી અને પાણીની સમસ્યાનો ઉકેલ પણ આવ્યો.

જોકે, મહિલાઓનું કહેવું હતું કે વડા પ્રધાને તેમના ગામમાં શૌચાલયો અને રસ્તાઓ તો બનાવી આપ્યાં પણ ગટર નથી બનાવી.

તેમનું કહેવું હતું કે ગટર ન બનવાને કારણે લોકોના ઘરમાં ગંદકી જોવા મળે છે.

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો