પ્રિયંકાએ જ્યાં કમાન સંભાળી છે તે પૂર્વાંચલમાં બે ગોળીમાં અપાય છે મર્ડરની ટ્રેનિંગ

- લેેખક, પ્રિયંકા દુબે
- પદ, બીબીસી સંવાદદાતા, પૂર્વાંચલથી
નરેન્દ્ર મોદી અને પ્રિયંકા ગાંધી વચ્ચે જો એક વાત સમાન હોય તો તે છે- પૂર્વ ઉત્તર પ્રદેશ. એટલે કે પૂર્વાંચલ પર તેમનું ફોકસ.
ઉત્તર પ્રદેશના 24 પૂર્વીય જિલ્લાઓની 29 લોકસભા બેઠકો ધરાવતો પૂર્વાંચલ દરેક મોટી ચૂંટણીમાં પોતાના ભૌગોલિક વિસ્તારથી આગળ વધી પરિણામો અને રાજનીતિક સમીકરણો પર અસર કરે છે.
એક ખાસ વાત તો એ પણ છે કે પૂર્વાંચલના રાજકારણમાં સંગઠિત માફિયા નેતાઓનો દબદબો રહ્યો છે.
પૂર્વાંચલના માફિયાઓની ભૂમિકા પર બીબીસીએ તબક્કાવાર તપાસ કરી, જેની પ્રથમ કડી અહીં વાંચો.

તમે આ વાંચ્યું કે નહીં?

પૂર્વાંચલનો માફિયા મેપ

પૂર્વીય ઉત્તર પ્રદેશના રાજકીય નક્શાને જોઈએ, તો માફિયા પ્રભાવિત વિસ્તાર ઊભરી રહ્યા છે અને જોત જોતામાં તે આખા પૂર્વાંચલને પોતાના રંગમાં રંગી દે છે.
1980ના દાયકામાં ગોરખપુરના 'હાતા વાલે બાબા' નામથી ઓળખાતા હરિશંકર તિવારીથી શરૂ થયેલો રાજકીય ગુનાખોરીનો સિલસિલો આગળનાં વર્ષોમાં મુખ્તાર અંસારી, બૃજેશ સિંહ, વિજય મિશ્રા, સોનૂ સિંહ, વિનીત સિંહ અને પછી ધનંજય સિંહ જેવા ઘણા કુખ્યાત કદાવર નેતાઓથી આગળ વધી અત્યારે પણ પૂર્વાંચલમાં બહોળા પાયે પાંગરી રહ્યો છે.
પોતાની સાથે સાથે પોતાના પરિવારજનો માટે પણ પંચાયત-બ્લૉક કમિટીઓથી માંડીને વિધાન પરિષદ, વિધાનસભા અને લોકસભા સુધી રાજનીતિક પદની ખાતરી અપાવતા પૂર્વાંચલના કદાવર નેતાઓ પોત પોતાના વિસ્તારમાં ઊંડી પહોંચ ધરાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગોરખપુર, કુશીનગર, મહારાજગંજથી શરૂ થતો આ રાજકીય તાકતનો પ્રભાવ આગળ વધી ફૈઝાબાદ, અયોધ્યા, પ્રતાપગઢ, મિર્ઝાપુર, ગાજીપુર, મઉ, બલિયા, ભદોહી, જૌનપુર, સોનભદ્ર અને ચંદોલીથી આગળ વધી બનારસ અને પ્રયાગરાજ સુધી જાય છે.
લોકસભા બેઠકોનું વિશ્લેષણ કરીએ તો સ્પષ્ટ થઈ જાય છે કે પૂર્વાંચલમાં સક્રિય દરેક કદાવર નેતા પોતાની રાજકીય શક્તિ અનુસાર એકથી ચાર બેઠકો પર પ્રભાવ પાડી શકે તેમ છે.
ચૂંટણી સુધારા પર કામ કરતા 'ઍસોસિયએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ(એડીઆર)'ના રિપોર્ટ અનુસાર 2014ની લોકસભા ચૂંટણી બાદ ચૂંટાઈ આવેલા દર ત્રીજા સંસદ સભ્ય સામે કોઈને કોઈ ગુના માટે કેસ ચાલી રહ્યા હતા.
માર્ચ 2018માં કેન્દ્ર સરકારે પોતાના એક જવાબી સોગંદનામામાં જણાવ્યું હતું કે હાલમાં દેશમાં ચૂંટાઈ આવેલા જન પ્રતિનિધિઓમાંથી કુલ 1,765 સંસદ સભ્યો સામે 565 ગુના અંગેના કેસો સાથે ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાન પર છે.
ગત સપ્ટેમ્બરમાં ગુનાકીય પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને ચૂંટણી લડતા રોકવા માટેની ઘણી જનહિતની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ માટે સંસદે કાયદો ઘડવો જોઈએ. આ કામ ન્યાયતંત્રનું નથી.


કેવી રીતે ફેલાયું માફિયા તંત્ર?

ઉત્તર પ્રદેશમાં સંગઠિત ગુના સામે લડવા માટે ખાસ કરીને ઘડવામાં આવેલી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ(એસચીએફ)ના આઈજી અમિતાભ યશ જણાવે છે, "સંગઠિત ગુનામાં સંડોવાયેલા હોવું એ માફિયાની પ્રથમ શરત છે."
"ત્યારબાદ સ્થાનિક રાજકારણ અને પ્રશાસનમાં દખલગીરી કરવી તથા ગેરકાનૂની કાળા ધનને કાયદેસરના કામોમાં રોકી સફેદ નાણાંમાં પરિવર્તિત કરવું."
"જ્યારે આ ત્રણેય મુદ્દા ભેગા થાય છે ત્યારે કોઈ પણ "ગૅંગસ્ટર અથવા ગુનેનારને 'માફિયા' કહેવામાં આવે છે."
2007માં ઉત્તર પ્રદેશમાં કુખ્યાત માફિયા દદુઆનું ઍનકાઉન્ટર કરનારા અમિતાભ માફિયાની ભૂમિકા અંગે જણાવે છે, "જો કોઈ એક પક્ષને બહુમતી મળી જાય છે, તો માફિયાની ભૂમિકા સીમિત બની રહે છે. પણ જો અલગઅલગ પરિણામો આવે, તો તેમની ભૂમિકા એકદમ વધી જાય છે."
"કારણ કે તેની અસર ભલે ક્ષેત્રીય હોય પણ રાષ્ટ્રીય ચૂંટણીમાં ખાસ કરીને આવા સ્થાનિક ઉમેદવાર મોટું ચિત્ર ઉપસાવવામાં નિર્ણાયક ભાગ ભજવે છે."
આજે રાજનીતિ અને વેપાર સુધી પગ પસારી બેઠેલા પૂર્વાંચલના આ ગૅંગવૉરની શરૂઆત વર્ષ 1985માં ગાઝીપુર જિલ્લાના મુઢીયાર ગામથી થઈ હતી.
અહીં રહેનારા ત્રિભુવનસિંહ અને મનકુસિંહ વચ્ચે એક જમીનના મુદ્દે વિવાદ શરૂ થયો અને તે જોત જોતામાં હત્યા અને ગૅંગવૉરના એક ઘટનાક્રમમાં ફેરવાઈ ગયો, જેણે પૂર્વાંચલની રાજકીય અને સામાજિક છબીને બદલી નાખી.
પૂર્વાંચલમાં સંગઠિત ગુનાને ચાર દાયકાથી કવર કરી રહેલા અગ્રણી પત્રકાર પવનસિંહ જણાવે છે કે પૂર્વાંચલમાં ગૅંગવૉરની શરૂઆત એક સંજોગ જ હતો.
1990નો દાયકો ચાલુ હતો અને ગાઝીપુરના એક ગામનો વિવાદ એક મોટા ગૅંગવૉરમાં ફેરવાઈ ગયો હતો.
પવન આગળ જણાવે છે, "માફિયા નેતા સાહેબસિંહે ચૂંટણી લડવા માટે સમર્પણ કર્યું."
"બનારસ કોર્ટમાં તેમને હાજર રહેવાનું હતું. કોર્ટની બહાર જ પોલીસ વાનમાંથી ઊતરતાની સાથે જ તેમની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી."
"તેની સામે પોલીસ કસ્ટડીમાં હૉસ્પિટલામાં દાખલ થયેલા સાધુસિંહની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. આ ગૅંગવૉરથી બે આગેવાનનો જન્મ થયો મુખ્તાર અંસારી અને બૃજેશ સિંહ."
સ્પેશિયલ ટાસ્ક ફોર્સના આઈજી અમિતાભ યશ ઝણાવે છે, "જિલ્લા પંચાયતથી માંડી બ્લૉક અધિકારીઓ સુધી અને ચૂંટણી સંબંધિત દરેક વહીવટી સંસ્થા પર આ વિસ્તારના માફિયા, તેના પરિવારજનો કે તેમના ચેલાઓનું આધિપત્ય હોય છે."
"માફિયાનો ડર એટલો બધો હોય છે કે પત્રકાર પણ તેમના વિશે કંઈ લખતા નથી કે પછી તેમની મરજી અનુસાર જ લખે છે."


આ રીતે કામ કરે છે બાહુબલી

ઇમેજ સ્રોત, PRIYANKA DUBEY/BBC
1990ના દાયકાના અંત સુધી તો પૂર્વાંચલના માફિયાઓ લગભગ રાજકારણમાં સ્થાપિત થઈ ગયા.
પવન જણાવે છે, "મુખ્તારના મોટાભાઈ અફઝલ અંસારી પહેલેથી જ રાજકારણમાં હતા તેથી મુખ્તાર માટે રાજકારણમાં આવવું સરળ હતું."
"બૃજેશ પોતાના મોટાભાઈ ઉદયનાથ સિંહ એટલે કે ચુલબુલને રાજકારણમાં લઈ આવ્યા. પહેલાં ઉદયનાથ સિંહ વિધાનપરિષદના સભ્ય રહ્યા અને બાદમાં તેમના પુત્ર અને બૃજેશના ભત્રીજા સુશીલસિંહ ધારાસભ્ય બન્યા."
બીજી તરફ એક બે અપવાદને છોડતા અફઝલ ગાઝીપુરથી અને મુખ્તાર મઉથી સતત વિધાનસભાની ચૂંટણી લડતા અને જીતતા રહ્યા. મુખ્તાર અને બૃજેશ હાલ જેલમાં છે. પરંતુ બન્ને ચૂંટાઈ આવેલા જન પ્રતિનિધિ છે.
બૃજેશ વિધાનપરિષદના સભ્ય છે અને તેમના ભત્રીજા સુશીલ ચંદોલીથી ભાજપના ધારાસભ્ય છે. મુખ્તાર મઉ બેઠક પરથી બસપાના ધારાસભ્ય છે. તેમના પુત્ર અને ભાઈ રાજકારણમાં સક્રિય છે.
એસટીએફના એક અગ્રણી અધિકારી જણાવે છે, "રાજકારણના આશ્રય વગર કોઈ માફિયા પાંગરી ના શકે. રાજકારણમાં જવાનું એક કારણ પોતાના ધંધાકીય રોકાણોને સુરક્ષિત બનાવવા, તેમાં વૃદ્ધિ કરવી અને રાજનીતિક પક્ષોમાં પોતાની વગ વધારવાની હોય છે."
"માફિયા એસટીએફને ભય હેઠળ રાખવા માગે છે. તેમને લાગે છે કે જો ચૂંટણી જીતી ગયા તે એસટીએફ ઍન્કાઉન્ટર નહીં કરે અથવા તો નહીં કરી શકે."


માફિયાને રાજકીય સંરક્ષણ
પવન એક ઘટનાને યાદ કરતા જણાવે છે, "ભદોહીમાં એક ચૂંટણી રેલીમાં મુલાયમ સિંહ ભાષણ આપી રહ્યા હતા. માયાવતીની સરકાર હતી અને પોલીસ ભદોહીના ધારાસભ્ય અને માફિયા નેતા વિજય મિશ્રાને શોધી રહી હતી."
"વિજય મિશ્રા રેલીમાં પહોંચ્યા. સ્ટેજ પર જઈ મુલાયમને કહ્યું પોલીસ પાછળ પડી છે. ભાષણ સમાપ્ત થયા બાદ મુલાયમે પોલીસને કહ્યું કે વિજય તેમને છોડવા હેલિકૉપ્ટર સુધી આવશે. ત્યારબાદ વિજય મુલાયમ સિંહ સાથે જ ઊડી ગયા. મુલાયમનો સ્પષ્ટ સંદેશ હતો કે અંત સુધી તે પોતાના માણસની સાથે જ રહેશે. "
મોટાભાગે માફિયાઓ પોતાની ધર્મ પરાયણ છબીનો જ પ્રચાર કરતા રહે છે. વરિષ્ઠ પત્રકાર ઉત્પલ પાઠક જણાવે છે, "બૃજેશ જેલમાં પણ રોજ સવારે ઊઠી ગીતા વાંચે છે અને મુખ્તાર નમાજ."
"ચૂંટણી જીતવા માટે યજ્ઞ કરાવવો, પંડિતોના જણાવ્યા અનુસાર આંગળીઓમાં રત્નો પહેરવાં, અઠવાડિયામાં દિવસ અનુસાર કપડાં પહેરવા- આ બધું અહીં ચૂંટાયેલા કદાવર નેતાઓની જીવનશૈલીનો એક ભાગ છે. "
આ સાથે જ પૂર્વાંચલના માફિયાઓના નિયમોમાં ડ્રગ્સ અને હથિયારોનો ધંધો ના કરવો, પત્રકારો અને વકીલોને ના મારવા, દારૂ અને નશાથી દૂર રહેવું, મહિલાઓ અને ઘરડાં પર હુમલો ના કરવો જેવી બાબતો સામેલ છે.

આ ઉપરાંત બીજા કેટલાક નિયમો પણ છે જેમ કે છોકરીઓ સાથે છેડતી ના કરવી, પ્રેમ વિવાહને મોટાભાગે કદાવર નેતાઓનો આશ્રય મળી જતો હોય છે.
ઉત્પલ જણાવે છે, "શ્રીપ્રકાશ શુક્લા હતા કે જે છોકરીઓના ચક્કરમાં જ માર્યા ગયા. તેમના ઍનકાઉન્ટર પરથી પણ અહીંના કદાવર નેતાઓએ બોધપાઠ લીધો છે. ત્યારબાદ આવો કોઈ કિસ્સો પ્રકાશમાં આવ્યો નથી."
આ સાથે જ તેઓ ફિટનેસ અને આરોગ્યનું પણ ખૂબ ધ્યાન રાખે છે. જે ચૂંટાયેલા કદાવરો જેલમાં છે તે પણ સવારે ઊઠીને જેલમાં એક ચક્કર મારી આવે છે. ફળ ખાય છે અને તળેલું ઓછું ખાય છે.
બનારસના જૂના ક્રાઇમ રિપોર્ટર મુન્ના બજરંગી વિશે કાયમ એવું કહેવામાં આવે છે કે તેઓ નવા માણસને પોતાની ગૅંગમાં લેતા પહેલાં તેની પરીક્ષા લેતા હતા. પરીક્ષા હતી કે બે ગોળીમાં હત્યા કરી પાછું આવવું.
ઉત્પલ ઉમેરે છે, "પૂર્વનો એક સાધારણ શૂટર પણ ઉત્તર પ્રદેશના મોટા ગૅંગસ્ટર કરતાં સારું નિશાન સાધી લેતો હોય છે. અને લાંબા સમય સુધી ટકી રહે છે. અહીં એકે-47ની ગોળીઓ બરબાદ કરવાની નહીં પણ ઓછામાં ઓછી ગોળીઓથી કામ કરવાની તાલીમ આપવામાં આવે છે."

આ છે એસટીએફની મર્યાદાઓ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
એક અગ્રણી આઈપીએસ અધિકારી બીબીસી સાથે વાત કરતા જણાવે છે, "ફિલ્મો અને તેમાં પણ 'સહર' જેવી જોઈને લોકો એસટીએફનું ચિત્રણ અને તેમના કામને માત્ર 'સર્વિલેન્સ' જ સમજી લે છે, જે સત્યથી ઘણું વેગળું છે."
"વાસ્તવમાં અમે અમારી ઇન્ટેલિજન્સ માત્ર સર્વિલેન્સથી જ પ્રાપ્ત કરતા નથી. અમે ગ્રાઉન્ડ પર અમારા સૂત્રો ઊભા કરવામાં સમય, શક્તિ અને બુદ્ધિ વાપરતા હોઈએ છીએ."
તેઓ ઉમેરે છે, "એસટીએફ રાજકીય ધોરણે સશક્ત નથી. એટલા માટે સંગઠિત અપરાધ અને માફિયા સંબંધિત ઘણી માહિતી અમે બહાર લાવી શકતા નથી."
"કારણ કે જાણકારી બહાર આવવાથી જાણકારી આપનાર વ્યક્તિને ટ્રેસ કરી લેવાનું જોખમ રહેલું હોય છે."
"એક સાધારણ એસટીએફ ઇન્સ્પેક્ટર પણ ઘણાં રહસ્ય પોતાનાં મનમાં લઈ દુનિયામાંથી વિદાય લેતો હોય છે."
2000ના દાયકામાં સંગઠિત માફિયાનું કેન્દ્ર ગોરખપુરથી બનારસ શિફ્ટ થયું. તેમની કાર્યપ્રણાલીમાં પણ પરિવર્તન આવ્યું.
જમીન વિવાદથી શરૂ થયેલું ગૅંગવૉર હવે રેલવે અને કોલસાના ટૅન્ડરોની લડાઈમાં ફેરવાઈ ગયું હતું.
કામ કરવાની રીત વિશે જણાવતા એસટીએફના આઈજી જણાવે છે, "બનારસમાં આજે પણ માછલી અને ટેક્સી સ્ટેન્ડના ઠેકાઓ જિલ્લા પંચાયત મારફતે ક્ષેત્રના એક મોટા માફિયાના પ્રભાવ હેઠળ જ નક્કી કરવામાં આવે છે."
"ગંગાના ભારે પ્રવાહમાં માછલી પકડવાની મજૂરી પાંચ રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવે છે અને માફિયાને પ્રતિ કિલો પર 200 રૂપિયા મળતા હોય છે.


આ રીતે શરૂ થયો રાજકીય સિલસિલો
લાંબા સમયથી કદાવરો પર નજર રાખનારા અગ્રણી પત્રકાર ઉત્પલ પાઠક જણાવે છે, "આ સિસ્ટમની શરૂઆત સૌથી પહેલાં ઇંદિરાજીએ કરી હતી. તેમની પાસે ગોરખપુરમાં હરિશંકર તિવારી હતા. પ્રતાપગઢમાં રાજા ભૈયા અને સિવાન-ગોપાલગંજ વિસ્તારમાં કાલી પાંડે જેવા લોકો."
"બાદમાં મુલાયમ સિંહે આ સિસ્ટમને વધારે વ્યવસ્થિત બનાવી દીધી. 2000ની આસપાસ એમને એવા કદાવરોની શોધ શરૂ કરી કે જેઓ 2-4 બેઠકો પર પ્રભાવ ધરાવતા હતા."
"પૂર્વ ઉત્તર પ્રદેશના ભૌગોલિક વિસ્તારની વહેંચણી કરી એમણે એક વ્યૂહરચના ઘડી દરેક ક્ષેત્રમાંથી એક કદાવરને ઊભો રાખ્યો હતો."
ઉત્પલ પાઠક જણાવે છે , "ત્યારબાદ બસપાએ પણ મોકળા મને કદાવરોને ટિકિટ આપવાની શરૂઆત કરી."
"કદાવરો પોતાની રીતે ચૂંટણી માટે પક્ષના ભંડોળની વ્યવસ્થા કરતા અને સાથેસાથે પોતાના ડર અને પ્રભાવને મતમાં ફેરવી દઈ ચૂંટણી જીતાડતા."
મિર્ઝાપુર અને બનારસમાં લાંબા સમયથી એસપી રહી ચૂકેલા એક અગ્રણી આઈપીએસઅધિકારીએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "પહેલાં તો બંદૂકના નાળચે ટેન્ડર અપાતાં-લેવાતાં હતાં. પણ હવે જ્યારથી ઈ-ટેન્ડરનો જમાનો આવ્યો છે ત્યારથી એમણે ભણેલા-ગણેલા સ્માર્ટ છોકરાઓ ઈ-ટેન્ડર માટે રાખી લીધા છે."
પોલીસથી માંડીને માફિયા સુધી મોટાભાગના લોકો સુરક્ષા કારણોસર પોતાનાં નામ પ્રકાશિત થવા દેવા માગતા નથી.

આવી જ એક વાતચીતમાં લખનઉમાં એક વરિષ્ઠ રાજકીય વિશ્લેષકે રસપ્રદ વાત જણાવી, "આજના બાહુબલી તો નેતાઓ કરતાં પણ વધારે વ્યવસાયિક નેતા છે."
"આજે પૂર્વાંચલની જનતા ડરથી નહીં, તેમના ગ્લેમરથી પ્રભાવિત થઈને તેમને મત આપે છે."
વરિષ્ઠ પત્રકાર પવન સિંહ કહે છે, "પૂર્વાંચલના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ મુખ્તાર અને વિજય મિશ્રા જેવા લોકોનું ગ્લેમર કામ કરે છે."
"ગામની વ્યક્તિ માત્ર એ વાતથી ખુશ થઈ જાય છે કે બાબા દસ લોકો સાથે ગાડી લઈને અમારા ઘર પર આવે છે."
બાહુબલીઓવા કામકાજનું ટૅકનિકલ વિશ્લેષણ કરવાવાળા એસટીએફના એક વરિષ્ઠ ઇન્સપેક્ટરે કાગળ પર ચાર્ટ બનાવીને સમજાવ્યું, "સૌથી પહેલાં પૈસાની ઉઘરાણી જરુરી છે."
"તે માટે માફિયા પાસે ઘણા રસ્તા છે. જેમ કે મુખ્તાર અંસારી ટેલિકૉમ ટાવર, કોલસા, વીજળી અને રિયલ એસ્ટેટમાં ફેલાયેલા પોતાના વેપારના માધ્યમથી ઉઘરાણી કરે છે."
તેઓ જણાવે છે, "બૃજેશ સિંહ કોલસા, દારુ ને જમીનના ટેન્ડરથી પૈસા કમાય છે."
"ભદોહીના વિજય મિશ્રા અને મિર્ઝાપુર- સોનભદ્રના વિનીત સિંહ પણ અહીંના બે મોટા માફિયા રાજનેતા છે."
"રસ્તા, રેતી અને જમીનથી પૈસા કમાવવા વાળા વિજય મિશ્રા ધનબળ અને બાહુબળ બન્નેમાં ખૂબ મજબૂત છે."
"પાંચ વખત ધારાસભ્ય બની ચૂક્યા છે. વિનીત લાંબા સમયથી બસપા સાથે જોડાયેલા રહ્યા છે અને આર્થિક રૂપે તેઓ નબળા પણ નથી. "

ઇમેજ સ્રોત, Getty Images
એસટીએફના ઇન્સપેક્ટર કહે છે, "પૂર્વાંચલમાં આજે આશરે 250ની આસપાસ ગૅંગસ્ટર છે. તેમાંથી કેટલાક રાજકારણમાં છે અને જેઓ નથી તેઓ આવવા માગે છે."
"તેમાંથી પાંચ હજાર કરોડ રૂપિયાથી ઉપરની એસેટ વેલ્યૂ ધરાવતા 5-7 નામ છે અને 500 કરોડ કરતાં વધારે એસેટ વેલ્યૂ ધરાવતા 50થી વધારે નામ."
"બાકી જે 200 બચે છે, તેઓ ટૉપના 5 માફિયાઓ જેવા બનવા માગે છે."
ઘણાં એન્કાઉન્ટરમાં સામેલ રહી ચૂકેલા વરિષ્ઠ ઇન્સપેક્ટર કહે છે, "ચૂંટણીમાં બાહુબલી વોટ આપવા અને વોટ ન આપવા, એમ બન્ને વસ્તુઓ માટે પૂર્વાંચલમાં પૈસા વહેંચે છે."
"આ સામાન્ય બાબત છે કે તમે ઘરે જ તેમની પાસેથી પૈસા લઈ લો અને આંગળી પણ શાહી લગાવી દો."
ગોળીબાર અને હત્યાઓ વાળા ગૅંન્ગવૉરને 'લગભગ સમાપ્ત' બતાવતા તેઓ આગળ કહે છે, "2005નો કૃષ્ણાનંદ રાય હત્યાકાંડ ગોળીબારનો છેલ્લો મોટો મામલો હતો. ત્યારબાદ અહીંથી બધા જ મોટા આરોપી પોતાની આપરાધિક પૃષ્ઠભૂમિની મદદથી જ પોતાના વેપારને આગળ વધારવા લાગ્યા અને પછી પૈસાને સુરક્ષિત કરવા રાજકારણમાં આવી ગયા."

રૉબિનહુડ વાળી છબી બનાવવાનો પ્રયાસ

વરિષ્ઠ પત્રકાર ઉત્પલ પાઠક જણાવે છે, "બધા જ બાહુબલી પોતાના વિસ્તારમાં યોજાનારાં લગ્નોમાં લોકોની મદદ કરે છે. ખાસ કરીને ગરીબોની દીકરીઓનાં લગ્નમાં."
"આ રીતે લોકોના મૃત્યુ પર, લોકોના ઇલાજ પર અને ક્યારેક ક્યારેક તો એમ જ માની લો, જો વિસ્તારના દસ છોકરાઓ બાહુબલીને પગે લાગવા આવ્યા છે, તો આશીર્વાદમાં બાબા પાંચ દસ હજાર રૂપિયા રોકડા આપી દેશે. તેને સ્ટ્રેટીજિક ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે."
લાંબા સમય સુધી બનારસમાં કાર્યરત રહી ચૂકેલા રિટાયર્ડ પોલીસ મહાનિદેશક પ્રવીણ સિંહ ઉત્પલ સાથે સહમત છે, "મોટાભાગના નિર્વાચિત માફિયા પોતાની રૉબિનહુડ છબીને બચાવી રાખવા ગમે તે હદે જવા તૈયાર છે. તેઓ લોકોની મદદ કરીને તેમને પોતાની છત્રછાયા હેઠળ રાખે અને આ રીતે પોતાના માટે એક એવી વોટબૅન્ક તૈયાર કરે છે જે ઘણી વખત ધર્મ અને જાતિની અવગણના કરી તેમની વફાદાર રહે છે."
અનુભવી ડીજી રાજેન્દ્ર પાલ સિંહ કહે છે, "અપરાધ એક એવો કાદવ છે જેમાં એક વખત ઘૂસ્યા બાદ ઘણી વખત પોતાને જીવિત રાખવા માટે અપરાધી નવા અપરાધ કરતા રહે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












