BBC SPECIAL: તેલંગણાના ખેડૂતોની હાલતમાં ખરેખર સુધારો થયો છે ખરો?

    • લેેખક, પ્રિયંકા દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા, તેલંગણાથી વિશેષ અહેવાલ

ખેડૂતોની આત્મહત્યા અને કૃષિ ક્ષેત્રની કટોકટી વિશેની બીબીસીની આ વિશેષ શ્રેણીમાં આપણે અગાઉના અહેવાલોમાં જોયું કે કઈ રીતે પંજાબથી મહારાષ્ટ્ર સુધીની ભારતની 'કૃષિ પ્રધાન ભૂમિ' 'ફાંસી પ્રધાન' ભૂમિમાં પરિવર્તિત થઈ રહી છે.

ખેડૂતોની સ્થિતિ જાણવા માટે અમે હવે દક્ષિણ ભારતના તેલંગણા રાજ્યમાં પહોંચ્યાં.

ગયા માર્ચ મહિનામાં સંસદમાં આંકડાં આપતા કૃષિ મંત્રી રાધા મોહને જણાવ્યું હતું કે તેલંગણામાં 2015માં 1358 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, તે ઘટીને 632ની થઈ ગઈ છે.

આ સાથે જ તેલંગણા સરકાર અને રાષ્ટ્રીય આર્થિક સલાહકારોના એક વર્ગ દ્વારા પણ તેલંગણાના કૃષિ ક્ષેત્રમાં વ્યાપક પરિવર્તન થયાના દાવા કરાયા હતા.

ચારેબાજુથી ભીંસમાં રહેલી તેલંગણાની ખેતીમાં ઊગેલા આ કથિત સકારાત્મક પરિવર્તનોની વાસ્તવિકતા જાણવા માટે અમે અમારી યાત્રાના અંતિમ મૂકામ તેલંગણા ખાતે પહોંચ્યાં.

તેલંગણાના સિદ્ધિપેઠ જિલ્લાના રાયાવારમ ગામમાં અમે આવ્યા. રાજ્યના મુખ્ય મંત્રી કલ્વાકુન્થલ ચંદ્રશેખર રાવ (કેસીઆર)ની વિધાનસભા બેઠક ગજ્વેલ હેઠળ આ ગામ આવેલું છે.

રાજ્યના મોટાભાગના ખેડૂતોની જેમ આ ગામના ખેડૂતોની સ્થિતિમાં ફરક દેખાવા લાગ્યો છે.

અહીં રહેતા 23 વર્ષના ખેડૂત ઉટ્ટેલ અશોક ભારત એવા કેટલાક ખેડૂતોમાંના એક છે, જેમને હવે પોતાની ખેતીમાંથી નિશ્ચિત આવક મળવાનો ભરોસો છે.

તેઓ ખેતી કરે ના કરે, તેમના ખેતરમાં વાવણી થાય કે પડતર પડ્યું રહે, તેમને તેલંગણાની સરકાર તરફથી દર વર્ષે ખેતીની દરેક મોસમ દીઠ એક એકરના 4 હજાર રૂપિયા લેખે રોકડ મળી જાય છે.

તેનો અર્થ એ કે વર્ષમાં બે પાક લેતા અશોકને એકર દીઠ 8 હજાર રૂપિયા સરકાર તરફથી મળે છે, કોઈ શરત વગર.

તે સિવાય અશોક પોતાની રીતે ખેતી કરીને આવક રળે તે જુદી. અશોકને સરકાર તરફથી આ આર્થિક સહાય કેવી રીતે અને શા માટે મળી રહી છે? તે વિસ્તારથી જાણતા પહેલાં અશોકના જીવન પર એક નજર કરી લઈએ.

ખેતી માટે કરેલું દેવું ના ચૂકવી શકવાના કારણે ચાર વર્ષ પહેલાં અશોકે પોતાના પિતા ઉટ્ટેલ નરસિંહમુલ્લૂને કાયમ માટે ગુમાવી દીધા હતા.

તેના માટે હવે આ એક ચમત્કાર જ છે કે એકર દીઠ 8 હજારની આવક તેને નિશ્ચિતપણે મળવાની છે.

અશોકને મળવા માટે સિદ્ધપેઠ જવા અમે હૈદરાબાદથી સવારે પાંચ વાગ્યે નીકળ્યા, તેલંગણામાં ખેડૂતોની સૌથી વધુ આત્મહત્યા આ સિદ્ધપેઠ જિલ્લામાં જ થતી હતી.

આ વખતે આ જિલ્લામાં સરેરાશ વરસાદ પડ્યો છે. ઑગસ્ટની ખુશનુમા આબોહવામાં રાયાવારામની આસપાસની લાલ માટી અત્યારે લીલી ચાદર ઓઢીને બેઠી હોય તેમ લાગે છે. ડાંગર અને કપાસનો પાક લહેરાઈ રહ્યો છે.

લગભગ 8 વાગ્યે રાયાવારામ ગામે અમે અશોકના ઘરે પહોંચ્યા. રસ્તામાં ગામવાળા સાથે વાતચીત કરી તો ખબર પડી કે ગામમાં અત્યાર સુધીમાં ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

છાણનું તાજું લીંપણ કરેલા ઘરના ફળિયામાં મરઘીઓ વચ્ચે ફરતા અશોકની દિનચર્યા શરૂ થઈ ગઈ હતી.

તેમના પિતા નરસિંહમુલ્લૂ વિશે તેમને પૂછવામાં આવ્યું ત્યારે અશોક તરત ઘરમાં જઈને તેમની તસવીર અને તેમની આત્મહત્યા સાથે જોડાયેલા કાગળ લઈને પરસાળમાં આવ્યા.

તેલુગુમાં લખાયેલો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ દેખાડીને અશોક કહે છે, "અમારે બે એકર જમીન છે. તેમાંથી 1.2 એકર સરકારી ચોપડે છે, પણ બાકીની બેનામી છે. મારા પિતા ત્રણ એકર જમીન વાવવા રાખતા હતા."

"આ રીતે પાંચ એકરમાં કપાસ, ચોખા અને મકાઈ વાવતા હતા. તેમણે વાવણી કરવા માટે શાહુકારો પાસેથી 4 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. દર મહિને 12 હજાર રૂપિયા વ્યાજ ભરવું પડતું હતું.''

''અમારી પાસે એટલા પૈસા નહોતા કે અમે વ્યાજનો હપ્તો ભરી શકીએ. ઉઘરાણી માટે ઘરે લોકો આવે ત્યારે તેને કહેતાં કે 'આપી દઈશું'. પણ અંદરથી હતાશ થવા લાગ્યા હતા."

"તે પછી એક દિવસ સાંજે છએક વાગ્યે તેઓ ઘરની પાછળ ગયા. ત્યાં પડેલું પેસ્ટિસાઇડ પી લીધું. અમે બહાર જ બેઠા હતા. થોડી વાર પછી અમે જોયું તો તેઓ બેભાન થઈ ગયા હતા."

"અમે તરત દવાખાને લઈને ગયા. તેમના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. હોસ્પિટલના ડૉક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા."

નરસિંહમુલ્લૂના જતા રહેવાથી તેમના પરિવારને જાણે ખેતીમાં ભરોસો જ ના રહ્યો. જોકે, કેસીઆરની સરકારે શરૂ કરેલી 'રયત બંધુ યોજના'ને કારણે અશોકને ફરી ખેતી કરવાની હામ આવી છે.

તેલુગુ શબ્દ રયત બંધુનો અર્થ થાય છે ખેડૂત મિત્ર. આ વર્ષની શરૂઆતમાં તેલંગણામાં આ યોજના લાગુ પાડવામાં આવી છે.

તે યોજના હેઠળ દરેક જમીનધારક ખેડૂતને મોસમદીઠ એક એકરના 4 હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે.

અશોકને તેની 1.2 એકર જમીન પર આ વર્ષનો 6 હજાર રૂપિયાનો ચેક પણ મળી ગયો છે.

અશોક કહે છે, "મને રયત બંધુથી ફાયદો થયો છે. મેં આ પૈસામાંથી વાવણી માટે બિયારણ ખરીદ્યું છે."

ખેડૂતોની આત્મહત્યાના આંકડામાં ઘટાડો

તેલંગણાના ખેડૂતો અને ખેતીનું ચિત્ર બદલાવા લાગ્યું છે. તેના ઘણા કારણોમાં રયત બંધુ યોજના માત્ર એક જ કારણ છે.

ખેડૂતોની આત્મહત્યાના મામલે રાષ્ટ્રીય આંકડાંમાં દર વખતે બીજા કે ત્રીજા સ્થાને આવતા તેલંગાણામાં અચાનક ખેડૂતોની આત્મહત્યામાં 50 ટકાનો ઘટાડો થઈ ગયો છે.

જોકે, એ વાત પણ અહીં સ્પષ્ટ કરવી જરૂરી છે કે નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો (એનસીઆરબી)એ 2015 પછી ખેડૂતોની આત્મહત્યાના આંકડા સત્તાવાર રીતે અલગથી જાહેર કર્યા નથી.

તેના કારણે જ સંસદમાં આ અંગેના સવાલનો જવાબ આપતી વખતે કૃષિ મંત્રીએ 2016ના આંકડાંને કામચલાઉ એટલે કે પ્રોવીઝનલ આંકડા જણાવ્યા હતા.

જોકે, ખેડૂતોની આત્મહત્યામાં 50 ટકા ઘટાડા પછી પણ તેલંગાણા મહારાષ્ટ્ર (2550) અને કર્ણાટક (1212) પછી દેશમાં ત્રીજા સ્થાને છે.

ખેડૂતોની આત્મહત્યા અડધોઅડધ કેવી રીતે થઈ?

પંજાબ અને મહારાષ્ટ્રમાં ખેડૂતોની કફોડી હાલત જોયા પછી તેલંગણા આવીને સ્થિતિ જોતા આવો સવાલ થવો સ્વાભાવિક હતો.

આખરે એવું તો શું થયું કે 2015 સુધી દેશમાં આત્મહત્યાના મામલે કેન્દ્રસ્થાને રહેલા તેલંગણામાં ખેડૂતોની આત્મહત્યામાં 50 ટકા સુધીનો ઘટાડો થયો?

એવું કયું કારણ છે કે મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ 'રયત બંધુ યોજના'ને 'દેશની ભાવી કૃષિ નીતિ' તરીકે ઓળખાવી રહ્યા છે?

આ સવાલોના જવાબ મેળવવા માટે જ અમે તેલંગાણાના જનગાંવ, સિદ્ધિપેઠ અને ગ્રામીણ વારંગલ જિલ્લાઓનો પ્રવાસ કર્યો.

આ ઉપરાંત 'રયત બંધુ યોજના'ના ચેરમેન, સાંસદ અને તેલંગણા રાષ્ટ્રીય સમિતિના વરિષ્ઠ નેતા સુકેન્દર રેડ્ડી સાથે તેલંગાણાના કૃષિ ક્ષેત્રમાં આવેલા પરિવર્તન વિશે વિસ્તૃત વાતચીત પણ કરી.

હૈદરાબાદમાં આવેલા 'રયત બંધુ પંચ'ના કાર્યાલયમાં થયેલી વાતચીતમાં સુકેન્દરે જણાવ્યું કે કઈ રીતે તેલંગણા સરકાર ખેડૂતોની આત્મહત્યાઓને પૂર્ણ રીતે અટકાવી દેવા માટે વિવિધ સ્તરે પ્રયાસો કરી રહી છે.

દેવાં માફીથી વાતની શરૂઆત કરતાં તેમણે કહ્યું, "અમે ખેડૂતોને 24 કલાક વીજળી અને ખેતી માટે મફતમાં સિંચાઈનું પાણી આપવાનું શરૂ કર્યું."

"તળના પાણીને ઉપર લાવવા માટે અમે 'મિશન કાગતિયા' હેઠળ રાજ્યમાં ઠેર ઠેર જળસંગ્રહ માટે નાના નાના તળાવો બનાવવાનું શરૂ કર્યું. અમારું લક્ષ્ય છે એક કરોડ એકર જમીનને સિંચાઈનું પાણી મળે. તેના માટે રાજ્યમાં કેટલીય યોજનાઓ શરૂ કરવામાં આવી છે".

પોતાની સરકારને 'ખેડૂતોની સરકાર' ગણાવતા સુકેન્દર કહે છે કે 'રયત બંધુ યોજના' તેલંગાણાના કૃષિ ક્ષેત્રમાં મહત્ત્વનું પરિવર્તન આણી રહી છે.

"તેનું નામ જ 'ઇન્વૅસ્ટમેન્ટ સપોર્ટ સ્કીમ' છે. ખેડૂતોને ખેતીનો ખર્ચ થાય તેમાં અમે મદદ કરવા માગીએ છીએ. તેના કારણે દેવાનો બોજ ઓછો થશે અને પાક નિષ્ફળ જાય તો પણ નુકસાન ઓછું થશે. આ વખતે ખરીફ મોસમમાં ખેડૂતોને 57.89 લાખ ચેક આપવામાં આવ્યા અને તેના માટે સરકારે 6 હજાર કરોડનો ખર્ચ કર્યો હતો.

"અડધાથી વધુ ચેક આપી દેવાયા છે અને હજુ 7.79 લાખ ચેક આપવાના બાકી છે. આ વર્ષે રવી મોસમમાં પણ 6 કરોડના ચેક આપવામાં આવશે".

જોકે, રાજ્યના કૃષિના જાણકારોનું કહેવું છે કે 'રયત બંધુ યોજના'ની સૌથી મોટી ખામી એ છે કે તેમાં જમીન વાવવા માટે લેનારા ખેડૂતોને લાભ મળતો નથી.

'રયત બંધુ યોજના'ની ખામીઓ

હૈદરાબાદમાં આવેલી અને ખેડૂતો માટે કામ કરતી 'રયતુ સ્વરાજ વેદિકા' નામની એનજીઓ સાથે જોડાયેલા કિરણ વાસ્સા કહે છે, "અમારા રિસર્ચ પ્રમાણે તેલંગણામાં લગભગ 75 ટકા ખેડૂતો કોઈને કોઈ રીતે ખેતી કરવા માટે જમીન ભાડે લે છે."

"હકીકતમાં આ 75 ટકા ખેડૂતોની સાથે જ રાજ્યના લાખો કિસાનોનું ભાગ્ય જોડાયેલું છે. તેમાંથી 18 ટકા એવા છે જેમની પાસે પોતાની કોઈ જમીન નથી. તેલંગણામાં તેમને 'કૌલ રયતુ કહેવામાં આવે છે. તેમના હિતોનું શું?"

"'રયત બંધુ યોજના'માં કૌલ રયતુના હિતોની કોઈ જ કાળજી લેવામાં આવી નથી. આ એક ટૂંકા ગાળાનો ઉપાય છે. આ યોજનાના કારણે મુખ્યમંત્રીને મળેલી લોકપ્રિયતાને કારણે તેઓ બીજી વાર જીતી જશે, પણ તેના કારણે ખેડૂતોની સમસ્યા લાંબા ગાળે દૂર નહીં થાય. ખેડૂતોને તેમની ઉપજનો યોગ્ય ભાવ મળે, બસ તે સૌથી જરૂરી છે."

ખેડૂતો સાથે વાતચીત કરીએ ત્યારે તેમનું પણ કહેવું છે કે 'રયત બંધુ યોજના'થી તેમને આંશિક ફાયદો થયો છે, પણ સરકાર જો લઘુતમ ટેકાના ભાવોની યોજનાનો અસરકારક રીતે અમલ કરે તો પછી તેમણે સરકારી સહાયની જરૂર જ નહીં રહે.

ગ્રામીણ વારંગલમાં આત્મકુરુ ગામમાં રહેલા ખેડૂત રાજ રેડ્ડી કહે છે કે તેમને દર વર્ષે એક એકર જમીન પર કપાસ કે ડાંગર વાવવા માટે 6 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે.

તે ઉપજને વેચવા જાય ત્યારે બજારમાંથી માત્ર 3500 રૂપિયા જ મળે છે.

તેઓ ઉમેરે છે, "આ રીતે દર એકરે 2500 રૂપિયાનું નુકસાન થાય છે. કોઈ વેપારી શું આવું નુકસાન સહન કરી શકે ખરો? એ વાત સાચી કે મિશન કાગતિયાથી ખેતીને સિંચાઈનો લાભ મળ્યો છે, પણ રયત બંધુમાં મળતા નાણાંના કારણે અમને મોટો ટેકો મળી જાય છે."

"પણ અહીં વારાંગલમાં એક એકરમાં 10 ક્વિન્ટલની જગ્યાએ ફક્ત 3 ક્વિન્ટલ કપાસ જ પાકે છે. અહીંની જમીન ફળદ્રુપ નથી તેથી ઉપજ લેવાથી ફાયદો થવાના બદલે અમને નુકસાન થાય છે."

"એવી સ્થિતિમાં ખેડૂત આત્મહત્યા ના કરે તો શું કરે? જો સરકાર અમને અમારી ઉપજના પૂરતા ભાવ અપાવી દે તો સરકારના આ 4 હજાર રૂપિયાની જરૂર જ નહીં પડે".

લઘુતમ ટેકાના ભાવના સવાલને ટાળી દેતા સુકેન્દર રેડ્ડીએ ફક્ત એટલું જ કહ્યું, "કપાસમાં ભેજ હોય ત્યારે સરકારને તેનો ભાવ આપવામાં મુશ્કેલી થાય છે. અમે તેનો ઉપાય પણ કરી રહ્યા છીએ."

"આજે હવે ફાલ ઉતારી લીધા પછી તેને સૂકવવા માટેના ડ્રાઈ હાર્વેસ્ટર પણ આવે છે. ટેક્નૉલૉજીનો ફાયદો લેવાથી આ સમસ્યા પણ ઊકલી જશે."

સરકારી દાવાથી દૂર તેલંગણાનાં ગામોમાં આજે પણ ખેડૂતો પોતાના પાકને લઘુતમ ટેકાનો ભાવ મળે તે માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

મજૂરી કરીને ઘર ચલાવતાં શોભા જનગાંવમાં પોતાના બે દીકરા અને સાસુ સાથે રહે છે. તેમના પતિ શ્રીનિવાસ પાસે જમીન નહોતી, તેથી તેઓ બીજાની જમીન વાવવા રાખતા હતા.

ખેતી કરવા માટે તેમણે દેવું કર્યું હતું. તે ચૂકવી ના શક્યા એટલે 2014માં તેમણે પેસ્ટિસાઇડ પીને આત્મહત્યા કરી લીધી.

પિતાનાં મૃત્યુ પછી ભણવાનું છોડીને 21 વર્ષનો દીકરો ગણેશ મિકૅનિકનું કામ કરવા લાગ્યો છે. તેમને કેસીઆરની આ યોજનાઓ સાથે કંઈ લેવાદેવા હોય તેમ લાગતું નથી.

પોતાના પિતાની તસવીર હાથમાં લઈને ગણેશ કહે છે, "મારા પિતા પાસે કોઈ જમીન નહોતી. સરકારી યોજનાઓમાં મારા પિતા કે મારા જેવા માટે કોઈ સ્થાન નથી."

"'રયત બંધુ યોજના'થી બીજા લોકોને ફાયદો થયો છે, પણ મારા પરિવાર અને અમારા જેવા ખેડૂતોને સરકારે કોઈ મદદ વિના નિરાધાર છોડી દેવાયા છે."

જનગાંવ જિલ્લાના હરીગોપાલા ગામમાં રહેતા ખેડૂત સુખમારી સુમૈયાને પણ લાગે છે કે રયત બંધુ યોજનાની માત્ર મોટા ખેડૂતોને ફાયદો થયો છે.

તેઓ કહે છે, "વીમા યોજનાઓ ઘણી સારી છે. પણ 'રયત બંધુ યોજના'માં માત્ર મોટા ખેડૂતોને ફાયદો થયો છે. મારી પાસે 4 એકર જમીન છે. મને તેના 16 રૂપિયા મળ્યા પણ ખરા. પણ મારા ખર્ચા તેનાથી ઘણા વધારે છે."

"આજકાલ ખેતમજૂરી, પેસ્ટિસાઇડ, ખાતર, બિયારણ બહુ મોંઘા થઈ ગયા છે. બીજુ, પાક વેચવા જઈએ ત્યારે પૂરતા ભાવ પણ મળતા નથી. તેથી મને લાગે છે કે 25 એકરથી વધુ જમીનવાળા ખેડૂતોને રયત બંધુ યોજનામાંથી બાકાત કરીને નાના કિસાનોને વધારે સહાય આપવી જોઈએ."

રયત બંધુ સિવાય તેલંગણામાં ખેડૂતો માટે શરૂ કરાયેલી બીજી મોટી યોજના છે 'રયત વીમા યોજના', જેમાં પાંચ લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે.

આ યોજના વિશે વાત કરતા સુકેન્દર કહે છે, "અમે ખેડૂતોને ખાતરી આપવા માગીએ છીએ કે તમે નહીં રહો તો તમારો પરિવાર રસ્તા પર નહીં આવી જાય."

"તેથી ભારતીય જીવન વીમા નિગમની સાથે કરાર કરીને અમે 18થી 60 વર્ષની ઉંમરના તેલંગણાના દરેક ખેડૂતનો પાંચ લાખ રૂપિયાનો વીમો કરાવ્યો છે."

"આ વીમા માટે દર વર્ષે 2271 રૂપિયાનું પ્રિમિયમ ખેડૂત વતી રાજ્ય સરકાર એલઆઈસીમાં ભરી દેશે. પ્રથમ હપ્તામાં 630 કરોડ રૂપિયાનું પ્રિમિયમ ભરી દેવામાં આવ્યું છે. તેમાં અકસ્માતે તથા કુદરતી મૃત્યુને પણ આવરી લેવામાં આવ્યાં છે."

રિપોર્ટિંગ દરમિયાન અમે સિદ્ધિપેઠના રાયાવરણ ગામમાં પહોંચ્યા ત્યારે પંચાયતની કચેરીમાં 'રયતુ વીમા યોજના'ના સર્ટિફિકેટોનું વિતરણ થઈ રહ્યું હતું.

સિદ્ધિપેઠ ઉપરાંત જનગાંવના અકરાજબલિ અને હરીગોપાલા ગામથી માંડીને ગ્રામીણ વારંગલના આત્મકુરુ ગામ સુધીના ત્રણેય જિલ્લાના ખેડૂતો 'રયતુ વીમા યોજના'થી ખુશ લાગતા હતા.

અકરાજબલિ ગામના ખેડૂત પ્રસાદે કહ્યું, "મારી પાસે અઢી એકર જમીન છે. આ વીમા યોજનાથી તો અમને ફાયદો થયો જ છે, પણ મિશન કાગતિયાથી અમારા ગામને કોઈ ફાયદો થયો નથી. કેમ કે કોઈ તળાવ અમારા ખેતરોની પાસે બન્યા નથી".

જોકે, રાજ્યમાં ખેડૂતોના અધિકાર માટે લાંબો સમયથી લડત ચલાવતા આવેલા સામાજિક કાર્યકર નૈનલા ગોવર્ધન માને છે કે તેલંગણા સરકારે આ બધી યોજનાઓ આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને જ જાહેર કરી છે.

નૈનલાએ વાતચીત દરમિયાન કહ્યું કે, "આ બધી જ યોજનાઓ ચૂંટણીના એક વર્ષ પહેલાં જ શા માટે શરૂ કરવામાં આવી રહી છે? કેસીઆરની સરકાર રાજ્યની તીજોરી ખાલી કરીને આગલી ચૂંટણીની તૈયારી કરી રહી છે."

"દેવા માફી માટેની જાહેરાત થઈ હતી, પણ તે હજી પૂરી થઈ નથી. મતો માટે કાયદાકીય રીતે ભ્રષ્ટાચાર થઈ શકે તેવી આ યોજનાઓ લાવીને લોકોનું ધ્યાન હટાવવાની કોશિશ થઈ રહી છે."

"સાચી વાત છે કે આજે પણ ખેડૂતોને તેમની ઉપજનો પૂરતો ભાવ મળે તે અધિકાર પ્રાપ્ત કરવા માટે ઝઝૂમવું પડી રહ્યું છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો