શું શિવસેના હવે ભાજપ માટે બોજરૂપ બની ગઈ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રદીપ સિંહ
- પદ, રાજકીય વિશ્લેષક, બીબીસી ગુજરાતી માટે
મહારાષ્ટ્રમાં અઢી દાયકા જૂનું ભારતીય જનતા પાર્ટી તથા શિવસેનાનું ગઠબંધન તૂટવાના આરે છે. બંને પક્ષોએ તલવારો ખેંચી લીધી છે અને આરપારની લડાઈ લડવાના મૂડમાં છે.
અત્યારસુધી શિવસેના દ્વારા શાબ્દિક પ્રહાર કરવામાં આવતા હતા, પરંતુ ભાજપે મૌન ધારણ કર્યું હતું.
હવે, ભાજપે વળતા ઘા મારવાનું શરૂ કર્યું છે અને તેનું નેતૃત્વ ખુદ પાર્ટી અધ્યક્ષ અમિત શાહ કરી રહ્યા છે.
શાહનું કહેવું છે કે ભાજપની સાથે રહેશે, તેને જીતાડવા માટે પાર્ટી પ્રયાસ કરશે અને જે વિરુદ્ધ જશે તેને હરાવશે.
તેમણે મહારાષ્ટ્ર ભાજપના ટોચના નેતાઓને એકલા હાથે ચૂંટણી લડવા સજ્જ રહેવા કહ્યું છે.
શિવસેના અને ભાજપની યુતિના પાયામાં ભાજપના સ્વર્ગીય નેતા પ્રમોદ મહાજનની કુનેહ હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

શિવસેનાનું 'મરાઠી માણુસ'નું આંદોલન ઠંડું પડ્યું ત્યારે પાર્ટીએ હિંદુત્વનું વલણ અપનાવ્યું.
પ્રમોદ મહાજન તથા ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓએ શિવસેનાના તત્કાલીન સુપ્રીમો સ્વર્ગીય બાલ ઠાકરે સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે હિંદુત્વની વિચારસરણી ધરાવતા બંને પક્ષોએ સાથે યુતિ કરવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શિવસેનાને મોદી અપ્રિય

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1995માં શિવસેના અને ભાજપે મળીને પ્રથમ વખત મહારાષ્ટ્રમાં યુતિ સરકાર સ્થાપી.
એક વાત સ્પષ્ટ હતી કે શિવસેના મોટો પક્ષ અને ભાજપ નાનો પક્ષ બની રહેશે.
વર્ષો સુધી આ ક્રમ ચાલતો રહ્યો.
પ્રમોદ મહાજનની હયાતીમાં જ નીતિન ગડકરી સહિત મહારાષ્ટ્ર ભાજપના અન્ય નેતાઓએ આ યુતિને તોડવાના પ્રયાસ કર્યા.
મહાજનના નિધન બાદ સંકલનની જવાબદારી ગોપીનાથ મુંડેએ સંભાળી.
વર્ષ 2004થી કેન્દ્ર અને રાજ્યમાં બંને પક્ષો સત્તાની બહાર હતા.
ત્યારબાદ બંને પક્ષો વચ્ચે મતભેદ વધવા લાગ્યા.
વર્ષ 2013માં ભાજપમાં વડા પ્રધાનપદના ઉમેદવારના નામની ચર્ચા ચાલી રહી હતી ત્યારે સેનાએ લોકસભામાં તત્કાલીન વિપક્ષનાં નેતા સુષમા સ્વરાજનું નામ આગળ કર્યું હતું.

આપને આ પણ વાંચવું ગમશે

બાલ ઠાકેરના મૃત્યુ બાદ શિવસેનાને આશા હતી કે અગાઉ જેટલું જ સન્માન મળશે, પરંતુ એવું થયું ન હતું.
કડવાશની વચ્ચે શિવસેના અને ભાજપે ચૂંટણી લડી. ભાજપને ભારે સફળતા મળી, પરંતુ લોકસભામાં ભાજપનો સ્ટાઇક રેટ સારો હતો.
વિધાનસભાની ચૂંટણી સમયે શિવસેનાએ બે શરતો મૂકી હતી.
હંમેશાની જેમ શિવસેનાને સૌથી વધુ બેઠકો મળે અને જે કોઈ પક્ષને સૌથી વધુ બેઠક મળે, પરંતુ શિવસેનાનો ઉમેદવાર જ મુખ્ય પ્રધાન બને.

વિપક્ષની ભૂમિકામાં શિવસેના

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપે આ શરત માનવાનો ઇન્કાર કરી દીધો અને ગઠબંધન તૂટી ગયું.
ભાજપે એકલા હાથે ચૂંટણી લડી અને મહારાષ્ટ્રમાં ચોથા ક્રમાંકની પાર્ટી 122 વિધાનસભા બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની.
ત્યારથી લઈને અત્યારસુધી ઉદ્ધવ ઠાકરે એ વાત સ્વીકારી નથી શક્યા કે યુતિમાં શિવસેના હવે જુનિયર પાર્ટનર છે.
કેન્દ્ર, રાજ્ય અને મુંબઈ નગર નિગમ, એમ ત્રણેય જગ્યાએ ભાજપના સમર્થનથી શિવસેના સત્તામાં છે, છતાંય દરરોજ ભાજપને ભાંડે છે.
ગત સાડા ચાર વર્ષ દરમિયાન શિવસેના શાસકપક્ષ તથા વિપક્ષ એમ બંને ભૂમિકા એકસાથે નિભાવે છે.
એટલું જ નહીં ઘણી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વ્યક્તિગત હુમલા કરવામાં કૉંગ્રેસ કે અન્ય વિપક્ષ કરતાં આગળ નીકળી જાય છે.

આપને આ પણ વાંચવું ગમશે

ત્યારે સવાલ એ થાય કે ત્રણ જગ્યાએ ભાજપના સાથી પક્ષ તરીકે સત્તામાં હોવા છતાંય શિવસેના શા માટે આવું વલણ અખત્યાર કરે છે?
પ્રથમ બાબત તો એ છે કે શિવસેના હજુ પણ ભાજપને 'મોટા ભાઈ' તરીકે સ્વીકારવા તૈયાર નથી.
બીજું એ પણ છે કે આગામી લોકસભા તથા વિધાનસભા ચૂંટણી દરમિયાન વધુ બેઠક મેળવવા માટે દબાણ લાવવાની વ્યૂહરચના પણ છે.

શિવસેનાની નવી શરતો

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2014માં વિધાનસભાની ચૂંટણી વખતે શિવસેનાએ જે શરત મૂકી હતી, એ જ શરત અત્યારે પણ મૂકી છે.
સાથે જ તેમાં વધુ એક શરત ઉમેરી છે.
શિવસેનાનું કહેવું છે કે મહારાષ્ટ્ર વિધાનસભાને ભંગ કરવામાં આવે અને લોકસભાની ચૂંટણી સાથે જ તેની ચૂંટણી પણ યોજવામાં આવે.
શિવસેના માને છે કે લોકસભાની ચૂંટણી બાદ ભાજપ ફરી ન જાય તે માટે તેની ઉપર દબાણ લાવવા માટે આમ કરવું જરૂરી છે.
ભાજપનું ટોચનું નેતૃત્વ માને છે કે સાથે મળીને ચૂંટણી લડવામાં બંને પક્ષોને લાભ છે, પરંતુ તે બંને શરતો માનવા તૈયાર નથી.
મતોનું વિભાજન ન થાય અને લોકસભાની ચૂંટણી પૂર્વે 'સાથી પક્ષો ભાજપને છોડી રહ્યા છે', એવી માન્યતા બળવતર ન બને તે માટે ભાજપ શિવસેનાને સાથે રાખવા ચાહે છે.

આપને આ પણ વાંચવું ગમશે

ત્યારે સ્વાભાવિક રીતે સવાલ ઊભો થાય કે તો પછી અમિત શાહે શા માટે શિવસેના સામે આક્રમક વલણ અપનાવ્યું છે?
લગભગ બે અઢી મહિના પહેલાં ઉદ્ધવ ઠાકરેએ લોકસભાના સાંસદ તથા પાર્ટીના વરિષ્ઠ નેતાઓની એક બેઠક બોલાવી હતી, જેમાં તેમણે ભાજપ સાથેનું ગઠબંધન તોડીને એકલા હાથે ચૂંટણી લડવાનું આહ્વાન કર્યું હતું.
રાજ્યસભામાં શિવસેનાના લોકસભાના સાંસદ અને ઉદ્ધવના વિશ્વાસુ મનાતા સંજય રાઉતે આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.
પરંતુ લોકસભામાં શિવસેનાના મોટાભાગના સાંસદોનું કહેવું હતું કે જો પાર્ટી આ પ્રકારનો નિર્ણય લે, તો તેઓ ચૂંટણી લડવા નથી ઇચ્છતા.

એકલા લડે તો કોને લાભ?

ઇમેજ સ્રોત, AMIT SHAH/TWITTER
આ વાત થોડી જૂની છે, પરંતુ અમિત શાહ જાણે છે.
તેમ છતાંય તેઓ શા માટે આક્રમક વલણ ધરાવે છે?
અલગ-અલગ સમાચાર ચેનલ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સરવે તથા ભાજપના આંતરિક આકલન પ્રમાણે, જો ભાજપ મહારાષ્ટ્રમાં એકલપંડે ચૂંટણી લડે તો ગઠબંધનની સરખામણીએ વધુ બેઠકો મળે તેમ છે.
છેલ્લા સાડા ચાર વર્ષ દરમિયાન શિવેસનાએ નેગેટિવ પોલિટિક્સ કર્યું છે, તેના કારણે તેની છાપ ખરડાઈ છે.
ભાજપને લાગે છે કે શિવસેના હવે ભારરૂપ બની ગઈ છે.
ભાજપને મહારાષ્ટ્રમાં તેની સરકારના પતનનો ભય નથી.
શિવસેનાને આંચકો આપવા માટે ભાજપ ન કેવળ ગઠબંધન તોડે, પરંતુ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પણ એકસાથે યોજવાની જાહેરાત કરી દે, તેવી શક્યતા છે.

આપને આ પણ વાંચવું ગમશે

સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દરરોજ કોઈ ને કોઈ કારણ આગળ કરીને તેના અખબાર 'સામના' મારફત વડા પ્રધાન ઉપર વ્યક્તિગત પ્રહાર કરે છે, જેના કારણે મહારાષ્ટ્ર ભાજપમાં નારાજગી વકરી રહી હતી.
અમિત શાહનું નિવેદન શિવસેના માટે જ નહીં, પરંતુ ભાજપના કાર્યકર્તાઓ માટે પણ હતું.
આ સિવાય ભાજપને ખ્યાલ છે કે બૃહૃણ મુંબઈ નગર પાલિકાની સત્તા શિવસેના માટે લાઇફલાઇન સમાન છે.
ગઠબંધન તૂટતાની સાથે જ ભાજપ ત્રણેય સ્થળેથી ખસી જશે.
ત્યારે હવે ભાજપ શિવસેનાને તેની શરતોને આધીન ગઠબંધન માટે મજબૂર કરી શકે છે કે નહીં, તે ખાત્રીપૂર્વક કહી ન શકાય.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














