ગ્રાઉન્ડ રિપોર્ટ : 'મારા પતિની હત્યા કરાઈ કારણકે અમારી જ્ઞાતિ અલગ હતી'

અમૃતા

ઇમેજ સ્રોત, DEEPTHI BATHINI/BBC

ઇમેજ કૅપ્શન, અમૃતા વર્ષિની કહે છે કે તેઓ જ્ઞાતિવિહીન સમાજ માટે લડત આપશે.
    • લેેખક, દીપ્તિ બથિનિ
    • પદ, બીબીસી સંવાદદાતા

21 વર્ષીય અમૃતા વર્ષિની પોતાના મૃત્યુ પામેલા પતિ વિશે રડતા અવાજે કહે છે, "પ્રણય મારા માતા જેમ જ મારો ખ્યાલ રાખતો હતો. તે મને જમાડતો હતો, નવડાવતો હતો, મારા માટે જમવાનું બનાવતો હતો."

હૉસ્પિટલમાંથી ચેકઅપ કરાવ્યા બાદ યુગલ બહાર નીકળતું હતું ત્યારે 24 વર્ષના પ્રણય પેરુમુલ્લાની હત્યા થઈ હતી, એ વાતને ચાર દિવસ થઈ ગયા છે.

પ્રણય પેરુમુલ્લા અનુસૂચિત જ્ઞાતિના હોવાથી યુવતીના પરિવારે ભાડૂતી ગુંડાઓ થકી તેમની હત્યા કરાવી હોવાનો આક્ષેપ છે.

નાલગોંડાના એસપી એ વી રંગનાથે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે અમૃતાના પિતા મારુતિ રાવ, તેમની નિકટની વ્યક્તિઓ પૈકી કરીમ, અસગર અલી, ભારી, સુભાષ શર્મા, અમૃતાના કાકા શ્રવણ અને તેમના ડ્રાઇવરની પ્રણયની હત્યાનું ષડ્યંત્ર ઘડવા બદલ ધરપકડ કરાઈ છે.

પ્રણયની હત્યા માટે ઘડાયેલા ષડ્યંત્ર વિશે વાત કરતા એસ પી કહે છે કે હત્યા માટે એક કરોડ રૂપિયાનો સોદો થયો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

તેઓ કહે છે કે કરીમ(કોંગ્રેસના સ્થાનિક રાજકારણી) નામના માણસે અમૃતાના પિતાના કહેવા પર અસગર અલી, ભારી અને સુભાષ શર્માની મદદથી આખું કાવતરું ઘડ્યું હતું.

પોલીસના કહેવા પ્રમાણે આ હત્યાના ષડયંત્રમાં સંકળાયેલા અસગર અલી અને મોહમ્મદ ભારી નાલગોંડાના રહેવાસી છે અને હરેન પંડ્યાની હત્યાના કેસમાં પણ ગુનેગાર હતા.

પોલીસે કહ્યું કે હત્યા કરવાનો પહેલો પ્રયાસ 14 ઑગસ્ટે કરાયો હતો. ત્યારબાદ સપ્ટેમ્બરમાં પણ હત્યાનો પ્રયાસ થયો હતો. આખરે 15 સપ્ટેમ્બરે આશરે 1.30 વાગ્યે તેમણે પ્રણયની હત્યા કરી નાખી.

line

2016માં પહેલી વખત લગ્ન કર્યાં

પ્રણય

ઇમેજ સ્રોત, DEEPTHI BATHINI/BBC

પાંચ મહિનાનો ગર્ભ ધરાવતાં અમૃતા અંદરથી તૂટી ગયાં છે. જોકે, ચહેરા પર સાહસ છે.

એક ફેસબુક પોસ્ટમાં અમૃતાએ પ્રણયનો અને તેમનો બાળપણનો ફોટો મૂક્યો છે, જેની સાથે લખ્યું છે, "બાળપણના પ્રેમી સાથે પરણવા જેવું ઉત્તમ કંઈ જ નથી. અમે હંમેશાં સાથે રહેવા માટે જ જન્મ્યાં છીએ."

અમૃતાની નજર બેડરૂમના દરવાજા પર છે, જ્યાં લોકો અવરજવર કરી રહ્યા છે, અમૃતા જાણે પોતાના વિચારોમાં ખોવાયેલાં છે.

તેઓ પ્રણયને કેવી રીતે મળ્યાં એ વિશે પૂછતાં જ અમૃતાનો ચહેરો સ્મિતથી મલકે છે.

તેમણે કહ્યું, "સ્કૂલમાં તે મારા કરતાં એક વર્ષ આગળ હતા. અમે બન્ને પહેલાંથી જ એકબીજાને પસંદ કરતાં હતાં."

"હું નવમાં ધોરણમાં હતી અને પ્રણય દસમાં ધોરણમાં હતા. એ વખતે જ અમારા વચ્ચે પ્રેમ થયો. અમે ફોન પર વાતો કરતાં રહેતાં."

અમૃતા પેટ પર હાથ ફેરવતાં કહે છે કે આ બાળક અમારા પ્રેમનું પ્રતીક હશે.

તેઓ કહે છે, "મને ખુશી છે કે મારી પાસે મારું બાળક તો છે. આ બાળક મને એવી અનુભૂતિ કરાવશે કે પ્રણય હંમેશાંની જેમ મારી પાસે છે."

અમૃતા કહે છે, "એકબીજાને જોઈ શકીએ એ માટે અમારે ભાગી જવું પડ્યું હતું."

line

શારિરીક યાતનાઓ વેઠવી પડી

અમૃતા

ઇમેજ સ્રોત, DEEPTHI BATHINI/BBC

છોકરો છોકરીને મળે અને છોકરી છોકરાને મળે પછી આનંદી પ્રેમકહાણી આગળ વધે એવું અમૃતા અને પ્રણયની કહાણીમાં ન થયું.

તેમને લગ્ન કરતાં પહેલાં ધમકીઓ, શારીરિક યાતનાઓનો સામનો કરવો પડ્યો.

અમૃતા કહે છે, "આ બહું નાનું શહેર છે. તો સ્વાભાવિક છે કે મારા માતાપિતાને અમારા પ્રેમ વિશે ખબર પડી ગઈ."

"મારા માતાપિતાએ મને ચેતવણી આપી હતી. તેમણે મને કહ્યું હતું કે મારે પ્રણયને ન મળવું જોઈએ પરંતુ હું ન રોકાઈ."

"મેં એની જ્ઞાતિ ન જોઈ કે ન જોયો આર્થિક દરજ્જો. અમારા માટે મહત્ત્વનું એ હતું કે અમે એકબીજાને પ્રેમ કરતાં હતાં અને એકબીજાને સમજતાં હતાં."

અમૃતા કૉલેજના બીજા વર્ષમાં હતાં ત્યારે એપ્રિલ 2016માં મંદિરમાં તેમનાં લગ્ન થયાં હતાં.

જોકે, લગ્નનું કોઈ રજિસ્ટ્રેશન નહોતું થયું. અમૃતાના માતાપિતા તેમનાંથી નારાજ હતાં, તેમણે અમૃતાને રૂમમાં બંધી કરી દીધાં.

અમૃતા મક્કમ સ્વરે કહે છે, "મારા કાકાએ પ્રણયને ધમકાવ્યો. મને ડંબેલ્સથી મારી. આ બધું જ 20 જેટલા કુટંબીજનો અને મારી મમ્મી સામે થતું હતું."

"મને મદદ કરવા કોઈ આગળ ન આવ્યું. મને રૂમમાં બંધ કરી દેવાઈ. તેઓ મને પ્રણયને ભૂલી જવા કહેતાં હતાં, કારણકે તે અનુસૂચિત જાતિમાંથી હતો."

"બાળપણમાં પણ મારી મમ્મી મને અન્ય જાતિના બાળકો સાથે મિત્રતા ન કરવાં ચેતવતી હતી."

તેઓ કહે છે, "મને જ્યારે રૂમમાં બંધ કરાઈ હતી, ત્યારે ખાવા માટે ભાત અને અથાણું આપતા હતા."

"કાકા મને રોજ મારતા હતા અને પ્રણયને ભૂલી જવા માટે ધમકાવતા હતા."

અમૃતા ઉમેરે છે, "મારું ભણવાનું બંધ કરાવી દીધું. પ્રણય સાથે વાત કરવાનો કોઈ રસ્તો નહોતો. હું માત્ર પ્રણય માટેના પ્રેમના કારણે જ જીવી શકી."

line

હૉસ્પિટલના સ્ટાફના ફોનથી પ્રણય સાથે વાત

પ્રણય અને તેમના ભાઈ

ઇમેજ સ્રોત, DEEPTHI BATHINI/BBC

ઇમેજ કૅપ્શન, પ્રણય અને તેમના ભાઈની તસવીર

આ દિવસથી માંડીને 30 જાન્યુઆરી 2018 (જ્યારે તેમણે આર્ય સમાજમાં ફરી લગ્ન કર્યાં) સુધી અમૃતાએ પ્રણયને નહોતો જોયો.

અમૃતા કહે છે, "હું બીમાર રહેતી હતી. પ્રણય સાથે વાત કરવા માટે હું ડૉક્ટર તથા હૉસ્પિટલ સ્ટાફ પાસે ફોન માગતી હતી. એ થોડીક ક્ષણો થકી જ અમે જીવિત હતાં."

"છેવટે અમે આર્ય સમાજમાં લગ્ન કરવાનું નક્કી કર્યું, કારણકે અમને લગ્નનો કાયદેસર પૂરાવો જોઈતો હતો. અમે અમરા પ્રેમ માટે લડવાનું નક્કી કરી લીધું હતું."

પ્રણયનો પરિવાર આ લગ્ન વિશે અજાણ હતો. લગ્ન બાદ આ યુગલ હૈદરાબાદ જતું રહ્યું, કારણકે તેમને લાગતું હતું કે તેઓ ત્યાં સુરક્ષિત રહી શકશે.

અમૃતા કહે છે, "અમે હૈદરાબાદમાં દોઢ મહિના સુધી રહ્યાં. ત્યાં પણ મારા પિતાએ તેમના માણસોને અમારી તપાસ કરવા મોકલ્યા."

"એટલે અમે પ્રણયના પરિવાર સાથે રહેવા માટે મિર્યાલાગુડા આવી ગયાં કારણકે અમને એવું લાગતું હતું કે પરિવાર સાથે રહેવું સુરક્ષિત છે."

તેઓ કહે છે, "અમે આગળનો અભ્યાસ કરવા માટે વિદેશ જવાનું વિચારતાં હતાં. એવામાં જ અમને ખબર પડી કે હું મા બનવાની છું. અમારા માટે એ શ્રેષ્ઠ ક્ષણ હતી."

અમૃતા કહે છે કે મા બનવાના સમાચારના કારણે આશા જન્મી હતી.

પ્રણય તેમના માતાપિતાને સમજાવતા હતા કે નાની વયે અમે માતાપિતા બનવા જઈ રહ્યાં છીએ પણ તેનાથી અમે અમૃતાના માતાપિતા સામે દૃઢપણે ઊભા રહી શકીશું.

line

અમૃતાના પિતાએ ગર્ભપાત કરાવવા કહ્યું

પ્રણય

ઇમેજ સ્રોત, DEEPTHI BATHINI/BBC

અમૃતાએ તેમના માતાપિતાને આ અંગે જાણ કરી.

તેઓ કહે છે, "મારા પિતાનો આગ્રહ હતો કે હું ગર્ભપાત કરાવી દઉં. મેં તેમને ગણેશચતુર્થીની શુભેચ્છા આપવા ફોન કર્યો. તો તેમણે મને ગર્ભપાત કરાવવા વિશે પૂછ્યું."

"અમે હંમેશાં ડરતાં હતાં કારણકે અમને ખબર હતી કે તેમના માણસો અમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે. જોકે એ ખ્યાલ નહોતો કે આટલું ક્રૂર કૃત્ય કરશે."

પ્રણયની હત્યા થઈ એ દિવસ યાદ કરતાં અમૃતા કહે છે, "મને યાદ છે પ્રણયનો અવાજ, તે મને કન્ના કહી બોલાવતો હતો."

"હું 11 વાગ્યે મોડી ઊઠી હતી. મને કમરમાં દુ:ખાવો થતો હતો. હું પ્રણયને બોલાવતી હતી."

"મને હજુ તેનો અવાજ યાદ છે, તે બોલ્યો હતો કન્ના આવું છું. મેં નાસ્તો કર્યોં. પ્રણયે તો નાસ્તો પણ નહોતો કર્યો."

અમૃતા કહે છે, "અમે હૉસ્પિટલ ગયાં, અમે વાત કરતાં હતાં કે કઈ રીતે મારો કમરનો દુખાવો ઓછો થઈ શકે."

અમૃતા કહે છે કે તેમના પિતાએ ગર્ભપાત વિશે જાણવા માટે ડૉક્ટરને પણ ફોન કર્યો હતો.

"અમે હૉસ્પિટલમાં નથી એવું કહીને ડૉક્ટરે ફોન મૂકી દીધો. એ વખતે જ મને પપ્પાનો મિસકૉલ પણ આવ્યો."

"ચૅકઅપ બાદ અમે ચાલતાં હૉસ્પિટલ બહાર નીકળ્યાં અને હું પ્રણયને કંઈક કહેતી હતી પણ મને તેનો અવાજ ન સંભળાયો."

"મેં જોયું તો તે ભોંય પર પડ્યો હતો અને એક માણસ તેનું ગળું કાપવાનો પ્રયાસ કરતો હતો."

અમૃતા આગળ કહે છે, "મારા સાસુએ એ માણસને ધક્કો માર્યો અને હું મદદ માગવા માટે હૉસ્પિટલની અંદર દોડીને ગઈ."

"થોડીવારમાં મેં મારા પિતાને ફોન કર્યો અને હું તેમને વઢી. તેમણે જવાબ આપ્યો કે હું શું કરું, એને હૉસ્પિટલ લઈ જાવ."

અમૃતા આગળ કહે છે, "થોડા દિવસો પહેલાં મારા પિતાની સામાન્ય સર્જરી થઈ હતી."

"મારા માતા અને પરિવારજનો આગ્રહ કરતાં હતાં કે મારે તેમની મુલાકાત લેવી જોઈએ."

"મેં ટાળ્યું અને જુઠ્ઠું બોલી કે અમે બૅંગલુરુ જઈએ છીએ. બીજે દિવસે એક માણસ ઘરે આવ્યો અને ઘર બહાર પાર્ક કરેલી ગાડી અંગે પૂછતાછ કરવા લાગ્યો."

"એ વખતે મારા સસરાએ જવાબ આપ્યો હતો. મને લાગે છે કે હૉસ્પિટલ બહાર એ માણસે જ પ્રણયની હત્યા કરી હતી."

line

અમૃતાનાં માતા તેમના પિતાને જાણકારી આપતાં હતાં?

પ્રણયનાં માતા

ઇમેજ સ્રોત, DEEPTHI BATHINI/BBC

ઇમેજ કૅપ્શન, પ્રણયનાં માતા

અમૃતા કહે છે, "આ બધાના આધારે મને ખ્યાલ આવ્યો કે પ્રણયને હાનિ પહોંચાડવા માટે મારા પપ્પા પ્લાન બનાવતા હતા. મારા પરિવાર તરફથી મને હજુ સુધી કોઈએ ફોન કર્યો નથી."

"મારી મમ્મી મને નિયમિત કૉલ કરતી હતી. મને એવું હતું કે તે મારી તબિયતની ચિંતાના કારણે કૉલ કરે છે, પણ મને શંકા છે કે જાણેઅજાણે તે મારા પપ્પાને માહિતી આપતી હતી."

તે આગળ કહે છે, "હું મારા પરિવારને જવાબદાર ગણું છું. હું તેમની પાસે નહીં જઉં. પ્રણયનાં માતાપિતા જ હવે મારાં માતાપિતા છે."

દલિત સંગઠનો અને મહિલા સંગઠનોના આગેવાનો પ્રણયના ઘરે આવી રહ્યા છે અને ટેકો આપી રહ્યા છે.

ઘરમાંથી 'જય ભીમ' અને 'પ્રણય અમર રહો'ના સૂત્રોચ્ચાર સંભળાય છે.

line

'જ્ઞાતિવિહીન સમાજ માટે લડીશ'

અમૃતા

ઇમેજ સ્રોત, DEEPTHI BATHINI/BBC

અમૃતા કહે છે કે તે ખુશ છે કે લોકો તેમની લડતને ટેકો આપી રહ્યા છે.

તેમણે 'જસ્ટિસ ફૉર પ્રણય' નામથી ફેસબુક પેજ પણ બનાવ્યું છે. અમૃતા કહે છે કે હું આ લડતને જ્ઞાતિરહિત સમાજ માટેની લડત સુધી લઈ જઈશ.

અમૃતા નિર્ધાર કરતી હોય એમ કહે છે, "પ્રણય હંમેશાં કહેતો હતો કે જ્ઞાતિના કારણે કોઈ પ્રેમીઓને મુશ્કેલીઓ વેઠવી પડે એવું ન થવું જોઈએ."

"અમને ન્યાયના કારણે ભોગવવું પડ્યું. હું ન્યાય માટે લડત આપીશ. હું ઇચ્છું છું કે પ્રણયની પ્રતિમા બને અને શહેરની વચ્ચે તેની સ્થાપના થાય. હું એ માટે પરવાનગી મેળવી લઈશ."

અમૃતા આક્ષેપ કરતાં કહે છે, "મારા પિતાએ મારા પતિની હત્યા કરી કારણકે તેની જ્ઞાતિ અમારાં કરતાં અલગ હતી."

"મારા પિતા ઇચ્છે તો પણ પ્રણય કરતાં સારી વ્યક્તિ મારા પતિ તરીકે નહીં શોધી શકે."

"તેમને અમારા સંબંધથી વાંધો હતો કારણ કે પ્રણય અનુસૂચિત જાતિનો હતો. હું જ્ઞાતિવિહીન સમાજ માટે લડત આપીશ."

પ્રણયનાં માતા હેમલતા, પિતા બલસ્વામી અને નાના ભાઈ અજય હતાશ છે.

અમૃતા રડતાં રડતાં કહે છે, "અજય હવે મારો પણ ભાઈ છે. આ મારું ઘર છે અને અહીં જ મારું બાળક જન્મ લેશે."

અમૃતા જ્યારે જ્ઞાતિવિહીન સમાજ માટે લડત આપવાની વાત કરી રહી છે, ત્યારે તેમની સુરક્ષા અને ભવિષ્યનો પ્રશ્ન યથાવત છે.

અમૃતા કહે છે, "મને હજુ ડર છે કે કદાચ મારા પિતા મારા બાળકને અથવા મારાં સાસુસસરાને હાનિ પહોંચાડી શકે છે."

હજુ પણ એક પ્રશ્ન મને સતાવે છે એ અમૃતા અને તેમના બાળકના ભવિષ્ય અંગે છે.

પ્રણયનો પરિવાર અમૃતાને પોતાની દીકરી તરીકે સ્વીકારી લે પણ તેમની આર્થિક સ્વતંત્રતાનું શું?

એ યાદ રાખવું પડશે કે અમૃતાએ પ્રેમ માટે લડત આપવા પોતાનું ભણતર અધૂરું છોડ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો