You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
72 કલાકમાં એવું તે શું બન્યું કે મોદીના મંત્રી અકબરે રાજીનામું આપી દીધું?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, -
મોદી સરકારમાં વિદેશ રાજ્યમંત્રી પદે રહેલા એમ. જે. અકબરે આખરે રાજીનામું આપી દીધું છે. #MeToo અભિયાનમાં દેશની 15 જેટલી મહિલા પત્રકારોએ અકબર પર જાતીય સતામણીના આરોપો લગાડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જ્યારે અકબર પર આ આરોપ લાગ્યા હતા ત્યારે તેઓ નાઇજીરિયાના પ્રવાસે હતા. અકબર જ્યારે સ્વદેશ પરત ફર્યા ત્યારે તેમનો અંદાજ કંઈક અલગ જ હતો અને તેમણે આરોપો લગાડનારાં પ્રિયા રમાણી સામે બદનક્ષીનો દાવો પણ કર્યો હતો.
જોકે, સમગ્ર મામલો ગરમાતા અને ચારેબાજુથી ટીકા થતાં બુધવારે સાંજે અચાનક અકબરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે સવાલ એ છે કે 72 કલાકમાં એવું તો શું બન્યું કે તેમણે રાજીનામું ધરી દીધું?
અકબરના રાજીનામા બાદ પ્રિયા રમાણીએ ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી.
તેમણે ટ્વીટમાં લખ્યું કે અકબરના રાજીનામાથી અમે સાચાં પુરવાર થયાં છીએ. આશા છે કે અમને કોર્ટમાં પણ ન્યાય મળશે.
અકબરના એ 72 કલાક
ભાજપના સૂત્રોએ બીબીસી સંવાદદાતા ઝુબેર અહમદને જણાવ્યું કે ભાજપ મહિલાઓની સુરક્ષાને લઈને પ્રતિબદ્ધ નજરે પડે છે. ભાજપ લોકો સમક્ષ એવી છબી રજૂ કરે છે કે તેઓ મહિલાઓની સુરક્ષાને લઈને કેટલા ગંભીર છે.
પક્ષ તરફથી જણાવવામાં આવ્યું કે મોદી સરકાર તરફથી કોઈપણ ખોટા કામને સમર્થન નથી આપવામાં આવતું. જોકે, આ મામલો કોર્ટમાં છે એટલા માટે જ્યાં સુધી અકબર નિર્દોષ સાબિત ના થાય ત્યાં સુધી આવું કરવું જરૂરી હતું.
સૂત્રોનો દાવો છે કે અકબરે માનહાનિનો કેસ વ્યક્તિગત રીતે કર્યો છે એટલા માટે સરકાર નથી ઇચ્છતી કે આ કેસમાં તે કોઈના પક્ષે નજરે પડે. એટલા માટે રાજીનામાનો રસ્તો પસંદ કરવામાં આવ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ પણ આ મામલે અકબરની વિરુદ્ધ છે. સંઘે પણ કહ્યું હતું કે અકબરે રાજીનામું આપવું જોઈએ.
મંગળવારના રોજ રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે આ મુદ્દે અકબર સાથે મુલાકાત કરી હતી અને એવું માનવાનમાં આવે છે કે દોભાલે તેમને આવું કરવા માટે વિશ્વાસમાં લીધા હશે.
અકબર સામે કેવી રીતે શરૂ થયું હતું અભિયાન?
દેશમાં પ્રેસ અને બોલીવૂડમાં શરૂ થયેલા #MeToo અભિયાનમાં મહિલા પત્રકાર પ્રિયા રમાણીએ સૌપ્રથમ એમ. જે. અકબર સામે ગેરવર્તણૂકના આરોપો લગાવ્યા હતા.
પ્રિયાએ ટ્વીટર પર કરેલા આક્ષેપો બાદની એક જ કલાકમાં જ અન્ય ત્રણ મહિલાઓ પત્રકારોએ પણ અકબર સામે જાતિય સતામણીના આરોપો મૂક્યા હતા.
આ મામલાના થોડા જ દિવસોમાં લગભગ 15 જેટલી મહિલાઓએ અકબર સામે ગેરવર્તણૂક અને જાતિય સતામણીના આરોપો મૂક્યા હતા.
જે બાદ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પણ અકબર સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
જોકે, સુષ્મા સ્વરાજે આ પ્રશ્નનો કોઈ જ જવાબ આપ્યો ન હતો.
આ ઘટના દરમિયાન અકબર નાઇજિરીયાના પ્રવાસે હતા. તેઓ જ્યારે પરત આવ્યા ત્યારે તેમણે રાજીનામું આપવાની ના પાડી દીધી હતી.
તેમણે પોતાની સામે લાગેલા આરોપોને નકાર્યા હતા અને કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કહી હતી.
બાદમાં તેમણે મહિલા પત્રકાર પ્રિયા રમાણી સામે કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો. અહેવાલો મુજબ અકબરે આ કેસમાં 97 વકીલોને કેસ લડવા માટે રાખ્યા છે.
જોકે, તે બાદ અકબર સામે સોશિયલ મીડિયાથી લઈને રાજકારણમાં રાજીનામું આપવાનું સતત દબાણ શરૂ થયું હતું. વિપક્ષોએ પણ તેમના રાજીનામાની માગ કરી હતી.
જે બાદ આખરે બુધવારે બપોર બાદ અકબરે રાજીનામું આપી દીધું હતું.
અમારી સરકારમાં મંત્રીઓના રાજીનામાં નથી હોતાં
'નહીં...નહીં અમારી સરકારમાં મંત્રીઓના રાજીનામાં નથી હોતાં ભાઈ. આ યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ) સરકાર નથી, એનડીએ (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ) સરકાર છે.'
મોદી સરકારના શપથથી લઈને હાલની તારીખ પર નજર કરીએ તો જૂન 2015માં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કહેલી આ વાત સાચી સાબિત થાય છે.
લલિત મોદીના મુદ્દે વસુંધરા રાજે અને સુષમા સ્વરાજનો બચાવ કરતા રાજનાથ સિંહે આ વાત કહી હતી. એ સમયે તત્કાલીન માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની ઘણા મામલાઓને લઈને વિપક્ષના નિશાના પર હતાં.
તમે આ વાંચ્યું કે નહીં?
આ મુદ્દે સંસદમાં હંગામો, ટ્વિટર પર ટોપ ટ્રૅન્ડ, ન્યૂઝ ચેનલો પર કલાકો સુધી ચર્ચા આ બધું થયું, પરંતુ વિપક્ષ તરફથી જે ના થયું તે હતી રાજીનામાની માગણી.
#MeToo અભિયાન હેઠળ કેન્દ્રીય મંત્રી એમ. જે. અકબર પર પણ જાતીય સતામણીના આરોપ લાગ્યા છે. અકબર પર આ આરોપ લાગ્યા ત્યારે તેઓ નાઇજીરિયામાં હતા. એવું માનવામાં આવતું હતું કે અકબર આવીને રાજીનામું આપશે.
અકબર સ્વદેશ પરત ફર્યા, ત્યારે રાજીનામાની ઇચ્છા રાખનારાઓને નિરાશા મળી. અકબરે તેમની વિરુદ્ધ આરોપ લગાવનારાં મહિલા પ્રિયા રમાની વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો છે.
અકબરની સતત થઈ રહેલી ટીકા બાદ તેમણે આખરે બુધવારે રાજીનામું આપ્યું છે.
જોકે, આ પહેલાં પણ એવા કિસ્સા બન્યા હતા, જેમાં ભાજપના નેતાઓ અને મંત્રીઓએ વિવાદમાં ફસાયા હોવા છતાં રાજીનામું ન આપ્યું હોય.
મોદી સરકારના વિવાદોનો ઇતિહાસ
નિહાલચંદ મેઘવાલ
વર્ષ 2014માં જ્યારે મોદી શપથ લઈ રહ્યા હતા ત્યારે રાજસ્થાનના ગંગાનગરથી સાંસદ બનેલા નિહાલચંદ મેઘવાલને કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી બનાવવામાં આવ્યા.
જૂન 2014માં મેઘવાલ પર બળાત્કારનો આરોપ લાગ્યો, પરંતુ તેમનું મંત્રીપદ ના ગયું. સાત મહિનામાં મેઘવાલનો વિભાગ બદલી દેવામાં આવ્યો હતો.
આમ તો મેઘવાલ પર ચાલનારો મામલો વર્ષ 2011નો હતો, પરંતુ મોદી સરકારમાં મંત્રી બન્યા બાદ તે મામલો મીડિયામાં ફરીથી ઉછળ્યો હતો.
મેઘવાલ પાસેથી વર્ષ 2016માં મંત્રાલય લઈ લેવામાં આવ્યું હતું. મતલબ કે તેમના પર આરોપ લાગ્યા તેના બે વર્ષ બાદ તેઓ મંત્રી પદ પર રહ્યા.
સ્મૃતિ ઈરાની
અમેઠીથી વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી હારેલાં સ્મૃતિ ઈરાની 26 મેના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં મંત્રીપદના શપથ લઈ રહ્યાં હતાં. સ્મૃતિને માનવ સંસાધન વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું.
મંત્રાલય સંભાળ્યા બાદ સ્મૃતિ ઈરાની પોતાનાં કાર્યોના બદલે અલગ બાબતો માટે ચર્ચામાં રહ્યાં.
- રોહિત વેમુલાની આત્મહત્યા પર સ્મૃતિ ઈરાનીનું નિવેદન
- સ્મૃતિ ઈરાનીની ડિગ્રી
- જેએનયુ (જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી)માં 'ભારત વિરોધી સૂત્રોચ્ચાર' અને વિદ્યાર્થીઓનું એકઠું થવું
- બિહારના શિક્ષણ મંત્રીનું તેમને 'ડિયર' કહેતા વિવાદ
- દિલ્હી વિશ્વવિદ્યલયમાં લાગુ કરેલા ચાર વર્ષના અન્ડર ગ્રૅજ્યુએશન અંગે વિવાદ
આ એવા મામલા છે જેમાં વિપક્ષના નેતાઓ સહિત સોશિયલ મીડિયાનો એક વર્ગ સ્મૃતિ ઈરાનીનો વિરોધ કરતા હતા. જોકે, અનેક લોકો ઇરાનીના બચાવમાં પણ હતા.
આ એક એવો મામલો હતો જેમાં કોંગ્રેસ ફ્રન્ટફુટ પર દેખાઈ અને પ્રેસ કૉન્ફરન્સ કરીને ઈરાનીનું રાજીનામું માગ્યું.
વિદ્યાર્થી સંગઠનોએ સાથે મળીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને ઈરાનીને માનવ સંસાધન મંત્રાલય છોડવાની માગણી કરી, પરંતુ સરકારે આ મુદ્દે પોતાના કાન બંધ રાખ્યા અને સમય વીતવાની રાહ જોઈ.
વર્ષ 2016માં સ્મૃતિને શિક્ષણ મંત્રાલયથી હટાવીને કાપડ મંત્રાલય સોંપવામાં આવ્યું. પરંતુ ત્યારબાદ મંત્રીમંડળમાં થયેલા ફેરફાર બાદ તેમને સૂચના અને પ્રસારણ મંત્રાલય સોંપવામાં આવ્યું.
એપ્રિલ 2018માં સ્મૃતિ ઈરાનીનો ફેક ન્યૂઝ લખનારા પત્રકારોને બ્લૅક લિસ્ટ કરવાનો નિર્ણય ચર્ચામાં રહ્યો હતો.
ઈરાનીના આ નિર્ણયનો એટલો વિરોધ થયો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને પરત ખેંચવો પડ્યો.
સુષમા સ્વરાજ, વસુંધરા રાજે
જૂન 2015માં ભારતીય મીડિયામાં અમુક દસ્તાવેજોને લઈને ખૂબ ચર્ચા થઈ હતી, જેમાં લલિત મોદીને મદદ કરવાના આરોપ સુષમા સ્વરાજ અને વસુંધરા રાજે પર લાગ્યા હતા.
એવી પણ તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી, જેમાં લલિત મોદી અને વસુંધરા રાજે સાથે દેખાતાં હોય.
એક ખાનગી ચેનલ સાથે વાતચીત કરતા લલિત મોદીએ સ્વીકાર્યું હતું કે વસુંધરા રાજેએ તેમની તરફેણમાં જુબાની આપી હતી.
જોકે, વસુંધરાએ આ આરોપો નકાર્યા હતા પરંતુ એવું સ્વીકાર્યું હતું કે લલિત મોદી સાથે તેમના પારિવારિક સંબંધ છે.
સુષમા સ્વરાજ પર પણ મોદીને મદદ કરવાનના આરોપ લાગ્યા હતા.
સ્વરાજે ત્યારે કહ્યું હતું, "લલિત મોદીની પત્નીની કૅન્સરની સારવાર પોર્ટુગલમાં ચાલતી હતી, એટલા માટે એ મદદ માનવતાની દૃષ્ટિએ કરવામાં આવી હતી."
કોંગ્રેસે બન્ને નેતાઓનાં રાજીનામાની માગ કરી હતી. એક સમય એવો પણ આવ્યો કે વસુંધરા રાજે રાજીનામું આપી દેશે.
જોકે, ચૂપ રહેવાનો નિર્ણય સરકારના પક્ષમાં રહ્યો અને સમય સાથે મામલો દબાઈ ગયો.
સુરેશ પ્રભુ
નવેમ્બર 2014માં શિવસેના છોડીને ભાજપમાં સામેલ થયાની થોડી જ કલાકોમાં સુરેશ પ્રભુને રેલવે મંત્રી બનાવવામાં આવ્યા. તેમના કાર્યકાળમાં ઘણાં રેલવે અકસ્માતો થયા.
પરંતુ સુરેશ પ્રભુનું રાજીનામું સ્વીકારવામાં ના આવ્યું. એક મહિના બાદ પ્રભુ પાસેથી રેલવે મંત્રાલય લઈને કૉમર્સ અને ઇન્ડસ્ટ્રી મંત્રાલય સોંપી દેવામાં આવ્યું.
અપ્રત્યક્ષ રીતે પણ એ વાત સાબિત થઈ કે મોદીની સરકારમાં રાજીનામા નથી લેવાતા.
અરુણ જેટલી
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે નાણામંત્રી અરુણ જેટલી પાસે માફી માગી હતી, એ તમને યાદ હશે.
આ મામલો વર્ષ 2015માં ડીડીસીએ (દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ઍસોસિયેશન)માં અરુણ જેટલીની અધ્યક્ષતા હેઠળ થયેલા ભ્રષ્ટાચારના આરોપનો હતો.
આ કેસ દરમિયાન પ્રદેશ ક્ષેત્રે જેટલીના રાજીનામાની માગ થઈ હતી.
જેટલીના રાજીનામાની માગ માત્ર આ મામલે જ નહોતી થઈ.
વિજય માલ્યાએ દાવો કર્યો હતો કે ભારત છોડતા પહેલાં તેઓ અરુણ જેટલીને મળ્યા હતા. ભારતીય બૅન્કોના નવ હજાર કરોડ રૂપિયા લઈને ફરાર થયેલા વિજય માલ્યાના આ દાવા પર કોંગ્રેસે જેટલીના રાજીનામાની માગ કરી હતી.
પરંતુ તેઓ હાલમાં પણ નાણામંત્રી છે.
યુપીએમાં થતાં હતાં રાજીનામાં?
મોદી સરકારમાં રાજીનામાની માગ માત્ર એક માગ બનીને જ રહી ગઈ. પરંતુ યુપીએના 10 વર્ષોના શાસનકાળ પર નજર કરવામાં આવે તો વિપક્ષમાં બેઠેલી ભાજપે મનમોહન સરાકરના બે મંત્રીઓના રાજીનામાં લીધાં હતાં.
- અશ્વિની કુમાર: કોલસા બ્લૉક કેસમાં ઓરોપોને લઈને કાયદા મંત્રીના પદ પરથી વર્ષ 2013માં રાજીનામું
- પવન બંસલ: રેલવે લાંચ કેસના આરોપમાં રેલવે મંત્રીના પદ પરથી વર્ષ 2013માં રાજીનામું આપ્યુ
- એ રાજા: વર્ષ 2010માં યુપીએ સરકારમાં દૂરસંચાર મંત્રી એ રાજાને 2-જી કેસમાં રાજીનામુ આપવું પડ્યું.
2-જીમાં કોઈ ભ્રષ્ટાચાર થયો હોવાનું કોર્ટમાં સાબિત જ ના થઈ શક્યું.
શું છે રાજીનામાંની રાજનીતિ?
પત્રકાર અજય સિંહે બીબીસી સાથે વાતચીત કરતા કહ્યું, "મુશ્કેલી એ છે કે જો કોઈ નેતા વિરુદ્ધ તેના મંત્રી પદના કાર્યકાળ દરમિયાન આરોપ લાગે તો અલગ કેસ છે. પરંતુ અહીં તો અમુક લોકો કહી રહ્યા છે તો એ સાંભળી લો."
શું મોદી સરકાર રાજીનામામાં વિશ્વાસ રાખે છે?
આ અંગે નિરજા ચૌધરી કહે છે, "યુપીએના શાસનકાળમાં અશોક ચૌહાણથી લઈને ઘણાં લોકોએ રાજીનામું આપવું પડ્યું હતું. હાલની સરકાર પણ તેમાંથી શીખ લઈ રહી છે."
"આ સરકારીની રાજનીતિ અને વિશ્વાસ એ છે કે અમારે જે કરવું છે તે જ કરીશું, થાય તે કરી લો. પહેલાંના સમયમાં નૈતિકતા હતી, જે અત્યારે નથી."
અજય સિંહ કહે છે, "યુપીએના શાસનકાળમાં પડેલાં રાજીનામાં તે સમયની ઘટનાઓને આધારે પડ્યા હતા. જો સોશિયલ મીડિયા પર રાજીનામાની માગ થઈ રહી છે તો તેને જવાબદાર ના માની શકાય. એટલા માટે સોશિયલ મીડિયાની વાત મૂકી દો."
યુપીએ અને એનડીએમાં રાજીનામાની સ્થિતિ પર અજય સિંહ કહે છે, "2-જી કેસમાં સીએજી (કમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ) નો રિપોર્ટ હતો. રાજીવ ગાંધીએ બોફોર્સ અને નરસિમ્હા રાવે લખુભાઈ કેસમાં પદ નહોતું છોડ્યું."
"પવન બંસલ કેસમાં સીબીઆઈએ તેમના ભત્રીજાની ધરપકડ કરી હતી. ઘણી બાબતોને મિક્સ કરીને જોવાથી મૂંઝવણ થશે. રાજનીતિને રાજનીતિની દૃષ્ટિએ જ જોવી જોઈએ."
નીરજા ચૌધરી કહે છે, "યુપીએ સરકાર દરમિયાન આપણે એક બાબત તો કહી શકીએ કે મંત્રીઓને રાજીનામું આપવું પડતું હતું. મોદી સરકારને લાગે છે કે આ બધાથી કંઈ અસર ના થાય."
"તેમને એવો પણ ડર હશે કે લોકો તેમના પર જ આંગળી ના ચીંધે. લોકતંત્રનો પાયો જ એ છે કે જનતાની ભાવનાનું સન્માન કરો."
"પહેલાંની જેમ એ નૈતિક સ્ટેન્ડ નથી લેવામાં આવતું. મહિલાઓની હિમ્મત બતાવવા પર તમે પગલાં લેવાને બદલે તેમના પર જ હુમલા કરવાનું શરૂ કરો છો."
"આ કેસની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તમે મંત્રી પદ પર હોય તો તપાસ દરમિયાન એ સંકેત જાય કે તમે બળવાન છો. તો પછી સમાનતાની વાત કેવી રીતે થશે?"
"જ્યારે રાજનાથ સિંહે સાડા ત્રણ વર્ષ પહેલાં એનડીએમાં ત્યાગપત્ર ના હોવાની વાત કહી હતી ત્યારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આ નિવેદન બાદ કહ્યું હતું કે એક વાત જોડી દઉં કે તેમના મંત્રીઓ એવું કંઈ નથી કરતા જેવું કોંગ્રેસના મંત્રીઓ કરે છે."
આજના સંદર્ભમાં જોઈએ તો રવિશંકર પ્રસાદની વાત પર વિચારવા જેવું ખરું?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો