કુંવરજીની જસદણમાં જીત, વિધાનસભામાં ભાજપની સદી પુરી

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા, જસદણથી

રવિવારનો દિવસ રાજકોટ જિલ્લાનાં નાનકડા ટાઉન જસદણ માટે સામાન્ય નહોતો. મોટી સંખ્યામાં લોકો ફરીથી ચૂંટાયેલા તેમના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને જોવા માટે જ્યાં જગ્યા મળે ત્યાંથી તેમની એક નજર મેળવવા માટે પડાપડી કરી રહ્યાં હતા.

મૉડર્ન સ્કૂલ, જસદણથી જ્યારે તેમનું વિજય સરઘસ નીકળ્યું, ત્યારે અગાઉથી જ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા હતા.

પાનના ગલ્લા હોય, કે પાણીની ટાંકી, મકાનનું ધાબુ હોય કે પછી પાર્ક કરેલી કોઈ ટ્રક, જ્યાં નજર જાય ત્યાં લોકોના ટોળા કુંવરજીને જોવા માટે રાહ જોઈ રહ્યાં હતા.

માત્ર જસદણના જ નહીં, પરંતુ આસપાસનાં નાના-મોટા ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

બાવળિયાના વિજય સરઘસમાં બાઇકર્સ, ઘોડસવારો, ખુલ્લી જીપકાર, તેમજ અનેક એસ.યુ.વી કારો સાથે લોકો જોડાયા હતા.

'બાવળિયાની જય', તેમજ 'મોદી, મોદી'ના નારા જસદણમાં અગાઉ ક્યારેય ન સંભળાયા હોય તેવી રીતે સંભળાઈ રહ્યા હતા.

પોતાના ઘરોથી બહાર નીકળી, રસ્તાના નાકાઓ પર અનેક મહિલાઓ બાવળિયાને જોવા કલાકો સુધી ઊભાં રહ્યાં હતાં.

આવાં જ એક મહિલા મંજુલા જોષી લગભગ એક કલાક સુધી ઊભા રહ્યાં પછી જ કુંવરજી બાવળિયાની એક ઝલક મેળવી શક્યાં હતાં.

તેમણે કહ્યું કે 'પહેલાં માત્ર કુંવરજી હતા, હવે તેમની સાથે વિકાસ પણ છે, માટે હવે તો તેમના સિવાય બીજું કોઈ નહીં.'

જુલાઇ 2018માં કુંવરજી કૉંગ્રેસ પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા.

ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે તેમને પાણી પુરવઠાના કૅબિનેટ મંત્રી બનાવ્યા હતા.

સામાન્ય રીતે કોઈ પણ પેટાચૂંટણીના પરિણામમાં આટલી ઉત્સુક્તા જોવા મળતી નથી, જેમાં બંને પક્ષોનાં આશરે 70 જેટલા ધારાસભ્યોએ પ્રચાર કર્યો હોય અને એક ધારાસભ્યની જીત બાદ દેશનાં પ્રધાનમંત્રીએ તેમને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હોય.

આ પેટાચૂંટણીમાં મીડિયાનું એટલું આકર્ષણ હતું કે અમુક ટીવી ચેનલોએ તો પરિણામા કવરેજ માટે ક્રેન વગેરેનો પણ ઉપયોગ કરી રિયલ ટાઇમ કવરેજ આપવાનો પ્રયાસ કર્યો હતો.

સવારે લગભગ 11 વાગ્યે બાવળિયા કાઉન્ટિંગ સેન્ટરથી બહાર આવે તે પહેલાં જ ભાજપનાં સમર્થકો મૉડર્ન સ્કૂલની બહાર ભાજપના ઝંડા લઈને ઉભા રહી ગયા હતા.

કાઉન્ટિંગ જસદણની મૉડર્ન સ્કૂલમાં થયું હતું. આશરે 11 વાગ્યે બાવળિયાની જીત સ્પષ્ટ થઈ ચૂકી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

સ્થાનિકોનો મત

જસદણનાં કમલાપુર ગામનાં વતની, વીરાભાઇ કોળીપટેલ પણ આ લોકોની ભીડમાં હતા.

જ્યારે તેમને પુછ્યું કે, બાવળિયાની જિતનું મુખ્ય કારણ શું છે, તો કંઈ પણ વિચાર કર્યા વગર તેમણે કહ્યું કે, તેમનો લોકસંપર્ક.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા વીરાભાઈએ કહ્યું, "અમારા ગામમાં પાણીની તંગીનો જડમુળથી તેમણે નિકાલ કરી દીધો છે."

"હું પોતે જ્યારે પણ તેમને મારા કામ માટે મળવા જઉં, તો તેઓ મને મળે છે અને સાંભળે છે."

વીરાભાઈ જેવા અનેક લોકો બાવળિયાને કારણે જ પોતાનો વોટ આ વખતે કૉંગ્રેસની જગ્યાએ ભાજપને આપ્યો છે.

દહિસર ગામના વતની કરશનભાઇ પરમાર એક દલિત આગેવાન છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે તેમણે પ્રથમ વખત કૉંગ્રેસની જગ્યાએ ભાજપને વોટ આપ્યો છે, જેનું કારણ કુંવરજી બાવળિયા છે.

દહિસર ગામ મુખ્યત્વે કૉંગ્રેસ પાર્ટીને વોટ કરતું હતું, પરંતુ આ વખતે મોટાભાગના લોકોએ કૉંગ્રેસની વિરુદ્ધ વોટિંગ કર્યું છે.

વર્ષ 2017માં જ્યારે બાવળિયા કૉંગ્રેસ તરફથી ચૂંટણી જીત્યા હતા, ત્યારે તેમની લિડ 9277 મતોની હતી, જ્યારે 2018માં તેઓ 19,985 વોટથી જીત્યાં છે.

જીત બાદ આશરે 10 કિલોમીટીર લાંબી વિજય સરઘસ રેલી યોજી, ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમની સાથે હતા.

ત્યારબાદ ફાયર સ્ટેશન મેદાન પર મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથે એક જાહેર કાર્યક્રમમાં આ તમામ નેતાઓ હાજર હતા.

જોકે, કાર્યક્રમની રૂપરેખા અને સ્ટેજને જોતા એ સ્પષ્ટ થઈ રહ્યું હતું કે ખુદ ભારતીય જનતા પાર્ટીએ આટલી મોટી જીતની આશા ન રાખી હતી, જેમાં મુખ્ય મંત્રી વિજય રુપાણી તાબડતોબ હેલિકૉપ્ટર મારફતે એક નાના સ્ટેજ પર આવીને કૉંગ્રેસ પર પ્રહાર કરે.

જોકે, કૉંગ્રેસને હાર આવી રીતે થશે, તેની આશા ન હતી.

જો અહીં કૉંગ્રેસનો વિજય થયો હોત તો ગુજરાતમાં તેની પરિસ્થિતિ મજબૂત થવાની શક્યતા હતી અને 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસ પોતાનું સ્થાન મજબૂત કરી શકી હોત.

આ વિશે વાત કરતા કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ કહ્યું 'આ સીટ પારંપરિક રીતે કૉંગ્રેસની હતી, પરંતુ આ વર્ષે ખોટા વાયદાઓ કરી, લોકોને ભ્રમમાં નાંખી ભાજપ ચૂંટણી જીતી ગયું છે."

"અમે આવનારા સમયમાં કાગળ ઉપર અપાયેલા આ વાયદાઓ ભાજપની સરકાર પુરા કરે તે માટે કામ ચાલુ રાખીશું."

ગુજરાતની રાજનીતિ પર અસર

આ પરિણામ ભાજપના પક્ષમાં અને કૉંગ્રેસની વિરુદ્ધમાં ગયું છે તેમાં કોઈ શંકા નથી.

પરંતુ નિષ્ણાતો માને છે કે આ પરિણામથી કૉંગ્રેસને વધુ ચિંતા કરવાની જરૂર છે, કારણે કે જસદણમાં કોળી પટેલ ફેકટર ઉપરાંત તેમાં ઘણાં ગામડાઓ છે.

જો ગામડાઓ કૉંગ્રેસને ન ચૂંટી શકે તો, કૉંગ્રેસને તાત્કાલીક ધોરણે મનોમંથન કરવાની જરૂર છે, તેવું ભૂતપૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું.

મહેતા એ વધુમાં જણાવ્યું હતું, 'ગુજરાતની કૉંગ્રેસે અંદરના ઝગડા બંધ કરી ને એક ટીમની જેમ જ કામ કરવું જોઈએ.'

જોકે, બીજી બાજુ કૉંગ્રેસ નેતાઓનું માનવું છે કે તેઓ એક ટીમ બનીને જસદણમાં લડ્યા હતા.

જસદણનાં પરિણામો વિશે વાત કરતા, પોલિટિકલ સાયન્ટિસ્ટ ઘનશ્યામ શાહ કહે છે :

"2017ના પરિણામો બાદ ગુજરાતમાં ભાજપના આત્મવિશ્વાસમાં કમી જોવા મળી રહી હતી."

"પરંતુ અત્યારે તેઓ બમણી શક્તિથી આવનારી લોકસભાની ચૂંટણીમાં ઉતરશે, બીજી બાજુ કૉંગ્રેસે 2017માં જે પોતાના અગાઉના પર્ફૉર્મન્સથી જે સારું કર્યું છે તે હવે ધોવાય જશે."

જોકે, ઘનશ્યાભાઈ માને છે કે આ જીત કુંવરજીભાઇ બાવળિયાની પોતાની જીત છે અને તેમાં ભાજપને ફાયદો થઈ ગયો છે.

કુંવરજીની જીત બાદ, ગુજરાતની વિધાનસભામાં ભાજપના 100 ધારાસભ્યો થઈ ગયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો