#HisChoice: 'પત્ની નોકરી કરે, હું ઘર સંભાળું છું'

મારી સાળીનું લગ્ન હોવાથી હું મારા સાસરે ગયો હતો. મારી સાથે મારી પત્ની અને મારી નાનકડી દીકરી પણ હતાં.
મારી પત્ની લગ્નની તૈયારીઓ અને અન્ય કામમાં વ્યસ્ત હતી. જ્યારે મારી દીકરી મારી સાથે હતી કારણ કે તે મોટાભાગે મારી પાસે જ રહે છે.
અમે વાતચીતમાં મશગૂલ હતા ત્યારે જ મારી દીકરીએ પોટી કરી દીધી. હું તે સાફ કરવા ગયો કે મારી સાસુએ મને રોક્યો.
મને એક ખૂણામાં લઈને જઈને તેઓ મને ખીજાયાં. તેમણે મને કહ્યું- તમે આ ઘરના જમાઈ છો, અને આ શું કરી રહ્યા છો? સંબંધીઓ જોશે તો શું કહેશે? સોનાલીને બોલાવો તે બાળકીને સાફ કરી દેશે.
હું કહું કે આ મારું જ કામ છે, એટલામાં તો તેમણે મારી પત્નીને બોલાવી અને કહ્યું કે બાળકીને સાફ કરી દે.
તમે આ વાંચ્યું કે નહીં?
હું અને મારી પત્ની એકબીજા સામે જોવા લાગ્યાં. ત્યારબાદ મારા સાસુએ મારી પત્નીને કહ્યું- સોનાલી.... અને તેઓ મારી પત્નીને લઈને વૉશરૂમમાં ગયાં.
હું હેરાન હતો કારણ કે મારા માટે આ કામ નવું નહોતું. મારા સાસુ અને સસરાને જાણ હતી કે હું હાઉસ હસબન્ડ છું.

બીબીસીની વિશેષ સીરિઝ #HisChoice અંતર્ગત 10 ભારતીય પુરુષોના જીવનની વાસ્તવિક કહાણીઓ પ્રસ્તુત કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કહાણીઓ 'આધુનિક ભારતીય પુરુષ'ના વિચાર અને ઉપસ્થિત વિકલ્પ, તેમની મહત્ત્વાકાંક્ષાઓ, તેમની પ્રાથમિકતાઓ અને તેમની ઇચ્છાઓને રજૂ કરે છે.

'લોકો મને ગૃહિણી કહીને ચીડવતા'

લગ્નના શોરબકોરમાં દબાયેલા અવાજમાં મારા કાને એ શબ્દો સંભળાતા હતા કે 'આ તો હાઉસ હસબન્ડ છે ને.'
મારા સાસુ-સસરા નહોતા ઇચ્છતાં કે આ વાત જાહેર થાય. મને ખબર છે કે લોકો તમારી મજાક ત્યારે જ ઉડાવે છે જ્યારે તમે શરમ અનુભવો.
પરંતુ મેં નક્કી કરી લીધું હતું કે હું ના તો શરમ અનુભવીશ, ના તો મારો દૃષ્ટિકોણ બદલીશ.
અમે પ્રેમમાં હતાં એટલે આંતરજ્ઞાતિય લગ્ન કર્યું છે. અમે શરૂઆતથી જ નક્કી કરી લીધું હતું કે કૅરિયરમાં જેને સારી તક મળશે, તે આગળ વધશે. મારું કૅરિયર શરૂઆતથી જ સારું નહોતું ચાલતું.
આ દરમિયાન સોનાલી સફળતાની સીડીઓ ચઢતી ગઈ. અમે નક્કી કર્યું કે હું ઘરનું કામ સંભાળીશ અને તે નોકરી કરશે.
મારા ઘરમાં કોઈ કામવાળી આવતી નથી. હું જમવાનું બનાવવાથી લઈને ઘરનું સમગ્ર કામ કરું છું.
હું ઘરનું કામ કરું છું એ બાબત તેમને કદાચ નવાઈની લાગતી હશે, પરંતુ મારા માટે તે સામાન્ય બાબત હતી.
હું મારા ઘરમાં ત્રણ ભાઈઓમાં સૌથી મોટો છું. હું મારા ઘરમાં મારી મમ્મીને કામમાં મદદ કરતો હતો. ત્યારે મારા મિત્રો મને 'ગૃહિણી' કહીને ચીડવતા હતા.

'હું દીકરીને પાર્કમાં લઈ જતો ત્યારે...'

હું હાઉસ હસબન્ડનું કામ કરું છું તેને હવે દિલ્હીના મારા મિત્રો સ્વીકારવા લાગ્યા છે. પરંતુ જ્યારે હું મારા શહેર ભોપાલ જાઉં છું ત્યાં મારા મિત્રો મજાક ઉડાવે છે.
જ્યારે કોઈ રાજનૈતિક કે ગંભીર મુદ્દે વાત થાય છે, ત્યારે બધા લોકો મારી વાત વચ્ચેથી જ એવું કહીને કાપી નાખે છે કે તને આમાં ના ખબર પડે. આ મોટા મુદ્દા છે.
તે સમયે મને નીચું દેખાડવાના પ્રયાસો કરવામાં આવે છે.
એક વખત તો એવું થયું કે લોકો કંઈક ચર્ચા કરી રહ્યા હતા. મેં કંઈક કહેવા માટે મોઢું ખોલ્યું તો મારા મિત્રએ કહ્યું કે તું રહેવા દે, તું ચા બનાવીને લાવ.
ત્યારે મેં હસીને જવાબ આપ્યો કે ચા શા માટે પકોડા પણ બનાવી લાવું છું.
મારા અમુક મિત્રો તો હાલમાં પણ ફોન કરીને મજાક કરે છે કે ભાઈ આજે જમવામાં શું બનાવ્યું છે?
લોકો ઘરના કામને કામ નથી સમજતા. લોકો મને એવું પણ કહે છે કે તું તો ઘરે બેસીને મજા કરે છે.
પરંતુ લોકો નથી જાણતા કે હું પણ અન્ય પુરુષોની જેમ કામ કરું છું.
આ વાતથી મને સમજાયું કે આવું વિચારતા લોકો 'હાઉસ વાઇફ'ને કેટલી હીન દૃષ્ટિથી જુએ છે અને તેમના કામની કોઈ કદર નથી કરતા.
અમારા લગ્નનાં ચાર વર્ષ બાદ અમારે ત્યાં દીકરીનો જન્મ થયો. હવે મારા પર જવાબદારીનો ભાર વધી ગયો છે. મા હોવું એ એક ફુલટાઇમ નોકરી જેવું છે.
ઘરની સાથે દીકરીની સંભાળ રાખવી એ પણ મારી જવાબદારીનો ભાગ હતો.
શરૂઆતમાં જ્યારે હું દીકરીને પાર્કમાં લઈ જતો, ત્યારે મહિલાઓ મને જોઈને હસતી અને દીકરીને વહાલ પણ કરતી.
પરંતુ ચાર-પાંચ દિવસો બાદ તેમણે સવાલો કરવાના શરૂ કરી દીધા. આજે પણ તમે આવ્યા? બાળકીની મા ક્યાં છે? શું તેમની તબીયત સારી છે?
જ્યારે મેં જવાબ આપ્યો કે મારા પત્ની કામ કરે છે અને હું બાળકીની સંભાળ રાખું છું, ત્યારે વધુ સવાલોનો મારો ચાલુ થઈ ગયો.
તમે આટલી નાની બાળકીને કેવી રીતે સંભાળી લો છો? શું તે તમારી પાસે રહે છે? તેને નવડાવે છે કોણ? તેને જમાડે છે કોણ વગેરે..વગેરે.

'મારી માતાને મારું કામ ન ગમ્યું'

ઇમેજ સ્રોત, Getty Images
તેમના ચહેરાના હાવભાવ એવા હતા કે જાણે હું કોઈ અવનવું કામ કરતો હોઉં.
હું કેવો પુરુષ છું કે જે કામ પર નથી જતો અને ઘરે રહે છે. મને નકામો કહીને મારી પાછળ મજાક પણ ઉડાવવામાં આવે છે.
લગ્ન બાદ જ્યારે મારા માતાપિતા ઘરે આવ્યાં, ત્યારે મને ઘરનું કામ કરતા જોઈને મારી માતાને ગમ્યું નહોતું.
મારી માતા મને કહેતી તો નહોતી પરંતુ હું તેમના હાવભાવ જોઈને સમજી જતો કે તે સહજ નથી.
મને તેમની આંખોમાં દેખાતું કે હું શા માટે કામ કરવા નથી જતો. વહુ નોકરીની સાથે ઘરનું કામ શા માટે નથી કરતી?
મારી માતાની અસહજતા જોઈને મારી પત્નીએ કામ કરવાનું શરૂ પણ કર્યું પરંતુ તે ન કરી શકી. ત્યારે મેં સોનાલીને ઘરનું કામ ન કરવાનું જણાવ્યું હતું.
મારી માતાને આ વાત સમજાઈ પરંતુ તે કંઈ બોલ્યા નહીં અને આ મુદ્દે હંમેશાં માટે ચૂપ થઈ ગયા.
હવે મારી દીકરી શાળાએ જાય છે. તેને સ્કૂલ તરફથી ફૅમિલી ટ્રી બનાવવા માટે આપવામાં આવ્યું હતું.
હું ઘરથી બહાર હતો અને મારી પત્નીની મદદ કરી હતી. આ ફૅમિલી ટ્ર્રીમાં મારું નામ 'હેડ ઑફ ધ ફૅમિલી'માં લખવામાં આવ્યું.
જ્યારે મેં આ જોયું, તો વાંધો ઊઠાવ્યો. મારું કહેવું હતું કે સોનાલી નોકરી કરે છે, તો તે 'હેડ ઑફ ધ ફૅમિલી' હોવી જોઈએ.
પરંતુ સોનાલી ના માની. તેણે કહ્યું કે 'હેડ ઑફ ધ ફૅમિલી' એ વ્યક્તિ હોવી જોઈએ જે ઘર ચલાવે છે.
જોકે, હું ફ્રીલાન્સ લેખક છું અને ઘરે રહીને લખવાનું કામ કરું છું. મારા બે પુસ્તકો છપાઈ ચૂક્યાં છે અને ત્રીજું છપાવાનું બાકી છે. પરંતુ લોકો તેનું મહત્ત્વ નથી સમજી શકતા.
મારી પત્નીને પણ ઓફિસમાં ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. પરંતુ અમારી વચ્ચે એટલો પ્રેમ છે કે આ બાબતોની અસર અમારા સંબંધ પર નથી પડતી.
મારો ભાઈ મારા ઘરમાં કામ કરવાને લઈને કોઈ ટિપ્પણી નથી કરતા પંરતુ વખાણ પણ નથી કરતા.
પરંતુ ઘરની મહિલાઓ મારી ખૂબ જ ઇજ્જત કરે છે. હું જાણું છું કે જ્યારે તમે કોઈ અલગ કામ કરો, ત્યારે લોકો તમારી મજાક ઉડાવે છે, આલોચના કરે છે પરંતુ અંતમાં તેને સ્વીકારી લે છે. હજું હું પ્રથમ પગથિયા પર જ છું.
(આ કહાણી એક પુરુષના જીવન પર આધારિત છે જેની સાથે બીબીસી સંવાદદાતા નિલેષ ધોત્રે વાત કરી હતી. તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. આ સિરીઝનાં પ્રોડ્યૂસર સુશીલા સિંહ છે.)
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












