પ્રશાંત ભુષણ દ્વારા કરાયેલી રફાલ પર ચુકાદાની સમીક્ષા ચીફ જસ્ટિસે રંજન ગોગોઈએ માન્ય રાખી

બહુચર્ચિત રફાલ ફાઇટર જેટ ડિફેન્સ ડીલમાં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાની સમીક્ષા કરવાની તૈયારી બતાવી છે.

વકીલ પ્રશાંત ભૂષણ, રાજકીય નેતા યશવંત સિંહા અને અરુણ શૌરીએ ખોટાં દાવાઓને આધારે અદાલતને ગેરમાર્ગે દોરવામાં આવી હોવાનું કહી ચુકાદા સામે અપીલ કરી હતી.

સમાચાર સંસ્થા એએનઆઇએ આ અંગે ટ્ટીટ કરી જાણકારી આપી હતી.

વકીલ પ્રશાંત ભૂષણે આ મામલે સમીક્ષાની માગણી કરી હતી. જેના જવાબમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આ અંગે બૅન્ચનું ગઠન કરવામાં આવશે એમ કહ્યું હતું.

અગાઉ સુપ્રીમ કોર્ટે રફાલમાં કોઈ કૌભાંડ ન હોવાનું અને પ્રક્રિયાઓનું પાલન થયું હોવાનું કહ્યું હતું. આ ચુકાદા સામે અપીલ થઈ હતી.

શું હતો સુપ્રીમ કોર્ટનો ચુદાકો?

ગત વર્ષે ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે રફાલ સોદાને લઈને કરવામાં આવેલી તમામ અરજીઓ ફગાવી દીધી હતી અને કહ્યુ કે રફાલ યુદ્ધવિમાનની ખરીદ પ્રક્રિયા પર શંકા કરવા માટે કોઈ કારણ નથી.

અદાલતે રાષ્ટ્રીય સુરક્ષાને મહત્ત્વની ગણાવી હતી અને કહ્યુ કે અમે પહેલા સંરક્ષણ સાથે સંકળાયેલી બાબતની ન્યાયિક તપાસનો પ્રયાસ કર્યો પરંતુ અમારો મત છે કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે ન્યાયિક સમીક્ષાનો માપદંડ અમે ન થઈ શકીએ.

પોતાના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે આ સોદા સાથે સંકળાયેલી પ્રક્રિયા બાબતે સંતોષ વ્યકત કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે અરજીઓ ફગાવી દેતાં કહ્યું કે આ મામલે તપાસ નહીં થાય. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના અધ્યક્ષપદે ત્રણ જજોની બેંચે આ ચુકાદો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં હાજર પત્રકાર સુચિત્ર મોહંતીએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રફાલ વિમાનની ખરીદી પ્રક્રિયાને લઈને કોઈ જ પ્રકારની શંકા નથી.

સુપ્રીમ કોર્ટે વિમાનની કિંમત અને ઓફસેટ પાર્ટનર બાબતે એ પોતાની ફરજ નથી એવું વલણ દાખવ્યું છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યુ કે તેઓ સરકારને 126 એરક્રાફટ ખરીદવા માટે ફરજ ન પાડી શકે અને અદાલત આ કેસના દરેક પાસાની સમીક્ષા કરે તે યોગ્ય નહીં ગણાય.

અદાલતે એમ પણ કહ્યું કે વિમાનોની કિંમતની તુલના કરવાનું કામ અમારું નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

વિમાન ખરીદવા માટેનો પ્રસ્તાવ

વર્ષ 2007માં ભારતીય વાયુ સેનાએ સરકાર સમક્ષ મીડિયમ મલ્ટી-રૉલ કૉમ્બેટ ઍરક્રાફ્ટ(એમએમઆરસીએ) ખરીદવા માટે પ્રસ્તાવ મૂક્યો. જેને પગલે એ જ વર્ષે ભારત સરકારે કુલ 123 એમએમઆરસીએ ફાઇટર્સ ખરીદવા ટૅન્ડર્સ બહાર પાડ્યાં.

ફ્રૅન્ચ કંપની દાસૉ દ્વારા રફાલ માટે બિડ ભરાયું. રશિયન MIG-35 અને સ્વીડિશ Saab JAS-39 ગ્રિપન, અમેરિકન લૉકહીડ માર્ટીન દ્વારા F-16, બૉઇંગ F/A-18 સુપર હૉર્નેટ અને યુરોફાઇટર ટાઇફુન પણ આ દોડમાં સામેલ થયાં.

આખરે વર્ષ 2011માં ભારતીય વાયુ સેનાએ રફાલ અને યુરોફાઇટર્સ અંતિમ પંસદગી માટે અલગ તારવ્યાં. જે બાદ જાન્યુઆરી 30, 2012ના રોજ દાસૉ ઍવિએશને સૌથી સસ્તા ભાવે વિમાન વેચવાનો પ્રસ્તાવ રજૂ કર્યો.

શરત એવી રખાઈ કે 126 ફાઇટર જૅટ્સ લેવામાં આવશે. જેમાંથી 18 'ફ્લાય-અવૅ' સ્થિતિમાં મળશે. જ્યારે બાકીનાં 108 વિમાનોને હિંદુસ્તાન ઍરોનૉટિક્સ લિ.(એચએએલ) દાસૉની મદદથી મૅન્યુફૅક્ચર કરશે.

જોકે, એ વખતે ભારત અને ફ્રાન્સ વચ્ચે આ સોદાને લઈને કરારને અંતિમ ઓપ ન આપી શકાયો અને પ્રક્રિયા આગળ વધી શકી નહીં.

મોદી સરકારનો પ્રવેશ

વર્ષ 2014માં પૂર્વ બહુમતી સાથે મોદી સરકારની રચના થઈ અને એ સાથે જ આ કરારમાં પણ મોદી સરકાર સીધી જ પ્રવેશી.

આ દરમિયાન 13 માર્ચ 2014ના રોજ એચએએલ અને દાસૉ ઍવિએશન વચ્ચે 108 વિમાનો બનાવવા માટે કાર્યવહેંચણીના કરાર થયા. બન્ને વચ્ચે અનુક્રમે 70:30નો રેશિયો નક્કી કરાયો.

એ જ વર્ષે ઑગસ્ટ મહિનામાં એ વખતના સંરક્ષણ પ્રધાન અરુણ જેટલીએ સંસદમાં જણાવ્યું કે 'ફ્લાય-અવૅ' સ્થિતિમાં 18 વિમાનો કરાર પર સહી કરતાં જ ત્રણ-ચાર વર્ષમાં મળી જશે. જ્યારે બાકીના વિમાનો આગામી સાત વર્ષ દરમિયાન મળશે.

જોકે, વર્ષ 2015માં એ વખતના વિદેશ સચિવે જણાવ્યું કે દાસૉ અને એચએએલ વચ્ચે વિસ્તૃત ચર્ચા ચાલી રહી છે. જે બાદ 10મી એપ્રિલે નવો સોદો જાહેર કરવામાં આવ્યો.

જે અનુસાર ફ્રાન્સમાંથી 36 વિમાનો 'ફ્લાય-અવૅ' સ્થિતિમાં મળવાની જાહેરાત કરાઈ. આગામી વર્ષે એટલે વર્ષ 2016માં 26 જાન્યુઆરીએ ભારત અને ફ્રાન્સ વચ્ચે 36 રફાલ વિમાનો મામલે એમઓયૂ પર હસ્તાક્ષર કરાયા.

વિવાદનાં મૂળ

એ જ વર્ષે 18મી નવેમ્બરે સરકારે સંસદને જણાવ્યું કે પ્રત્યેક રફાલ વિમાન લગભગ રૂ.670 કરોડના ખર્ચે પડશે અને તમામ વિમાનો એપ્રિલ 2022 સુધી મળી જશે.

જોકે, 31 ડિસેમ્બરે દાસૉ ઍવિએશનના વાર્ષિક અહેવાલમાં જણાવાયું કે 36 વિમાનોની કુલ કિંમત લગભગ રૂ. 60 હજાર કરોડ થાય છે. એટલે કે સરકારે સંસદમાં જાહેર કરેલી કિંમત કરતાં બમણી છે.

કૉંગ્રેસે દાવો કર્યો કે તેમણે 526.1 કરોડ રૂપિયામાં વિમાન ખરીદવાનો સોદો કર્યો હતો. જોકે, ભારત વિમાનમાં જે વિશેષતા ઇચ્છતું હતું તે નક્કી કરાયેલી સમયમર્યાદામાં પૂરી થઈ શકે એમ નહોતું.

એટલે યૂપીએ સરકાર વખતે ભારત અને ફ્રાન્સ વચ્ચે સોદા પર હસ્તાક્ષર કરી શકાયા નહોતા.

આ દરમિયાન ડિસેમ્બર 2015ના રોજ રિલાયન્સ ઍન્ટરટેઇનમેન્ટે ફ્રાંસના તત્કાલીન રાષ્ટ્રપતિ ઓલાંદનાં પાર્ટનર જૂલી ગયેટની ફિલ્મનાં પ્રૉડક્શનમાં 16 લાખ યૂરોનું રોકાણ કર્યું હતું.

ફ્રાન્સના સમાચારપત્ર મીડિયાપાર્ટના આધારે આ રોકાણ ફ્રાંસની એવી વ્યક્તિના 'ઇન્વેસ્ટમેન્ટ ફંડ'ના માધ્યમથી કરવામાં આવ્યું હતું કે જેઓ અંબાણીને છેલ્લાં 25 વર્ષોથી ઓળખતા હતા.

રિલાયન્સ પર શંકા?

જોકે, જૂલી ગયેટનાં પ્રોડક્શન રૉગ ઇન્ટરનેશનલે અનિલ અંબાણી કે રિલાયન્સના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરવાની વાતને ફગાવી દીધી.

જાન્યુઆરી 2016: ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઓલાંદ ભારત આવ્યા. આ દરમિયાન તેમણે રફાલ વિમાન ખરીદવા માટે એક એમઓયૂ પર હસ્તાક્ષર કર્યા.

24 જાન્યુઆરીના રોજ રિલાયન્સ ઍન્ટરટેઇનમેન્ટે પ્રેસ રિલીઝ જાહેર કરી. તેમાં ઇન્ડો-ફ્રૅન્ચ સંયુક્ત સાહસ 'nOmber one'ની જાહેરાત કરવામાં આવી.

એ જ વર્ષે સપ્ટેમ્બર 2016માં ભારત અને ફ્રાન્સ વચ્ચે 36 રફાલ વિમાન ખરીદવાના અંતિમ સોદા પર હસ્તાક્ષર કરાયા. વિમાનોની કિંમત 7.87 બિલિયન યૂરો રાખવામાં આવી (આશરે 59000 કરોડ રૂપિયા).

આ કરાર અનુસાર વિમાનોની ડિલીવરી સપ્ટેમ્બર 2018ની શરુઆતમાં મળવાની હતી.

3 ઓક્ટોબર 2016: અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ લિમિટેડ અને દાસૉ ઍવિએશને સંયુક્ત વેન્ચરની ઘોષણા કરી અને ફેબ્રુઆરી 2017માં એ સંયુક્ત સાહસ આકાર પામ્યું.

આરોપ-પ્રત્યારોપ

વર્ષ 2017માં કૉંગ્રેસે આરોપ લગાવ્યા કે મોદી સરકારે HALની અવગણના કરી અનિલ અંબાણીની રિલાયન્સ કંપનીને સોદો અપાવ્યો.

તેના પર રિલાયન્સ ડિફેન્સ લિમિટેડના સીઈઓ રાજેશ ઢીંગરાએ સ્પષ્ટતા આપતા કહ્યું કે તેમની કંપનીને સંયુક્ત સાહસ કરાર દાસૉમાંથી મળ્યો હતો અને તેમાં સરકારની કોઈ ભૂમિકા ન હતી.

જોકે, એક વર્ષ બાદ એટલે કે સપ્ટેમ્બર 2018માં ફ્રેન્ચ પ્રકાશને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદનો ઇન્ટરવ્યૂ કર્યો.

જેમાં તેમણે જણાવ્યું કે ભારતીય ભાગીદારને પસંદ કરવા સિવાય તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો.

તેમણે એવો પણ દાવો કર્યો કે રિલાયન્સનું નામ ભારત તરફથી સૂચવવામાં આવ્યું હતું. જોકે, દાસૉએ જણાવ્યું કે રિલાયન્સને પસંદ કરવાનો નિર્ણય એનો પોતાનો હતો.

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો