You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જસદણ પેટાચૂંટણી : જીત સાથે વિધાનસભામાં ભાજપની 100 બેઠક થઈ
ગુજરાતના રાજકોટ જિલ્લાની જસદણ બેઠક કે જે કૉંગ્રેસનો ગઢ ગણાતી હતી, ત્યાંથી ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની જીત થઈ છે.
આ જીતને વધાવવા માટે યોજાયેલી જનસભામાં હાજરી આપવા માટે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી જસદણ પહોંચ્યા છે.
સભામાં સંબોધન કરતા મુખ્ય મંત્રી વિજય રૂપાણી કહ્યું, "જસદણના મતદારોએ દેશનું દિશાદર્શન કર્યું?"
"અયોધ્યા મેં રામ, યુવાનો કો કામ, કિસાનો કો દામ એ અમારું સૂત્ર છે."
મુખ્ય મંત્રીએ ભાષણમાં કૉંગ્રેસ પર પણ ચાબખા કર્યા હતા
ખેડૂતોના પ્રશ્નો વિશે વાત કરતા કહ્યું, "જસદણને અમે અછતગ્રસ્ત જાહેર કર્યું છે, ખેડૂતોને પૂરતો પાક વીમો મળે એ માટે અમે કટીબદ્ધ છીએ."
"કૉંગ્રેસે અહીં આવીને મોટીમોટી વાતો કરી હતી, પણ કૉંગ્રેસ પોતાના નેતાઓને બચાવી રાખે તો ઘણું છે."
"ગુજરાતમાં કૉંગ્રેસના નેતાઓની સ્થિતિ બહુ સારી નથી. જ્યાં કૉંગ્રેસ હોય ત્યાં વિકાસ ના હોય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જનતાનો જનાદેશ કૉંગ્રેસ સ્વીકારે - હાર્દિક
પાટીદાર નેતા હાર્દિક પટેલે જસદણની પેટાચૂંટણઈના પરિણામ વિશે મીડિયા સાથે વાત કરતા કહ્યું, "કૉંગ્રેસે જનતાનો જનાદેશ સ્વીકારવો જોઈએ."
તેમણે એવું પણ કહ્યું કે ભાજપ સત્તામાં છે અને તેમણે ખૂબ પૈસો વેર્યો છે, છતાં કૉંગ્રેસના ઉમેદવારને 70 હજાર મત મળ્યા એ મોટી વાત છે.
હાર્દિકે કહ્યું, "આ ચૂંટણીના પરિણામની 2019ની ચૂંટણી પર અસર નહીં થાય."
'ભાજપ 2019માં તમામ બેઠકો જીતશે'
જસદણ ખાતેની જનસભામાં સંબોધન કરતા જીતુ વાઘાણીએ કહ્યું, "ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી તમામ 26 બેઠક જીતી લાવશે."
વાઘાણીએ એવું પણ કહ્યું, "કૉંગ્રેસના ખોટા વાયદાઓની હાર થઈ છે. તમામ જ્ઞાતિઓએ અમને મત આપ્યા છે."
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જસદણની જીત અંગે ટ્વીટ કરીને કુંવરજી બાવળિયાને અભિનંદન પાઠવ્યા છે.
આ વિકાસના મુદ્દાની જીત : વડા પ્રધાન મોદી
વડા પ્રધાને ટ્વીટમાં લખ્યું કે જસદણના લોકોએ ભાજપના વિકાસના એજન્ડાનું સમર્થન કર્યું છે.
જસદણની જીત બાદ રાજ્યના મુખ્ય મંત્રી વિજય રુપાણીએ વિશે પત્રકારો સાથેની વાત કરતા કહ્યું, "આ જીત સાથે ગુજરાતમાં ભાજપની 100 બેઠક થઈ ગઈ છે."
તમે આ વાંચ્યું કે નહીં?
રૂપાણીએ કહ્યું, "કૉંગ્રેસે ભાજપને હરાવવા માટે અનેક કારસા ઘડ્યા, નેતાઓની ફૌજ ઉતારી દીધી. 2019 નીલોકસભા ચૂંટણીમાં પણ ભાજપની આવી જ જીત થશે."
"જસદણની જીત કોઈ નાની જીત નથી, 20 હજાર મતોની સરસાઈમાં માંડ 15 મત ઓછા છે. આ મોટી જીત છે."
અગાઉ કુંવરજી બાવળિયા પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા, જોકે ત્યારે તેઓ કૉંગ્રેસ તરફથી ઉમેદવાર હતા.
19 હજારથી વધુ મતની સરસાઈ
તમામ 19 રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની કૉંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા સામે 19 હજાર કરતાં વધારે મતની સરસાઈથી જીત થઈ છે.
કુંવરજી બાવળિયાને 90,268 મત મળ્યા છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને 70,283 મત મળ્યા છે.
કૉંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા મતગણતરી મથક છોડીને નીકળ્યા ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો અને છેવટ સુધી હાર નહીં સ્વીકારવાની તૈયારી બતાવી હતી.
મતગણતરીના શરૂઆતી વલણથી જ ભાજપના ઉમેદવાર આગળ હતા.
14 રાઉન્ડ બાદ ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને 70 હજારથી વધુ મત મળ્યા, જ્યારે કૉંગ્રેસના ઉેદવાર અવસર નાકિયાને 52 હજાર જેટલા મત મળ્યા હતા.
સવારથી શરૂ થયેલી મતગણતરીમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા અને કૉંગ્રેસના ઉમેદવાર અવસર નકિયા વચ્ચે સીધો જામેલો છે.
શરુઆતમાં નાની લીડ બાદ સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ દસ રાઉન્ડને અંતે બાળિવયા 15,000 જેટલા મતોથી આગળ ચાલી રહ્યા છે.
હજી અન્ય રાઉન્ડની ગણતરી બાકી છે. કુલ 19 રાઉન્ડની ગણતરી થશે અને બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે તેમ માનવામાં આવે છે.
પાંચ રાજ્યોની વિધાસભાના પરિણામ બાદ હવે જસદણની આ પેટાચૂંટણીને 2019ની લોકસભાની ચૂંટણીની સેમિફાઇનલ ગણવામાં આવે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
એક જ બેઠકની પેટાચૂંટણી હોય અને રાજકીય પક્ષો પોતાના કેન્દ્રીય મંત્રી અને દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારે એ સામાન્ય ઘટના નથી.
જસદણની ચૂંટણીમાં મતદાન પૂર્વે કૉંગ્રેસ વતી નવજોત સિદ્ધુ સહિતના નેતાઓએ પ્રચાર કર્યો હતો તો ભારતીય જનતા પક્ષ માટે રાજ્યના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીથી લઈને કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાએ પ્રચાર કર્યો હતો.
વિશ્લેષકોના મતે જસદણની આ પેટાચૂંટણી મહત્ત્વની છે અને ગુજરાતમાં ચર્ચાનો વિષય એટલા માટે છે કારણ કે તેની હાર-જીતની અસર સમગ્ર રાજ્યના રાજકારણ પર પડશે.
પેટાચૂંટણીના મતદાનના દિવસે જસદણમાં ઉત્તેજનાસભર માહોલ જોવા મળ્યો હતો.
20 ડિસેમ્બરે મતદાનના દિવસે કૉંગ્રેસના કેટલાક નેતાઓની અટકાયત કરાઈ હતી અને બીજી તરફ ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ પણ થયા હતા.
પ્રતિષ્ઠાનો જંગ કેમ?
આ ચૂંટણી કુંવરજી બાવળિયાએ કરેલા પક્ષપટાના કારણે યોજાઈ રહી છે.
બાવળિયાએ રાજીનામું ધર્યું અને બીજી તરફ ભાજપે તેમને મંત્રીપદ સોંપ્યું હતું.
બાવળિયા પાંચ વખત કૉંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને તેઓ કોળી સમાજના આગેવાનની સાથે ઓ.બી.સી. નેતા પણ છે.
બાવળિયા ભાજપના ઉમેદવાર છે, ત્યારે તેમની સામે કૉંગ્રેસે અવસર નાકિયાને ઉતાર્યા છે, જેઓ એક સમયે બાવળિયાના ચેલા ગણાતા હતા.
જસદણની ચૂંટણીને રાજકીય વિશ્લેષકો બંને પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ માની રહ્યા છે અને આ ચૂંટણીના પરિણામની અસર લોકસભાની ચૂંટણી પર થશે એવો પણ મત છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો