અનુપ જલોટા 28 વર્ષના અને જસલીન 65 વર્ષનાં હોત તો?

    • લેેખક, એની ઝૈદી
    • પદ, લેખિકા, બીબીસી હિંદી ડૉટ કૉમ માટે

આમ તો પ્રેમનો મામલો હંમેશાં નાજુક હોય છે પરંતુ કેટલીક પ્રેમકહાણીઓ એવી હોય છે કે તે સામે આવતા જ જાણે સમજો કે પ્રેમીઓ પર આફત આવી.

હિંદુસ્તાનમાં જો જાતિ અથવા ધર્મનો ફરક હોય તો પરિવાર અને સમાજના લોકોને તકલીફ થાય. પ્રેમીઓના જીવ પર જોખમ પણ તોળાય.

જો આર્થિક સ્તરમાં ફરક હોય તો લોકોનાં નાક અને ભૃકુટી ઊંચે ચડી જાય છે.

જો ઉંમરમાં તફાવત હોય તો પ્રેમીઓની મજાક ઉડાડવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ વાતનું તાજું ઉદાહરણ છે અનુપ જલોટા અને જસલીન મથારુની જોડી.

સ્પષ્ટ છે કે, જલોટાની મજાક ઉડાવાઈ રહી છે કારણકે તેમની ઉંમર વધારે છે. કહેવાય છે કે બન્નેની ઉંમરમાં 37 વર્ષનું અંતર છે, એટલે પ્રેમિકા પુત્રીની ઉંમરની છે.

પણ, આ મજાકમાં એક પ્રકારની ઇર્ષ્યા પણ છલકે છે કે જુઓ! જવાનોથી બાજી મારી લીધી!

જો કહાણી ઊંધી હોત તો?

હું વિચારું છું કે જો 65 વર્ષની ભજન ગાતી કે પ્રવચન આપતી મહિલાએ 28 વર્ષના સુંદર અન ફિટ યુવકનો હાથ પકડ્યો હોત તો શું થાત?

એકાદ મહિના પહેલાંની વાત છે, પ્રિયંકા ચોપરાની પણ મજાક ઉડાવાઈ હતી કારણકે નિક જોનસ સાથે તેમની સગાઈ થઈ હતી. જોકે, અહીં તો દસ વર્ષનો જ ફરક હતો. મહિલાની ઉંમર વધારે હોય તો લોકોને ત્રણ કે પાંચ વર્ષ પણ વધારે લાગે છે.

મેં મારા પોતાના મિત્રો પૈકી ભણેલાગણેલા અને ઘણાં અંશે સ્વતંત્ર વિચારસરણી ધરાવતા લોકોના મોઢે પણ 'ક્રૅડલ સ્નૅચર' એટલે કે પારણાંમાંથી બાળક ચોરી કરવું જેવી સંજ્ઞાઓ સાંભળી છે.

પછી ભલેને કોઈ મજાક માટે જ આવું કરતા હોય, પણ યુવા પેઢીને મંજૂર નથી કે 30 વર્ષની યુવતી 25 વર્ષના યુવક પર નજર નાંખે.

મોટી ઉંમરની મહિલાઓ સાથે લગ્ન અકલ્પનીય

તમે કોઈ પણ છાપામાં લગ્નની જાહેરાત વાંચી લો. જો યુવકની ઉંમર 28 છે, તો તે 21 થી 28 વર્ષ વચ્ચેની યુવતી જ ઇચ્છશે.

જો ઉંમર 38 વર્ષ છે તો 25 થી 35 વર્ષ વચ્ચેની છોકરી ઇચ્છશે અને 48 વર્ષ હોય તો 30 થી 45 વર્ષની મહિલા જ ઇચ્છશે.

કેટલાક લોકો આ બાબતને મહિલાની બાળકને જન્મ આપવાની ઉંમર સાથે જોડે છે. પણ વાસ્તવિકતા એ છે કે જો કોઈ પુરુષ જીવનની સંધ્યામાં બીજા લગ્ન કરતો હોય, ત્યારે પણ આ અસંતુલન બદલાતું નથી.

મેં આજ સુધી એવી જાહેરાત નથી જોઈ કે જેમાં 60 વર્ષનો પુરુષ 55-70 વર્ષની મહિલાની શોધમાં હોય. શોધ તો બહુ દૂરની વાત છે, કોઈ તેની કલ્પના પણ ના કરી શકે.

કેટલાક અંશે તેની સાબિતી તમને ફિલ્મી અભિનેતા અને તેમના પાત્રોમાં પણ દેખાશે.

50 વર્ષના અભિનેતા 23-24 વર્ષની અભિનેત્રીઓ સાથે પ્રેમ કરે એવું ફિલ્મોમાં જોવા મળે છે અને તેને સ્વાભાવિક માનવામાં આવે છે, પણ અભિનેત્રી 40 વર્ષની થઈ જાય તો પ્રેમ કહાણી જ ખતમ થઈ જાય.

નાની ઉંમરની યુવતી સાથે લગ્ન કેમ?

લગ્નના મામલામાં 10 વર્ષને વધારે ગણવામાં આવતું નથી. વડીલો પાસે પણ સાંભળ્યું છે કે પુરુષ-મહિલા વચ્ચે દસ વર્ષનું અંતર ખાસ ગણાતું નથી.

એવું માનવામાં આવે છે કે પુરુષ સારું કમાશે અને યુવતી ઉંમરમાં જેટલી નાની અને નાદાન, જેટલી બિનઅનુભવી અને જેટલી પરતંત્ર હશે, એટલી જ સરળતાથી પતિ અને પરિવારના કાબૂમાં રહેશે.

પણ જ્યારે પુરુષની ઉંમર ઓછી હોય તો આ 10-12 વર્ષનો તફાવત પણ ભયાનક લાગે છે.

પત્ની કે પ્રેમિકા અનુભવી હોય, પોતાનું સાચું-ખોટું સમજતી હોય, પોતે પૈસા કમાતી હોય, જેને પતિના પૈસા અને દુનિયાદારીની જરૂર ન હોય, તો એ કેમ મંજૂર ન હોય?

કામુક નજરો મળશે

આપણો સમાજ ખરેખર અરીસો નથી જોતો.

દરેક વયસ્ક પુરુષ યુવતીઓને જોવે છે તો એમની નજરમાં હંમેશાં મમતા હોય એવું જરૂરી નથી. બજારમાં, રેસ્ટોરાંમાં, સિનેમા હૉલમાં આવી કામુક નજરો જોવા મળશે.

વયસ્ક મહિલા જો એ જ આઝાદીનો ઉપયોગ કરીને, એ જ આત્મવિશ્વાસ સાથે, ઘર બહાર નીકળીને સુંદર યુવકોને જુએ તો તેમને પણ સુંદરતા અને યુવાની જ દેખાશે. મમતા ઊભરાય એવી શક્યતા ઓછી છે.

એ વાત અલગ છે કે આપણા સમાજમાં મોટાભાગે મહિલાઓ પહેલ નથી કરતી અને દુર્વ્યવહાર પણ કરતી નથી. નજર પર જાણે પડદો પડેલો હોય છે. પછી ઉંમરનો કોઈ પણ મુકામ કેમ ન હોય.

અનુપ જલોટા, પ્રિયંકા ચોપરા શું કરે?

પણ સમાજ અનુપ જલોટા સાહેબ પાસે આશા રાખે છે કે તેઓ ભજન ગાવાનું કામ કરે, પ્રભુ અને મમતાની ચોકી પર મન લગાવે.

સંપત્તિ હોય તો બાળકો માટે છોડી દે. જો એકલતા અનુભવતા હોય તો પોતાની ઉંમરની કોઈ મહિલા સાથે લગ્ન કરી લે.

લોકો કહેશે કંઈ વાંધો નહીં, ઘડપણનો આશરો થઈ ગયો, ધ્યાન રાખવા માટે પણ કોઈની જરૂર પડે છે, વગેરે.

પ્રિયંકા ચોપરા પાસે પણ બધાને આવી જ આશા છે.

પણ પ્રેમ? એ ઉંમરનું ધ્યાન ક્યા રાખે?

પ્રેમ કોઈ જ ચીજનું ધ્યાન નથી રાખતો. જાત-ધર્મનું પણ નહીં. ગોત્ર અને દરજ્જાનું પણ નહીં.

એક વખત 'લોકો શું કહેશે'નો ડર મનમાંથી નીકળી જાય, પછી માણસને કોઈ ધર્મ કે ખોટા રિવાજો સાથે બાંધવો મુશ્કેલ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો