સરદાર સાથે 'સરખાવાયેલા' અને 'મોદીના વહાલા' રાકેશ અસ્થાના કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લાલજી ચાવડા
- પદ, બીબીસી ગુજરાતી
સૅન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઈ)એ તેમના જ નંબર-2 અધિકારી સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સામે લાંચના મામલે ફરિયાદ નોંધી છે. તો બીજી તરફ, રાકેશ અસ્થાનાએ સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા સામે અનેક મામલામાં કરોડો રુપિયાની લાંચ લેવા સંબંધિત ફરિયાદ કૅબિનેટ સેક્રેટરીને મોકલી છે.
આમ, દેશની ટોચની તપાસ એજન્સીમાં બે મુખ્ય અધિકારીઓ વચ્ચે જંગ છેડાયો છે.
સીબીઆઈના ઇતિહાસમાં આ મામલો અસામાન્ય છે, જેમાં બે ટોચના અધિકારીઓએ એક બીજા સામે ભ્રષ્ટાચારના સંગીન આરોપ લગાવ્યા છે.
આ મુદ્દો મહત્ત્વનો એટલા માટે પણ છે કે રાકેશ અસ્થાના ગુજરાત કૅડરના આઈપીએસ અધિકારી છે અને રાહુલ ગાંધીએ અસ્થાનાને નરેન્દ્ર મોદીના 'બ્લૂ આઇડ બોય'( વહાલા) ગણાવ્યા છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, "વડા પ્રધાન મોદીના વ્હાલા અધિકારી અને ગુજરાત કૅડરના આઈપીએસ અધિકારી કે જેમણે ગોધરા કેસની તપાસ કરી હતી, તે રાકેશ અસ્થાના લાંચ લેતા પકડાયા છે."
રસપ્રદ વાત એ પણ છે કે સીબીઆઈ એ ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ(ડીઓપીટી) હેઠળ આવે છે, જે સીધું વડા પ્રધાન હેઠળ કામ કરે છે.
પણ વડા પ્રધાને આ મામલે હજુ કોઈ હસ્તક્ષેપ કર્યો હોય એવું જણાતું નથી.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે ડીએસપી દેવેન્દ્ર કુમારે તેમની ધરપકડ સામે અને રાકેશ અસ્થાનાએ એફઆઈઆરમાં પોતાનાં નામ સામે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

ઉચ્ચ અધિકારીઓ વચ્ચે જંગનું કારણ

ઇમેજ સ્રોત, Getty Images
આ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે જંગની શરૂઆત કેવી રીતે થઈ, તે સમજીએ.
સીબીઆઈના સ્પેશિયલ ડાયરેકટર રાકેશ અસ્થાના સામે હૈદરાબાદના વેપારી સતીષ બાબુ સનાએ ફરિયાદ નોંધાવી હતી.
જેમાં તેમણે પોતાના પર ચાલતી સીબીઆઈ તપાસ રોકવા અસ્થાનાને ત્રણ કરોડની લાંચ આપ્યાનો આરોપ મૂક્યો હતો.
સતીષે દુબઈમાં રહેતા મનોજપ્રસાદ નામની વ્યક્તિ થકી લાંચ આપ્યાનો દાવો કર્યો છે. સીબીઆઈમાં સારી વગ ધરાવતા હોવાનો દાવો કરનારા મનોજ પ્રસાદની થોડા દિવસ પહેલાં ધરપકડ કરાઈ હતી.
જોકે, અસ્થાના કંઈક અલગ જ વાત કહે છે. 'ઇન્ડિયન એક્સપ્રેસ'માં છપાયેલા સમાચાર મુજબ - અસ્થાનાએ સીબીઆઈના ડાયરેકટર આલોક વર્મા સામે અનેક ગંભીર આરોપ લગાવ્યા છે અને તેની જાણ કરતો પત્ર કૅબિનેટ સેક્રેટરીને લખ્યો છે.
લાંચ લીધાનો જે આરોપ અસ્થાના સામે છે તે જ આરોપ તેમણે આલોક વર્મા પર લગાવ્યો છે.
વર્મા સામે એ પણ આરોપ મુકાયા છે કે તેમણે 2G કૌભાંડ અને કોલસા કૌભાંડમાં સામેલ બે લોકોને 'સૅન્ટ કિટ્સ'ની નાગરિકતા લેતા રોકવા માટે કોઈ પગલાં ન લીધા.
તેમના પર એ પણ આરોપ લાગ્યા છે કે તેમણે હરિયાણામાં જમીનના સોદામાં ગેરરીતિ આચરી હતી.
આ કેસમાં અસ્થાનાની નીચે કામ કરતા ઇન્વેસ્ટિગેશન ઑફિસર ડેપ્યુટી એસ.પી. દેવેન્દ્રકુમારની ધરપકડ કરવામાં આવી છે.

રાકેશ અસ્થાનાની નિયુક્તિને કેમ પડકારાઈ હતી?

ઇમેજ સ્રોત, Getty Images
આમ તો રાકેશ અસ્થાનાની સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે સીબીઆઈમાં નિયુક્તિ થઈ ત્યારથી જ વિવાદના મંડાણ થયા હતા.
સીબીઆઈમાં રાકેશ અસ્થાનાની નિયુક્તિ થઈ ત્યારે તેને એનજીઓ -'કોમન કૉઝ'એ પડકારી હતી.
આ સંસ્થા વતીથી દલીલ કરતા વકીલ પ્રશાંત ભૂષણે આરોપ મૂક્યો હતો કે ઇન્કમટૅક્સે સ્ટર્લિંગ બાયૉટેકને ત્યાં પાડેલા દરોડામાં મળેલી ડાયરીમાં રાકેશ અસ્થાનાનું નામ હતું. આ કેસમાં સીબીઆઈએ તેમની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી હતી.
સીબીઆઈના દિલ્હી યુનિટે ગુજરાત સ્થિત સ્ટર્લિંગ બાયૉટેક અને સાંડેસરા ગ્રૂપ ઑફ કંપનીઝ પાસેથી ઇન્કમટૅક્સના ત્રણ ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ લાંચ લેવાનો ગુનો નોંધ્યો હતો.
સીબીઆઈએ ફરિયાદ નોંધી તેમાં 'ડાયરી- 2011'નો ઉલ્લેખ હતો. કેટલાક અહેવાલો મુજબ અસ્થાનાનું પણ તેમાં નામ હતું.

સરકારનો બચાવ શો હતો?
રાકેશ અસ્થાનાની સીબીઆઈમાં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે નિયુક્તિ થઈ, ત્યારે સરકારે કોર્ટમાં તેને વાજબી ઠેરવતાં રાકેશ અસ્થાનાની હાઈપ્રોફાઇલ કરિઅરનો ઉલ્લેખ કર્યો હતો.
સરકારે કહ્યું હતું કે તેમણે કોલસા, કિંગફિશર ઍરલાઇન્સ, અગસ્ટા વેસ્ટલૅન્ડ કૌભાંડ સહિત 40થી વધુ હાઈપ્રોફાઇલ કેસનું સુપરવિઝન કર્યું છે.

રાકેશ અસ્થાના કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
રાકેશ અસ્થાના 1984ની બેચના ગુજરાત કૅડરના આઈપીએસ ઑફિસર છે.
તેમણે અનેક મહત્ત્વના કેસ સંભાળ્યા છે. જેમાં લાલુ પ્રસાદ યાદવના કથિત ઘાસચારા કૌભાંડથી માંડીને 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવી દેવાના કેસનો સમાવેશ થાય છે.
1994માં સૅન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશનમાં સુપરિટેન્ડેન્ટ ઑફ પોલીસ હતા. ત્યારે ઘાસચારા કૌભાંડની તપાસ કરી લાલુ પ્રસાદ યાદવની ધરપકડ કરી હતી.
તો 2002માં જ્યારે સાબરમતી એક્સપ્રેસને આગ ચાંપવાની ઘટના બની ત્યારે અસ્થાના વડોદરામાં રેન્જ આઈજી હતા.
એટલે આ કેસની તપાસમાં પણ તેમની ભૂમિકા રહી હતી. બહુચર્ચિત એવા આસારામ અને નારાયણ સાંઈના કેસના કથિત બળાત્કારકાંડની તપાસ પણ તેમણે કરી છે.
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ રાકેશ અસ્થાનાના વ્યક્તિત્વ વિશે વાત કરતા કહે છે, ''રાકેશ અસ્થાના મીડિયાસેવી ઑફિસર છે અને તે હંમેશાં મીડિયામાં પોલીસની પૉઝિટિવ છબી રજૂ થાય તેના પ્રયાસ કરતા રહયા છે. ''
તેઓ ઉમેરે છે સમાચારમાં કઈ રીતે રહેવું એ રાકેશ અસ્થાના સારી રીતે જાણે છે.
રાકેશ અસ્થાનાનું સબળા અને નબળા પાસા વિશે વાત કરતાં પ્રશાંત દયાળ કહે છે કે , અસ્થાના 'કાગળના બાદશાહ' છે અને કલમનો કઈ રીતે ઉપયોગ કરવો તે સારી રીતે જાણે છે.
ચિત્રલેખાના સિનિયર કૉરસ્પૉન્ડન્ટ ફયસલ બકીલી રાકેશ અસ્થાના વિશે વાત કરતાં કહે છે : "રાકેશ અસ્થાના જ્યારે પ્રૅસ બ્રીફિંગ કરતાં હોય ત્યારે તેમાં ક્રાઇમનું ડિટેઇલિંગ ઘણું રહેતું હતું. તેમનો સીબીઆઈનો અનુભવ તેમાં દેખાતો."
ફયસલ અસ્થાનાના વડોદરા અને સુરત પોલીસ કમિશનર તરીકેના કાર્યકાળને વાગોળતા કહે છે કે અસ્થાનાએ સુરત અને વડોદરામાં લોકભાગીદારી થકી મૅરેથૉન દોડ જેવા ઘણાં કાર્યક્રમો યોજ્યા, જેના થકી તેમની ઉદ્યોગપતિ સાથેની નિકટતા પણ વધી.
ફયસલના મતે આ નિકટતાએ અસ્થાનાને ફાયદો પણ કરાવ્યો અને નુકશાન પણ.
તેમની કામગીરી અંગે વાત કરતા ફયસલ કહે છે કે અસ્થાના બોલવામાં ઘણા 'સૉફ્ટ' જણાતા, પણ પોલીસ કર્મચારી માટે તે ઘણા 'હાર્ડ' હતા.
તેમના સમયમાં પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવાના પણ ઘણા કિસ્સા બન્યા.અસ્થાના જ્યારે સુરત કમિશનર હતા ત્યારે ''સંઘર્ષ-ગાથા''ને રજૂ કરતો વીડિયો તૈયાર કરાયો હતો. જેમાં તેમની તુલના સરદાર અને વિવેકાનંદ સાથે કરવામાં આવી હતી.
જોકે, આ વીડિયો કોણે તૈયાર કર્યો એ અંગે બીબીસી પુષ્ટિ કરી શકતું નથી.

કોણ છે આલોક વર્મા?

ઇમેજ સ્રોત, Getty Images
આગામી વર્ષે જાન્યુઆરીમાં નિવૃત થતાં આલોક વર્મા એ પોલીસ અધિકારીઓ પૈકી છે, કે જેઓ પોલીસ સેવાને સુધારવા માટે નવી યોજનાઓ શરૂ કરી હતી.
આલોક વર્માએ તેમની 35 વર્ષની કારકિર્દીમાં કેન્દ્રશાસિત પ્રદેશના પ્રમુખ પદોથી માંડીને તિહાડ જેલના ડીજીપી અને દિલ્હી પોલીસ કમિશ્નર જેવા પદ સંભાળ્યા છે.
તેમણે દિલ્હી પોલીસમાં મહિલા પીસીઆર શરૂ કરવાથી માંડીને પોલીસની કામગીરીમાં પારદર્શકતા લાવવાના પ્રયાસ કર્યા હતા.
બીબીસી સંવાદદાતા નવીન નેગી સાથેની વાતચીતમાં અરૂણ ભગત કહે છે, "આલોક વર્માએ મારી સાથે દિલ્હી પોલીસમાં કામ કર્યું છે. તેઓ એક સમજદાર અધિકારી રહ્યા છે."
"આલોક વર્મા સામે ચોક્કસ કોઈ મજબૂરી હશે જેના કારણે તેઓ આટલા વરિષ્ઠ અધિકારી સામે પગલાં લઈ રહ્યા છે. આવું કરતા પહેલાં તેમણે કદાચ નજીકના અધિકારીઓનો મત પણ લીધો હશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













