નરેન્દ્ર મોદીએ મારા 34 પત્રોના જવાબ પણ આપ્યા નથી : અન્ના હજારે

સમાજસેવક અન્ના હજારે એક વખત ફરીથી પોતાની માગણીઓ સાથે ઉપવાસ પર ઊતરવાના છે.

30 જાન્યુઆરીની સવારે 10 વાગ્યાથી તેઓ મહારાષ્ટ્રના પોતાના નિવાસ ગામ રાલેગણ સિદ્ધિમાં ઉપવાસ પર ઊતરશે.

બીબીસી સાથે વાત કરતા એમણે પોતાની ઉપવાસ અંગેની માગણીઓ વિસ્તારમાં જણાવતા કહ્યું કે સત્તામાં આવ્યા બાદ મોદીએ એમના એક પણ પત્રનો જવાબ આપ્યો નથી.

પોતાના મુદ્દા અંગે વિસ્તારમાં જણાવતાં એમણે કહ્યું, "લોકપાલની નિમણૂક એક મુખ્ય મુદ્દો છે."

"પાંચ વર્ષથી સરકારે શાસનની ધૂરી સંભાળી છે પણ નરેન્દ્ર મોદી સરકાર લોકપાલના મુદ્દે જનતાને અવળા માર્ગે દોરી રહી છે."

"બહાનાં બનાવી પાંચ વર્ષથી તે લોકપાલની નિમણૂક ટાળતી આવી છે."

સ્વામીનાથનના સમર્થનમાં પોતાનો મત રજૂ કરતા તેમણે કહ્યું, "મારો મુદ્દો ખેડૂતો સાથે જોડાયેલો છે. જે સ્વામીનાથન આયોગનો રિપોર્ટ છે તેનું સરકાર પાલન કરતી નથી."

"આ લોકોએ દેશમાં ખેડૂતોને વચન આપ્યું હતું કે જો અમે સત્તા સંભાળીશું તો સ્વામીનાથન રિપોર્ટનું પાલન કરીશું."

"આજે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને એટલા લાચાર બની ગયા છે કે મારા મતે એમનું દેવું માફ કરવા માત્રથી જ બધું ઠીક થઈ જવાનું નથી."

"જો સરકાર સ્વામીનાથન આયોગના અહેવાલનું પાલન કરે અને સાથે સાથે ખેડૂતોનું દેવું માફ કરી દે તો પછી ખેડૂતને સરકાર પાસે જવાની કોઈ જરૂર જ નહીં રહે."

તમને શું લાગે છે કે સરકાર શા માટે લોકપાલની નિમણૂક નથી કરી રહી?

આ સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું, "જો લોકપાલની નિમણૂક કરાય અને પછી જો જનતા, વડા પ્રધાન કે એમની કૅબિનેટના કોઈ પણ નેતા વિરૂધ્ધ કોઈ પુરાવા રજૂ કરે તો લોકપાલ વડા પ્રધાન અને મંત્રીઓ સામે તપાસ બેસાડી શકે છે."

"આ કાયદો ભારે છે અને સરકાર ઇચ્છતી નથી કે લોકયુક્ત પ્રણાલીમાં દાખલ થાય."

"અત્યારે દેશમાં રફાલ મુદ્દો ચાલી રહ્યો છે. જો લોકપાલ હોત તો આવા ઘોટાળા અટકાવી શકાયા હોત."

હાલની સરકારમાં પણ ભ્રષ્ટાચાર છે?

આ અંગે અન્ના જણાવે છે, "હાલમાં ભ્રષ્ટાચાર ઘટ્યો ક્યાં છે. હું તો ફરતો રહું છું."

"દરેક રાજ્યમાં લોકો એવું જ કહી રહ્યા છે કે પૈસા આપ્યા વગર કોઈ કામ થતું જ નથી."

"તો પછી પરિવર્તન ક્યાં છે. જો પૈસા આપ્યા વગર ગરીબોનું કોઈ કામ થતું જ ના હોય તો ભ્રષ્ટાચાર ઘટ્યો થોડો કહેવાય."

"મારા શરીરમાં પ્રાણ રહેશે ત્યાં સુધી મારું આ આંદોલન ચાલું રહેશે."

મેં નરેન્દ્ર મોદીજીને લગભગ 34 વખત પત્રો લખ્યા છે પણ તેઓ મારા પત્રોનો જવાબ આપતા નથી.

વર્ષ 2011માં તેઓ સરકારમાં નહોતા અને મેં આંદોલન કર્યું હતું તો આ જ નરેન્દ્ર મોદી કહેતા હતા કે એક અન્ના હજારે છે કે જેમણે લોકપાલ માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો છે.

અત્યારે મોદીજીને મારા કાગળનો જવાબ આપવાની પણ જરૂર જણાતી નથી.

વર્ષ 2011-12નું આંદોલન

વર્ષ 2011-12માં અન્ના હજારેના વડપણ હેઠળ દિલ્હીના રામલીલા મેદાનમાં તે વખતની યૂપીએ સરકારના ભ્રષ્ટાચાર સામે મોટું આંદોલન થયું હતું.

આ આંદોલનમાં કિરણ બેદી, અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, કુમાર વિશ્વાસ, પ્રશાંત ભૂષણ જેવા અગ્રણી લોકો એમના સમર્થનમાં ઊભા હતા.

આજે આમાંથી લગભગ મોટા ભાગના લોકો રાજકીય પક્ષોનો એક ભાગ બની ગયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો