મેવાણીનો કાર્યક્રમ રદ કરાતા એચ.કે. કૉલેજના આચાર્ય અને ઉપાચાર્યનાં રાજીનામાં

જિજ્ઞેશ મેવાણી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મેહુલ મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

"સ્વતંત્રતા એ મારે મન મહાન મૂલ્ય છે અને એની સાથે બાંધછોડ હું ન કરી શકું" આ શબ્દો છે એચ.કે. આર્ટસ કૉલેજના આચાર્ય પદેથી રાજીનામું આપનારા પ્રોફેસર હેમંતકુમાર શાહના.

વાર્ષિકોત્સવમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની હાજરી અંગે વિવાદ થતાં એચ. કે. આર્ટસ કૉલેજના આચાર્ય અને ઉપાચાર્યે રાજીનામું ધરી દીધું છે.

અર્થશાસ્ત્રના પ્રોફેસર અને જાહેરજીવનના અગ્રણી હેમંતકુમાર શાહે એમની જ કૉલેજના પૂર્વ વિદ્યાર્થી અને વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના મહેમાનપદે થનારા વાર્ષિકોત્સવ કાર્યક્રમ માટે ટ્રસ્ટૅ હોલ ન ફાળવતા રાજીનામું આપી દીધું છે.

પ્રોફેસર હેમંતકુમાર શાહની સાથે કૉલેજના ઉપાચાર્ય મોહનભાઈ પરમારે પણ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે.

પ્રોફેસર શાહે રાજીનામા પત્રમાં લખ્યું છે, "ટ્રસ્ટીઓએ જે નિર્ણય લીધો છે તેને હું સદંતર બિન-લોકશાહી તથા વિચાર, વાણી અને અભિવ્યકિતના સ્વાતંત્ર્યના અધિકારનું નિકંદન કાઢનારો ગણું છું. આ અધિકારો વગર તો મનુષ્ય વાસ્તવમાં મનુષ્ય જ રહે નહીં અને રાજય નામના મહા રાક્ષસી યંત્રનો સ્ક્રૂ બની જાય એમ હું માનું છું."

એમણે એમ પણ કહ્યું કે "સ્વતંત્રતા એ સૌથી મહાન મૂલ્ય છે અને મનુષ્યજીવનના બાકીના બધાં મૂલ્યો ઓછે વત્તે અંશે તેમાંથી જ તરી આવે છે. ભારતની કોઈ પણ વ્યકિતને પોતાના વિચારો વ્યકત કરવાનો અબાધિત અધિકાર હોવો જોઇએ અને બીજા બધાની જેમ જિગ્નેશ મેવાણીને પણ એ અધિકાર હોય જ."

"આ અધિકાર પર તરાપ મારવાના કોઈ પણ પ્રયાસનો વિરોધ કરવો જોઇએ અને હું સતત એમ કરતો જ રહું છું."

શાહ પોતાના ત્રણ પાનાંના રાજીનામાપત્રમાં વિખ્યાત નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી ફૅડરિક વૉન હાયેક અને ફ્રૅન્ચ સાહિત્યાકાર જ્યોં પૉલ સાત્રને તેમજ મહાત્મા ગાંધીને ટાંકે છે.

તેઓ જણાવે છે કે "હું કોઈ સંસ્થા કે વ્યકિતનો ગુલામ ન બની શકું, મારા મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક મારી સ્વતંત્રતાનું મૂલ્ય અને મારા અંતરઆત્માનો અવાજ જ હોઈ શકે અને ટ્રસ્ટીઓએ લીધેલા નિર્ણયથી મારી સ્વતંત્રતાને ભયંકર ઠેસ પહોંચી છે."

"મારો અંતરાત્માનો અવાજ મને આચાર્યપદે રહેવાની ના પાડે છે."

હેમંતકુમાર શાહે પોતે 15 ફેબ્રુઆરીથી પોતાનો કાર્યભાર નહીં સંભાળે એમ જણાવે છે.

આ અંગે જિજ્ઞેશ મેવાણીએ ટ્ટીટ કરતાં કહ્યું હતું કે ભાજપના ગુંડાઓની ધમકીને લીધે મારી જ કૉલેજમાં મારો કાર્યક્રમ રદ થયો છે.

નૈતિકતાને ધોરણે રાજીનામું આપવા બદલ તેમણે હેમંતકુમાર શાહનું સમર્થન કર્યુ હતું. એમણે ટ્વીટ કર્યું,

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

અધ્યાપકોએ પણ સ્ટેન્ડ ન લીધું

રાજીનામાનો પત્ર

ઇમેજ સ્રોત, Hemant kumar shah

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં હેમંતકુમાર શાહે પોતાના આ નિર્ણય અંગે વાત કરી.

શાહે જણાવ્યું, "કેવી રીતે સમાધાન થાય. મારી વાત સ્પષ્ટ છે ખરેખર તો એ ત્રણ લોકોએ ( જ્ઞાનપીઠ સન્માનિત સાહિત્યકાર રઘુવીર ચૌધરી, પદ્મશ્રી બાલકૃષ્ણ દોશી અને પદ્મશ્રી કુમારપાળ દેસાઈ) મને એણ કહેવું જોઈએ કે તમે કાર્યક્રમ કરો અમે જવાબદારી લઈશું."

"પણ એવું તો કંઈ થયું નહીં. ઉપરથી એમણે એમ કહ્યું કે કાર્યક્રમ માટે હૉલ નહીં આપીએ. મારા માટે સ્વતંત્રતાથી સર્વોચ્ચ કંઈ નથી."

"મારી પર કોઈ રાજકીય પક્ષનું કે વિદ્યાર્થીઓનું કે ટ્રસ્ટનું કોઈ દબાણ નથી પણ આ રીતે મૂલ્યને ભોગે હું કામ ન કરી શકું."

પ્રોફેસર શાહના જણાવ્યા અનુસાર રવિવારે અધ્યાપકોની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પ્રોફેસર સંજય ભાવે અને ઉપાચાર્ય મોહનભાઈ પરમાર સિવાયના અધ્યાપકોનો મત એવો હતો કે 'ટ્રસ્ટ કહે એમ જ કરવું જોઈએ'.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

ઉપાચાર્ય મોહનભાઈ પરમારે પણ રાજીનામું આપી દીધું હોવાની વાત તેઓ કરે છે.

બીબીસી ગુજરાતીએ મોહનભાઈ પરમારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે થઈ શક્યો નહોતો.

પ્રોફેસર સંજય ભાવે આ વાતની પૃષ્ટિ કરતા જણાવે છે, "રજા હોવાથી તમામ અધ્યાપકો હાજર નહોતા. ફોરમ પૂરું નહોતું."

15 જેટલા અધ્યાપકો હાજર હતાં. જેમાં મારા અને આચાર્ય-ઉપાચાર્ય સિવાય તમામ એક તરફ હતાં."

પ્રોફેસર ભાવે આચાર્ય હેમંતકુમાર શાહના રાજીનામાને સમર્થન આપ્યું હતું અને કહ્યું કે લોકશાહીના મૂલ્યમાં માનનાર દરેક લોકોએ એમનો સાથ આપવો ઘટે.

આ અંગે બીબીસી ગુજરાતીએ ટ્રસ્ટીઓ પૈકી રઘુવીર ચૌધરી ઉપરાંત બાળકૃષ્ણ દોશીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પણ થઈ શક્યો નહોતો.

અન્ય ટ્રસ્ટી કુમારપાળ દેસાઈ બીબીસી ગુજરાતીને આ અંગે બાદમાં વાત કરવા જણાવ્યું હતું.

line

શું થયો હતો વિવાદ?

આચાર્ય હેમંત કુમાર શાહ

ઇમેજ સ્રોત, FB Hemant Kumar Shah

અમદાવાદમાં આશ્રમ રોડ પર આવેલી આવેલી 'હરિવલ્લભદાસ કાળીદાસ આર્ટસ કૉલેજ' (એચ.કે. આર્ટસ કૉલેજ) 'બ્રહ્મચારીવાડી ટ્રસ્ટ ઑફ ગુજરાત વિદ્યાસભા' દ્વારા સંચાલિત છે.

દેશમાં દલિત આંદોલન થકી જાણીતા બનેલા અને ગત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના સહયોગથી વડગામ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડેલા જિગ્નેશ મેવાણી આ જ કૉલેજના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.

2003માં તેમણે અંગ્રેજી વિષય સાથે આ કૉલેજમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો હતો.

કૉલેજનો વાર્ષિક ઉત્સવ 11 ફેબ્રુઆરીના રોજ કૉલેજના જ પૂર્વ વિદ્યાર્થી જિગ્નેશ મેવાણીના અધ્યક્ષપદે ઊજવવાનું આચાર્ય હેમંતકુમાર શાહ અને ઉપાચાર્ય મોહનભાઈ પરમારે નક્કી કર્યુ હતું.

જોકે, આ બાબતે કેટલાક વિદ્યારીથી નેતાઓએ મેવાણી પર 'સમાજવાદી, વિવાદાસ્પદ અને ભાગલાવાદી' હોવાનો કથિત આક્ષેપ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

આચાર્ય અને ઉપાચાર્ય કાર્યક્રમ યોજવા માટે મક્કમ રહ્યા હતા પરંતુ કાર્યક્રમ જે હોલમાં યોજાવાનો હતો તે ફાળવવાની ટ્રસ્ટીમંડળે ના પાડી દીધી હતી.

આ બાબતને લઈને આચાર્ય હેમંતકુમાર શાહે તથા ઉપાચાર્ય મોહનભાઈ પરમારે રાજીનામું ધરી દીધું હતું.

ઉલ્લેખનીય છે કે 170 વર્ષ અગાઉ ગુજરાતી ભાષાના સંવર્ધન અને વિકાસ માટે ઍલેકઝાન્ડર ફૉર્બસ અને સુધારાવાદી કવિ દલપતરામે ભેગા મળીને 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી-ગુજરાત વિદ્યાસભા'ની સ્થાપના કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો