દક્ષિણ આફ્રિકામાં ભારતીયો સામે ગુસ્સો કેમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઝુબૈર અહેમદ
- પદ, બીબીસી સંવાદદાતા
છેલ્લાં કેટલાક વર્ષોથી ભારતમાં આફ્રિકનો ઉપર ઘણાં હુમલા થયા છે અને ભારતીયો ઉપર વંશીય ભેદભાવના આરોપ પણ મૂકાયા છે.
આફ્રિકામાં આવા સમાચારોથી કેવી અસર થાય છે?
હાલમાં દક્ષિણ આફ્રિકાની અમારી મુલાકાત દરમિયાન અમે એ જાણવાનો પ્રયાસ કર્યો
અહીંના વિવાદાસ્પદ યુવા નેતા ફૂમ્લાની મફેકાએ કહ્યું, "જ્યારે અમે ભારતમાં આફ્રિકનો ઉપર થતાં હુમલાઓ વિષે સાંભળીએ છીએ ત્યારે નિરાશા અનુભવીએ છીએ. અમે એવું વિચારવા લાગીએ છીએ કે શું અમારે ભારતીયોની વિરુદ્ધ બદલાની કાર્યવાહી કરવી જોઈએ?"

25 વર્ષની વિદ્યાર્થીની લેસેગો ટેંડેલીને દિલ્હી યુનિવર્સીટીમાં પ્રવેશ મળ્યો. તેમણે ભારત આવવાની તૈયારી કરી લીધી હતી.
તેઓ કહે છે, "ત્યારે મારી માએ કહ્યું કે દિલ્હીમાં આફ્રિકનો ઉપર હુમલા થઈ રહ્યાં છે. એક આફ્રિકન યુવતી પર બળાત્કાર ગુજારાયો હોવાના પણ સમાચાર છે."
છેવટે લેસેગોએ એવો નિર્ણય લીધો કે તેઓ ભારત નહીં જાય.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓયામા મુગડુસો એક સફળ વેપારી છે. તેઓ એક કંપનીમાં નોકરી કરવા માટે એક વર્ષ માટે મુંબઈ આવ્યા હતા.
તેમનો દાવો છે કે મુંબઈમાં તેની સાથે થયેલા વંશીય ભેદભાવને કારણે તેઓ 9 મહિનામાં જ દક્ષિણ આફ્રિકા પરત થઈ ગયા.

ઇમેજ સ્રોત, Gandhi Sanghralaya Durban
તેમણે નિરાશ થઈને કહ્યું, "હું દુનિયાનાં ઘણાં દેશોમા ગયો છું, પરંતુ ભારતથી વધુ વંશીય ભેદભાવ ક્યાંય નથી જોવા મળ્યો."
આફ્રિકનોનો આરોપ છે કે અહીં રહેતા ભારતીય મૂળના લોકો પણ તેમના વિરુદ્ધ વંશીય ભેદભાવ કરે છે.
સરકારી આંકડાઓ અનુસાર શ્યામ લોકોની દેશની વસ્તી ૭૬ ટકા છે જ્યારે ગોરા માત્ર 9 ટકા છે અને ભારતીય મૂળનાં લોકો 2.5 ટકા છે.
ભારતીય મૂળનાં લોકોને 158 વર્ષ પહેલાં 'બંધીયા મજૂર' તરીકે આફ્રિકામાં લાવવામાં આવ્યા હતા અને મોટાભાગનાઓને ડર્બન શહેરમા વસાવવામાં આવ્યા હતા.
તેમને શેરડીના ખેતરોમાં અને રેલગાડીના પાટા લગાવવાના કામ માટે લાવવામાં આવ્યા હતા. એ સમયે ભારત અને દક્ષિણ આફ્રિકન દેશો ઉપર બ્રિટીશ લોકોનું રાજ હતું.
તે સમયે ભારતથી ગયેલા 'બંધીયા મજૂરો' કુલી તરીકે ઓળખવામાં આવતા હતા.

ઇમેજ સ્રોત, Gandhi Museum
અહીં ભારતીયોએ કઠોર મહેનતથી ધીમે ધીમે સમાજનાં ઉચ્ચ સોપાનો સર કર્યા હતા.
આજની તારીખમાં પણ દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળનાં લોકો આર્થિક અને શૈક્ષણિક રીત સમૃદ્ધ છે. ભારતીય મૂળનાં લોકોનું કહેવું છે કે સ્થાનિકોને તેમની સફળતાની ઈર્ષ્યા થાય છે.
શ્યામ લોકો સાથે ભેદભાવ થતો હોવાનું ભારતીયો પણ સ્વીકારે છે.
રાજધાની પ્રિટૉરિયાની એક યુનિવર્સીટીમાં અભ્યાસ કરનારા ભારતીય મૂળનાં વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો તેઓ અહીંની સ્થાનિક શ્યામ રંગની યુવતી સાથે લગ્ન કરે તો ઘરમાં વિરોધનો સામનો કરવો પડશે.
આ યુવકોનું કહેવું છે કે તેમની પેઢીમાં રંગભેદની માનસિકતા ધીમેધીમે સમાપ્ત થઈ રહી છે.

દક્ષિણ આફ્રિકામાં મોટાભાગના લોકોને એ વાતનો અંદાજ નહોતો કે ભારતમાં આફ્રિકનોની વિરુદ્ધ ભેદભાવ શા માટે થાય છે?
તેમનું કહેવું છે કે તેઓ તો ભારતને પ્રેમ કરે છે. આવી સ્થિતિમાં તેમના લોકો ઉપર હુમલા શા માટે થઈ રહ્યા છે?
ફુમલાની મફેકા જેવા નેતાઓએ પોતાના દેશમાં આ વાતને એક રાજકીય મુદ્દો બનાવી દીધો છે. તેમની ઓળખ ભારતીય વિરોધી તરીકેની બની ગઈ છે.
તેઓ પોતાના બચાવમાં કહે છે, "મારા ઘણાં મિત્રો ભારતીય છે. હું એવું નથી કહેતો કે ભારતીય મૂળના લોકોને પરત મોકલી દેવામાં આવે, પરંતુ 150 વર્ષ બાદ પણ તેમણે અમારી ભાષા નથી શીખી."
'ઇકોનૉમિક ફ્રીડમ ફાઈટર્સ' પાર્ટીના 37 વર્ષના વિવાદાસ્પદ અધ્યક્ષ જૂલિયસ મલેમાએ ભારતીય મૂળના લોકો ઉપર ઘણીવાર "વંશવાદી" હોવાનો આરોપ લગાવ્યો છે.
ભારતીય મૂળના લોકોની વિરુદ્ધ તેમના નિવેદનો સાર્વજનિક છે.
આ વર્ષની શરૂઆતમાં તેમણે પોતાના યુવા સમર્થકોને સંબોધિત કરતાં કહ્યુ હતું, "મોટાભાગના ભારતીયો આફ્રિકનોને નફરત કરે છે. તેઓ વંશવાદી છે."
જૂલિયસ મલેમાના આવા નિવેદને દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના લોકોને અસ્વસ્થ કરી દીધાં છે. હવે તો ભારતીય મૂળના લોકોની વિરુદ્ધ 'ભારત પરત જાઓ' એવા સુત્રોચ્ચારો પણ સંભળાવા લાગ્યા છે.
જુલિયસ મલેમા સમાજને વિભાજિત કરવાના આરોપોથી ઘેરાયેલા નેતા ચોક્કસ છે, પરંતુ યુવાનોમાં તેમની લોકપ્રિયતા દક્ષિણ આફ્રિકન નેતાઓ માટે એક ચિંતાની વાત છે.
વધતી બેરોજગારીને લીધે મલેમા જેવા નેતાઓ દક્ષિણ આફ્રિકાની રાજનીતિનો અગત્યનો હિસ્સો બનતા જાય છે.
દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલા એક મેઘધનુષી સમાજનું ઘડતર કરવા ઉપર ભાર આપતા હતાં. તેમણે 1994માં દક્ષિણ આફ્રિકાની વંશીય ભેદભાવ કરનારા ગોરા વંશની સરકારથી આઝાદી મેળવ્યા બાદ એક એવા સમાજની કલ્પના કરી હતી જેમાં સમાજના કોઈ પણ વર્ગને વંશવાદી ભેદભાવનો ભોગ બનવું ના પડે.
તેઓ પોતે પણ આવાં ભેદભાવના શિકાર થયા હતા અને 26 વર્ષ સુધી કેદમાં રહ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ














