આજે ધનતેરસ : લક્ષ્મીજીની આ તસવીર કોની કલ્પના છે?

ઇમેજ સ્રોત, Sachin kaluskar
- લેેખક, જય મિશ્રા
- પદ, બીબીસી ગુજરાતી
દિવાળીના તહેવાર સાથે વિવિધ પ્રકારની પરંપરાઓ જોડાયેલી છે. હિંદુઓમાં લક્ષ્મીપૂજનને એક મહત્ત્વની પરંપરા માનવામાં આવે છે.
લક્ષ્મીપૂજન માટે ઉપયોગમાં લેવામાં વતી લક્ષ્મીની તસવીરો સાથે ઐતિહાસિક કહાણી જોડાયેલી છે અને તે ભારતીય કલાજગત સાથે પણ વણાયેલી છે.
કલાના ઇતિહાસકારોના મતે લક્ષ્મીજીનું પ્રથમ હ્યુમન ફૉર્મ પેઇન્ટિંગ ગત સદીના કલાકાર રાજા રવિ વર્માની કલ્પના છે.
કલાના ઇતિહાસકારોના મતે, આ ચિત્ર 100 વર્ષોથી વધારે વર્ષ જૂનું છે.

રાજા રવિ વર્મા અને લક્ષ્મી

ઇમેજ સ્રોત, Schin kaluskar
રાજા રવિ વર્મા વીતેલી સદીના કલાકાર છે. રાજા રવિ વર્માએ હિંદુ દેવી-દેવનાં ઐતિહાસિક ચિત્રો બનાવ્યાં હોવાનું કલાના ઇતિહાસકારોનું માનવું છે.
રાજા રવિ વર્માએ તૈયાર કરેલું લક્ષ્મીજીનું પ્રથમ ચિત્ર વડોદરાના લક્ષ્મીવિલાસ પૅલેસના 'દરબાર હૉલ'માં છે.
આ ચિત્ર વિશે માહિતી આપતાં વડોદરાના ફતેસિંહ મ્યુઝિયમના ક્યુરૅટર અને કલાના ઇતિહાસકાર મંદા હિંગોરાવ કહે છે કે રાજા રવિ વર્માએ આ ચિત્ર 1891માં તૈયાર કર્યું હતું.
હિંગોરાવ જણાવે છે, "રવિ વર્મા લક્ષ્મી અને સરસ્વતીનાં ચિત્ર માટે ખૂબ જ જાણીતા છે. આ ચિત્ર વડોદરાના તત્કાલીન મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા માટે તૈયાર કરાયું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"રવિ વર્મા પ્રથમ ચિત્રકાર હતા, જેમણે આસપાસની દુનિયામાં દેખાતા ચહેરાઓથી પ્રેરણા લઈને ચિત્રો બનાવ્યાં હતાં."
"આ ચિત્રમાં જે લક્ષ્મીજી જોવા મળે છે, તે આગળ જતા પ્રિન્ટના સ્વરૂપમાં લોકોના ઘરઘર સુધી પહોચ્યાં એવું કહી શકાય."
હિંગોરાવના મતે રાજા રવિ વર્માએ લક્ષ્મીજીનું ચિત્ર બનાવ્યું તે પહેલાં પણ લક્ષ્મીજીનાં ચિત્રો બન્યાં હતાં, પરંતુ હ્યુમન ફૉર્મનાં દેવીની કલ્પના કોઈ પણ કલાકારે કરી નહોતી.

નવ વારની સાડીમાં લક્ષ્મીજી

ઇમેજ સ્રોત, Sachin kaluskar
રવિ વર્માએ તૈયાર કરેલા ચિત્રમાં લક્ષ્મીજી સાડીના પરિધાનમાં જોવા મળે છે.
ઑરિજિનલ ચિત્રમાં બન્ને તરફ હાથી છે, જ્યારે ચિત્રની પ્રિન્ટમાં એક જ હાથીનું ચિત્રણ છે.
વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના આર્ટ હિસ્ટ્રી વિભાગના પૂર્વ અધ્યક્ષ પ્રોફેસર રતન પારિમુ કલાઇતિહાસકાર પણ છે.
પ્રોફેસર પારિમુના મતે આ ચિત્રમાં જે લક્ષ્મીજી દૃશ્યમાન છે, તેમાં જે સાડી જોવા મળે છે, તે નવ વારની મરાઠી સાડી તરીકે ઓળખાય છે.
રવિ વર્મા મરાઠી સંસ્કૃતિની વચ્ચે રહ્યા હોવાથી તેની ઝલક ચિત્રોમાં પણ જોવા મળે છે.
પ્રોફેસર પારિમુના મતે પણ લક્ષ્મીજીના આ ચિત્રની આવૃતિઓ જ દેશમાં ઘરઘર સુધી પહોંચી હતી.
પારિમુ કહે છે, "રવિ વર્માને વર્ષ 1882માં વડોદરા લઈ આવવામાં આવ્યા હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડના રાજ્યાભિષેકમાં તેમનું ચિત્ર દોરવા માટે ત્રાવણકોરથી વડોદરા સ્ટેટના તત્કાલીન દિવાન ટી. માઘવરાવ તેમને વડોદરા લઈ આવ્યા હતા."
"વડોદરામાં રવિ વર્માએ સયાજીરાવ માટે અનેક ચિત્રો બનાવ્યાં હતાં."
"લક્ષ્મીજીનું જે સ્વરૂપ આપણે ફોટોગ્રાફમાં જોઈએ છે તેની પ્રથમ પરિકલ્પના રવિ વર્માની છે."
"રવિ વર્માએ તત્કાલીન બરોડા સ્ટેટ માટે બનાવેલું આ ચિત્ર આજે પણ સાબૂત છે."

આ ચિત્ર આગળ જતાં પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયું અને તે વિવિધ સ્વરૂપોમાં સામાન્ય વ્યક્તિ સુધી પહોચ્યું.
પ્રોફેસર પારિમુના જણાવ્યા મુજબ, રવિ વર્માએ તૈયાર કરેલાં દેવીદેવતાનાં ચિત્રો મુંબઈમાં ઘાટકોપર વિસ્તારમાં શરૂ કરવામાં આવેલા પ્રેસમાં છપાતાં.
આ પ્રિન્ટિંગ પ્રેસ 1892માં શરૂ થયું હતું, જે આગળ જતા લોનાવાલામાં સ્થળાંતર કરાયું હતું.
આ પ્રેસમાં પણ મોટી સંખ્યામાં રાજા રવિ વર્માનાં ચિત્રોની આવૃતિઓ છાપવામાં આવી હતી.
પ્રોફેસર પારિમુ વધુમાં ઉમેરે છે, "પ્રેસમાં તૈયાર થયેલી આવૃતિઓમાં લક્ષ્મીજીના મૂળ ચિત્રમાં ફેરફાર કરવામાં આવ્યો હતો."
ચિત્રના દૃશ્યમાં દેખાતા બેમાંથી એક હાથીને જ તેના પ્રકાશકોએ સ્થાન આપ્યું હતું. જર્મન પ્રકાશકો દ્વારા સંચાલિત આ પ્રેસમાંથી બહોળી સંખ્યામાં પૌરાણિક પાત્રોનાં ચિત્રોની આવૃતિઓ તૈયાર થઈ હતી."

ચિત્રની આવૃતિઓ લોકપ્રિય બની

ઇમેજ સ્રોત, Getty Images
રાજા રવિ વર્માએ તૈયાર કરેલાં ચિત્રોમાંથી તે સમયે લક્ષ્મી અને સરસ્વતી ચિત્રોની આવૃતિઓ વ્યાપક પ્રમાણમાં છપાઈ હોવાનું ઇતિહાસકારોનું માનવું છે.
દેશમાં આ બન્ને હિંદુ દેવીઓનાં ચિત્રો ઉપરાંત અન્ય કેટલાંક ચિત્રોની કૃતિઓ પણ લોકપ્રિય થઈ હતી.
આ ચિત્રની આવૃતિઓ કેલેન્ડરથી લઈને ઘરની દિવાલો સુધી પહોંચી ગઈ.
રવિ વર્માનાં ચિત્રોની આવૃતિઓના સંગ્રહાક સચિન કાળુસકરના મતે મૂળ ચિત્રમાં ફેરફારો સાથે તૈયાર થયેલી આ આવૃતિઓ ઑલિયોગ્રાફ (તૈલચિત્ર) સ્વરૂપે દેશમાં લોકપ્રિય થઈ.
સચિન વર્ષ 2004થી રવિ વર્માના ઑલિયોગ્રાફનો સંગ્રહ કરે છે.

લક્ષ્મીજીના ઑલિયોગ્રાફ વિશે સચિને જણાવ્યું, "આ ચિત્રો લોકભોગ્ય બન્યાં તેમાં આ પ્રિન્ટનું મહત્ત્વનું સ્થાન છે. મને એક મિત્ર દ્વારા આ પ્રિન્ટ ભેટમાં મળી હતી અને ત્યાર બાદ મારો આ વિષયમાં રસ કેળવાયો."
"રાજા રવિ વર્મા અને તેમનાં ચિત્રો વિશે સંશોધન કરતા મને જાણવા મળ્યું કે આજે આપણે જે દેવીદેવતાઓ, ખાસ કરીને લક્ષ્મી અને સરસ્વતીનાં સ્વરૂપ જોઈએ છીએ તે રવિ વર્માનાં ચિત્રોની પ્રિન્ટ છે."
"જો આ ચિત્ર પ્રિન્ટ સ્વરૂપે પ્રકાશિત થયાં ન હોત તો કદાચ આજે આપણી લક્ષ્મીજી વિશેની કલ્પના જુદી હોત"
રાજા રવિ વર્માએ તૈયાર કરેલાં ચિત્રોમાં ખાસ કરીને દેવીઓ અને મહિલાઓનાં ચિત્રોમાં એક સરખો ચહેરો જોવા મળે છે.
સચિનના અભ્યાસ મુજબ આ ચહેરો સુગંધા નામનાં એક મહિલાનો છે.
સચિને વધુમાં જણાવે છે "દેવીઓ અને મહિલાઓનાં ચિત્રમાં જે ચહેરો જોવા મળે છે તે અંગે ઘણા વિવાદ છે. સૌથી વધુ જાણીતી વાત એ છે કે રાજા રવિ વર્માએ સુગંધા નામની મહિલાના ચહેરા પરથી પ્રેરણા લીધી હતી."
"જોકે, કલાના ઇતિહાસકારો અને જાણકારો આ મુદ્દે અલગઅલગ થિયરીને હોવાનું જણાવે છે. તેમ છતાં એક બાબત નકારી શકાતી નથી કે આજે દેશમાં લોકો સુધી જે ચિત્ર પહોચ્યાં છે તે રવિ વર્માની કલ્પનાની દેણ છે."

રાજા રવિ વર્મા અને વિવાદ
રાજા રવિ વર્માના જીવનમાં કલાના રંગોની સાથે વિવાદો પણ જોડાયેલા રહ્યા હતા.
તેમના જીવન પર બનેલી ફિલ્મ રંગરસીયા પણ વિવાદમાં મૂકાઈ હતી.
ફિલ્મની પટકથા મુજબ, રાજા રવિ વર્મા સુગંધા નામની મહિલાના પ્રેમમાં હતા.
આ મહિલા સાથેના પ્રેમમાં તેમણે અનેક ચિત્રોમાં સુગંધાની મૃખાકૃતિ તૈયારી કરી હતી.
રવિ વર્માએ કથિત રીતે તૈયાર કરેલાં માઇથોલોજિકલ પાત્રોનાં ન્યૂડ ચિત્રોએ એ જમાનામાં વિવાદ સર્જયો હતો.
આ ચિત્રોમાં ધાર્મિક પાત્રોનો સમાવેશ થતો હોવાથી તેમના પર કેસ થયો હતો.
રવિ વર્માના જીવન પર બનેલી ફિલ્મમાં આ ઘટના દર્શાવવામાં આવી છે.
જોકે, એવું પણ માનવામાં આવે છે કે રવિ વર્માને લીધે જ કલા કલામંદિરોથી નીકળીને સામાન્ય વ્યક્તિ સુધી પહોંચી હતી.
(મૂળ લેખ 5 નવેમ્બર 2018ના રોજ છપાયો હતો)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














