લોકસભા ચૂંટણી 2019 : હાર્દિક પટેલની પ્રિયંકા ગાંધી સાથે ફેસબુક પોસ્ટ કેમ ચર્ચિત બની?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે મંગળવારે કૉંગ્રેસમાં જોડાયા બાદ બુધવારે પાર્ટીનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સાથેની તસવીર સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી.

જોકે, પટેલની પોસ્ટ ઉપર કેટલાક લોકોએ ટિપ્પણી કરી હતી કે તેમણે 'કૉપી અને પેસ્ટ' પણ બરાબર રીતે નથી કર્યું અને તેમાં ભૂલ છે.

શું ખરેખર હાર્દિક પટેલે કોઈ ભૂલ કરી છે? શું આ કવિતા હાર્દિકની છે કે અન્ય કોઈ વ્યક્તિની છે?

હાર્દિક પટેલની પોસ્ટ

હાર્દિક પટેલે ફેસબુક પોસ્ટમાં લખ્યું, "કૉંગ્રેસ પાર્ટીના મહાસચિવ તથા ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી જી સાથે અમદાવાદમાં શિષ્ટાચાર મુલાકાત." ત્યારબાદ હાર્દિક પટેલે કેટલીક પંક્તિઓ લખી, જે હિંદી કવિ દુષ્યંત કુમારની ગઝલ 'हो गईहैपीर पर्वत-सी पिघलनी चाहिए''ની છે.

હિંદી કવિતાઓ માટેની વેબસાઇટ kavitakosh ઉપર મૂકવામાં આવેલી માહિતી પ્રમાણે, દુષ્યંત કુમારના ગઝલસંગ્રહ 'સાયે મેં ધૂપ'માં આ ગઝલ સમાવિષ્ટ છે.

એક દિવસમાં હાર્દિક પટેલની આ પોસ્ટ ઉપર 16 હજાર લાઇક્સ, 15,000 કૉમેન્ટ્સ તથા 470 શૅર મળ્યાં હતાં.

તમે આ વાંચ્યું કે નહીં?

દુષ્યંત કુમારની મૂળ કવિતા

હાર્દિકે તેમની પંક્તિઓમાં पीर (એટલે કે પીડા)ના બદલે परी (પરી) એવો ઉલ્લેખ કર્યો હતો.

મૂળ ગઝલની પંક્તિ 'मेरे सीने में नहीं तो तेरे सीने में सही' (મારા નહીં તો તારા હૃદયમાં આક્રોશ પ્રજ્વલિત થવો જોઈએ) છે, જોકે, હાર્દિકે તેમની પંક્તિમાં લખ્યું, 'तेरे सीने में ना सही मेरे सीने में सही'' લખ્યું હતું.

आज यह दीवार, परदों की तरह हिलने लगी,

शर्त लेकिन थी कि ये बुनियाद हिलनी चाहिए।

हर सड़क पर, हर गली में, हर नगर, हर गाँव में,

हाथ लहराते हुए हर लाश चलनी चाहिए।

આ સિવાય પોતાની પોસ્ટમાં વચ્ચે ઉપરોક્ત દોઢ પંક્તિ સામેલ કર્યા વગર સીધું 'कोई लाश हाथ लहराते हुए चलनी चाहिए' લખ્યું હોવાથી સમગ્ર અર્થ બદલાઈ ગયો હતો.

જનઆંદોલનમાં ખૂબ લોકપ્રિય છે આ કવિતા

વરિષ્ઠ પત્રકાર પ્રિયદર્શનના કહેવા પ્રમાણે, દુષ્યંતના સર્જનમાં અનેક સ્થળે એક જન આંદોલન પ્રત્યે ઉષ્મા જોવા મળે છે.

એ સમયના તેમના સર્જનવિશ્વમાં સમાજવાદી જયપ્રકાશના આંદોલનનો સીધો સંદર્ભ સામેલ નથી, છતાં તેનો સ્પર્શ અનુભવી શકાય છે.

વર્ષ 2011માં અણ્ણા હઝારે ભ્રષ્ટાચાર વિરોધી જન લોકપાલ બિલની માગ સાથે નવી દિલ્હીના રામલીલા મેદાન ખાતે આમરણાંત અનશન ઉપર બેઠા હતા.

ત્યારે મંચ ઉપરથી અરવિંદ કેજરીવાલ અને કવિ કુમાર વિશ્વાસ સહિતના તત્કાલીન આંદોલનકારીઓએ દુષ્યંતની ઉપરોક્ત પંક્તિઓને ટાંકી હતી.

જોકે બાદમાં ફેસબુક પોસ્ટમાં કવિતા સુધારી લેવાઈ હતી.

આ અંગે બીબીસી ગુજરાતીના મેહુલ મકવાણાએ હાર્દિક પટેલ સાથે વાત કરી હતી.

હાર્દિકે જણાવ્યું, "કવિતામાં કોઈ ભૂલ હશે તો સુધારીશું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો