નોટબંધી મામલે BBCના નામે કરાયેલો બોગસ દાવો- ફૅક્ટ ચેક

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

સોશિયલ મીડિયાના માધ્યમથી બીબીસીના નામે એક ભ્રામક સંદેશ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

નકલી મૅસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નોટબંધી દરમિયાન 100 નહીં પણ હજારો લોકોનાં મૃત્યુ થયાં હતાં જેના અંગે રિપોર્ટીંગ થયું નથી.

બીબીસીને પોતાના વાંચકો પાસેથી આવા કેટલાક સંદેશ મળ્યા છે, કેટલાંક સ્ક્રીનશૉટ મળ્યાં છે જેમને ફેસબુક, ટ્વિટર, શૅરચૅટ અને વૉટ્સઍપ પર શૅર કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં જે આંકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે તથ્યાત્મક રૂપે ખોટા છે.

એ વાત સાચી છે કે 85% કરન્સીને એક સાથે અમાન્ય કરી દેવાના નિર્ણયથી કરોડો લોકોનું જીવન પ્રભાવિત થયું હતું, પરંતુ બીબીસીએ આવો કોઈ રિપોર્ટ છાપ્યો નથી કે જેમાં નોટબંધીના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હજારોમાં દર્શાવવામાં આવી હોય.

નોટબંધી નિષ્ફળ જવા પર દેશમાં ગુસ્સો કેમ નથી?

ભારતમાં નોટબંધીના કારણે લોકોની મુશ્કેલીઓ અંગે ચારે તરફ રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે બીબીસી સંવાદદાતા જસ્ટિન રૉલેટે એક વિશ્લેષણ કર્યું હતું અને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે નોટબંધીને નિષ્ફળ ગણાવ્યા બાદ પણ દેશમાં ગુસ્સો કેમ નથી?

આ રિપોર્ટમાં લખ્યું હતું :

દેશની 86% કરન્સીને ચલણ બહાર કરવાના નિર્ણય બાદ તુરંત ભારે હોબાળો થયો હતો.

એક સમયે એવું લાગ્યું હતું કે દુનિયાની સાતમી સૌથી મોટી અર્થવ્યવ્સ્થાની 120 કરોડની જનતા બૅન્કો બહાર લાઇનમાં ઊભી છે.

નોટબંધીના કારણે ઘણા બિઝનેસ ઠપ થઈ ગયા છે, ઘણાં જીવન તબાહ થયાં છે. ઘણા લોકો પાસે જમવા માટે પૈસા ન હતા.

કૅશની ખામીના કારણે લોકોના જીવન પર ખરાબ અસર પડી. માનવામાં આવે છે કે આ નિર્ણયના પગલે આશરે એક કરોડ લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

તમે વિચારશો કે નોટબંધીમાં આશરે બધા પૈસા પરત મળવા પર ભારતના લોકો સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવશે.

પરંતુ દેશમાં આ નિર્ણય ખોટો સાબિત થવા પર ગુસ્સો કેમ જોવા મળી રહ્યો નથી?

તેનાં ઘણાં કારણો છે. એક કારણ એ પણ છે કે ઘણા લોકો માટે પૈસાની ગણતરી અને વિગત સમજવી મુશ્કેલ છે. સીધી ભાષામાં કહીએ તો બેકાર છે.

બીજુ મોટું કારણ એ છે કે આ નિર્ણયને ધનવાનોનો ખજાનો ખાલી કરાવવા વાળો જણાવીને મોદી સરકારે ગરીબો વચ્ચે પોતાની જગ્યા બનાવવા પ્રયાસ કર્યો.

ભારતીય રિઝર્વ બૅન્કના આંકડા ભલે એ દર્શાવે કે આ પૉલિસીથી એ મળ્યું નથી જેની આશા હતી પરંતુ અસમાનતા વાળા આ દેશમાં મોદીનો સંદેશ લોકો પર અસર કરી ગયો.

તેનું એક કારણ એ છે કે સરકારને જ્યારે ખબર પડી કે તેમની પૉલિસી તેમની યોજના પ્રમાણે કામ કરી રહી નથી ત્યારે તેમણે તેના ફાયદા બીજી રીતે ગણાવવાનું શરૂ કરી દીધું.

શરુઆતમાં નોટબંધીને કાળું નાણું બહાર લાવવા માટે ઉઠાવવામાં આવેલું પગલું ગણાવવામાં આવ્યું.

પરંતુ આ ઘોષણા લાગુ કર્યાનાં થોડાં અઠવાડિયાંમાં જ એ ખબર પડી ગઈ કે સરકારે જેટલું વિચાર્યું હતું, તેનાથી ઘણા વધારે પૈસા પરત આવી રહ્યા છે.

એ માટે તુરંત સરકારે નવો આઇડિયા અજમાવ્યો અને લોકોને રોકડ લેવડ દેવડ ઓછી કરીને દેશને 'ડિજિટલ ઇકૉનૉમી'માં મદદ કરવાનું કહ્યું.

તમે આ વાંચ્યું કે નહીં?

નોટબંધીથી ફાયદો કે નુકસાન?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા પર બીબીસીની રિયાલિટી ચેક ટીમે પણ એક આંકલન કર્યું છે કે મોદીના નોટબંધીના નિર્ણયથી ભારતને ફાયદો થયો કે નુકસાન?

આ ટીમની તપાસમાં ખબર પડી કે આ નિર્ણયનાં પરિણામ મિશ્ર સાબિત થયાં હતાં.

નોટબંધીથી અઘોષિત સંપત્તિઓના સામે આવવાના પુરાવા નહિવત છે, જ્યારે આ પગલાંથી ટૅક્સ કલેક્શનની સ્થિતિ સુધારવામાં મદદ મળી છે.

નોટબંધીથી ડિજિટલ લેણદેણ વધી છે પરંતુ લોકો પાસે કૅશ રૅકોર્ડ સ્તર પર નીચે પહોંચી ગયું છે.

ભારતીય રિઝર્વ બૅન્કના ઑગસ્ટ 2018માં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ પ્રમાણે બૅન કરવામાં આવેલી નોટનો 99% ભાગ બૅન્કો પાસે આવી ગયો.

તેનાથી એ સંકેત મળ્યો કે લોકો પાસે જે ગેરકાયદેસર સંપત્તિ હોવાની વાત કહેવામાં આવી રહી હતી, તે સાચી ન હતી.

અને જો એ વાત સાચી હતી તો લોકોએ પોતાની ગેરકાયદેસર સંપત્તિને કાયદેસર બનાવવાનો રસ્તો કાઢી લીધો હતો.

નોટબંધી સાથે સંબંધિત એક મોટો સવાલ એ પણ રહ્યો કે શું નોટબંધીથી નકલી નોટ પર અંકુશ મેળવી શકાયો?

ભારતીય રિઝર્વ બૅન્ક પ્રમાણે એવું નથી થયું કેમ કે આરબીઆઈની તરફથી કહેવામાં આવ્યું હતું કે બજારમાં 500 અને 2000ની નવી નોટ જાહેર કરવામાં આવી છે, તેમની નકલ કરવી મુશ્કેલ છે.

પરંતુ ભારતીય સ્ટેટ બૅન્કના અર્થશાસ્ત્રીઓના પ્રમાણે આ નોટની નકલ સંભવ છે અને નવી નોટની નકલ કરવામાં આવેલી નકલી નોટ પણ જપ્ત કરવામાં આવી છે.

એક દાવો એ પણ કરવામાં આવે છે કે નોટબંધીના નિર્ણય બાદ ભારતીય અર્થવ્યવસ્થા ડિજિટલ હોવાની તરફ અગ્રેસર બની છે. પરંતુ ભારતીય રિઝર્વ બૅન્કના આંકડા આ વાતની પુષ્ટિ કરતા નથી.

લાંબા સમયથી ભારતમાં કૅશલેસ પેમેન્ટમાં ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો હતો. પરંતુ 2016ના અંતમાં જ્યારે નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો તો તેમાં ઉછાળો જોવા મળ્યો.

પરંતુ પછી આ ટ્રેન્ડે ફરી પોતાની જૂની ઝડપ પકડી લીધી.

વિશેષજ્ઞો માને છે કે સમય સાથે કૅશલેસ પેમેન્ટમાં વધારાનું કારણ નોટબંધી ઓછી અને આધુનિક ટેકનિક તેમજ કૅશલેસ પેમેન્ટની ઉત્તમ સુવિધા છે.

નોટબંધીથી રોકડ રકમનો ઉપયોગ ઓછો થયો નથી અને ઝડપથી આગળ વધી રહેલી બીજી અર્થવ્યવસ્થાઓની સરખામણીએ આજે પણ ભારતમાં સૌથી વધારે કૅશનો ઉપયોગ થઈ રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો