You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મનોહર પર્રિકર પંચતત્ત્વમાં વિલીન, પુત્રએ આપી મુખાગ્નિ
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગોવાના મુખ્ય મંત્રી અને પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરનું રવિવારે સાંજે નિધન થયું હતું. પરિર્કર પેનક્રેટિક કૅન્સરથી પીડાતા હતા. તેમના નિધન અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને જાણકારી આપી હતી.
મનોહર પર્રિકર પંચતત્ત્વમાં વિલીન થયા છે. તેમના મોટા પુત્રએ મુખાગ્નિ આપી હતી. પર્રિકરને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે હજારો લોકો તેમની અંતિમયાત્રામાં ઊમટ્યા હતા.
તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમની અંતિમયાત્રામાં જવાનો પણ જોડાયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ ગોવા પહોંચ્યાં હતા.
તેઓ કલા અકાદમી પહોંચ્યા છે અને તેમણે મનોહર પર્રિકરના પરિવાર સાથે વાત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના પુત્રો સાથે વાત કરી હતી.
કૅબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાની અને સુરેશ પ્રભુ ગોવામાં કલા અકાદમી પહોંચ્યા હતાં. તેમણે મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિ આપી હતી.
રાહુલ ગાંધી અને કૉંગ્રેસના અન્ય નેતાઓએ ગોવાના મુખ્ય મંત્રી મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિ આપતા કર્ણાટકની રેલીમાં બે મિનિટ મૌન પાળ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના નિધનને કારણે એક દિવસનો રાષ્ટ્રીય શોક, જ્યારે ગોવામાં સાત દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે.
સોમવારે સાંજે ગોવાના મીમાર બીચ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે પર્રિકરની અંતિમવિધિ યોજાશે.
ગોવા ભાજપ અને ગોવા કૉંગ્રેસના નેતાઓ સરકાર રચવાનો દાવો કરી રહ્યા છે.
ગોવામાં રાજકીય અસ્થિરતા
ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના નિધનની સાથે રાજ્યમાં સત્તાનું કોકડું ફરી એક વખત ગૂંચવાઈ ગયું છે, રવિવારે રાત્રે 48 કલાકમાં બીજી વખત કૉંગ્રેસે સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.
રાજ્યપાલ મૃદુલા સિંહાને લખેલા પત્રમાં કૉંગ્રેસના નેતા સી. કાવેલકરે લખ્યું છે કે ભાજપના સાથી પક્ષોએ ભાજપને નહીં, પરંતુ તત્કાલીન સંરક્ષણ પ્રધાન પર્રિકરને ટેકો આપ્યો હતો.
'કૉંગ્રેસ સૌથી મોટો પક્ષ હોવાથી તેને તક મળવી જોઈએ.'
બીજી બાજુ, ભાજપ તરફથી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પણજી પહોંચ્યા હતા અને ભાજપના ધારાસભ્યો, અપક્ષ અને સાથી પક્ષો સાથે બેઠક કરી હતી.
ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઈના કહેવા પ્રમાણે, "અમે પર્રિકરને ટેકો આપ્યો હતો, ભાજપને નહીં."
"હવે તેમનું નિધન થયું છે ત્યારે અમે ફરીથી ચૂંટણી કે અસ્થિરતા નથી ઇચ્છતા. જોઈએ, ભાજપ શું નિર્ણય લે છે."
ગોવાના ડેપ્યુટી સ્પીકર અને ભાજપના ધારાસભ્ય માઇકલ લોબોના કહેવા પ્રમાણે, "મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના નેતા સુધીન ધાવલીકર મુખ્ય પ્રધાન બનવા માગે છે."
"તેમનું કહેવું છે કે 'ભાજપનો મુખ્ય પ્રધાન બને તે માટે મેં અનેક વખત બલિદાન આપ્યું છે.' પરંતુ ભાજપ તેમની માગણી નહીં સ્વીકારે."
આપને આ પણ વાચવું ગમશે
કૉંગ્રેસના કામતને ભાજપની કમાન?
રવિવારે અને સોમવારે મીડિયાન એક વર્ગમાં ચર્ચા રહી હતી કે કૉંગ્રેસના ધારાસભ્ય દિગંબર કામતને ભાજપમાં સામેલ કરવામાં આવશે અને તેમને જ મુખ્ય પ્રધાન તરીકેની કમાન સોંપવામાં આવશે.
બીજી બાજુ કામતનું કહેવું છે કે 'તેમને ભાજપ તરફથી કોઈ આમંત્રણ નથી મળ્યું અને સ્થાપિત હિતો દ્વારા આ પ્રકારના સમાચાર વહેતા કરવામાં આવે છે.'
ગોવા ભાજપના અધ્યક્ષ વિનય તેંડુલકરે પણ આ અહેવાલોને નકારી કાઢ્યા છે. બીજી બાજુ, ભાજપે તેની કેન્દ્રીય ચૂંટણી કમિટીની બેઠક રદ કરી દીધી હતી.
ગત દિવસો દરમિયાન કામત દિલ્હીમાં હોવાથી આ અટકળોને વેગ મળ્યો હતો, પરંતુ કામ તેને 'પૂર્વાયોજિત'
વિધાનસભામાં 14 બેઠકો સાથે કૉંગ્રેસ સૌથી મોટો પક્ષ છે. ભાજપ 11, ગોવા ફોરવર્ડ પાર્ટી ત્રણ, મહારાષ્ટ્રવાદી કોમાંતક પાર્ટી ત્રણ, અપક્ષ ત્રણ, એનસીપી એક અને એક સ્પીકર છે.
રાષ્ટ્રીય શોકની જાહેરાત
પ્રેસ ઇન્ફૉર્મેશન બ્યૂરોના મહાનિર્દેશક અને ભારત સરકારના મુખ્ય પ્રવક્તા સીતાંશુ કરે ટ્ટીટ કરીને જાણાકારી આપી છે કે કેન્દ્ર સરકારે મનોહર પર્રિકરના અવસાન બાદ 18 એપ્રિલે, આજે, રાષ્ટ્રીય શોકનું એલાન કર્યુ છે.
સોમવારે રાજધાની દિલ્હી સહિત તમામ રાજ્યોમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે પર્રિકરના અંતિમ સંસ્કાર થશે.
જ્યારે ગોવામાં સાત દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે.
સાંજે અંતિમ સંસ્કાર
ગોવાના મુખ્ય મંત્રી કાર્યાલયે પર્રિકરના અંતિમ સંસ્કારની વિગતો જાહેર કરી છે.
એ વિગતો મુજબ આજે 10.30થી સાંજે 4 વાગ્યા સુધી તેમના દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
સાંજે 4 વાગ્યે પણજીમાંથી અંતિમયાત્રા નીકળશે.
સાંજે 5 વાગે મીરમાર બિચ ખાતે અંતિમ સંસ્કાર થશે, આ માટે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે.
પ્રતિક્રિયા
રવિવારે રાત્રે લગભગ 10.40 કલાકે તમામ 10 ટ્રૅન્ડ્સ પર્રિકરને લગતા હતા. જેમાં, #ManoharParrikar, #Om Shanti, #Goa CM Manohar, #GoaChiefMinister, #CM of Goa और #Goa CM પણ સમાવિષ્ટ હતા.
- મોદીએ ટ્વિટર ઉપર પર્રિકરને 'અજોડ નેતા', 'આધુનિક ગોવાના ઘડવૈયા', 'કુશળ વહીવટકર્તા' કહીને પ્રશંસા કરી હતી. મોદીએ લખ્યું કે 'સંરક્ષણ પ્રધાન તરીકે સંરક્ષણ સાધનોનું દેશમાં ઉત્પાદન, નિવૃત્ત સૈનિકોના જીવનમાં સુધાર અને સુરક્ષા ક્ષમતા સંદર્ભે તેમણે જે નિર્ણય લીધા, તેના માટે દેશ તેમનો આભારી રહેશે.'
- ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું, "પર્રિકરના નિધનથી ભાજપ જ નહીં, સમાજને મોટી ખોટ પડી છે. સર્જિકલ સ્ટ્રાઇક્સથી લઈને સશસ્ત્ર બળોનાં આધુનિકરણમાં તેમણે પોતાની ક્ષમતા પુરવાર કરી હતી."
- ગૃહપ્રધાન રાજનાથસિંહે કહ્યું, "મારા મિત્ર અને ગોવાના મુખ્ય પ્રધાન પર્રિકરના નિધન અંગે જાણીને દુખ થયું. તેઓ સાદગી, પ્રમાણિક્તા અને નિષ્ઠા માટે વિખ્યાત હતા."
CM અને મોદીના મંત્રી
ઑક્ટોબર 2000માં મનોહર પર્રિકર પ્રથમ વખત ગોવાના મુખ્ય મંત્રી તરીકે ચૂંટાયા હતા.
જુલાઈ-2014માં જ્યારે નરેન્દ્ર મોદી કેન્દ્રમાં સરકારમાં આવ્યા ત્યારે તેમણે અરુણ જેટલીને નાણા મંત્રાલયની સાથે સંરક્ષણ મંત્રાલયનો કાર્યકારી પદભાર સોંપ્યો હતો.
ત્યારબાદ કાયમી સંરક્ષણ પ્રધાન માટે મોદીએ ગોવાના મુખ્ય મંત્રી મનોહર પર્રિકરની ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.
સાદગીપૂર્ણ જીવન અને પ્રામાણિક નેતા તરીકેની છાપે તેમને સંરક્ષણ પ્રધાન બનાવવાના નિર્ણયમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
મૂળતઃ ગોવાની કોઈ વ્યક્તિ કેન્દ્ર સરકારમાં કૅબિનેટ કક્ષાના પ્રધાન બની હોય તેનું આ અજોડ ઉદાહરણ હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો