તૃપ્તિ દેસાઈનો ખરો ઍજન્ડા શું છે, મહિલાઓનો હક્ક કે પબ્લિસિટિ?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES / GETTY IMAGES
- લેેખક, અનઘા પાઠક
- પદ, બીબીસી મરાઠી
કેરળમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે સર્જાયેલા વિવાદની વચ્ચે સંખ્યાબંધ પુરુષ શ્રદ્ધાળુઓ તીર્થસ્થાન તરફ આગળ વધી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે મહિલાઓના પ્રવેશની છૂટ આપ્યા બાદ ભૂમાતા બ્રિગેડના તૃપ્તી દેસાઈ પણ મંદિરમાં પ્રવેશીને દર્શન કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યા છે.
તૃપ્તિના દાવા મુજબ, શુક્રવારે પોલીસે આંદોલનકારીઓની ભીડના લીધે તેમને ઍરપૉર્ટની બહાર નીકળવા દીધા નહોતા, એટલે હવે જાહેરાત કર્યાં વગર જ સબરીમાલા જવાની વાત કહી છે.
આ પહેલાં બીબીસી સાથેની વાતચીતમાં તૃપ્તિએ કહ્યું, "સત્તાધીશો તૃપ્તિ દેસાઈથી ગભરાય છે, કારણ કે તેમને ખબર છે કે જો હું ઍરપૉર્ટની બહાર નીકળી ગઈ તો મંદિરમાં પ્રવેશ લઈને જ જંપીશ"
"માત્ર સાત મહિલાઓથી લાખો વિરોધીઓ ગભરાઈ ગયા છે એ અમારા આંદોલનની સફળતા છે."
મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર મંદિરના મુખ્ય સ્થળ સુધી મહિલાઓના પ્રવેશ મુદ્દે આંદોલન કર્યા બાદ તૃપ્તિ ચર્ચામાં આવ્યાં હતાં.
જોકે, જૂજ લોકો જાણતા હશે કે તેમણે મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા અજિત પવાર સાથે પણ દુશ્મનાવટ વહોરી લીધી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

અજિત પવાર વિરુદ્ધ તૃપ્તી

ઇમેજ સ્રોત, TRUPTI DESAI
પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારના ભત્રીજા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વરિષ્ઠ નેતા અજિત પવારના કાર્યકર્તાઓએ અજિત સહકારી બૅન્ક અને સહકારી સંસ્થા શરૂ કરી હતી.
તૃપ્તિએ આ સંસ્થામાં થયેલા કથિત ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં વર્ષ 2008માં આંદોલન કર્યું હતું.
તૃપ્તિના દાવા મુજબ, આ આંદોલન દરમિયાન તેમને મારી નાખવાની ધમકીઓ અપાઈ હતી.
તૃપ્તિએ વર્ષ 2009માં થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ માગી હતી, જોકે, મળી નહોતી.

ભૂમાતા બ્રિગેડ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તૃપ્તિ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના વતની છે. તેમનો પરિવાર પુણેમાં સ્થાયી થયો હતો.
પુણેમાં તૃપ્તિએ એસએનડીટી કૉલેજમાંથી સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.
પુણેના પત્રકાર અશ્વિની સાતવ કહે છે કે તૃપ્તિ અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલન સાથે પણ સંકળાયેલાં હતાં.
ત્યારબાદ તૃપ્તિ બુધાજીરાવ મુડિકની સંસ્થા ભૂમાતા બ્રિગેડ સાથે જોડાઈ ગયાં.
સહારા સમયના પત્રકાર પ્રતિભા ચંદનના મતે, ભૂમાતા બ્રિગેડની સ્થાપના ખેડૂતોની પત્નીઓને મદદ કરવા માટે થઈ હતી.
શરૂઆતમાં આ સંસ્થા મંદિરમાં પ્રવેશના મુદ્દા સાથે સંકળાયેલી નહોતી.
વર્ષ 2010માં તૃપ્તિ મુડિકની સંસ્થાથી અલગ થઈ ગયા અને તેમણે ભૂમાતા રણરાગિની બ્રિગેડ શરૂ કરી હતી.
મંદિરોમાં મહિલાઓના પ્રવેશની વિરુદ્ધના આંદોલનો તૃપ્તિ દ્વારા આ સંસ્થાના નેજા હેઠળ ચલાવવામાં આવે છે.

શનિ શિંગણાપુર વિરોધ

ઇમેજ સ્રોત, TRUPTI DESAI
વર્ષ 2016માં મહારાષ્ટ્રના વિખ્યાત શનિ શિંગણાપુર મંદિરના મુખ્ય સ્થાન સુધી મહિલાઓના પ્રવેશ મુદ્દે તૃપ્તિએ આંદોલન કર્યું હતું.
આ આંદોલન બાદ તેઓ રાષ્ટ્રીય મીડિયામાં પહેલી વાર જોવા મળ્યાં હતાં.
આ મુદ્દે મહિલાઓના હક્ક માટે લડતા કાર્યકર્તા વિદ્યા બાલ અને વકીલ નીલિમાં વર્તકે બૉમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
આ અપીલ પર સુનાવણી કરતા બૉમ્બે હાઇકોર્ટે મંદિરમાં મહિલાઓને પ્રવેશ કરવાની અનુમતિ આપતો ચુકાદો આપ્યો હતો.
જોકે, આ ચુકાદો આવ્યા બાદ મંદિરમાં પ્રવેશ કરનાર પ્રથમ મહિલા તૃપ્તિ દેસાઈ નહોતાં.
કાર્યકર્તા પ્રિયંકા જગતાપ અને તેમના સહયોગી મહિલાઓ મંદિર સુધી પહોંચવામાં સફળ રહ્યાં હતાં.
આ કેસમાં તૃપ્તિ દેસાઈએ હાઈકોર્ટમાં લડત નહોતી આપી કે મંદિરમાં પ્રથમ પ્રવેશ પણ કર્યો નહોતો, તેમ છતાં સમાચારોમાં સૌથી વધારે ચર્ચા તૃપ્તિની થઈ હતી.


રાજકીય મહત્ત્વકાંક્ષા

ઇમેજ સ્રોત, AFP
તૃપ્તિ દેસાઈના કામનું અવલોકન કરનારા જાણકારોના મતે, તેમનામાં રાજકીય મહત્ત્વકાંક્ષા હોવાનું જોવા મળે છે.
તૃપ્તિએ અનેક રાજકીય પક્ષોમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કર્યો તેમ છતાં સફળ ન થયા.
પત્રકાર પ્રતિભાએ કહ્યું, "મેં તૃપ્તિની પહેલી વાર રાજકીય મંચ પર જ જોયાં હતાં. ત્યાં પણ તૃપ્તિએ પોતાની છાપ મૂકવાનો પ્રયાસ કર્યો હતો."
"ત્યારબાદ મેં તૃપ્તિને અનેક વાર ભાજપના મંચ પર જોયા છે."
"રાહુલ ગાંધી પુણે આવ્યા હતા, ત્યારે તૃપ્તિ કોંગ્રેસના મંચ પર પણ જોવા મળ્યાં હતાં."
"હવે આમ આદમી પાર્ટી ચર્ચામાં છે એટલે તેમના મંચ પર પણ જોવા મળે છે."
"તૃપ્તિએ મને કહ્યું હતું કે જો આમ આદમી પાર્ટી ટિકિટ આપશે તો હું (શરદ પવારના પુત્રી) સુપ્રિયા સુલે વિરુદ્ધ લડીશ"
"આ બાબત સાબિત કરે છે કે તેમનામાં કેટલી રાજકીય મહત્ત્વકાંક્ષા છે."
"તૃપ્તિમાં રાજકીય મહત્ત્વકાંક્ષા હજુ પણ જોવા મળે છે."
કેટલાક પત્રકારોના મતે, 'તૃપ્તિમાં સૌને સાથે લઈને આગળ વધવાની ભાવના જોવા નથી મળતી, આ બાબતનું રાજકારણમાં ખૂબ જ મહત્ત્વ હોય છે.'
અશ્વિનીએ કહ્યું, "વર્ષ 2012માં તૃપ્તિ પુણે નગર નિગમની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર લડ્યા હતાં, પરંતુ તેમની હાર થઈ હતી. મારા મતે તૃપ્તિ એક પક્ષમાં ટકી શકે તેવી શક્યતાઓ ઓછી છે."

તૃપ્તીનો વિરોધ પબ્લિસિટિ?

ઇમેજ સ્રોત, FACEBOOK/TRUPTI DESAI
તૃપ્તિ પર આક્ષેપ છે કે તેઓ ખરેખર પરિવર્તન માટે નહીં, પરંતુ પબ્લિસિટિ માટે વિરોધ પ્રદર્શનો કરે છે.
તાજેતરમાં જ સબરીમાલા મંદિર મુદ્દે સનાતન સંસ્થાએ પણ તૃપ્તિ પર નિશાન તાક્યું છે.
હિંદુત્વવાદી સંગઠન સનાતન સંસ્થાના પ્રવક્તા ચેતન રાજહંસ કહે છે:
"તૃપ્તિ દેસાઈમાં લોકપ્રિયતાની ભૂખ છે. રાજકારણમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે તેઓ હિંદુ ધર્મનો વિરોધ કરે છે."
"તૃપ્તિએ હાજી અલી દરગાહમાં મહિલાઓના પ્રવેશના મુદ્દે શરૂ કરેલું પ્રદર્શન અધવચ્ચે છોડી દીધું હતું. તેઓ હિંદુ સિવાય કોઈ પણ ધર્મની પ્રથાઓનો વિરોધ કરતા નથી."
ચર્ચામાં રહેવાની તૃપ્તિની ટેવ વિશે પુણેના પત્રકાર અશ્વિની સાતવે જણાવ્યું, "પુણેની બાજુમાં જ દેવાચી હુબડી નામનું ગામ છે. આ ગામમાં કાનિફનાથ મંદિરમાં મહિલાઓનો પ્રવેશ નિષેધ છે."
"આ ગામ પુણેની એકદમ નજીક છે. તેમ છતાં અહીંયા મહિલાઓને પ્રવેશ અપાવવા માટે તૃપ્તિએ કોઈ આંદોલન કર્યું નથી, કારણ કે તેઓ જાણે છે કે આ મંદિર શિંગણાપુર જેટલું લોકપ્રિય નથી."
અશ્વિનીએ કહ્યું, "શનિ શિંગણાપુરના આંદોલન બાદ તૃપ્તિ પાસે કોઈ મુદ્દો નહોતો, જેથી તેમણે કથિત રોડ રોમિયો વિરુદ્ધ આંદોલન કર્યું હતું."
"તેમણે છોકરાઓને માર માર્યો હતો, જે પબ્લિસિટિ માટેનો સ્ટન્ટ જ હતો. તૃપ્તિ આ ઘટનાના વીડિયો તૈયાર કરાવીને પત્રકારોને આપતાં હતાં."
આ આક્ષેપોનો ઇન્કાર કરતા તૃપ્તિએ કહ્યું, "મહિલાઓના હક્ક માટે લડવું મારી ફરજ છે. મહિલાઓ અને પુરૂષોને સમાન હક્ક છે. હવે સમાનતા પણ આવી છે."
"મંદિરમાં પ્રવેશવાના મુદ્દે પણ તેમને સમાન હક્ક મળવા જોઈએ. આ અધિકાર નહીં મળે ત્યાં સુધી હું લડત ચલાવીશ"

તૃપ્તિના આંદોલનો

ઇમેજ સ્રોત, Getty Images
શનિ શિંગણાપુર બાદ તેમણે હાજી અલી દરગાહ, કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ, નાસિક ત્ર્યંબકેશ્વર અને કપાલેશ્વર મંદિરોના ગર્ભગૃહમાં મહિલાઓના પ્રવેશની માગ કરી આંદોલનો કર્યાં હતાં.
હાજી અલી દરગાહના આંદોલન વખતે મુસ્લિમ સંગઠનો સાથે તેમનો મતભેદ થયો હતો.
નાસિકના પત્રકાર સંજય પાઠકના જણાવ્યા મુજબ, "નાસિક મંદિરમાં પ્રવેશ માટે તૃપ્તિએ આંદોલન કર્યું ત્યારે તેમના પર સોડા બૉટલથી હુમલો થયો હતો."


વર્ષ 2016માં કોર્ટના ચુકાદા બાદ તૃપ્તિએ ત્ર્યંબકેશ્વર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ તો કર્યો, પરંતુ તેમણે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
કપાલેશ્વર મંદિરના ગર્ભગૃહ પ્રવેશ કરતાી વેળાએ તૃપ્તિને રોકવામાં આવ્યાં હતાં.
જ્યારે શહેરમાંથી તેમની કાર પસાર થઈ રહી હતી, ત્યારે તૃપ્તિ પર સોડા બૉટલ ફેકાઈ હતી, ત્યારબાદ તૃપ્તિ ક્યારેય નાસિક ગયા નથી.
આ ઘટના બાદ પણ તૃપ્તિ દેસાઈ મંદિરોમાં અને ધાર્મિક સ્થળોમાં મહિલાઓનાં પ્રવેશના મુદ્દે આંદોલન કરતા રહ્યાં હતાં.
અશ્વિનીએ કહ્યુ, "મંદિરોમાં પ્રવેશના મુદ્દે તૃપ્તિએ અનેક વાર માર ખાધો છે, તેમ છતાં તેમણે આ મુદ્દે આંદોલન ચાલુ રાખ્યા તેનો શ્રેય તો તેમને આપવો જ પડે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















