ચાર હજારમાંથી માત્ર ચારનો વિરોધ એ સુનિયોજિત કાવતરું છે - હાર્દિક પટેલ

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

અમદાવાદના ગોતા ખાતે હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી.

ઉલ્લેખનીય છે કે અહીં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ અંદરોઅંદર વિવાદ થતા મામલો ગરમાયો હતો.

ગોતા ખાતે એક રિસોર્ટમાં પાટીદાર અનામત આંદોલનના નેજા હેઠળ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતના પાટીદાર યુવાનો અને હાર્દિકના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ હતી.

અલ્પેશ કથીરિયાના સમર્થકોની દલીલ હતી કે સ્નેહમિલન કાર્યક્રમના બેનરમાં હાર્દિક પટેલની તસવીર છે પણ અલ્પેશ કથીરિયાની કેમ નથી?

આ મુદ્દે બેસીને વાત પણ થઈ હતી પરંતુ કોઈ ઉકેલ ન આવતા વિવાદ સર્જાયો હતો.

વિવાદ થતાં બન્ને તરફના સમર્થકો આમનેસામને આવી ગયા હતા. એટલું જ નહીં વાતને થાળે પાડવા હાર્દિક પટેલ પણ વચ્ચે પડ્યા હતા.

આ મુદ્દે પાટીદાર અનામત આંદોલનના પ્રવક્તા નિખીલ સવાણીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "અમદાવાદ ખાતે પાસ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં સુરતના અમુક યુવાનોએ હોબાળો મચાવ્યો હતો."

"પરંતુ તેઓ શા માટે વિરોધ કરી રહ્યા હતા તે અંગે તપાસ કરવામાં આવશે."

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડિત યુવકનું કહેવું છે કે તેમના પર આયોજનપૂર્વક લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો.

સુરતના પાટીદાર યુવકોની દલીલ છે કે હાર્દિક સત્તાવાર રીતે કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે. જ્યારે અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હોવા છતાં કાર્યક્રમમાં તેમનો કોઈ ઉલ્લેખ કેમ કરવામાં નથી આવ્યો?

સુરતના પાટીદાર યુવાનોનો આરોપ છે કે તેમને ભાજપના સમર્થકો હોવાનું કહી તેમના પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો.

આ ઘટનાક્રમ બાદ કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું, "આ કાર્યક્રમમાં ચાર હજાર લોકો એકઠા થયા હતા. પરંતુ સુરતથી આવેલા માત્ર ચાર યુવકોને જ તકલીફ પડી તેનો મતલબ એ છે કે આ સુનિયોજિત કાવતરું છે."

"હું કૉંગ્રેસમાં જોડાયો હોવા છતાં પાસ મુદ્દે નિર્ણય કેમ લઈ રહ્યો છું તેને લઈને તેમનો વિરોધ હતો."

કથીરિયા અને હાર્દિક

પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા હાર્દિક પટેલ 5 માર્ચ, 2019ના રોજ કૉંગ્રેસમાં જોડાયા હતા.

કૉંગ્રેસમાં જોડાવવાની જાહેરાત કરતા તેમણે ટ્વીટ કર્યું હતું, "દેશ અને સમાજની સેવા કરવા માટે મેં કૉંગ્રેસમાં જોડાવાનું નક્કી કર્યું છે."

ઉલ્લેખનીય છે કે અલ્પેશ કથીરિયાને પણ પાટીદાર અનામત આંદલોનના ચહેરા તરીકે જોવામાં આવે છે.

સાડા ત્રણ માસ સુધી જેલની સજા ભોગવ્યા બાદ ડિસેમ્બર મહિનામાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા બહાર આવ્યા હતા.

આ સમયે કથીરિયાના નેતૃત્વ હેઠળ સુરતમાં સંકલ્પયાત્રા યોજાઈ હતી અને કથીરિયાને પાટીદાર અનામત આંદોલનના નવા કૅપ્ટન જાહેર કરવામાં આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો