મનોહર પર્રિકરનું નિધન : જ્યારે પર્રિકરે મોદી માટે ભાજપમાં માર્ગ મોકળો કર્યો

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગોવાના મુખ્ય મંત્રી અને 'ફર્સ્ટ IITan CM' તરીકે જાણીતા મનોહર પર્રિકરનું નિધન થયું છે.

ઑક્ટોબર 2000માં મનોહર પર્રિકર પ્રથમ વખત ગોવાના મુખ્ય મંત્રી તરીકે ચૂંટાયા હતા અને કેન્દ્ર સરકારના સંરક્ષણ પ્રધાનના પદ સુધી પહોંચ્યા હતા.

સાદગીપૂર્ણ જીવન અને પ્રામાણિક નેતા તરીકેની છાપે તેમને સંરક્ષણ પ્રધાન બનાવવાના નિર્ણયમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

મૂળતઃ ગોવાની કોઈ વ્યક્તિ કેન્દ્ર સરકારમાં કૅબિનેટ કક્ષાના પ્રધાન બની હોય તેનું આ અજોડ ઉદાહરણ હતું.

મોદી માટે માન

વર્ષ 2013માં ગોવા ખાતે આયોજિત ભાજપની રાષ્ટ્રીય કારિણીની બેઠકમાં પર્રિકરે મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો એ સમયે તેઓ ગોવાના મુખ્ય મંત્રી હતા.

ઉદારમતવાદીની છાપ ધરાવતા પર્રિકર નરેન્દ્ર મોદી જેવા વિવાદાસ્પદ નેતાની છાપ ધરાવનાર નેતાનું નામ વડા પ્રધાનપદ માટે આગળ કરે તે અનેક માટે ચોંકાવનારું હતું.

વરિષ્ઠ પત્રકાર પ્રમોદ આચાર્યના કહેવા પ્રમાણે, "બીજા દિવસે ગોવાની મૅરિયટ હૉટલની લોબીમાં તેમની અને મારી મુલાકાત થઈ."

"ત્યારે તેમણે મને કહ્યું, 'કેવું રહ્યું?' કેટલીક બાબતો કહેવી પડે અને બરાબર સમય હતો."

આ બેઠકમાં જ ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર બન્યા અને આંતરિક વિખવાદમાં તેમની સર્વોપરિતા પ્રસ્થાપિત થઈ.

જુલાઈ-2014માં જ્યારે નરેન્દ્ર મોદી કેન્દ્રમાં સરકારમાં આવ્યા ત્યારે વડા પ્રધાન તરીકેની દિલ્હી બહારની યાત્રા માટે તેમણે ગોવા પસંદ કર્યું હતું.

સરકારના ગઠન સમયે મોદીએ અરુણ જેટલીને નાણા મંત્રાલયની સાથે સંરક્ષણ મંત્રાલયનો કાર્યકારી પદભાર સોંપ્યો હતો.

ત્યારબાદ કાયમી સંરક્ષણ પ્રધાન માટે મોદીએ ગોવાના મુખ્ય મંત્રી મનોહર પર્રિકરની ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

2012માં પૂર્ણ બહુમત સાથે ચૂંટાયા બાદ પર્રિકરે જાહેર કર્યું હતું કે તેઓ મુખ્ય મંત્રી તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેશે. જોકે, કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

પર્રિકરની 'ગોવા'વાપસી

2017માં ગોવા વિધાનસભામાં ચૂંટણીનાં પરિણામ આવ્યાં બાદ કૉંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની. જોકે, સત્તા સુધી ન પહોંચી શકી.

મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી અને ગોવા ફૉરવર્ડ પાર્ટીએ શરત મૂકી કે જો પર્રિકરને મુખ્ય મંક્ષી બનાવવામાં આવે તો જ તેઓ ભાજપને ટેકો આપશે.

ત્રિશંકુ વિધાનસભામાં સત્તાના સમીકરણ બેસાડવા માટે પર્રિકરને ફરી એક વખત રાજ્યના રાજકારણમાં પરત મોકલવામાં આવ્યા.

આમ, 2017માં ચોથી વખત પર્રિકર મુખ્ય મંત્રી બન્યા.

આ દરમિયાન તેમને કૅન્સર હોવાનું બહાર આવ્યું અને તેમણે લાંબા સમય સુધી મુંબઈ, દિલ્હી અને અમેરિકામાં સારવાર લીધી.

પર્રિકર કહેતા કે 'ફિટ રાજનેતાએ જ રાજકારણમાં સક્રિય રહેવું જોઈએ.'

છેલ્લા અમુક મહિના નાકમાં ડ્રીપ સાથે તેમણે મુખ્ય મંત્રી તરીકે કામ કર્યું, ત્યારે તેમનું આ નિવેદન તેમની સામે ટાંકવામાં આવતું.

ગોવા પહેલો પ્રેમ

ખ્રિસ્તી બહુમતી ધરાવતા ગોવા રાજ્યમાં હિંદુવાદી મનાતા ભાજપનો પાયો નાખવાનો અને તેને સત્તા સુધી પહોંચાડવાનો શ્રેય પર્રિકરને જાય છે.

ગોવામાં પર્રિકરને પડકારનાર કોઈ ન હતું. ગોવામાં ભાજપની ટિકિટ ઉપર ચૂંટાઈ આવેલા પ્રથમ ચાર ધારાસભ્યોમાંથી એક પર્રિકર હતા. 2002માં પ્રથમ વખત ભાજપની સરકાર પણ બનાવી.

2007માં 'જોડતોડ'થી કૉંગ્રેસ-એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)ની સરકારને તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ કારમી નિષ્ફળતા મળી.

જોકે, તેમને બોધ મળી ગયો હતો. આગામી ચાર વર્ષ સુધી તેમણે અવિરત અભિયાન ચલાવ્યું.

આનું ફળ પણ મળ્યું. 2012માં ભાજપે એકલાહાથે વિજય મેળવ્યો. આચાર્ય કહે છે, "બીજા દિવસે પર્રિકરને મળ્યો અને શુભકામના પાઠવી. ત્યારે તેમણે કહ્યું, અગાઉ હું અધીરો હતો."

"પછી મને ભાન થયું કે અધીરાઈ કરીને સરકારને તોડવાના પ્રયાસ કરવાની જરૂર ન હતી. સરકાર વધુ વેરવિખેર કરી રહી હતી."

"મને થયું કે રાજ્ય પ્રેશર કૂકર બની રહ્યું છે. મેં પ્રેશર કૂકરના ફાટવાની રાહ જોઈ."

કુશળ વહીવટ અને સંયમિત ભાષાને આધારે પર્રિકરે ગોવામાં અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વમાં પોતાની આગવી છાપ ઊભી કરી.

અડધી બાંયનો શર્ટ, પગમાં સૅન્ડલ અને સ્કૂટરમાં ગોવાના ઢાબા કે રેસ્ટોરાંમાં લોકોની વચ્ચે ફરતા પર્રિકરને ગોવાના સંપન્ન, શિક્ષિત અને મધ્યમ વર્ગે પસંદ કર્યાં.

પર્રિકરે ભાજપની વિચારસરણી કરતાં ઉદારમતવાદી-બિનસાંપ્રદાયિક વલણને વધુ મહત્ત્વ આપ્યું, કદાચ સ્થિતિને આધારે એ જરૂરી પણ હતું.

જ્યારે સંરક્ષણમંત્રી તરીકેનો પદભાર સંભાળવા માટે પર્રિકર ગોવા છોડી રહ્યા હતા ત્યારે પત્રકારોને સંબોધિત કરતા તેમણે કહ્યું:

"ગોવા છોડવાનો નિર્ણય મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો. હું ભારે હૃદયે ગોવા છોડી રહ્યો છું."

પર્રિકરને પેનક્રેટિક કૅન્સર

પર્રિકરને પેનક્રેટિક (સ્વાદુપિંડ)નું કૅન્સર હતું. આ કૅન્સર સંબંધિત વેબસાઇટના રિપોર્ટ મુજબ, પ્રારંભિક તબક્કામાં આ બીમારી વિશે જાણ નથી થતી.

વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતાના આધારે કૅન્સરના લક્ષ્ણોની અસર જોવા મળે છે.

બીમારીનો ભોગ બનનારી વ્યક્તિને પેટ અને પીઠમાં દર્દ થવા લાગે છે. તેનું વજન અચાનક જ ઘટવા લાગે છે અને તેનું પાચનતંત્ર ખોરવાઈ જાય છે.

બીમાર વ્યક્તિનો ખોરાક ઘટી જાય છે અને કેટલાક કિસ્સાઓમાં કૅન્સરના પ્રારંભિક તબક્કામાં કમળો પણ થાય છે.

સ્વાદુપિંડ પીડિતના દસમાંથી એક જ દર્દીની ગાંઠનું ઑપરેશન થઈ શકે એટલે તેની સારવાર મુશ્કેલ હોય છે. માત્ર પાંચ ટકા દર્દીઓ જ બીમારીની જાણ થયા બાદ પાંચ વર્ષ કે તેથી વધુ સમય સુધી જીવિત રહી શકે છે.

અલવિદા પર્રિકર

પ્રભુ મનોહર પર્રિકરનો જન્મ તા. 13મી ડિસેમ્બર, 1955માં ગોવાના માપૂસા ખાતે થયો હતો.

પર્રિકર મૂળતઃ ગોવાન પારા ગામના હોવાથી તેઓ પર્રિકર તરીકે ઓળખાય છે.

એ સમયે ગોવા ભારતનો ભાગ નહોતું બન્યું અને તે પોર્ટુગલનું સંસ્થાન હતું, 1961માં સૈન્ય કાર્યવાહી બાદ ગોવા ભારતમાં ભળ્યું.

એ સમયના અનેક કોંકણી બ્રાહ્મણ પરિવારોની જેમ કૅથલિક ખ્રિસ્તી શાળામાં મનોહર પર્રિકરનો પ્રાથમિક અભ્યાસ થયો.

ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ મુંબઈ (બોમ્બે)માં ઍન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે પહોંચ્યા.

રાજ્યના મુખ્ય મંત્રી સુધી પહોંચનારા પ્રથમ IITan બન્યા. ત્યારબાદ કેજરીવાલ દિલ્હીના મુખ્ય મંત્રી બન્યા.

મનોહર પર્રિકરનાં પત્ની મેધાનું નિધન પણ કૅન્સરને કારણે થયું હતું. દંપતીને બે પુત્ર છે.

પર્રિકર 2000, 2002, 2012 અને 2017માં ગોવાના મુખ્ય મંત્રી બન્યા પરંતુ એકેય ટર્મ પૂર્ણ ન કરી શક્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો