તમે પણ તહેવારોમાં પિરિયડ્સ ટાળતી દવા લો છો? તો તમારે આ વાંચવું જોઈએ

    • લેેખક, અનઘા પાઠક
    • પદ, બીબીસી મરાઠી સેવા

"હા હું ગોળીઓ લઉં છું. મારા ઘરે સત્યનારાયણની પૂજા હોવાથી ગઈકાલે મેં માત્ર એક ગોળી લીધી હતી." આ શબ્દો 27 વર્ષનાં કલ્યાણીના છે. જેઓ અન્ય લોકોને ત્યાં ઘરકામ કરે છે.

કલ્યાણીને બે બાળકો છે. તેમનાં સાસુ ભગવાનની ભક્તિમાં ખૂબ માને છે.

તેમના ઘરમાં રહેલી મહિલાઓમાં માત્ર કલ્યાણી એકલાં જ સધવા છે. બાકીની સ્ત્રીઓ વિધવા છે. જેથી માત્ર કલ્યાણી જ ઘરમાં પૂજાપાઠ કરી શકે છે.

આ સ્થિતિમાં જો તેમને પિરિયડ્સ શરૂ થાય તો ઘરને સંભાળવું મુશ્કેલ બની જાય છે.

ઘરના અન્ય સભ્યો તેને ટોણા મારવા લાગે છે. કલ્યાણી માટે આ સ્થિતિ સહન કરવી અઘરી થઈ પડે છે.

જોકે, કેટલાંક વર્ષો પહેલાં તેને પેનેસિઆ નામની પિરિયડને દૂર રાખતી ગોળી અંગે જાણ થઈ.

કલ્યાણી કહે છે, "આ સિઝનમાં ઘણા બધા તહેવારો આવે છે. જેથી ઉજવણી અને પૂજાપાઠ સમયે અમારા પરિવારમાં ઘણા બધા નીતિ-નિયમો છે."

"લોકોને સ્પર્શ કરવાના અને ના કરવાના પણ ઘણા કડક નિયમો છે. ઉપરાંત હું અન્ય ઘરોમાં કામ કરું છું ત્યાં પણ મને પિરિયડ વિશે પૂછવામાં આવે છે."

કલ્યાણી કહે છે, "તેઓ પણ તેમના દૃષ્ટિકોણથી સાચા છે. શા માટે કોઈ ભગવાનના કામમાં ઢોંગ કરી શકે? જેથી તેઓ મને કામ કરવા આવવાની ના પાડે છે."

"જેથી કેટલીક વખત મને કામના પૈસા પણ મળતા નથી અને મારે રૂપિયા ગુમાવવાનો વારો આવે છે."

"આ રીતે રૂપિયા ખોવા એના કરતાં તો એક ગોળી લઈ લેવી વધારે સારી. ખરું ને?"

ઑગસ્ટ મહિનાથી આપણે ત્યાં તહેવારોની સિઝન શરૂ થાય છે.

આ મહિનાથી મીઠાઈ, ફરસાણ, પૂજાની સામગ્રી, ભગવાનના ફોટાઓ વગેરે જેવી વસ્તુની માગ વધી જાય છે.

આ સિઝનમાં પિરિયડ માટેની ગોળીઓની પણ માગ વધતી જોવા મળે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના દેવુલગામમાં મેડિકલ સ્ટોર ચલાવતા રાજુ જ્હોરે કહે છે, "ગણપતિ ઉત્સવ અને મહાલક્ષ્મી ઉત્સવ દરમિયાન પિરિયડને દૂર ઠેલતી ગોળીઓની માગ વધી જાય છે."

તેનો આ અનુભવ એ સાબિત કરે છે કે આ પ્રકારની ગોળીઓ માત્ર શહેરમાં જ નહીં પરંતુ ગામડાંઓમાં પણ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે.

તહેવારોના સમયે અશુદ્ધતાને દૂર રાખવી અને પિરિયડથી દૂર રહેવું એ આ પ્રકારની ગોળીઓ લેવા પાછળનાં મુખ્ય કારણો છે.

ભારત જેવા દેશમાં હાલના સમયે પણ પિરિયડ જેવા વિષયો પર ખુલ્લીને વાત થતી નથી.

એટલું જ નહીં આ દિવસોમાં મહિલાઓ પર ઘણા પ્રતિબંધો પણ મૂકવામાં આવે છે.

અમુક રાજ્યોમાં તો મહિલાઓને ઘરની બહાર અથવા તો તબેલાઓમાં સૂવું પડે છે. આ મહિલાઓ ધાર્મિક વિધિમાં ભાગ લઈ શકતી નથી.

જો ઘરમાં પ્રસંગ હોય તો મહિલાઓને બધાં જ કામ કરવાં પડે છે પરંતુ જો તેમના પિરિયડ્સ ચાલતા હોય તો શું?

જ્હોરે કહે છે, "તહેવારો અથવા તો ધાર્મિક પૂજાને ધ્યાનમાં રાખીને મહિલાઓ સતત આ દવાઓનું સેવન કરે છે. તેઓ ડૉક્ટરની સલાહ વિના આ દવા લેવા અમારી પાસે આવે છે."

"સામાન્ય રીતે 3 ગોળીઓ પૂરતી છે પરંતુ તહેવારોના સમયમાં મહિલાઓ 6થી 7 ગોળીઓ લે છે."

આ ગોળીની આડઅસર શું છે?

સહ્યાદ્રી હૉસ્પિટલનાં ગાયનેકૉલૉજિસ્ટ ડૉ. ગૌરી પિમ્પ્રાલ્કર કહે છે, "કોઈપણ ગાયનેકૉલૉજિસ્ટ આ ગોળીઓની સલાહ નથી આપતું."

"મહિલાઓના માસિક સ્ત્રાવની સાઇકલ મુખ્યત્ત્વે બે હૉર્મોન્સ ઇસ્ટ્રૉજન અને પ્રૉજેસ્ટેરોન પર આધારિત હોય છે. પિરિયડને રોકવા માટે આ બન્નેમાંથી એક હૉર્મોન્સની ગોળી લેવામાં આવે છે."

"આ ગોળીઓ હૉર્મોનલ સાઇકલને અસર કરે છે. જો વધુ માત્રામાં આ ગોળીઓનું સેવન કરવામાં આવે, તો બ્રેઇન-સ્ટ્રોક, પૅરાલિસિસ અને આંચકીની સંભાવના વધી જાય છે. અમારી સામે આ પ્રકારના ઘણા કિસ્સા આવ્યા છે."

"મહિલાઓ પિરિયડ્સને રોકવા 10થી 15 દિવસ આ ગોળીઓનું સેવન કરે છે. આ પગલું જીવલેણ બની શકે છે."

કોને આ દવા ના લેવી જોઈએ?

ડૉ. ગૌરીનું કહેવું છે કે મહિલાઓ ડૉક્ટર્સની સલાહ વિના આ ગોળીઓ ખાય છે.

મેડિકલમાં સહેલાઈથી મળી જવાને કારણે મહિલઓ ગમે ત્યારે આ ગોળીઓ લે છે.

જે મહિલાઓને ચક્કર આવવા, માથાનો દુખાવો અથવા તો સ્ટ્રોક, બ્લડ પ્રેશર અને મેદસ્વીપણાથી પીડાતી હોય, તેમના માટે આ ગોળીઓ જીવલેણ સાબિત થઈ શકે છે.

આ ગોળી કસરત કરતી મહિલાઓ લઈ શકે ખરી?

જે મહિલાઓ રમતગમત સાથે જોડાયેલી છે તેઓ સ્પર્ધા દરમિયાન પિરિયડ્સને રોકવા આ દવાનો ઉપયોગ કરે છે.

શું આ દવા તેમના શરીરને અસર નથી કરતી?

આ સવાલનો જવાબ આપતા ડૉ. ગૌરી કહે છે, "ઍથ્લીટ મહિલાઓની વાત થોડી અલગ છે."

"તેઓ સમયસર કરસત કરે છે, સ્વસ્થ ભોજન લે છે અને તેમનું શરીર મજબૂત હોય છે એટલા માટે તેમને આડઅસર થવાની શક્યતાઓ ઘટી જાય છે."

"આ મહિલાઓ લગાતાર આ ગોળીઓનું સેવન પણ નથી કરતી પરંતુ ધાર્મિક તહેવારને કારણે આ ગોળીઓનું સેવન કરતી મહિલાઓની સંખ્યા વધુ છે."

'હું પિરિયડ્સ દરમિયાન ગણપતિ પૂજામાં જાઉં છું'

ઉલ્લેખનીય છે કે શહેરમાં એવી મહિલાઓની સંખ્યા ઓછી છે જેમને પિરિયડ્સ દરમિયાન ઘરની બહાર રહેવું પડે છે.

હાલમાં પણ પિરિયડ્સ દરમિયાન મહિલાઓ ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ શકતી નથી.

ડૉ. ગૌરી જણાવે છે, "માસિક દરમિયાન પૂજામાં ભાગ ન લેવો અથવા તો ધાર્મિક વિધિથી દૂર રહેવાનું ભગવાન ક્યારેય પણ નથી કહેતા."

"એટલા માટે મહિલાઓએ આ પ્રકારની દવા લઈને તેમનાં શરીરને નુકસાન ન પહોંચાડવું જોઈએ."

ભૂમાતા બ્રિગેડના તૃપ્તિ દેસાઈ મંદિરમાં મહિલાઓના પ્રવેશ માટે થયેલા આંદોલનને કારણે ચર્ચામાં આવ્યાં હતાં.

તેઓ કહે છે, "પિરિયડ્સ પવિત્ર અને કુદરતી ભેટ છે. આપણે તે ખુશી-ખુશી સ્વીકારવું જોઈએ."

"મહિલાઓ પિરિયડ્સ દરમિયાન મંદિરોમાં પ્રવેશતી નથી. એટલું જ નહીં ઉત્વસ દરમિયાન પિરિયડ્સને રોકવાના પ્રયાસો પણ કરે છે."

"આ તદ્દન ખોટું છે. હું પિરિયડ્સ દરમિયાન મંદિરમાં જાઉં છું અને આરતી પણ કરું છું. આપણે આ માન્યતા બંધ કરવી પડશે."

ધર્મશાસ્ત્ર શું કહે છે?

વાર્ષિક પંચાંગ બનાવનારા ડી. કે. સોમન કહે છે કે ધર્મશાસ્ત્રમાં ક્યાંય પણ એ વાતનો ઉલ્લેખ નથી કે જે પિરિયડ્સ દરમિયાન મહિલાઓ ધાર્મિક વિધિઓમાં ભાગ ના લઈ શકે.

સોમન ઉમેરે છે, "પહેલાંના સમયમાં પિરિયડ્સ દરમિયાન મહિલાઓને ઘરના ખૂણામાં બેસવું પડતું હતું."

"આ પગલાંનો હેતુ એ હતો કે તેમને થોડો આરામ મળે અને સ્વચ્છતા જળવાઈ રહે પરંતુ અત્યારે તેની કોઈ જરૂર નથી."

"ધારો કે, એક મહિલા ઘરમાં એકલી રહે છે. જો તેમના ઘરમાં પૂજા હોય તો શું તે 'નૈવદ્ય'ના બનાવી શકે? તેને બનાવવું જ જોઈએ."

"આપણે ભગવાનને પ્રસાદ ધરતાં પહેલાં તેને પવિત્ર કરવા તુલસીના પર્ણ મૂકીએ છીએ. એટલા માટે પિરિયડ્સ દરમિયાન નૈવેદ્ય અને પૂજા કરવામાં કોઈ મુશ્કેલી નથી."

સોમન આગળ જણાવે છે, "પિરિયડ્સને ટાળવા માટે દવાનું સેવન કરવું તદ્દન ખોટું છે. આપણે એ સમજવું જોઈએ કે ભગવાન ક્યારેય પણ ગુસ્સે નથી થતા. તે ક્યારેય સજા નથી કરતા."

"ધાર્મિક આસ્થાના નામે તૈયાર કરવામાં આવેલા ડરને કારણે મહિલાઓએ તેમના શરીરને નુકસાન ના પહોંચાડવું જોઈએ."

'હું આ ગોળીઓનું સેવન કરું છું'

એક ખાનગી કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા મેઘા કહે છે કે ઘરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન તેમણે ઘણીવાર આ દવા લીધી છે પરંતુ ક્યારેય તેની આડઅસર નથી થઈ.

મેઘા ઉમેરે છે, "પિરિયડ્સ દરમિયાન મહિલાઓ પૂજા ના કરી શકે એ વાતમાં હું માનતી નથી."

"મારા સાસુ આ બાબતોમાં વિશ્વાસ કરે છે. હું તેમના સંતોષ માટે આ ગોળીઓ લઉં છું."

"થોડા સમય પહેલાં અમે અમારા કુળદેવીના મંદિરે ગયા હતા. ત્યારે મારા સાસુએ મને આ ગોળી લેવાનું કહ્યું હતું."

આ બધાની વચ્ચે નિષ્ણાંતોના અલગઅલગ મત છે. અમુક માને છે કે તે હાનિકારક છે તો અમુક માને છે કે નથી.

જોકે, સવાલ એ છે કે શા માટે મહિલાઓએ પ્રાચીન ગણાતી આ માન્યતાને કારણે પોતાનો જીવ જોખમમાં નાખવો જોઈએ?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો