BBC SPECIAL: ઉત્તર પ્રદેશ : 'દીકરો ઍન્કાઉન્ટરમાં માર્યો જશે એનો ભય સતાવે છે'

- લેેખક, પ્રિયંકા દુબે
- પદ, બીબીસી સંવાદદાતા, આઝમગઢ, ઉત્તર પ્રદેશથી પરત ફરીને
ઉત્તર પ્રદેશમાં ગત એક વર્ષથી ચાલી રહેલી પોલીસ મૂઠભેડમાંથી એકમાં જીવતા બચી ગયેલા પંકજની કથામાં ફક્ત જિંદગી અને મોતનો જ ફરક નથી.
રાજ્યમાં આ ઍન્કાઉન્ટરોમાં 67 કહેવાતા અપરાધી માર્યા ગયા છે.
વિપક્ષ આ બાબતે શંકા વ્યક્ત કરતો રહ્યો છે, જ્યારે સરકાર અને વહીવટીતંત્રનું કહેવું છે કે અપરાધીને જ નિશાન બનાવાયા છે.
એપ્રિલ 2018માં રાજ્યના આઝમગઢ જિલ્લામાં થયેલી આવી જ એક મૂઠભેડમાં પંકજ જીવતા બચી ગયા.
જોકે, 20 વર્ષના પંકજ યાદવની કહાણી ઉપર આવતા પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે ઉત્તર પ્રદેશના વારાણસી ઝોનમાં ગત એક વર્ષ દરમિયાન 193 પોલીસ મૂઠભેડ થઈ છે.
આ પોલીસ કાર્યવાહીઓમાં સાત આરોપીઓના જીવ ગયા છે જયારે 32ને ઈજા થઈ છે.
આઝમગઢ જિલ્લો વારાણસીના આ જ પોલીસ ઝોનના કાર્યક્ષેત્રમાં આવે છે.
અહીંયા થયેલી ચર્ચિત પોલીસ મૂઠભેડમાં રામજી પાસી, રાકેશ પાસી અને જયહિંદ યાદવ જેવા દલિત અને પછાત જાતિઓના 'કહેવાતા અપરાધીઓ' સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ તપાસ દરમિયાન બીબીસી ટીમે રામજી પાસી અને જયહિંદ યાદવના સ્વજનોની પણ મુલાકાત લીધી.

પંકજ યાદવ ઍન્કાઉન્ટર

ઇમેજ સ્રોત, PRIYANKA DUBEY/BBC
પંકજ યાદવની કથાની શરૂઆત, દિલ્હીથી આશરે 830 કિલોમીટર દૂર આવેલા આઝમગઢ જિલ્લાના મેહનગર તાલુકાના હટવા ખાલસા ગામથી થાય છે.
અહીંયા ગામના એક સમૃદ્ધ રાજકીય પરિવારમાં ઉછરેલા 20 વર્ષના પંકજનો પરિવાર આજ સુધી તેમના 'ઍન્કાઉન્ટર' થયાના આઘાતમાંથી બહાર નીકળી શક્યો નથી.
15 એપ્રિલ 2018ના રોજ આ વિસ્તારના રસૂલપૂરા ગામની પાસે એક પોલીસ મૂઠભેડમાં ઘાયલ થયેલા પંકજના ઘૂંટણમાં બે ગોળી વાગી હતી.
જોકે, જુલાઈના અંતિમ સપ્તાહમાં પંકજ જામીન ઉપર છૂટી ગયા.

તમે આ વાંચ્યું કે નહીં?

આમ છતાં તેમનાં માતાપિતા આજે પણ દરેક રાત, કોઈ નવા પોલીસ ઍન્કાઉન્ટરમાં તેઓ માર્યા જશે એવા ડરના ઓથાર હેઠળ વિતાવી રહ્યાં છે.
લાંબા સમય સુધી જિલ્લા પંચાયતના સભ્ય રહેલા પંકજના પિતા 50 વર્ષના રામવૃક્ષ યાદવે પોતાના દીકરાના 'પોલીસ ઍન્કાઉન્ટર'ને બનાવટી મૂઠભેડ ગણાવીને રાષ્ટ્રીય માનવાધિકાર કમિશનમાં ન્યાયની ટહેલ નાખી છે.
પરિવારમાં એક સીધા-સાદા સજ્જન છોકરા તરીકે પંકજ ઓળખાતો.
આશ્ચર્યની વાત એ છે કે પંકજ 20 હજારનું ઇનામ જાહેર કરાયેલા નામચીન બદમાશમાં કેવી રીતે ફેરવાઈ ગયો?
પંકજના ઍન્કાઉન્ટર વિશે પોલીસ અને તેમના પરિવારનો પક્ષ એક બીજાથી તદ્દન વિપરીત છે.

પરિવારનો પક્ષ

ઇમેજ સ્રોત, PRIYANKA DUBEY/BBC
પંકજના પિતા રામવૃક્ષ યાદવ જણાવે છે, "અમે જિલ્લા પંચાયતમાં રહ્યા છીએ અને સાથે જ અમારે ટ્રક છે."
"પંકજ અમારો નાનો દીકરો છે. હમણાં જ અભ્યાસ પૂરો કર્યો હતો અને ગત ડીસેમ્બરમાં અમે તેના લગ્ન કર્યાં હતાં."
"એ વેપારમાં મદદ કરતો હતો. બ્લોકની ચૂંટણી લડવાની તૈયારીમાં હતો."
"અમે સમૃદ્ધ છીએ. અમારે પોતાનાં ઘરબાર બધું છે. અમારાં બાળકો ક્યારેય ચોરીમાં સંડોવાયાં નથી."
14મી એપ્રિલ, 2018એ આ પરિવાર સાથે અજબ ઘટનાઓની એક અનપેક્ષિત વણઝાર શરૂ થઈ.
રામવૃક્ષના જણાવ્યા અનુસાર, "12મી એપ્રિલની સવારે અમારો મોટો દીકરો વિનોદ બિહારથી ટ્રક લઈને પાછો આવ્યો."
"ઘરે આવીને અમને કહ્યું કે તેના સાસુની તબિયત ખરાબ છે. તેમને પોતાની પત્નીને સાથે તેમના સાસુને જોવા ગાઝીપુર જવાનું હતું."
"અમારી ગાડીને આગામી બે દિવસ ભરાવા માટે બનારસમાં આવેલા પારલેજીની ફેક્ટરી મોકલવાની હતી."
"એણે મને કહ્યું કે હું ગાડી ભરાવવા માટે બનારસ મોકલી દઉં અને એ પાછો આવતી વખતે તે લેતો આવશે."
તેઓએ જણાવ્યું, "અમારા સાઢુનો દીકરો છે, કમલેશ યાદવ. ડ્રાઇવર છે અને ઘણીવાર અમારી ગાડીઓ ચલાવે છે."
"એણે જ ટ્રક બનારસ લઈ જવાની હતી. પરંતુ આ વખતે તેણે પંકજને પણ પોતાની સાથે બનારસ લઈ જવાની જિદ્દ કરી તો પંકજ પણ એની સાથે જતો રહ્યો."
રામવૃક્ષ જણાવે છે કે બંને છોકરા બનારસ પહોંચ્યા પરંતુ એ સાંજે બિસ્કીટ તૈયાર ના હોવાને લીધે ટ્રક ભરાઈ નહીં. કમલેશ અને પંકજને એક દિવસ રાહ જોવી પડી.
તેમણે કહ્યું, "14મી એપ્રિલની બપોરે જ હું મારી પત્નીને લઈને હૉસ્પિટલ જઈ રહ્યો હતો એ જ વખતે મોટો દીકરો વિનોદ ગાઝીપુરથી પરત આવતો દેખાયો."
"વહુની તબિયત થોડી ખરાબ હતી તો અમે કહ્યું કે એને પણ બતાવતા આવીશું."
"વહુને પોતાની પત્ની સાથે ગાડીમાં બેસાડતા અમે દીકરા વિનોદને બાઇક લઈને આવવાનું કહ્યું."
"પછી અમે લોકો ચક્રપાનપુરથી આગળ હૉસ્પિટલ પહોંચી ગયાં પણ વિનોદ આવ્યો નહીં. અમે ફોન ઉપર ફોન કરતાં રહ્યાં પણ તેનો કોઈ પત્તો મળ્યો જ નહીં."
આ દરમિયાન બપોરના બે વાગ્યાની આસપાસ રામવૃક્ષને બનારસથી એક ફોન આવ્યો.

ઇમેજ સ્રોત, PRIYANKA DUBEY/BBC
રામવૃક્ષ કહે છે, "મારા ભત્રીજા દીપક યાદવનો ફોન હતો. તેણે કહ્યું એસઓજી (સ્પેશ્યલ ઑપરેશન ગ્રૂપ) વાળા આવ્યા હતા અને પંકજભાઈને ઉઠાવીને લઈ ગયા છે."
"એસઓજીના સિપાઈઓએ તેને મને કંઈ ના જણાવવા ધમકી પણ આપી હતી. કહ્યું હતું કે જો કોઈને જણાવ્યું કે તેને પણ ઉઠાવીને લઈ જશે અને ગાડી પણ ફૂંકી મારશે. પરંતુ એણે ઘણી હિંમત કરીને મને ફોન કર્યો."
રામવૃક્ષ એ દિવસને યાદ કરીને જણાવતા જાય છે, "માહિતી મળતાં જ અમે સહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા."
"દિમાગ જ કામ નથી કરતું પરંતુ પછી હું તરત 100 નંબર પર ફોન કરીને પોલીસને માહિતી આપી કે મારા છોકરાને ઉઠાવીને લઈ ગયા છે."
"બે કલાક બાદ ફરી ફોન કર્યો તો તેઓએ કહ્યું કે સંલગ્ન થાણાને જણાવી દેવામાં આવ્યું છે પરંતુ કંઈ નક્કર થયું નહીં."
"અમારો મોટો દીકરો તો ગાયબ જ હતો, નાના વિશે પણ કંઈ માહિતી નહોતી મળી રહી."
"આગલી સવારે ખબર પડી કે રસૂલપુર પાસે પોલીસને પંકજનું ઍન્કાઉન્ટર કરી દીધું છે."
15 એપ્રિલની સવારે જ રામવૃક્ષને પહેલીવાર ખબર પડી કે તેમના દીકરા ઉપર ચોરી અને હત્યા સાથે જોડાયેલા છ અજ્ઞાત કેસ ચાલે છે.
તેના નામ પર વીસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.
તેમનો દાવો છે કે પોલીસે એવું રાતોરાત કરી દીધું. દરેક કેસમાં પોલીસ જ વાદી હતી.
પંકજની સાથે જ રાજ તિલક નામના એક અન્ય કહેવાતા અપરાધીના પગમાં પણ આ પોલીસ કાર્યવાહીમાં ગોળીઓ મારવામાં આવી હતી.
મેહનગર થાણાની બહાર ઊભેલી ઍમ્બુલન્સનો પીછો કરતા કરતા રામવૃક્ષ બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સરકારી હૉસ્પિટલ પહોંચ્યા.
ત્યાં હૉસ્પિટલમાં તેમની પંકજ સાથે મુલાકાત થઈ. અહીંયા પંકજે તેઓને જે જણાવ્યું, તે સહુને ચોંકાવી દેનારું હતું.
પંકજે પોતાના પિતાને જણાવ્યું કે પોલીસે પહેલા બોરીઓ ભીની કરીને તેમના ઘૂંટણ ઉપર બાંધી હતી અને પછી ગોળીઓ મારી હતી.
એનાથી ગોળી દૂરથી મારી હોવાનો આભાર પેદા કરી શકાય એ માટે ઉપયોગમાં લેવાતી એક જૂની પદ્ધતિ છે.
આવું કરવાથી ગોળીની સાથે નીકળતા બારૂદને ભીની બોરીઓ શોષી લે છે અને ઘાની આસપાસ કાળું નિશાન પડતું નથી.
એનાથી મેડીકલ રીપોર્ટમાં એ સાબિત કરવામાં સરળતા રહે છે કે ગોળી દૂરથી મારવામાં આવી હતી.


રામવૃક્ષે કહ્યું, "પંકજે એ પણ જણાવ્યું કે ગતરાત્રે રાની સરાય થાણે તેની તેના મોટાભાઈ વિનોદ અને તેના મિત્ર અમરજીત સાથે મુલાકાત થઈ હતી."
"એ બંને ત્યાં પોલીસ કસ્ટડીમાં પહેલાંથી હાજર હતા. જેવી તેઓને ખબર પડી કે પંકજ અને વિનોદ સગા ભાઈ છે."
"તો પંકજને પોલીસની ગાડીમાં બેસાડીને લઈ ગયા અને વિનોદને ત્યાં જ થાણામાં રાખ્યો."
"જેવી મને ખબર પડી મેં 100 નંબર ઉપર ફરી ફોન કર્યો. પોલીસમાં જેટલા લોકોને જાણતો હતો એ સહુને ફોન કર્યા અને જણાવ્યું કે મારા મોટા દીકરાનું અપહરણ થઈ ગયું છે પરંતુ કંઈ થયું નહીં."
કેટલાક કલાકો બાદ પિતાને પોલીસ તરફથી ફોન કરીને જાણ કરવામાં આવી કે તેમનો મોટો દીકરો વિનોદ જિલ્લાના નિઝામાબાદ થાણામાં છે.
તેઓ આગળ કહે છે, "હું પંકજને હૉસ્પિટલથી લઈને સીધો જેલમાં દાખલ કરાવ્યો અને વિનોદને લેવા નિઝામાબાદ થાણે પહોંચ્યો."
"અત્યાર સુધીમાં 15(એપ્રિલ) તારીખની રાત્રે 10 વાગી ગયા હતા."
"થાણામાં ઇન્ચાર્જે મારી પાસે એક કાગળ ઉપર સહી કરાવી જેની ઉપર લખ્યું હતું કે મને મારો દીકરો સોંપવામાં આવે છે અને હવે હું આગળ કોઈ ફરિયાદ કે કાર્યવાહી નહીં કરું."
"મેં વિનોદને લીધો અને ચૂપચાપ પાછો આવી ગયો. એક જ દિવસમાં અચાનક આટલું બધું થઈ ગયું હતું."
"નાના દીકરાને ઍન્કાઉન્ટર માં બે ગોળીઓ મારવામાં આવી હતી. એ કમાતા-ધમાતા છોકરા માથે ઇનામ સહીત પોલીસે બદમાશ જાહેર કરી દીધો."
"મોટા દીકરાને પણ પોલીસે ઉઠાવી લીધો હતો. અમારી તો દુનિયા જ લૂંટાઈ ગઈ હતી જાણે અમે બહુ જ ડરી ગયાં હતાં."

વિનોદની કથા
ઘરે પાછા આવ્યા પછી વિનોદે પિતાને જણાવ્યું કે 14મી એપ્રિલની બપોરે જયારે તે તેઓની પાછળ હૉસ્પિટલ આવવા નીકળ્યો તો ચક્રપાનપુરની પાસે જ એસઓજી વાળાઓની ગાડીએ તેને ઓવરટેક કરી લીધો અને ધક્કો મારીને ભોંય ભેગો કરી દીધો.
એ પછી તેને જીપમાં ધકેલી દીધો અને ગાડી આખી સાંજ તેને આસપાસમાં દોડાવતા રહ્યા.
રાત્રે જયારે તેને રાની સારાય થાણે લઈ જવામાં આવ્યો જ્યાં તેણે પંકજને જોયો.
વિનોદના અનુસાર એ પછી તરત જ પોલીસે તેને નીઝામાબાદ થાણે મોકલી દીધો અને પંકજને જીપમાં ક્યાંક લઈ ગયા.
ઍન્કાઉન્ટર ના અઢી મહિના પછી પંકજ જામીન ઉપર છૂટો તો થઈ ગયો પરંતુ તેના પગનો ઈલાજ હજુ પણ ચાલુ છે.

ડરના ઓથારમાં પરિવાર
પંકજનાં માતા જણાવે છે કે મેહનગર થાણાના પ્રભારી પ્રેમચંદ યાદવ 17 સપ્ટેમ્બરે તેમના ઘરે આવ્યા હતા અને તેમના દીકરાને મારવાની ધમકીઓ આપીને જતા રહ્યા હતા.
તેઓ કહે છે, "વિશ્વકર્મા પૂજાના દિવસે ઇન્સ્પેકટર સાહેબ પોતાની આખી ફોજ લઈને ઘરે આવ્યા અને આખા મહોલ્લામાં ગાળાગાળી કરવા લાગ્યા."
"મારી દીકરીને પણ બહાર ઢસડીને તેને પંકજ વિશે પૂછવા લાગ્યા."
"કહેવા લાગ્યા કે તેઓ તેને મારી નાખશે. મેં તેમને હાથ જોડ્યા તો મને કહ્યું કે હું તૈયારી કરી લઉં...વીસ દિવસમાં તેરમું મનાવીશ મારા દીકરાનું." આટલું કહીને સિર્મલા હીબકાં ભરીને રડવા લાગ્યાં.
રામવૃક્ષને હવે માત્ર માનવાધિકાર કમિશન અને ઉચ્ચ ન્યાયાલય ઉપર જ આશા છે.


તેઓ કહે છે, "હું ધારા 156(3) અંતર્ગત સ્થાનિક પોલીસ વિરુદ્ધ કેસ દાખલ કરવા ઈચ્છું છું અને મારા દીકરાના કેસમાં નિષ્પક્ષ તપાસ ઈચ્છું છું."
"પંકજ આગામી સમયમાં સ્થાનિક ચૂંટણી લડવા ઈચ્છતો હતો. શક્ય છે કે કોઈએ અદાવતમાં અમને રસ્તામાંથી હટાવવા માટે આ બધું કર્યું હોય."
"પોલીસે પહેલા તો નકલી મૂઠભેડમાં મારા છોકરાને માર્યો, અજ્ઞાત લોકોની વિરુદ્ધ 6 કેસ તેના માથે ઠોકી બેસાડ્યા અને પછી જયારે અમે તેના જામીન કરાવ્યા ત્યારે તેની ઉપર રાતોરાત ગેંગસ્ટર એક્ટ લાગુ કરી દીધો."
"આ લોકો અમને ઘેરીને તોડી નાખવા માંગે છે. મારા છોકરા નિર્દોષ છે અને જો આજે એક નિર્દોષ છોકરાનું ઍન્કાઉન્ટર થયું છે... તો કાલે અન્યનું પણ થશે."
"આથી આ કેસમાં પોલીસ કાર્યવાહીની પણ તપાસ થવી જોઈએ."

પોલીસનો પક્ષ

પંકજ યાદવના ઍન્કાઉન્ટર વખતે આઝમગઢના વરિષ્ઠ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા અજય સહાનીને મેં જયારે આ મૂઠભેડ ઉપર ઉપસ્થિત થઈ રહેલા સવાલો વિશે પૂછ્યું.
તેઓએ કહ્યું કે પંકજ યાદવ વિસ્તારમાં થયેલી મોટી ચોરીઓમાં સામેલ હતો.
તેમના કહેવા મુજબ, "મૂઠભેડ વખતે તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો અને પોલીસ ઉપર ગોળીઓ ચલાવી."
"તેની પાસે બે દેસી કટ્ટા પણ હાથ લાગ્યા છે. આત્મરક્ષામાં પોલીસે પણ જવાબી ફાયર કરવું પડ્યું."
પંકજ યાદવ ઍન્કાઉન્ટર ઉપર ઉપસ્થિત થઈ રહેલા સવાલો વિશે પૂછતાં ઉત્તર પ્રદેશ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ઓ. પી. સિંહે કહ્યું, "હું આઝમગઢના આ વિશેષ કેસ ઉપર કોઈ ટીપ્પણી નહીં કરું."
"તમે આરોપીના પરિવાર સાથે વાત કરશો તો તેઓ તો સવાલ ઉઠાવશે જ."
"સવાલ તો કોઈ પણ ગમે તેની ઉપર ઉઠાવી શકે છે. દરેક ઍન્કાઉન્ટરની મેજીસ્ટ્રેટ તપાસ થશે અને થાય છે."
"એ જ કાયદો છે અને જો તપાસમાં કોઈ પણ પોલીસ અધિકારી દોષી સાબિત થાય તો તેની ઉપર ઉચિત કાર્યવાહી કરવામાં આવશે."

સરકારનો પક્ષ
ઉત્તરપ્રદેશમાં પોલીસ મૂઠભેડો વિરુદ્ધ વધતી ફરિયાદો અને સવાલો ઉપર રાજ્ય સરકારની પ્રતિક્રિયા જાણવા માટે અમે પ્રદેશ સરકારના ઉર્જા મંત્રી અને રાજ્ય સરકારના સત્તાવાર પ્રવક્તા શ્રીકાંત શર્મા સાથે વાત કરી.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું, "જુઓ, સરકારની પહેલી પ્રાથમિકતા પ્રદેશમાં સુરક્ષાનું વાતાવરણ બનાવવાની છે."
"ભૂતકાળમાં અહીંયા જે સપા-બસપા અને કોંગ્રેસની કૉકટેલ હતી, એ અપરાધીઓને સંરક્ષણ આપતી હતી."
"અમારી કામ કરવાની રીત અલગ છે. આ સરકારમાં અપરાધીઓને કોઈ સંરક્ષણ આપવામાં આવશે નહીં."
"જો કોઈ અપરાધ કરશે તો તેને તેની જ ભાષામાં પોલીસ જવાબ આપશે. સાથે જ જો કોઈ વર્દી પહેરીને દાદાગીરી કરશે તો તેને પણ બક્ષવામાં નહીં આવે."
સમાજવાદી પાર્ટીના પ્રવક્તા અબ્દુલ હાફીઝ ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની 'અપરાધ કરશો તો ઠોકી દેવામાં આવશે.'
એ નિવેદનની નિંદા કરતા કહ્યું, "કોઈ આરોપી અપરાધી છે કે નહીં, એ માત્ર અદાલત નક્કી કરી શકે છે."
"પોલીસ પોતાની ગોળીઓથી અપરાધ નક્કી ના કરી શકે. આ રીતે પોલીસ દ્વારા શક્તિઓનો દુરુપયોગ ગેરબંધારણીય છે."
"સરકાર અને પોલીસનું કામ લોકોને સુરક્ષા આપવાનું અને તેમને સુરક્ષિત હોવાનો અનુભવ કરાવવાનું છે-નકલી મૂઠભેડથી તેમને ડરાવવાનું નહીં."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













