ઇન્ટરવ્યૂ બાદ કૉંગ્રેસે મોદીને પૂછ્યા દસ સવાલ

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

નવા વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યૂ બાદ કૉંગ્રેસે તત્કાળ પત્રકાર પરિષદ યોજી હતી.

જેને કૉંગ્રેસી નેતા રાજદીપ સુરજેવાલે સંબોધી હતી, તેમણે મોદીને દસ સવાલ કર્યા હતા.

પોતાના ઇન્ટર્વ્યૂમાં મોદીએ 'પહેલો પરિવાર' કહીને ગાંધી પરિવાર ઉપર પ્રહાર કર્યા હતા.

1. લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા આવવાના હતા તેનું શું થયું?

2. ગબ્બર સિંહ ટૅક્સ (જીએસટી) નાખીને વેપારીઓનો ધંધો શા માટે ચોપટ કરી નાખ્યો?

3. 80 લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું, જે 100 દિવસમાં પરત આવવાનું હતું તેનું શું થયું?

4. બે કરોડ રોજગાર પ્રતિવર્ષ મતલબ કે 55 મહિનામાં નવ કરોડ રોજગાર ઊભા કરવાના વાયદાનું શું થયું?

5. ખેડૂતને પડતર પર 50 ટકા નફો આપવાના વાયદાનું શું થયું?

6. આ સાથે જ તેમણે એવું પણ કહ્યું કે મોદીએ અર્થવ્યવસ્થાને સાડા ત્રણ કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે અને નોટબંધી સમયે 120 લોકો લાઇનમાં ઊભા હતા ત્યારે મોતને ભેટ્યા, તેનો જવાબ શું છે?

7. રાષ્ટ્રીય સુરક્ષા સાથે શા માટે રમત કરી અને જમ્મુ કાશ્મીરમાં 55 મહિનામાં 428 જવાનો શહીદ થયા અને 278 નાગરિકો માર્યા ગયાં, નક્સલવાદે 248 જવાનોનાં જીવ લઈ લીધાં અને 378 નાગરિકો માર્યા ગયાં. આ બધાને જોતા રાષ્ટ્રીય સુરક્ષા સાથે ખેલ શા માટે કરવામાં આવ્યો?

8. દેશમાં ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવી રહ્યા છે. રફાલ મુદ્દામાં જો કોઈ ખોટું ના કર્યું હોય તો જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટીની તપાસથી ભાગી કેમ રહ્યા છો?

9. શું ગંગા સાફ થઈ કે નહીં? આ સાથે જ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાનું શું થયું?

10. સુરજેવાલાએ એવું પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઑઈલ ભાવ ઘટવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ શા માટે ઘટ્યા નથી?

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો