નરેન્દ્ર મોદીએ કહ્યું, "મૉબ લિન્ચિંગ અસ્વીકાર્ય અને વખોડવા લાયક "

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019નો સૌપ્રથમ ઇન્ટરવ્યૂ આપ્યો છે, જેમાં તેમણે રામ મંદિર, 2019ની લોકસભા ચૂંટણી અંગે, સર્જિકલ સ્ટ્રાઇક્સ તથા તેમની સરકારની કામગીરી અંગે વાત કરી હતી.

મોદીએ ન્યૂઝ એજન્સી એએનઆઈ (એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલ)ના એડિટર સ્મિતા પ્રકાશને ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જે લગભગ 95 મિનિટ ચાલ્યો હતો.

વડા પ્રધાન મોદીનો આ ઇન્ટરવ્યૂ ચૂંટણીવર્ષમાં પહેલો ઇન્ટરવ્યૂ છે.

લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે, ત્યારે મોદીના આ ઇન્ટરવ્યૂને ચૂંટણીના બ્યૂગલ તરીકે જોવામાં આવે છે.

મોદીના ઇન્ટરવ્યૂ બાદ કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દસ સવાલ પૂછ્યા હતા અને તેમને જૂના ચૂંટણી વચનોની યાદ અપાવી હતી.

ANIના કહેવા પ્રમાણે, આ ઇન્ટરવ્યૂની જાહેરાતને પગલે તેમની વેબસાઇટ ક્રેશ થઈ ગઈ હતી.

મૉબ લિન્ચિંગ અંગે

એએનઆઈને આપેલી મુલાકાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ટોળાઓ દ્વારા ગૌરક્ષાને નામે હત્યાની બનેલી ઘટનાઓ યાને કે મૉબ લિન્ચિંગને વખોડવા લાયક ગણાવી હતી.

મુલાકાતમાં 2014માં સરકાર બન્યા બાદ દેશમાં ટોળાઓ દ્વારા ઘાતકી હત્યાની વધેલી ઘટનાઓ અંગે નરેન્દ્ર મોદીને સવાલ પૂછવામાં આવ્યો હતો.

જવાબમાં મોદીએ કહ્યું હતું કે, આવી કોઈપણ ઘટનાઓ સભ્ય સંસ્કૃતિનું પ્રદર્શન નથી કરતી. કોઈએ પણ આવી ઘટનાઓને ટેકો ન આપવો જોઇએ. આ સંપૂર્ણ રીતે ખરાબ અને વખોડવા લાયક છે.

એમણે કહ્યું કે "દરેકની લાગણીઓનો આદર થવો જોઇએ અને એવા વાતાવરણનાં નિર્માણ માટે દરેકે પ્રયાસ કરવો જોઇએ."

નરેન્દ્ર મોદીએ ઉમેર્યુ હતું કે, "શું મૉબ લિન્ચિંગ 2014 પછી જ શરું થયું છે? આ સમાજમાં વ્યાપ્ત અધમતાનું પરિણામ છે અને આ પરિસ્થિતિને સુધારવા બધાએ સહિયારો પ્રયાસ કરવો પડશે."

એમણે કહ્યું કે "કઈ સરકારના સમયમાં આવી ઘટના બની છે એની ચર્ચામાં તેઓ પડવા માગતા નથી પણ આવી એક પણ ઘટના વખોડવા લાયક છે. આવી ઘટનાઓ સમાજમાં ન બનવી જોઇએ પણ આપણે એ સમાજનું મુખ્ય પોત શું છે એ સમજવું પડશે."

નસીરુદ્દીન શાહ અને લઘુમતીઓની અસુરક્ષા અંગે

દેશમાં લઘુમતી સમુદાય અસલામતી અનુભવે છે એવી નસીરુદ્દીન શાહની કમેન્ટને નકારી કાઢી વડા પ્રધાને જણાવ્યુ હતું કે "ચૂંટણી અગાઉ ઘણા લોકો અસુરક્ષાને જુએ છે. કેટલાક લોકોનો આ એજન્ડા હોય છે."

એમણે ભારતમાં સૌહાર્દની વાત કરતાં કહ્યું કે "ગલ્ફમાં વસતા મુસ્લિમ વિદ્વાનોએ ભારતના વૈવિધ્યમાં રહેલા સોહાર્દની વાત કરી છે જ્યારે એમના પોતાના પ્રદેશમાં એક જ શ્રદ્ધા ધરાવનારા લોકો એકમેક પર હુમલા કરતાં હોય છે."

રાજકીય હિંસા

દેશમાં વધી રહેલી રાજકીય હિંસા, ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને કેરલ અંગે વાત કરતાં એમણે કહ્યું કે "ભાજપના કાર્યકર તરીકે હું આનો સખત વિરોધ કરું છું. અમે ઘણું નુકશાન ભોગવ્યું છે."

"પશ્ચિમ બંગાળમાં ભાજપને તેના લોકતાંત્રિક અધિકારો પણ ભોગવવા નથી મળી રહ્યાં. જે રીતે ચૂંટણી દરમિયાન અમારા કાર્યકર્તાઓની હત્યાઓ થઈ છે તે લોકશાહીનું પ્રદર્શન નથી. કેરલમાં અમારા કાર્યકરો દરરોજ માર્યા જાય છે."

કર્ણાટક, તમિલનાડુ, આસામ અને જમ્મુ-કશ્મીરમાં પણ કાર્યકરો માર્યા ગયા હોવાની વાત એમણે કરી હતી.

એમણે કહ્યું કે, "સવાલ એ નથી કે અમારા કાર્યકર્તાઓ માર્યા જાય છે કે નહીં, પણ આ પ્રકારની હિંસા લોકશાહી માટે યોગ્ય નથી અને દરેક રાજકીય પક્ષે આના વિશે વિચારવું જોઇએ."

રામ મંદિર અંગે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કહેવા પ્રમાણે, સરકાર રામ મંદિર મુદ્દે અધ્યાદેશ અંગે વિચાર કરતા પહેલાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થવા દેશે.

સાથી પક્ષ શિવસેના ઇચ્છે છે કે સરકાર આ અંગે તારીખ જાહેર કરે.

શિવસેના તથા સંઘ તરફથી જરૂર પડ્યે વટહુકમ લાવવા સરકાર ઉપર દબાણ છે.

દેશમાં ઘણા સમયથી રામ મંદિરનો મુદ્દો ચર્ચાય રહ્યો છે. ગત વર્ષમાં અયોધ્યા ખાતે ધર્મ સભાનું પણ આયોજન કરાયું હતું.

મોદીના કહેવા પ્રમાણે, કૉંગ્રેસ તેના વકીલ નેતાઓ દ્વારા અવરોધ ઊભા કરાવે છે.

તેને ન્યાયિક રીતે ચાલવાને બદલે રાજકીય રીતે ચલાવવા પ્રયાસ કરી રહ્યા છે. 

ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં સ્પષ્ટ કર્યું છે કે બંધારણીય માર્ગે રામ મંદિરના મુદ્દાનો ઉકેલ લાવવામાં આવશે.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સહ સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેના કહેવા પ્રમાણે:

"સરકાર આ કાર્યકાળમાં જ સરકાર રામ મંદિર નિર્માણનું વચન પૂર્ણ કરે, એવી ભારતીય જનતાની અપેક્ષા છે."

"રામ મંદિર અંગે ભાજપના વચન પર વિશ્વાસ કરીને જ જનતાએ તેમને બહુમતી આપી હતી."

આપને આ પણ વાંચવું ગમશે

હું અને શાહ ભાજપ નથી ચલાવતા

મોદીના કહેવા પ્રમાણે, "હું અને અમિત શાહ એમ બે વ્યક્તિ જ પાર્ટી ચલાવીએ છીએ એ વાત ખોટી છે."

"તેઓ ભાજપને ઓળખતા નથી અને તેના કાર્યકર્તાને નથી ઓળખતા. ભાજપની મજબૂતી શાહ-મોદીને કારણે નહીં, પરંતુ બૂથના કાર્યકર્તાને કારણે છે."

"ભાજપનો કાર્યકર્તા 'મારું બૂથ, સૌથી મજબૂત'ના નારાથી 365 દિવસ કાર્ય કરે છે, જેથી ભાજપ વિશ્વનો સૌથી મોટો પક્ષ બન્યો છે."

મોદીએ ઉમેર્યું કે ભાજપના કાર્યકર્તાઓમાં 'ઉત્સાહ ઘટ્યો' નથી અને તાજેતરની ચૂંટણીમાં પરાજયને કારણે હતાશા નથી આવી.

સોહરાબુદ્દીન કેસમાં ટિપ્પણી

મોદી સરકાર પર એવા આરોપ મૂકવામાં આવી રહ્યા છે કે તે આરબીઆઈ (રિઝર્વ બૅન્ક ઑફ ઇંડિયા) , સીબીઆઈ (સેન્ટ્રલ બ્યરો ઑફ ઇન્વેસ્ટિગેશન), ઈડી (ઍન્ફૉર્સમૅન્ટ ડિરેક્ટ્રેટ) જેવી સંસ્થાઓને નાબુદ કરવા પ્રયાસ કરી રહી છે.

રાહુલ ગાંધીએ ઈડીને 'એમ્બ્રેસમૅન્ટ ડિપાર્ટમેન્ટ' કહ્યું હતું.

મોદીએ કહ્યું, "સોહરાબુદ્દીન કેસમાં સીબીઆઈની કોર્ટે ચુકાદામાં શું કહ્યું છે, તે આ લોકોએ વાંચવું જોઈએ."

મોદીના કહેવા પ્રમાણે, સીબીઆઈમાં નંબર-વન તથા નંબર-ટુ વચ્ચે ટકરાવ હતો, એટલે સંસ્થાની ગરિમા જળવાઈ રહે તે માટે બંનેને રજા ઉપર ઉતરી જવા માટે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કોર્ટે નોંધ્યું હતું કે, અમિત શાહને ફસાવવા માટેની સ્ક્રિપ્ટ અગાઉથી તૈયાર હતી, જેની ઉપર સીબીઆઈ કામ કરી રહી હતી.

કોર્ટે 22 આરોપીઓને છોડી મૂક્યા હતા.

પટેલ સાથે સંઘર્ષ

રિઝર્વ બૅન્ક ઑફ ઇંડિયાના ગવર્નર ઉર્જિત પટેલ અંગે પોતાની વાત મૂકતા મોદીએ કહ્યું કે પટેલે ખુદ રાજીનામું આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

મોદીએ કહ્યું, "હું આજે પ્રથમ વખત આ વાતની જાહેરાત કરું છું કે રાજીનામું આપ્યાના છ-સાત મહિના પહેલાં પટેલે મારી સાથે આ મુદ્દે વાત કરી હતી અને લેખિતમાં પણ આપ્યું હતું."

"તેમના આ પગલા પાછળ કોઈ રાજનૈતિક દબાણ નહોતું. એટલું જ નહીં આરબીઆઈમાં તેમનું સારું યોગદાન રહ્યું."

'કૉંગ્રેસની લૉનમાફી લૉલીપૉપ'

મોદીના કહેવા પ્રમાણે, કૉંગ્રેસની રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાતો 'રાજકીય સ્ટંટબાજી' છે.

તેમના કહેવા પ્રમાણે, ખેડૂતોએ બૅન્કો પાસેથી લીધેલી લોનને માફ કરવી એ 'ગેરમાર્ગે દોરનારી' છે, કારણ કે બહુ થોડાં ખેડૂતો બૅન્કો પાસેથી ધિરાણ મેળવે છે.

તેમણે લોનમાફીને 'લૉલીપૉપ' જણાવી હતી અને ઉમેર્યું હતું કે, જે ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બની રહ્યા છે, તેઓ આ પ્રકારની યોજનાથી બહાર છે.

'પાકિસ્તાનને સુધરવામાં સમય લાગશે'

સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સાથેના સંબંધ મુદ્દે મોદીએ કહ્યું :

"એક લડાઈથી (સર્જિકલ સ્ટ્રાઇક) પાકિસ્તાન સુધરી જશે તેવું સમજવું ખૂબ જ મોટી ભૂલ હશે. પાકિસ્તાનને સુધરવામાં હજું ઘણો સમય લાગશે."

મોદીના કહેવા પ્રમાણે, સૈનિકોની સલામતીને જોતા સર્જિકલ સ્ટ્રાઇકની તારીખ બે વખત બદલવામાં આવી હતી.

મોદીએ ઉમર્યું કે ઉરી ખાતે આતંકવાદી હુમલા બાદ, તેમનામાં, સૈનિકો અને નાગરિકોમાં આક્રોશ હતો.

મોદીએ ઉમેર્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઇક્સ અંગે રાજકીય જોખમ કરતાં સૈનિકોની સલામતી તેમને મન મહત્ત્વપૂર્ણ હતી.

ઉલ્લેખનીય છે કે ઉરી ખાતે સૈન્ય મથક પર થયેલા આતંકવાદી હુમલામાં 20 સૈનિકો વીરગતિને વર્યા હતા.

ગાંધી પરિવાર અંગે

આ સાથે જ મોદીએ ગાંધી પરિવાર પર પ્રહાર કરતા કહ્યું કે જે પરિવારે દેશ પર ચાર પેઢીઓથી શાસન કર્યું છે તે હવે આર્થિક ગેરરીતિના કેસમાં જામીન ઉપર બહાર છે.

જે લોકો તેમની સાથે છે તેઓ તેમની માહિતીઓ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મોદીના કહેવા પ્રમાણે, કૉંગ્રસમુક્ત ભારત એટલે કૉંગ્રેસી સંસ્કૃતિથી મુક્ત ભારત.

દેશમાં મોદી લહેર વિશે

અમુક લોકો એવું કહી રહ્યા હતા કે મોદી લહેરની હાર થઈ છે.

તે અંગે પ્રતિક્રિયા આપતા મોદીએ કહ્યું, "દેશમાં 'મોદી લહેર' કે 'મોદી મેજિક' જેવી કોઈ બાબત દેશમાં અસ્તિત્વ ધરાવે છે.

જળવાયું પરિવર્તન મુદ્દે મોદીએ કહ્યું, "દુનિયા આજે ક્લાઇમેટ ચેન્જની વાત કરે છે અને પર્યાવરણ ખરાબ કરવામાં ભારતને પણ ભાગીદાર માનવામાં આવે છે.

બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભારતને ચૅમ્પિયન ઑફ અર્થનો એવોર્ડ મળે તે ગર્વની વાત છે."

"18 હજાર ગામડાં એવાં હતાં, જ્યાં વીજળી નહોતી મારા આવ્યા બાદ આ ગામડામાં વીજળી પહોંચી."

"રમતગમત જગતમાં પણ ખેલાડીઓ ભારતનું પરિણામ સુધર્યું છે."

નિર્માણ ચીજો પર GST 

મોદીના કહેવા પ્રમાણે, તેમની સરકાર નિર્માણકાર્ય સંબંધિત ચીજો ઉપર જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ) લાવવા માગે છે. 

મોદીએ ઉમેર્યું કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 'ગબ્બરસિંહ ટૅક્સ' અને 'ગ્રાન્ડ સ્ટુપિડ થૉટ' કહ્યો, જે દેખાડે છે કે 'જેવો જેનો વિચાર, એવા એના શબ્દ.'

જીએસટી કાઉન્સિલમાં કૉંગ્રેસની રાજ્ય સરકારો સહિત રાજ્યો મળીને સર્વાનુમત્તે કરવ્યવસ્થામાં સુધાર પસાર કરે છે, શું રાહુલ ગાંધી પોતાની પાર્ટીના જ નેતાઓને ભાંડી રહ્યા છે?

'નોટબંધીથી દેશને ગતિ મળશે'

આગામી લોકસભાની ચૂંટણી અંગે વાત કરતા મોદીએ કહ્યું 2019માં દેશની જનતાને જેમની પર વિશ્વાસ છે તે અમે લોકો છીએ. લોકોને અમારા વિશ્વાસ છે.

દેશમાં નોટબંધી જેવો નિર્ણય શા માટે લેવામાં આવ્યો તે અંગે મોદીએ વધુ પ્રકાશ પાડતા કહ્યું કે દેશમાં સમાચાર આવતા કે કાળું નાણું વધી રહ્યું છે. વેપારીઓ, ધંધાદારીઓ, સરકારીબાબુઓનાં ઘરે નોટો મળતી હતી. આ દરેક બાબત એ વાતનો પુરાવો હતો કે દેશમાં કાળુ નાણું છે.

નોટબંધીએ સૌથી મોટું કામ કર્યું છે અને આગામી સમયમાં દેશને મજબૂતી આપશે. એટલું જ નહીં જેટલી પણ નોટો આવા લોકો પાસે હતી તેવી દરેક નોટો બેન્કિંગ વ્યવસ્થઆમાં પરત આવી ગઈ છે.

...તો સુરક્ષાબળ નબળાં પડે

મોદીના કહેવા પ્રમાણે, રફાલ મુદ્દે તેમની ઉપર આરોપ લગાવનારા ભારતીય સુરક્ષાબળોને નબળાં પાડી રહ્યા છે.

મોદીએ ઉમેર્યું હતું કે કૉંગ્રેસના આરોપ છતાંય તેઓ રફાલ મુદ્દે 'ઝડપભેર' આગળ વધશે.

રફાલ ડીલ દ્વારા અનિલ અંબાણીને મદદ કરવાના કૉંગ્રેસના આરોપ અંગે મોદીએ કહ્યું :

"મારી ઉપર વ્યક્તિગત આરોપ નથી મૂક્યા, પરંતુ સરકાર ઉપર મૂક્યા છે. જો મારી વિરુદ્ધ વ્યક્તિગત આરોપ હોય તો તેઓ શોધી લાવે કે કોણે, ક્યારે કોને શું આપ્યું?"

"આ અંગે સંસદ સહિતના સાર્વજનિક મંચો ઉપરથી નિવેદન આપ્યા છે. સુપ્રીમ કોર્ટ તથા ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પણ આ અંગે સ્પષ્ટતા કરી દીધી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો