જનરલ જેકબ : 93 હજાર પાક. સૈનિકોને આત્મસમર્પણ કરાવનાર ભારતીય જનરલ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
16 ડિસેમ્બર 1971ની બપોર હતી. ઢાકામાં પાકિસ્તાનની સેનાના મુખ્યાલય પર આત્મસમર્પણ કરતા પહેલાં પાકિસ્તાનની સેનાના ઉચ્ચસ્તરીય અધિકારીઓ બપોરનું ભોજન લઈ રહ્યા હતા.
'ઑબ્ઝર્વર' અખબારના સંવાદદાતા ગાવિન યંગ ભોજન લેવાઈ રહ્યું હતું તે સ્થળની બહાર ઊભા હતા.
તેમણે ત્યાં જ ઊભેલા જનરલ જેકબને પૂછ્યું, 'સર મને પણ ભૂખ લાગી છે, શું હું પણ અંદર જઈ શકું?' તમામ લોકો અંદર પહોંચ્યા.
જેકબ નજારો જોઈને દંગ રહી ગયા કેમ કે ત્યાં ભોજનથી ઘણાં ટેબલ સજાવવામાં આવ્યાં હતાં. કાંટા, ચાકુ અને નૅપ્કિન પણ ગોઠવેલાં હતાં.
જેકબને ભોજનનું આમંત્રણ હતું પણ તેમને ભોજન લેવાનું મન ન થયું.
તે એજ રૂમમાં ખૂણામાં ઊભા રહીને તેમના સહાયક કર્નલ ખાડા સાથે વાતચીત કરવા લાગ્યા.
પાકિસ્તાન અધિકારીઓ 'રોસ્ટેડ ચિકન'ની લિજ્જત માણી રહ્યા હતા.
બાદમાં ગાવિન યંગે પોતાના અખબારમાં એક લેખ લખ્યો હતો. તેનું ટાઇટલ હતું 'સરેન્ડર લંચ'.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ જ દિવસની સવારે પૂર્વિય કમાનના સ્ટાફ ઑફિસર જનરલ જે. એફ. જેકબને ફોન આવ્યો હતો અને સામે ફોન પર ભારતીય સેનાધ્યક્ષ જનરલ સેમ માણેક શૉ હતા.

જ્યારે જનરલ જેકબ આત્મસમર્પણ કરાવવા ગયા...

કેટલાંક વર્ષો પહેલાં મારી સાથે વાતચીત કરતા જનરલ જેકબે જણાવ્યું હતું, "માણેક શૉએ મને ફોન કર્યો હતો અને કહ્યું કે જેક જાઓ અને આત્મસમર્પણ કરાવો."
"મેં કહ્યું કે તમને પહેલાં જ આત્મસમર્પણનો મુસદ્દો મોકલી ચૂક્યો છું. શું તેના આધારે પાકિસ્તાનીઓ સાથે વાતચીત કરી શકું છું?"
"તેમણે કહ્યું કે 'તમને ખબર છે તમારે શું કરવાનું છે. તમે ત્યાં પહોંચી જાઓ.'"
"હું એ જ દસ્તાવેજ લઈને ઢાકા પહોંચ્યો. ત્યાં સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ માર્ક હેનરીએ મારું સ્વાગત કર્યું."
"તેમણે રજૂઆત કરી કે તેઓ સરકાર પર નિયંત્રણ મેળવવા માટે મારી મદદ ઇચ્છે છે."
"મેં તેમનો આભાર માન્યો પણ તેમની માંગણીનો સ્વીકાર ન કર્યો."
"મને લેવા માટે પાકિસ્તાન તરફથી એક બ્રિગેડિયરને કાર લઈને મોકલવામાં આવ્યા હતા."
"અમે પાકિસ્તાનની કારમાં આગળ વઘ્યા કે તરત જ મુક્તવાહિનીના લડાકુઓએ અમારી પર ગોળીબાર કર્યો."
"હું કારનો દરવાજો ખોલીને મોટેથી બોલ્યો કે ઇન્ડિયન આર્મી."
"તેમણે ગોળીબાર બંધ કરી દીધો પણ તેઓ મારી સાથે રહેલા પાકિસ્તાનના બ્રિગેડિયરને મારી નાખવા માંગતા હતા."
"અમે તેમને ગમેતેમ સમજાવીને નિયાઝીની કચેરીએ પહોંચ્યા."
"મેં તેમને આત્મસમર્પણના દસ્તાવેજ હાથમાં આપતાની સાથે જ નિયાઝી બોલ્યા કે કોણ કહી રહ્યું છે કે અમે આત્મસમર્પણ કરી રહ્યા છીએ?"
"મેં તેમને એક ખૂણામાં બોલાવીને કહ્યું કે મેં તેમને ખૂબ જ સારી શરતો આપી છે."
"જો તેઓ આત્મસમર્પણ કરી દેશે તો અમે તેમના અને તેમના પરિવારનું ધ્યાન રાખીશું."
"નિયાઝીએ કોઈ જવાબ ન આપ્યો. મેં કીધું કે હું તમને વિચારવા માટે 30 મિનિટનો સમય આપું છું. આટલું કહીને હું રૂમની બહાર જતો રહ્યો."
"પછી મેં વિચાર્યું કે મેં આ શું કરી દીધું. કેમ કે તેમની પાસે ઢાકામાં 26,400થી વધુ સૈનિકો હતા."
"જ્યારે અમારી પાસે માત્ર 3000 સૈનિકો હતા. તે પણ ઢાકાથી 30 કિલોમીટર દૂર હતા."

તમે આ વાંચ્યું કે નહીં?

'નિયાઝી, શું તમે આત્મસમર્પણની શરતો માની રહ્યા છો?'

ઇમેજ સ્રોત, SONAM KALRA
જ્યારે જેકબ અડધો કલાક બાદ રૂમમાં પ્રવેશ્યા, તો ત્યાં સન્નાટો છવાયેલો હતો.
આત્મસમર્પણના દસ્તાવેજ ટેબલ પર પડ્યા હતા.
જનરલ જેકબે કહ્યું, "મેં વિચાર્યું કે જો તેઓ ના કહેશે તો હું શું કરીશ? એક કલાકમાં અરોરા ત્યાં પહોંચવાના હતા."
"મેં નિયાઝીને પૂછ્યું કે તમે આત્મસમર્પણની શરતોનો સ્વીકાર કરો છો કે નહીં? તેમણે કોઈ જવાબ ન આપ્યો."
"મેં તેમને ત્રણ વખત સવાલ કર્યા. ત્યારે પણ કોઈ જવાબ ન મળ્યો. જ્યારે મેં દસ્તાવેજ ઉપર ઉઠાવીને કહ્યું કે તમે જવાબ ન આપ્યો એનો અર્થ કે તમે તેનો સ્વીકાર કરો છો."
"જેકબે નિયાઝીને કહ્યું કે આત્મસમર્પણ સમારોહ રેસકોર્સ મેદાનમાં ઢાકાની જનતા સામે થશે."
"નિયાઝી આ માટે તૈયાર ન થયા પછી જેકબે નિયાઝીને કહ્યું કે તેઓ તલવાર સરેન્ડર (આત્મસમર્પણ) કરે."

'ભીડ નિયાઝીને મારી નાખવા માંગતી હતી'

ઇમેજ સ્રોત, BHARAT RAKSHAK
જેકબ ઉમેરે છે, "નિયાઝીએ કહ્યું મારી પાસે તલવાર નથી. તો મેં કહ્યું પિસ્તોલનું સરેન્ડર કરો. તેમણે ભીંની આંખો સાથે પિસ્તોલ અરોડાને આપી દીધી."
"દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાનો સમય આવ્યો ત્યારે તેમની પાસે કલમ નહોતી."
"ત્યાં હાજર ઑલ ઇન્ડિયા રેડિયોના સંવાદદાતા સુરજીત સેને તેમની કલમ આપી."
"આ દરમિયાન બન્ને જનરલ વચ્ચે એક પણ શબ્દની વાતચીત ન થઈ. હસ્તાક્ષર થતાં જ ત્યાં હાજર ભીડ તેમને મારી નાખવા માંગતી હતી."
"અમે તેમની ચારે તરફ એક ઘેરો બનાવી લીધો. તેમને જીપમાં બેસાડી સુરક્ષિત સ્થાન પર મોકલી દીધા."
1923માં કોલકાતામાં જન્મેલા જનરલ જેકબ એક યહૂદી પરિવારમાંથી આવે છે.
1942માં ભારતીય સેનામાં સામેલ થયેલા જનરલ જેકબે મઘ્ય પૂર્વ, બર્મા અને સુમાત્રાની લડાઈમાં ભાગ લીધો હતો.
15 કોરની કમાન સંભાળી ચૂકેલા જનરલ સૈયદ અતા હસનૈન, જનરલ જેકબને બાળપણથી ઓળખતા હતા અને તેમને અંકલ જેક કહીને બોલાવતા હતા.


પ્રૉફેશનલ જનરલ જેકબ

જનરલ હસનૈન જણાવે છે, "1961ની વાત છે જ્યારે હું તેમને પહેલી વખત મળ્યો હતો. આ પૂર્વે 1951થી તેમનો સંબંધ મારા પરિવાર સાથે જોડાયેલો છે."
"તેઓ અહમદનગરમાં મારા વાલિદ સાહેબ સાથે ફરજમાં હતા. બાદમાં 1961માં વેલિગ્ટંનમાં ફરીથી તેમનું એકસાથે પોસ્ટિંગ થયું."
"હું મારા માતાપિતા સાથે ત્યાં રહેતો હતો. જનરલ જેકબે લગ્ન નહોતાં કર્યાં. તેમની સાથે તેમના મિત્ર જનરલ હરિ શિંગલ હતા."
"તેઓ બન્ને ઘણી વખત અમારી ઘરે આવતા જતા હતા. તેઓ બન્ને બૅચલર્સ ક્વોટર્સમાં રહેતા હતા અને મેસમાં ખાવાનું ખાતા હતા. સાંજે ઘણીવાર અમારા ઘરે જમવા માટે આવતા હતા."
"ત્યાં શાયરી અને જોક્સની મહેફિલ થતી. ઘણીવાર તેઓ ફિલ્મ જોઈને આવતા તો મારી માતાને વિનંતી કરતા કે તેમને થોડું ખાવાનું આપે."
"મારી તેમના માટેની શરૂઆતની યાદો એક મજાકિયા વ્યક્તિની હતી."
"તેઓ ઘણા કૅર ફ્રી હતા પણ સાથે જ પ્રૉફેશનલ પણ હતા. તેઓ અનેક સ્પોર્ટ્સના જાણકાર હતા. માછલી પકડવાનું મેં તેમની પાસેથી જ શીખ્યું હતું."

જેકબ શોખીન મિજાજના હતા

ઇમેજ સ્રોત, Getty Images
જેકબ સારા ચિત્રકાર હતા અને તેમને જૂની એન્ટિક વસ્તુઓ સંગ્રહ કરવાનો શોખ હતો. તેમને કવિતા પઠન અને બ્રિજ રમવું પણ પસંદ હતું.
જનરલ અતા હસન જણાવે છે, "એ સમયે પણ તેમને કલાકૃતિઓના સંગ્રહનો શોખ હતો. તેમને ટ્રાવેલિંગ કરવાનું પણ પસંદ હતું."
"આથી તેમની પાસેથી દુનિયાભરની વસ્તુઓ મળી આવતી. ઈરાનના કાલીનનો તેમની પાસે સારો સંગ્રહ હતો."
"નિવૃત્તિ બાદ તેઓ સોમ વિહારમાં રહેવા લાગ્યા, તો મને તેમનો સંગ્રહ ન જોવા મળ્યો."
"કદાચ તેમણે તેને વહેંચી દીધો હશે. અથવા ક્યાંક મૂકવા આપ્યો હોઈ શકે છે."
"તેઓ વિશ્વની દરેક સારી વસ્તુના વખાણ જરૂર કરતા હતા. તેઓ એક વખત પુનામાં ફરજ પર હતા.
"મારા વાલિદ (પિતા)નું વેલિંગ્ટનથી લૅન્સડાઉન ટ્રાન્સફર થઈ ગયું હતું."
"અમે કારમાં ત્યાં જઈ રહ્યા હતા ત્યારે પુનામાં રોકાયા હતા. તેઓ મને જમવા માટે એ સમયના પ્રખ્યાત પારસી રેસ્ટોરાંમાં લઈ ગયા હતા."
"ત્યાં મેં મારા જીવનની પહેલી નાન ખાધી હતી. ત્યાં તમામ પ્રકારનું માંસાહારી ભોજન મળતું હતું."
"આર્મીમાં બ્રિજને એક બૌદ્ધિક રમત માનવામાં આવે છે. ખાસ કરીને જનરલ કક્ષાના અધિકારીઓને તે વધુ પસંદ હોય છે. જેકબના પિતા લગભગ દરરોજ બ્રિજ રમતા હતા."


ભારતીય સેનાએ આદેશ વગર ઢાકા પર કબજો જમાવ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
1997માં જ્યારે તેમનું પુસ્તક 'સરેન્ડર એટ ઢાકા' પ્રકાશિત થયું તો તેમની ટિપ્પણીઓથી હંગામો થઈ ગયો હતો.
તેમનું કહેવું હતું કે જનરલ માણેક શૉએ ઢાકા પર કબજો કરવાનું લક્ષ્ય ભારતીય સેનાને નહોતું આપ્યું.
મેં એકવાર જનરલ જેકબને પૂછ્યું પણ હતું કે તેની પાછળ શું કારણ હોઈ શકતાં હતાં.
જેકબનો જવાબ હતો, "મને નહોતી ખબર કે તેની પાછળ શું કારણો હતાં."
"હું માત્ર એટલું જ જાણું છું કે મને માત્ર ખુલના અને ચટગાંવ પર કબજો કરવાનો આદેશ મળ્યો હતો. મારે તેમની સાથે લાંબી દલીલ થઈ હતી."
"મારું કહેવું એવું હતું કે ખુલના એક નાનકડું નદી બંદર છે અને ચટગાંવનું પણ કોઈ સામરિક મહત્ત્વ નથી."
"જો યુદ્ધ જીતવું હોય તો આપણે ઢાકા પર કબજો કરવો જ પડશે."
"માનેક શૉએ કહ્યું કે ખુલના અને ચટગાંવ લઈ લઈશું તો ઢાકા એમ જ ધ્વસ્ત થઈ જશે. મેં સવાલ કર્યો કે આવું કઈ રીતે થઈ શકે છે."
"આ તર્ક ચાલતા જ રહ્યા અને આખરે અમને બન્ને વિસ્તાર કબજો કરવાના લેખિતમાં આદેશ મળ્યા."
"ઍર ચીફ માર્શલ પી. સી. લાલ પણ એ વાતની પુષ્ટિ કરે છે કે ઢાકા પર કબજો કરવાનું લક્ષ્ય ભારતીય સેના સામે ક્યારેય મૂકવામાં નથી આવ્યું."
"અમારું લક્ષ્ય હતું બાંગ્લાદેશની સરકાર માટે વધુથી વધુ જમીન પર કબજો મેળવવો."

'માણેક શૉના પસંદગીના જનરલ'

ઇમેજ સ્રોત, SAM MANEK SHAW FAMILY, GETTY
બાદમાં જનરલ જેકબની ઘણી ટીકા થઈ કે તેઓ 1971ના યુદ્ધની તમામ વાહવાહી પોતે લેવા માંગતા હતા અને ફિલ્ડ માર્શલ માણેક શૉના યોગદાનને ઓછું આંકવા માગતા હતા.
જનરલ અતા હસન આ વાતને સાચી નથી માનતા. તેઓ કહે છે, "ચીફ ઑફ સ્ટાફ અને ચીફ ઑફ આર્મી સ્ટાફની કમાન વચ્ચે જમીન-આકાશ જેટલો તફાવત હોય છે."
"હું કૅપ્ટન હોંઉ તો કોઈ વિષય પર મારે સેનાધ્યક્ષ સાથે મતમંતાતર હોઈ શકે છે, પરંતુ તેઓ એ અર્થ નથી કે હું સાચો છું અને તેઓ ખોટા છે."
"જો જનરલ જેકબ કંઈ કહી રહ્યા છે તો આપણે તેને તેમના વ્યક્તિગત વિચાર તરીકે ગણવા જોઈએ."
"જો તમે પુસ્તકમાં તમારા વિચાર લખી રહ્યા છો, તો તેમાં કંઈ ખોટું નથી."
"બાદમાં મીડિયાએ આ વાતને ઘણી ચગાવી હતી. ખરેખર જનરલ જેકબ માણેક શૉના પસંદગીના અધિકારી હતા."
"જ્યારે શૉ પૂર્વિય કમાનના પ્રમુખ હતા ત્યારે તેમણે જ જનરલ જેકબને ચીફ ઑફ સ્ટાફ તરીકે માંગ્યા હતા અને ત્યારે જેકબને ત્યાં તહેનાત કરવામાં આવ્યા હતા."
"તેમના અંગત સંબંધ ઘણા સારા હતા. સામરિક મામલે આ પ્રકારના પ્રૉફેશન મતભેદો જનરલો વચ્ચે થતા રહેતા હોય છે."

ઇઝરાયલના સૈનિક મ્યૂઝિયમમાં જેકબની વરદી

ઇમેજ સ્રોત, Getty Images
જનરલ જેકબના મૃત્યુના કેટલાક દિવસો પહેલાં મેં તેમને પૂછ્યું હતું કે 16 ડિસેમ્બર 1971ની રાત્રે જ્યારે તેઓ ઢાકાથી કોલકાતા પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના મનમાં શું વિચાર ચાલતા હતા?
જનરલ જેકબનો જવાબ હતો, "ત્યારે મારું ધ્યાન એ જવાનો સાથે હતું જેમણે ભારતના વિજય માટે પોતાના પ્રાણોની આહૂતિ આપી દીધી."
"આ કાર્યવાહીમાં અમારા 1400 જવાન શહીદ થયા હતા અને 4000 ઘાયલ થયા હતા."
"તેમની બહાદુરીને કારણે જ બાંગ્લાદેશ આઝાદ થઈ શક્યું હતું."
જનરલ જેકબ 1978માં સેનામાંથી નિવૃત્ત થયા હતા. બાદમાં તેમને ગોવા અને પંજાબના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.
જેકબની ભારતમાં જેટલી પ્રતિષ્ઠા હતા એટલી જ ઇઝરાયલમાં પણ હતી.
જૉન કાલ્વિને યહૂદી સૈનિક હીરો પર લખેલા પુસ્તક 'લાયન્સ ઑફ જૂદા'માં જનરલ જેકબનો પણ ઉલ્લેખ છે.
ઇઝરાયલના સૈનિક મ્યૂઝિયમમાં જનરલ જેકબની વરદી આજે પણ છે.
તે ભારત અને ઇઝરાયલના મજબૂત સંબંધોના સમર્થક હતા. જોકે, તેમણે ઇઝરાયલ જઈને વસી જવાની તમામ ઑફર્સનો ઇન્કાર કરી દીધો હતો.
અંતિમ શ્વાસ તેમણે તેમની ભારતની ભૂમિ પર જ લીધા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















