જ્યારે ગાંધીવાદી માતા-પુત્રી સરદારની પ્રતિમા નજીક પહોંચ્યાં

    • લેેખક, મુદિતા વિદ્રોહી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સરદાર વલ્લભભાઈ પટેલનું પૂતળું - સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થાનિક આદિવાસી ગામો ત્યાંના લોકો અને પર્યાવરણ માટે અભિશાપરુપ છે.

ઘણીવાર આ સરકારી નિર્ણય સામે સ્થાનિક લોકોએ અહિંસક રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

એ વિરોધને સાવ અવગણી આ પ્રોજેક્ટ હાથ ધરાયો અને 31 ઑક્ટોબરે તેનું વૈભવી અનાવરણ પણ થયું.

પોતાની તબાહીના ભોગે થનાર આ તમાશાનો આદિવાસી ભાઈ-બહેનોએ અહિંસક રીતે,કાયદાની હદમાં રહીને, કોઈને અડચણ ઊભી કર્યા વગર 31 ઓક્ટોબરે વિરોધ કરવાનું નક્કી કર્યુ.

તમામ ગામોનાં લોકોએ તબાહીનો માતમ મનાવી ઘરોમાં ચૂલો નહીં સળગાવવાની અને ઉપવાસ રાખવાની જાહેરાત કરી.

30 ઑક્ટોબરે, અમે કેટલાક મિત્રોએ કેવડિયા પાસેના આદિવાસી ગામોમાં જઈને આ લોકો સાથે રહેવાનું અને તેમની સાથે રહી ઉપવાસ કરવાનું નક્કી કર્યું.

હું મારા માતા-નીતા મહાદેવ, વીરજીભાઈ વિરડીયા અને સામાજિક કાર્યકર્તા - રોહિતભાઈ પ્રજાપતિ આખે રસ્તે સતત પોલીસ ચૅકિંગની વચ્ચે 30 તારીખે આદિવાસી ગામમાં પહોંચ્યાં.

અમે જેવા ગામમાં પહોંચ્યાં કે તરત જ અમે જે ગલીમાં હતાં ત્યાં પોલીસની બે ગાડીઓ આડી મૂકી બંધ કરી દેવાઈ.

એક પછી એક પછી એક 3-4ની બેચમાં પોલીસ આવતી ગઈ અને અમારી પૂછપરછ કરવા લાગી. અમે અમારો આશય સ્પષ્ટ જણાવ્યો.

અમે કહ્યું કે અમે કાયદામાં માનનારા લોકો છીએ અને આજ સુધી ક્યારેય અમારામાંથી કોઈએ જાહેરાત કર્યા વગર કોઈ કાર્યક્રમ આપ્યો નથી.

આજે પણ નથી આપવાના અને કાલે પણ નહીં આપીએ. અમે ફક્ત અહીં લોકો સાથે રહીશું, તેમનું દુઃખ વહેંચીશું અને કાલે તેમની સાથે અમે પણ તેમના ઘરોમાં રહીને ઉપવાસ કરીશું.

આ કોઈ ધરણા પર બેસીને ઉપવાસ કરવાનો કાર્યક્રમ નહોતો. તમામ લોકો પોતપોતાના ઘરોમાં ઉપવાસ રાખવાના હતા.

અમે કહ્યું કે, ગામમાં જ રહીશું અને તમે ઇચ્છો તો અહીં પોલીસ રાખી શકો છો. તમે કહો તો અમે તમને સામેથી ફોન કરીને કહી દઈશું કે કોના ઘરમાં અને ક્યાં રહેવાના છીએ.

તમારાથી સંતાડીને અમે કંઈ નથી કરવાના અને કંઈ નહીં કરીએ તેની ખાતરી આપીએ છીએ.

તેમ છતાં વારાફરતી પોલીસની ટૂકડીઓ આવતી રહી અને ફરીફરીને એના એ જ સવાલો કરતી રહી. ફોટો પાડીને માહિતી મોકલતી રહી.

આ દરમિયાન પોલીસ જાણે આતંકવાદી શોધતી હોય એમ ગામમાં ઘરે ઘરે જઈને તપાસ કરી રહી હતી.

આખા જિલ્લામાં પાંચથી છ હજાર પોલીસ ખડકી દેવામાં આવી હતી અને આદિવાસીઓને સંપૂર્ણ રીતે ભયભીત કરી દેવાયા.

કાર્યકર્તાઓએ અહિંસક રીતે વિરોધ નોંધાવ્યો

આ અમે નજરે જોયું. ગામના લોકો એક શબ્દ પણ બોલતાં ડરી રહ્યા હતા.

આ સમયે પૂર્વ સંસદસભ્ય અને આદિવાસી નેતા અમરસિંહ ઝેડ. ચૌધરી અને તેમના સાથીઓ અમારી મુલાકાતે આવ્યા.

અમને મળીને તે પાછા વળ્યાં ત્યારે પોલીસે તેમને પોલીસ-વાનમાં બેસાડી દીધાં.

મેં દૂરથી તે જોયું. થોડી જ વારમાં અમારી પાસે પણ પોલીસ આવી, આ નવા લોકો હતા.

પોલીસે સૌથી પહેલાં અમારા બધાના મોબાઇલ ફોન આંચકી લીધા અને અમને પોલીસની અને અમારી ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા.

અમે પૂછ્યું, અમને કેમ અને કયાં લઈ જઈ રહ્યા છો? પોલીસે ઉદ્ધાતાઈથી જવાબ વાળ્યો. કોઈ માહિતી ન આપી.

સાંજના લગભગ 6:15 વાગ્યા હતા અને હું અને મારા મમ્મી બે સ્ત્રીઓ હતી, તેમ છતાં એક પણ મહિલા પોલીસ નહોતી. 'આગળ છોડી દઈશું' એમ કહીને અમને લઈ જવાયા.

વીરજીભાઈ વિરડિયા જે ફકત અમને ગામ બતાવવા આવ્યા હતા તેમની વિનંતી પણ પોલીસે કાને ન ધરી, મોબાઇલ લઈ લીધો અને અમારી સાથે ગેરકાયદે અટકાયતમાં લીધા.

અમને કહ્યું કે રસ્તામાં ઉતારી દઈશું,પણ ઉતાર્યા નહીં. અમને બધાંને રાજપીપળા પાસે જીતનગર લઈ જવામાં આવ્યાં.

આ જગ્યા એન. સી. સી. એકેડમી હતી. અમે 18 જેટલાં લોકો હતાં, જેમાં કેટલાક આદિવાસી ભાઈઓ હતા જેમને જુદી જુદી જગ્યાએથી પકડી લાવવામાં આવ્યા હતા.

બધાને એક જ હોલમાં રખાયાં. સાંજના લગભગ સાડા સાત થયા હતા.

એક પણ મહિલા પોલીસ ન હોવા છતાં મને અને મમ્મી નીતાબહેનને પોલીસ કસ્ટડીમાં રખાયાં.

બધાના ફોન લઈ લીધા. ફક્ત મારી પાસે ફોન હતો પણ તે વાપરવાની પરવાનગી નહોતી.

તમે આ વાંચ્યું કે નહીં?

એકાદ કલાકમાં પોલીસ કર્મશીલ લખનભાઈ મુસાફિરને પણ અટકાયત કરીને લઈ આવી. વીરજીભાઈએ પોલીસને અનેક વાર કહ્યું કે તમે મને છેતરીને લઈ આવ્યા છો.

તે ઘરે ફોન કરવા માગતા હતા પણ પોલીસ કંઈ સાંભળવા તૈયાર નહોતી. નવ વાગવા આવ્યા હતા.

વીરજીભાઈએ ઘરે જાણ કરવા દેવા માટે બે-ત્રણ વાર વિનંતી કરી. તો તેમને અપશબ્દો ભાંડવામાં આવ્યા, ધક્કામુક્કી કરવા આવી.

પોલીસે અમરસિંહભાઈને અટકાયતમાં લીધા હતા. તે ડાયાબિટીસના દર્દી હતા. સમયસર જમવાનું ન મળતાં તેમની તબિયત બગડી રહી હતી.

અમે તેમને એક બાજુ સુવાડ્યા. અમારી સાથે ડૉક્ટર શાંતિકારની પણ અટકાયત કરાઈ હતી. તેમણે પોલીસને કહ્યું કે, ''મામલો બગડી રહ્યો છે, ડૉક્ટરને તરત બોલાવો.

પોલીસે ડૉક્ટર શાંતિકાર સાથે અભદ્ર વર્તન કર્યું. તેમની સામે હાથ ઉગામી તેમને બીવડાવ્યા.

ખૂબ હોબાળા પછી દસ વાગ્યે ડૉક્ટર બોલાવાયા. ડૉકટરે હોસ્પિટલમાં ખસેડવાનું કહ્યું. ખરાબ તબિયત હોવા છતાં ખરાબ રીતે ધકેલીને તેમને ગાડીમાં બેસાડાયા.

અમારામાંથી કોઈને સાથે ન જવા દેવાયા. અમારે માટે ખાવાનું મંગાવવા આવેલું. એ લાંબો સમય પડી રહ્યું પછી અમને કહેવાયું કે તે ખાવાનું અમારા માટેનું હતું.

અમે જમવા વિશે પૂછ્યું તો તુચ્છ રીતે જવાબ અપાયો - 'પડ્યું છે ખાઈ લેવું જોઈએ ને.'

અમે કુલ 17-18 જણાં હતાં પણ પહેરો રાખવા 50થી 60 પોલીસકર્મીઓ હતા. હૉલમાં પણ અમારી બેઉ બાજુ ચાર-ચાર પોલીસકર્મીઓ સતત બેસી રહ્યા.

જાણે અમે કોઈ મોટા ગુનેગારો હોઈએ અને સરકારને અમારાથી ખતરો હોય. અમારી ઉપર ચાંપતી નજર રાખવામાં આવી.

લગભગ પોણા દસ વાગે પહેલી વખત મહિલા પોલીસને બોલાવવામાં આવી.

આશરે સાડા દસ વાગે મને અને મારી મમ્મી નીતાબહેનને કહેવામાં આવ્યું કે તમારે અત્યારે ને અત્યારે અમદાવાદ જતું રહેવું એવો આદેશ છે. તમને પોલીસની વાન મૂકવા આવશે.

અમે કહ્યું, ''તમે તો અમને છોડી દેવાનું કહેલું તો શા માટે આટલા મોડે સુધી અમને બેસાડી રખાયા? આટલી મોડી રાત્રે અમને મહિલાઓને શા માટે અમદાવાદ જવાનું કહો છો અમે અમદાવાદ જવા આવ્યા નથી."

"તમને જો અમારાથી ખતરો લાગે તો અમને તમારી કસ્ટડીમાં અટકાયતમાં રાખો અથવા અમારા સગાને હાઉસ અરૅસ્ટ કરો."

"જરૂર લાગે તો બીજે ખસેડો અને કસ્ટડીમાં રાખો પણ અમે અમદાવાદ જવાં તૈયાર નથી. અમારે ક્યાં જવું તેનો નિર્ણય લેવાનો અધિકાર તમને નથી''

અમારી સાથે ખૂબ જ ઉદ્ધતાઈભરી રીતે વાત શરૂ કરાઈ. સીધી રીતે સમજી જાવ એવી ધમકી આપી અમને ડરાવાયા.

અમને ઉપાડીને ગાડીમાં નાખવાનો મહિલા પોલીસને આદેશ અપાયો.

આ બધું ચાલી રહ્યું હતું ત્યારે અમારી આસપાસ ઓછામાં ઓછા પચીસેક પોલીસકર્મીઓ હતાં.

સમગ્ર વાતાવરણ ડરામણું હતું, અપમાનજનક હતું. અમે પોલીસને હાથ લગાડવાની ના પાડી અને જાતે અમારી ગાડીમાં બેસવાની તૈયારી બતાવી, ત્યારે અમને તોછડાઈથી ના પાડવામાં આવી.

નીતાબહેનની ઉંમર 61 વર્ષ છે તે આટલી મોડી રાત્રે આવો લાંબો પ્રવાસ કરવા શારીરિક રીતે અક્ષમ છે.

તેમ છતાં અમારી વાત કાને ના ધરાઈ. અમને ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા.

અમને વચ્ચેની સીટ પર બેસાડી અમારી બંને બાજુએ અમે ભીંસાઈ જઈએ એમ મહિલા પોલીસને બેસાડવામાં આવી.

મારો સામાન રાજપીપળા હતો, તે લેવા જવાનું પોલીસને કહ્યું તો તેમણે મારું અપમાન કર્યું.

શું લોકશાહીમાં અહિંસક રીતે અસહમતી વ્યક્ત ન કરી શકાય?

અમે આગળની ગાડીમાં પોલીસ સાથે બેઠાં. અમારા ગાડીચાલક ભાઈ અમારી પાછળ હતા.

નીકળતી વખતે ત્યાંના સૌથી સિનિયર પોલીસે અમારા ગાડીચાલકને કીધું, "આડો અવળો થયા વગર સીધેસીધો જજે. પાછળ પાછળ, નહીં તો મારીને ફેંકી દઈશું તો કોઈને મળીશ પણ નહીં."

પોલીસકર્મીઓ સાથે દહેશતના વાતારવરણમાં આશરે રાત્રે 3 વાગે અમે અમદાવાદ પહોંચ્યાં.

અમારી સાથે એવો વ્યવહાર કરાયો કે જાણે કે અમે મોટા ગુનેગારો હોઈએ. પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે પોલીસે મારું અને નીતા મહાદેવનું નામ અટકાયત કરેલા લોકોમાં નોંધ્યું જ નથી.

તેઓ રેકોર્ડ ઉપર બતાવવા જ માંગતા નથી કે તેમણે બે મહિલાઓને ગેરકાયદે રીતે પકડી હતી.આ લખાઈ રહ્યું છે ત્યારે અમારા અન્ય સાથીઓ હજી પોલીસ કસ્ટડીમાં છે.

આ આખીયે ઘટનામાં હજી સુધી મને એ નથી સમજાયું કે અમારા બધાનો ગુનો શું હતો?

શા માટે અમને આ રીતે પકડવામાં આવ્યા અને આવો ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો?

શું લોકશાહીમાં શાંતિપૂર્વક અને અહિંસક રીતે વાત કહેવાનો કે અસહમતી વ્યક્ત કરવાનો પણ અધિકાર નથી? શું પોલીસ પોતે કોઈ કાયદા પાળવા બંધાયેલી નથી?

સરકાર અને તંત્રને આટલી બધી શું બીક છે કે તે પોતાના ઉત્સવોના દિવસે તે નિર્દોષ નાગરિકોની આ રીતે અટકાયત કરે છે.

આ રીતે તેમને બળજબરીથી તગેડી મૂકે છે? શું સરકાર પોતાને સરમુખત્યાર સમજી બેઠી છે અને પોતાની મરજી મુજબ કોઈની પણ ઉપર દમન કરી શક્વાનો એને હક છે એમ માને છે?આ બધા સવાલો કદાચ તમને પણ થાય તો વિચારજો કે નાગરિક ભૂમિકા શું છે?

મુદિતા વિદ્રોહી ગાંધીવાદી કાર્યકર્તા છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો