ગાંધીજી અંગે શું વિચારે છે એમની પાંચમી પેઢી?

    • લેેખક, ઝુબૈર અહેમદ
    • પદ, બીબીસી સંવાદદાતા, ડરબનથી પરત ફરીને
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

આજે મોહનદાસ કરમચંદ ગાંધીની 150 મી વર્ષગાંઠ છે. તેઓ 'મહાત્મા' બન્યા, તેઓ 'બાપુ' તરીકે હુલામણા નામે પણ ઓળખાયા અને અંતમાં તેમને 'રાષ્ટ્રપિતા'નું પણ સન્માન આપવામાં આવ્યું.

ગાંધીજી અહિંસા અને સત્યાગ્રહનાં મસીહા હતા. અંગ્રેજી શાસનને હંફાવી દેનારા આ મંત્રનું ઉદ્ભવસ્થાન હતું સાઉથ આફ્રિકા.

આજે ભારતમાં ઘણાં ઓછાં લોકોને ખબર હશે કે સાઉથ આફ્રિકામાં જ્યાં ગાંધીજીએ પોતાની યુવાનીનાં 21 વર્ષો પસાર કર્યાં એનો કોઈ વારસો બચ્યો છે કે નહીં. એનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નહીં?

થોડા સમય પહેલાં અમે આ અંગે તપાસ કરવા માટે ભારતથી અહીંયા આવ્યા.

આ જ એ ઘર છે જ્યાં ગાંધીજીએ પોતાના સત્યાગ્રહ અને અહિંસાના વિચારો રજુ કર્યા
ઇમેજ કૅપ્શન, આ જ એ ઘર છે જ્યાં ગાંધીજીએ પોતાના સત્યાગ્રહ અને અહિંસાના વિચારો રજૂ કર્યા

ડરબન અને જોહાનિસબર્ગ જેવા મોટા શહેરોમાં ગાંધીને ભૂલી જવા સરળ નથી. અહીંના કેટલાક મોટા રસ્તાઓ અને ચાર રસ્તાને ગાંધીજીના નામ સાથે જોડવામાં આવ્યા છે.

એમની મૂર્તિઓ લગાડવામાં આવી છે અને એમના નામ પર સંગ્રહાલય બનાવવામાં આવ્યાં છે, જેમાં આ દક્ષિણ આફ્રિકામાં તેમણે પસાર કરેલા સમયની યાદોને મૂર્તિમંત કરવામાં આવી છે.

આપને આ પણ વાંચવું ગમશે

ગાંધી 1893માં સાઉથ આફ્રિકામાં આવ્યા હતા અને 1914માં હંમેશા માટે ભારત પાછા ફર્યા હતા.

કદાચ આ વાત પર ઇતિહાસકારોની સહમતી હોય કે આ દેશમાં ગાંધીજીનો સૌથી મોટો વારસો ડરબનનનાં ફિનિક્સ સેટલમૅન્ટમાં છે, જેમાં ભારતીય મૂળનાં ઘણાં લોકો વસે છે.

line

ડરબનમાં ગાંધીની વિરાસત

જોહાનિસબર્ગનું ગાંધી ચૉક જ્યાં ગાંધીજીની ઓફિસ હતી
ઇમેજ કૅપ્શન, જોહાનિસબર્ગનો ગાંધી ચૉક જ્યાં ગાંધીજીની ઓફિસ હતી

ફિનિક્સ સેટલમૅન્ટમાં ગાંધીજીએ 1903માં 100 એકર જમીન પર એક આશ્રમ શરૂ કર્યો હતો, જ્યાં એમના વ્યક્તિત્વમાં ઘણું પરિવર્તન આવ્યું હતું એમ એમની પૌત્રી ઇલા ગાંધીનું કહેવું છે.

સત્યાગ્રહના વિચારથી માંડી સામુહિક વસવાટ, પોતાનું કામ જાતે જ કરવાની સલાહ કે પછી પર્યાવરણ સંબંધી પગલાં (જેવાં કે માટીનાં વાસણોનો ઉપયોગ અને જળ સંરક્ષણ) જેવા વિચારો તેમને ફિનિક્સ સેટલમૅન્ટના ગાંધી આશ્રમમાં જ ઉદ્ભવ્યા અને દ્રઢ બન્યા.

ગાંધી આ દેશમાં એક બેરિસ્ટર તરીકે સૂટ -ટાઈમાં આવ્યા હતા. એમના નજીકના મિત્રોમાં ભારતીય મૂળના લોકો વધારે હતા.

જોહાનિસબર્ગની આ જેલમાં ગાંધી અને મંડેલા બંને કૈદ રહી ચુક્યા છે.
ઇમેજ કૅપ્શન, જોહાનિસબર્ગની આ જેલમાં ગાંધી અને મંડેલા બંને કેદ રહી ચૂક્યા છે.

કહેવામાં આવે છે કે આશ્રમમાં વસવાટ પહેલાં એમની લાઇફ સ્ટાઇલ અંગ્રેજો જેવી હતી. ખાવાનું તેઓ છરી કાંટા વડે ખાતા હતા.

તેઓ કાળા લોકોની સ્થાનિક વસાહતોથી દૂર રહેતા હતા. એટલા માટે તેમના કેટલાક ટીકાકારો એમને રેસિસ્ટ પણ કહે છે.

આપને આ પણ વાંચવું ગમશે

line

ગાંધીને વંશવાદી કેમ કહેતા હતા લોકો?

પણ એમના 78 વર્ષની પૌત્રી ઇલા ગાંધીના જણાવ્યા અનુસાર, લોકોએ ભૂલવું ના જોઈએ કે ગાંધી સાઉથ આફ્રિકામાં આવ્યા ત્યારે એમની ઉંમર માત્ર 24 વર્ષની હતી.

ઇંગ્લૅન્ડમાં વકીલાતનો અભ્યાસ પૂરો કરી લીધો હતો પણ એમણે વ્યવહારિક જીવનમાં ડગલું માંડ્યું નહોતું.

બીબીસીની ટીમ ગાંધીજીની પૌત્રી ઇલા ગાંધી સાથે
ઇમેજ કૅપ્શન, બીબીસીની ટીમ ગાંધીજીની પૌત્રી ઇલા ગાંધી સાથે

ઇલા ગાંધીનો જન્મ પણ આ જ આશ્રમમાં થયો હતો અને એમનું બાળપણ પણ આ જ આશ્રમમાં પસાર થયું હતું. ધોધમાર વરસાદ છતાં પણ તેઓ ગાડી હંકારી અમને મળવા માટે આવ્યાં હતાં.

અમે ગાંધી વિરૂદ્ધ વંશીય ભેદભાવના આરોપ અંગે એમને પૂછ્યું તો તેમણે કહ્યું, ''બાપુના યુવાનીના એ ગાળાનાં એક બે નિવેદનોને લોકોએ તોડી મરોડીને રજૂ કર્યાં અને જેના કારણે લોકોમાં આ ભ્રમણા ફેલાઈ કે ગાંધીજી વંશીય ભેદભાવમાં માનતા હતા.''

પોતાની વાત પૂરી કર્યા બાદ તરત જ તેઓ અમને આશ્રમના એ ઓરડામાં લઈ ગઈ જ્યાં એક જમાનામાં એમનું રસોડું હતું. પરંતુ અત્યારે આને એક સંગ્રહાલયમાં ફેરવી દેવામાં આવ્યું છે.

ઇલાએ દિવાલ પર લગાડેલા કેટલાક નિવેદનો તરફ આંગળી ચીંધતા જણાવ્યું , ''આ જુઓ, આ નિવેદનને કારણે બાપુને રેસિસ્ટ સમજવામાં આવ્યા, પણ આની સાથે સાથે એક બે બીજા નિવેદનો પર નજર નાખો તો તમને લાગશે કે તેઓ વંશવાદની બિલકુલ તરફેણ કરતા નહોતા.''

કૉર્ટ હાઉસ

ઇલા ગાંધી ગાંધીજીના ચાર દીકરાઓમાંથી બીજા દીકરા મણિલાલ ગાંધીની દીકરી છે. તેઓ રિટાયર્ડ પ્રોફેસર અને પૂર્વ સાંસદ પણ છે.

ઇલા ગાંધી કે જે સાત વર્ષની ઉંમરમાં બાપુના ખોળામાં રમી ચૂકી છે, ગાંધીના શાંતિ મિશનના દીપકને તેમણે એકલ પિંડે જ સાઉથ આફ્રિકામાં પ્રજ્જવલિત રાખ્યો છે.

એમના મોત પહેલાં એમની મોટી બહેન સીતા ધુપેલિયા, ગાંધીના વિચારોનો પ્રચાર - પ્રસાર કરતાં હતાં. એમની પુત્રી કીર્તિ મેનન અને પુત્ર સતીશ ગાંધી આ પરિવારની ચોથી પેઢી છે.

અમારી મુલાકાત કીર્તિ મેનન સાથે થઈ જેમણે ભારતમાં વધતી જતી હિંસા અને ટુકડાઓમાં વહેંચાઈ જતો સમાજ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો.

ઇલા ગાંધી
ઇમેજ કૅપ્શન, ઇલા ગાંધી

ગાંધીજીના કાયમી વારસામાં સમાવેશ થાય છે તેમના પરિવારની નવી પેઢી. અમારી મુલાકાત ગાંધી પરિવારની પાંચમી પેઢી સાથે થઈ.

આ સાઉથ આફ્રિકાના ડરબન, કેપટાઉન અને જોહાનિસબર્ગ જેવા શહેરોમાં વસે છે. એમાંથી ત્રણ યુવાનો સાથે અમારી મુલાકાત કીર્તિ મેનનનાં ઘરમાં થઈ.

line

ગાંધીને કઈ રીતે મૂલવે છે એમની પાંચમી પેઢી

ગાંધીજીની પાંચમી પેઢી: કબીર, મિશા અને સુનીતા
ઇમેજ કૅપ્શન, ગાંધીજીની પાંચમી પેઢી: કબીર, મિશા અને સુનિતા

આનો ઉલ્લેખ તમને ભણવાના પુસ્તકોમાં નહીં મળે. એમની તસવીરો પણ કદાચ તમે જોઈ નહીં હોય, કારણ કે આ મીડિયાની નજરથી ઘણાં છેટે રહે છે.

તેઓ સામાન્ય જીવન જીવે છે અને પોતાના જીવનથી એમને સંતોષ છે.

ત્રણેયમાં કેટલીક બાબતોમાં સમાનતા નજરે ચઢે છે. તેઓ આત્વિશ્વાસથી ભરેલા છે. ખૂબ સારી રીતે વાત કરે છે.

ગાંધી પરિવારના વંશજ હોવા છતાં પોતાની આ વગનો દુરઉપયોગ કરવાનો પ્રયાસ કરતાં જોવા ના મળ્યા. ઉપરાંત એક નિડર સ્પષ્ટ વક્તાનાં ગુણ પણ તેમનામાં હતા.

કબીર ધુપેલિયા 27 વર્ષના છે અને ડરબનમાં એક બૅન્કમાં કામ કરે છે. એમના મોટા બહેન મિશા ધુપેલિયા એમના કરતાં 10 વર્ષ મોટાં છે અને એક સ્થાનિક રેડિયો સ્ટેશનમાં એક કૉમ્યુનિકેશન ઍક્ઝિક્યુટિવ છે.

આ બન્ને કીર્તિ મેનનનાં ભાઈ સતીશનાં બાળકો છે. એમની પિતરાઈ બહેન સુનતા મેનન એક પત્રકાર છે. તેઓ કીર્તિ મેનનનું એકમાત્ર સંતાન છે.

મિશા અને સુનીતા
ઇમેજ કૅપ્શન, મિશા અને સુનિતા

ચશ્મા અને આછી દાઢીમાં કબીર એક બુદ્ધિજીવી જેવા જણાય છે.

મિશા પોતાની ઉંમર કરતાં ઘણાં નાના લાગે છે પણ વાતો સમજણપૂર્વકની કરે છે. સુનિતા પોતાના કામને ખૂબ ગંભીરતાથી લે છે.

line

તેઓ પોતાની જાતને ભારતીય ગણે છે કે દક્ષિણ આફ્રિકાના વતની?

ડરબનમાં ગાંધી પ્રવાસી ભારતીયો સાથે

ઇમેજ સ્રોત, GANDHI MUSEUM DURBAN

ઇમેજ કૅપ્શન, ડરબનમાં ગાંધી પ્રવાસી ભારતીયો સાથે

આ સવાલ પર કબીર તાબડતોડ જવાબ આપે છે, ''અમે દક્ષિણ આફ્રિકાના વતની છીએ.''

મિશા અને સુનિતાના જણાવ્યા અનુસાર, તેઓ દક્ષિણ આફ્રિકાના વતની પહેલાં છે અને પછી ભારતીય.

આ યુવાન બાપુના બીજા દીકરા મણિલાલ ગાંધીના વંશજો છે.

ગાંધી 1914માં દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા હતા. મણિલાલ પણ પાછા ફર્યા પણ થોડા સમય બાદ ગાંધીજીએ તેમને ડરબન પાછા મોકલી દીધા હતા.

ગાંધીજીએ 1903માં ડરબન નજીક ફિનિક્સ સેટલમૅન્ટમાં એક આશ્રમ બનાવ્યો હતો, જ્યાંથી તેઓ 'ઇંડિયન ઓપિનિયન' નામનું એક અખબાર પ્રકાશિત કરતા હતા.

મણિલાલ 1920માં આના સંપાદક બન્યા હતા અને 1954માં પોતાના મૃત્યુ સુધી આ પદ પર રહ્યા હતા.

આ યુવાનોને એ વાત પર ગૌરવ છે કે ગાંધી ભારતના રાષ્ટ્રપિતા છે અને દુનિયાભરમાં એમને અહિંસા અને સત્યાગ્રહના પ્રણેતા માનવામાં આવે છે.

line

'માણસ તરીકે જોવામાં આવે ગાંધીજીને '

કબીર જણાવે છે, ''મારી દૃષ્ટિએ એ વાતથી હું ઘણો પ્રભાવિત છું કે કઈ રીતે તેઓ પોતાના મુદ્દાઓને શાંતિથી વળગી રહ્યા હતા. આ વસ્તુ આજે તમને જોવા નહીં મળે. ગાંધીજીએ શાંતિ સાથે પોતાની વાતો મનાવડાવી અને આ જ કારણે એ સમયે કેટલાક લોકો એમનાથી નારાજ પણ રહ્યા હશે.''

ગાંધી વારસાનું મહત્ત્વ તેઓ સારી રીતે જાણે છે. પણ તેમને લાગે છે કે આ ભારેખમ વારસો એમના માટે એક બોજારૂપ પણ બની જાય છે.

સુનિતા જણાવે છે, ''ગાંધીજીને એક માણસ કરતાં ઉચ્ચ નજરે નિહાળવા જોઈએ. એમના વારસા પ્રમાણે જીવન જીવવાનું અમારા પર ઘણું દબાણ રહે છે.''

સુનિતા મેનન જણાવે છે, ''સામાજીક ન્યાય મારા માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. અને આ વિચારધારા ગાંધી પરિવારમાં છેલ્લી પાંચ પેઢીઓથી ચાલી રહી છે.''

ગાંધી મ્યુઝિયમ ડરબનમાંનું મેમોરિયલ

ઇમેજ સ્રોત, GANDHI MUSEUM DURBAN

કબીર ઉમેરે છે કે એમના ઘણાં મિત્રોને તો વર્ષો સુધી ખબર પણ પડી નહોતી કે તેઓ ગાંધી પરિવારમાંથી આવે છે.

મિશા જણાવે છે, ''હું જાણીજોઈને લોકોમાં ઢંઢેરો પીટવા નથી માંગતી કે હું કોણ છું.''

અમે એમને પૂછ્યું કે જ્યારે લોકોને ખબર પડી કે એમનું બેકગ્રાઉન્ડ શું છે તો એમના મિત્રોની પ્રતિક્રિયા શું હોય છે?

આ સવાલનાં જવાબમાં સુનિતાએ જણાવ્યું, ''જ્યારે લોકોને બેકગ્રાઉન્ડ વિશે ખબર પડે છે ત્યારે તેઓ કહેતા હોય છે કે હા, હવે ખબર પડી કે તમે રાજકારણ પ્રત્યે આટલા ઉત્સાહિત કેમ હો છો?''

પણ એનાથી એમની મિત્રતામાં કોઈ ફરક પડતો નથી.

તેઓ ગાંધીજીના બોધને પોતાના જીવનમાં અપનાવવાનો પ્રયાસ કરે છે, પણ તેઓ એ વાત પર પણ ભાર મૂકે છે કે તેઓ એક અલગ યુગમાં જીવન જીવી રહ્યા છે અને એ જરૂરી નથી કે ગાંધીજીની 20મી સદીની બધી જ શિખામણોનું આજના સમયમાં પાલન કરવામાં આવે.

સુનિતાના જણાવ્યા અનુસાર, એમના વ્યક્તિત્વને ઘણાં લોકોમાંથી પ્રેરણા મળી છે, ગાંધી તેમાંથી એક છે.

ગાંધી મ્યુઝિયમ ડરબનમાંનું મેમોરિયલ

ઇમેજ સ્રોત, GANDHI MUSEUM DURBAN

આ યુવાનો ગાંધીજીના આંધળા ભક્તો નથી. ગાંધીજીની ઘણી નબળાઈઓ અંગે પણ તેઓ જાણે છે, પણ તેઓ એ પણ જણાવે છે કે આને એમના જમાનામાં પૃષ્ઠભૂમિમાં જોવું જોઈએ.

ગાંધી પરિવારનાં આ બાળકોને એ વાતની પણ માહિતી છે કે ભારતમાં ગાંધીજીના ટીકાકારો પણ ઘણાં છે, પણ એનું એમને કોઈ દુ:ખ નથી.

કબીર જણાવે છે, ''ઘણાં લોકો એમ માને છે કે અહિંસા અપનાવવા માટે તમારે ગાંધીવાદી બનવું પડે. અહિંસાની પ્રેરણા તમે ગાંધી પાસેથી લઈ શકો પણ જો તમે તેમના ટીકાકાર છો અને અહિંસાના માર્ગે ચાલવા માંગો છો તો તમે ગાંધીવાદની વિરૂદ્ધ નથી.''

સુનિતા જણાવે છે કે ગાંધીની ટીકા તેમના સમયના સંજોગો અને વાતાવરણના અનુસંધાનમાં કરવી જ વધારે યોગ્ય છે.

વીડિયો કૅપ્શન, ગાંધી જયંતી પર કેપ્ટન કૂલે ગાંધી અંગે વિચારો જણાવ્યા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો