You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભાની ચૂંટણી 2019 : શું ખેડૂતોનું દેવું માફ કરવું એ સમસ્યાનો ઉકેલ છે? - રિયાલિટી ચૅક
- લેેખક, સરોજસિંહ
- પદ, બીબીસી રિયાલિટી ચેક
ભારતમાં કેટલાય ખેડૂતો દેવાંના ડૂંગર હેઠળ દબાયેલા છે. પણ શું એમનું દેવું સરકારે ખોટ સહન કરીને પણ ચૂકતે કરવું જોઈએ? આ એવો પ્રશ્ન છે કે જેના પર રાજકારણીઓ અને અન્ય લોકો ચર્ચાઓ કરી રહ્યા છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં આ એક મહત્ત્વનો મુદ્દો પણ ગણાય છે.
દાવો : વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે વારંવાર ખેડૂતોની લોન માફ કરી દેવી એ આ સમસ્યાનો કાયમી ઉકેલ નથી. મોદીએ આ ઉકેલને ચૂંટણી સમયે અપાતો 'લૉલીપૉપ' પણ ગણાવ્યો છે.
ચુકાદો : ભૂતકાળમાં લાગુ કરાયેલી લૉન માફી સંબંધિત યોજનાઓના પુરાવા દર્શાવે છે કે ખેડૂતોની મૂળ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવી યોજનાઓ અસરકારક નથી નીવડી.
રાજ્ય હોય કે કેન્દ્ર, તમામ સરકારો ખેડૂતોનું દેવું માફ કરી ચૂકી છે.
વર્ષ 2014 અને 2018 દરમિયાન ખેડૂતોને મતોને ધ્યાનમાં રાખીને દેશમાં ભાજપ અને કૉંગ્રેસ શાસિત 11 રાજ્યોની સરકારો ખેડૂતોનું દેવું માફ કરી ચૂકી છે.
આ વર્ષો દરમિયાન જાહેર કરાયેલી દેવામાફીની કુલ રકમ 1.5 લાખ કરોડ રૂપિયા જેટલી થાય છે.
ખેડૂતોની સમસ્યા
ભારતનો 40% કરતાં વધુ માનવશ્રમ કૃષિક્ષેત્રમાં રોજગારી મેળવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલીય વખત એવું બનતું હોય છે કે બીજ, કૃષિ સંબંધિત સાધનો કે અન્ય જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે ખેડૂતો મોટું દેવું લઈ લેતા હોય છે પણ તેને ચૂકવી શકતા નથી હોતા.
નબળી સિંચાઈથી માંડીને ખરાબ હવામાનને કારણે પાકને નુકસાન થાય છે. જે ખેડૂત માટે નાણાકીય વિપદામાં ફેરવાય છે અને કેટલાક કિસ્સાઓમાં ખેડૂતના આપઘાતનું કારણ પણ બને છે.
ગત વર્ષના એક અહેવાલ અનુસાર તાજેતરના દાયકાઓ દરમિયાન ગ્રામીણ ભારતમાં, ખાસ કરીને ખેતી પર નભતા પરિવારોમાં દેવાંનું પ્રમાણ વધ્યું છે.
તાજેતરના વર્ષો દરમિયાન શ્રમના વળતરમાં જોવા મળેલા નજીવા વધારા અને પાકની કિંમતોમાં જોવા મળેલી સ્થિરતાને કારણે ખેડૂતોની આવકમાં ઘટાડો નોંધાયો છે.
કરજમાફી કામ કરે?
કરજમાફીની યોજના મુશ્કેલી વેઠી રહેલા ખેડૂતો માટે ખરેખર અસરકારક નીવડે છે એવું હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું.
વળી, દેવું અને ખેડૂતોનો આપઘાત વચ્ચેની કડી પણ દેખાય એટલી સરળ નથી હોતી.
સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે અત્યંત ગરીબ કે દેવામાં ડૂબેલા ખેડૂતોની સરખામણીએ સમૃદ્ધ રાજ્યો કે એવાં રાજ્યો કે જ્યાં ખેડૂતોની સ્થિતિ સારી હોય ત્યાં આપઘાતની ઘટનાઓ વધુ બને છે.
એક આરટીઆઈમાં જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્રમાં વર્ષ 2014-2018 દરમિયાન નોંધાયેલી આપઘાતની 14,034 ઘટનાઓની 30 ટકા ઘટના 2017માં કરજમાફી જાહેર કરાયા બાદ ઘટી હતી.
કરજમાફીના ફાયદાને લઈને અન્ય પણ કેટલાક એવા પ્રશ્નો છે કે જેનો જવાબ નથી મળતો.
વર્ષ 1990માં રાષ્ટ્રવ્યાપી કરજમાફીની જાહેરાત કરાયા બાદ નાણાકીય સંસ્થાઓ દ્વારા લૉનની વસુલીમાં ઘટાડો નોંધાયો હતો.
એવું પણ કહેવાય છે કે આવી કરજમાફી ભવિષ્યમાં પણ દેવું માફ કરી દેવાની અપેક્ષાને જન્મ આપે છે.
એક રાજ્યમાં તો કરજમાફીની જાહેરાત થયા બાદ દેવું પરત કરવાનો દર 75થી ઘટીને 40 ટકા પહોંચી ગયો હતો.
વર્ષ 2008માં લોકસભાની ચૂંટણી પહેલાં જ દેશભરના ખેડૂતોનું 52,516 કરોડ રૂપિયા માફ કરી દેવાયું હતું.
જોકે, એ જાહેરાત બાદ કરજમાફી મળેલા ખેડૂતોની ચકાસણી કરી રહેલા સરકારી ઑડિટરને 22% કરતાં વધુ કિસ્સાઓમાં ગડબડ થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું.
ધ્યાને આવેલા એ કિસ્સાઓમાં ગેરલાયક ખેડૂતોને પૈસા મળવાના અને લાયક ખેડૂતોને પૈસા ના મળવાના અનેક કિસ્સા સામે આવ્યા હતા.
એવું પણ ધ્યાને આવ્યું હતું કે બૅન્ક કે શાખે નાણા ધિરનારાઓના મળતિયાંઓને કરજમાફીનો ફાયદો વધુ ફાયદો થયો હતો.
એટલું જ નહીં, કુટુંબીજનો, મિત્રો કે સ્થાનિક શાહુકારોના દેવાદાર ખેડૂતોને આ જાહેરાતનો કોઈ ફાયદો નહોતો મળ્યો.
ગ્રામ્ય અર્થતંત્રને રાહત
કેટલાક ખેડૂત સંગઠનો અને પ્રચારકો એવી માગ કરી રહ્યા છે કે તમામ ખેડૂતોનું દેવું એક વખત માફ કરી દેવામાં આવે અને કૃષિઆધારીત અર્થવ્યસ્થાને કઈ રીતે મદદ કરી શકાય એ અંગે પુનઃવિચારણા હાથ ધરવામાં આવે.
પણ તમામ ખેડૂતોનું દેવું માફ કરી દેવું દેશની તિજોરી પર બહુ મોટ બોજ બની શકે છે.
ભૂતપૂર્વ કૃષિ સચિવ સિરાજ હસનને લગાવેલા અંદાજ અનુસાર તમામ ખેડૂતોનું દેવું માફ કરી દેવામાં આવે તો એના માટે સરકારે લગભગ 3 લાખ કરોડ રૂપિયા જતા કરવા પડે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "અન્ય કલ્યાણકારી યોજનાઓના ભોગે જ આ રકમ છૂટી કરી શકાય."
જોકે, આ ઉપરાંત પણ કેટલાય એવા ઉપાયો છે કે જે અજમાવાઈ રહ્યા છે.
તેલંગાણા સરકારે ખેડૂતો માટે લાગુ કરેલી યોજના તરફ જાણકારો આશાભરી મીટ માંડીને બેઠા છે.
એ યોજના અંતર્ગત એક એકર જમીન ધરાવતા ખેડૂતને પાકની ઋતુદીઠ રૂપિયા 4 હજાર ચૂકવવામાં આવે છે.
ભારતમાં મુખ્યત્વે પાક લણવાની બે ઋતુ અસ્તિત્વ ધરાવતી હોઈ, ભારતનો ખેડૂત આ યોજના હેઠળ વર્ષે બેવડી રકમ મેળવી શકે છે. વળી, એને પાક થકી થનારી આવક તો મળવાની છે જ!
ઓડિશા અને ઝારખંડમાં પણ આ પ્રકારની યોજના લાગુ કરાઈ છે.
2019ના વચગાળાના બજેટમાં કેન્દ્ર સરકારે નાના અને સીમાંત ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયા આપવા ઉપરાંત અન્ય રાહત આપવાની પણ જાહેરાત કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો