ખુલા ડિલે જંગલી પ્રાણીઓ સાથે ખેલ કરનાર ભારતીય કરતબબાજ

    • લેેખક, વિકાસ પાંડે
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

વર્ષ 1927માં ચીનના શાંઘાઈ ખાતે જંગલી પ્રાણીઓ સાથે પાંજરામાં સરકસ ચાલી રહ્યું હતું. અંદર ચારે તરફ હિંસક પ્રાણીઓની વચ્ચે ઘેરાયેલા ભારતના પ્રસિદ્ધ રિંગ માસ્ટર દામુ ધોત્રે પણ હતા.

એ સમયે દામુ ધોત્રે સાથે પાંજરામાં પાંચ વાઘ અને ચાર દીપડા હતા. આ જોઈને એક લેખકે ત્યાં જ તેમનું ઇન્ટરવ્યૂ લેવાનું નક્કી કર્યું હતું.

ધોત્રે માત્ર 25 વર્ષની ઉંમરમાં જ સરકસમાં મહારતથી પ્રખ્યાત બની ગયા હતા.

દામુ ધોત્રેના પૌત્ર મહેન્દ્ર ધોત્રે તેમના દાદા ઉપર ઘણું રિસર્ચ કર્યું છે અને તેઓ ઇચ્છે છે કે આજની નવી પેઢી પણ તેમના કારનામાં અને હિંમત અંગે જાણે.

મહેન્દ્ર ધોત્રે કહે છે, "તેમની કહાણી ખૂબ જ રોચક છે. તેમણે કૉલોનીયલ ભારતના સમયમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી."

"એ સમયમાં શ્યામ રંગની ચામડી ધરાવતા લોકો માટે કોઈપણ ક્ષેત્રમાં શિખર પહોંચવું ખૂબ જ મુશ્કેલ હતું."

કોણ હતા દામુ ધોત્રે?

દામુ ધોત્રેનો જન્મ પૂણેમાં એક મધ્યમ વર્ગ પરિવારમાં થયો હતો. જ્યારે તેઓ 10 વર્ષના હતા, ત્યારે તેઓ તેમના મામાનું સરકસ જોવા જતા હતા.

દરમિયાન તેઓ જંગલી પ્રાણીઓથી ખૂબ જ પ્રભાવિત થયા.

જ્યારે કોઈ ટ્રેનર જંગલી પ્રાણીઓને તાલીમ આપી રહ્યા હોય, ત્યારે દામુ ત્યાં ઊભા રહીને જોયા કરતા.

ત્યારબાદ તેઓ પિંજરાની બહાર ઊભીને આવું કરવાની ઍક્ટિંગ કર્યા કરતા હતા.

પોતાના દાદાની એક વાતને યાદ કરતા મહેન્દ્ર ધોત્રે કહે છે, "એક દિવસ જ્યારે તેઓ ત્યાં ગયા, ત્યારે પાંજરું ખુલ્લું હતું."

"તેઓ નીડરતાથી તેમાં પ્રવેશ્યા અને ત્યાં હાજર પ્રાણીઓ સાથે સારી રીતે ભળી ગયા."

"આ ક્ષણ માત્ર અમુક મિનિટ પૂરતી જ હતી પરંતુ બધાને થયું કે આ છોકરામાં કંઈક ખાસ છે. આ ઘટનાથી એવું જાણવા મળ્યું કે તેઓ નીડર હતા."

"તેઓ ખૂબ જ બહાદુર હતા. તેમણે પોતાની આ ખાસિયતને પોતાની કારકિર્દી ઘડવાનું હથિયાર બનાવ્યું."

તમે આ વાંચ્યું કે નહીં?

ત્યારબાદ દામુના સરકસ પ્રત્યેના રસને જોઈને તેમના મામાએ તેમને તાલીમ આપવાનું નક્કી કર્યું.

પોતાના દીકરાને જંગલી પ્રાણીઓની વચ્ચે ઊભા રહેલા જોવાના વિચાર માત્રથી જ તેમનાં માતા ગભરાયેલા હતાં.

દામુને સરકસમાં કામ કરવાની પરવાનગી આપતાં પહેલાં તેમણે પોતાના ભાઈ પાસે ખાતરી કરાવી કે દામુ બિલકુલ સુરક્ષિત રહેશે. આ રીતે દામુ ધોત્રેનો સરકસના 'જાદુગર' તરીકે જન્મ થયો.

વાઘની પીઠ પર બકરીની સવારી

વર્ષ 1912માં દામુએ અભ્યાસ છોડીને પોતાના મામા સાથે સરકસના શો કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવા લાગ્યા.

આ ભાગદોડમાં તેમને માતા અને પરિવારની ખૂબ જ યાદ આવતી હતી. આખરે તેઓ પૂણે પરત ફર્યા.

ઘરે રહેવા છતાં તેમના દિમાગમાં સરકસના જ વિચારો આવતા હતા. તેઓ પૈસા કમાઈને પરિવારની મદદ કરવા માગતા હતા.

મહેન્દ્ર ધોત્રે કહે છે, "તેમણે રસ્તા પર સાઇકલ દ્વારા સ્ટંટ કરવાનું શરૂ કર્યું."

"આવું કરવાથી સ્થાનિક અખબારોએ પણ તેમની નોંધ લીધી અને તેમને 'અજાયબ છોકરા' તરીકે ઓળખવા લાગ્યા."

પૂણેમાં દામુએ આ સ્ટંટ કરવાનું ચાલુ રાખ્યું અને જ્યારે પણ તેમને સમય મળતો તેઓ પ્રાણીઓને તાલીમ આપવા માટે જતા હતા.

જ્યારે તેઓ 22 વર્ષના થયા ત્યારે તેમણે એક રશિયન સરકસમાં મોટરસાઇકલ સ્ટંટ ચાલક તરીકે અરજી કરી.

તેમની અરજી સ્વીકારી લેવામાં આવી અને તેમને આ નોકરી તો મળી ગઈ. એટલું જ નહીં તેમણે સરકસના માલિકને રિંગ માસ્ટર તરીકે પણ કામ કરવા માટે મનાવી લીધા.

મહેન્દ્ર કહે છે, "લોકોને તેમનો ડેરિંગ એટિટ્યૂડ ખૂબ જ પસંદ આવ્યો હતો. તેઓ સહેલાઈથી ડઝનેક પ્રાણીઓ સાથે પાંજરામાં ખેલ કરી શકતા હતા."

સામાન્ય રીતે રિંગ માસ્ટરનો પોશાક રંગીન અને પ્રાણીઓના હુમલાથી બચી શકે તેવો હોય છે.

પરંતુ દામુ રિંગમાં ઉઘાડા શરીરે ઊતરતા હતા. તેઓ માત્ર પાઘડી જ પહેરતા હતા.

રિંગની અંદર કરતબ કરવામાં તેઓ માહેર હતા. તેમનું પ્રખ્યાત કરતબ વાઘની પીઠ પર એક બકરીની સવારી કરાવાનું હતું.

મહેન્દ્ર જણાવે છે કે આવું માત્ર દામુ જ કરી શકતા હતા કારણ કે તેઓ પ્રાણીઓ વચ્ચે વિશ્વાસ ઊભો કરવામાં માહેર હતા.

યુરોપનો પ્રવાસ

આટલા પ્રખ્યાત હોવા છતાં દામુને લાગતું કે રશિયન સરકસ તેમના માટે નાનું છે.

ત્યારબાદ તેમણે યુરોપિયન અખબારોમાં પોતાની જાહેરાત આપવાનું શરૂ કર્યું.

એક ફ્રેન્ચ સરકસના માલિકે તેમની આ જાહેરાત જોઈ અને તેમને યુરોપ આવવાનું આમંત્રણ આપ્યું.

વર્ષ 1939માં તેઓ ફ્રાંસ ગયા પરંતુ ત્યાં પહોંચવાનો ખર્ચ જ એટલો થયો કે તેમણે કમાયેલા બધા જ પૈસા ખર્ચાઈ ગયા.

તેઓ જ્યારે ફ્રાંસ ગયા ત્યારે યુરોપમાં તેમની કોઈ ઓળખ નહોતી પરંતુ દામુને પ્રખ્યાત બનવા માટે વધુ સમય લાગ્યો પણ નહીં.

ફ્રાંસના સરકસ સાથે કામ કરીને તેઓ પ્રખ્યાત તો બન્યા પરંતુ પૈસા પણ કમાયા.

મહેન્દ્ર જણાવે છે, "આ સમયગાળામાં તેમણે લગ્ન કરી લીધાં. તેમને ત્રણ બાળકો પણ હતાં."

"તેઓ લગાતાર ઘરે પૈસા મોકલતા રહેતા અને તેમને આવું કરવું ખૂબ જ પસંદ હતું."

વિશ્વ યુદ્ધની અસર

દામુ ધોત્રેની આ ખુશી લાંબુ ટકી શકી નહીં. વર્ષ 1940ના મધ્યમાં યુરોપ બીજા વિશ્વ યુદ્ધની ઝપેટમાં આવી ગયું હતું.

આ સમયે સુરક્ષાના હેતુથી સરકસ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.

મહેન્દ્ર કહે છે, "આવું થવાથી મારા દાદાને ખૂબ જ દુખ થયું. તેઓ યુરોપમાં બેરોજગાર બની ગયા હતા અને એકલા ફસાઈ ગયા હતા. આ દિવસો તેમના માટે ખૂબ જ કપરા હતા."

થોડા સમય બાદ ફ્રેન્ચ સરકસે અમેરિકા જવાનું નક્કી કર્યું અને દામુને પણ આમંત્રણ મોકલ્યું.

આ સમાચાર મળતા જ દામુ ખુશ થઈ ગયા કારણ કે એક સમયનું સૌથી મોટું અને પ્રસિદ્ધ સરકસ 'રિંગલિંગ બ્રધર્સ સરકસ'નું જન્મ સ્થળ અમેરિકા જ હતું.

અમેરિકા પહોંચ્યા બાદ દામુએ રિંગલિંગ બ્રધર્સમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી અને તેમના સંચાલકોને મળ્યા.

દામુને આ સરકસમાં નોકરી મળી ગઈ અને તેઓ પ્રસિદ્ધીની બુલંદી પર પહોંચી ગયા.

મહેન્દ્ર કહે છે, "અમેરિકાના લોકોએ આટલો નિર્ભય શો ક્યારેય જોયો નહોતો."

"તેમના આ જ ગુણને કારણે તેઓ સરકસની દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત બન્યા જે આજે પણ તેમની સાથે પડછાયાની જેમ છે."

વર્ષ 1941માં અમેરિકાએ પણ વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું અને સરકસ બંધ થયું.

આ સમયે દામુ અમેરિકાના સૈન્યમાં અમલદાર તરીકે જોડાઈ ગયા.પરંતુ વર્ષ 1945માં ફરીથી તેઓ સરકસમાં જોડાઈ ગયા.

વર્ષ 1949માં તેમણે માંદગીને કારણે રિંગલિંગ બ્રધર્સ છોડી દીધું અને યુરોપ પરત ફરી ગયા.

બે વર્ષ બાદ તેઓ માંદગીને કારણે ભારત આવવા નીકળ્યા.

આ સમયગાળામાં જ તેમનાં પત્નીને કૅન્સર થયું. તેઓ ઘરે પહોંચે તે પહેલાં જ તેમનાં પત્નીનું નિધન થયું.

આ બાદ તેમણે સરકસમાં કામ ન કરવાનું નક્કી કર્યું કારણ કે તેમને દમની બીમારી પણ થઈ ગઈ હતી.

મહેન્દ્ર કહે છે, "નિવૃતિ છતાં તેમનો જીવ સરકસની દુનિયા સાથે ચોંટેલો હતો."

"એટલા માટે તેમણે જે લોકો રિંગ માસ્ટર બનવા માગે છે તેમને તાલીમ આપવાની શરૂઆત કરી."

વર્ષ 1971માં તેમને ઇન્ટરનેશનલ સરકસ હૉલ ઑફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા. તેના બે વર્ષ બાદ તેમનું નિધન થઈ ગયું.

મહેન્દ્ર કહે છે, "ભારતમાં આજના સમયમાં દામુની કહાણી અંગે ભાગ્યે જ કોઈને ખબર હશે."

"તેમણે આપણને શીખવ્યું છે કે જો તમને તમારાં સપનાંમાં વિશ્વાસ હોય, તો તમે કંઈ પણ હાંસલ કરી શકો છો."

"ભવિષ્યમાં બીજો કોઈ દામુ નહીં બની શકે કારણ કે સરકસ મરી રહ્યું છે. સાથે સરકસમાં પ્રાણીઓના ઉપયોગ પર પ્રતિબંધિત છે. એટલા માટે તેમનો વારસો યાદ રાખવો જરૂરી છે."

મહેન્દ્ર ધોત્રે એવું પણ સ્વીકારે છે કે સરકસમાં અમુક હદે ક્રૂરતા પણ વર્તવામાં આવે છે.

તેઓ ઉમેરે છે, "મારા દાદા એ સમયગાળામાં સરકસ કરતા હતા, જ્યારે મનોરંજનનાં માધ્યમો ખૂબ જ ઓછાં હતાં."

"તેઓ પોતાના ઝનૂનને વળગી રહ્યા અને પ્રસિદ્ધ બન્યા. હું ઇચ્છું છું કે લોકો તેમને આ રીતે જ યાદ રાખે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો