You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૃષિ : જાણો મોદી સરકારે વધારેલા ટેકાના ભાવ તમારે જાણવા કેમ જરૂરી છે
ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા માટે મોદી સરકારે 2018-19 માટે તમામ ખરીફ પાકના ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) એટલે કે પાકની સરકારી ખરીદી માટેના ટેકાના ભાવોમાં વધારો કર્યો છે. પણ ખેતી અને ખેડૂતોને સ્પર્શતી આ બાબત કૉલેજમાં ભણતા યુવાનો, ગૃહિણીઓ કે દેશના સામાન્ય માણસને કેવી અસર કરે છે?
કેન્દ્ર સરકારનો આ નિર્ણય ભારતના દરેક નાગરિકને સીધી નહીં તો આડકતરી રીતે અસર કરે છે.
આ વિશે બીબીસી ગુજરાતીએ અમદાવાદ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (આઈઆઈએમ)ના નિવૃત્ત પ્રોફેસર અને કૃષિ અર્થશાસ્ત્રના વિશેષજ્ઞ પ્રો. અનિલ ગુપ્તા સાથે વાતચીત કરી.
પ્રો. ગુપ્તા એ સાત મુદ્દામાં સમજાવ્યું કે, ટેકાના આ ભાવનું મહત્ત્વ શું છે અને તેના વિશે સમજણ કેળવવી શા માટે જરૂરી છે.
શું છે નિર્ણય?
કેન્દ્ર સરકારની આર્થિક બાબતોની કેબિનેટ કમિટીની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી મળી છે.
અગાઉ વર્ષ 2018-19ના બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે એમએસપીનું સ્તર ઉત્પાદન કિંમતના 150 ટકા સુધી નક્કી કરવામાં આવશે.
ઍગ્રિકલ્ચર કૉસ્ટ ઍન્ડ પ્રાઇસીસ કમિશનર દ્વારા તમામ ખરીફ માટે ટેકાના ભાવોમાં વધારો કરવાની ભલામણ કરવામાં આવી હતી.
ગૃહમંત્રી રાજનાથ સિંહે બુધવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આનાથી સરકારી તિજોરી પર 15 હજાર કરોડથી વધુનો બોજ પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આપને આ પણ વાંચવું ગમશે
વર્ષ દર વર્ષે વધારાની દૃષ્ટિએ સૌથી વધુ એમએસપી મૂલ્ય રાગીનું વધ્યું છે.
વળી તેનું વર્ષ 2017-18નું એમએસપી મૂલ્ય 199 રૂ. પ્રતિ ક્વિન્ટલ હતું જે વધારીને વર્ષ 2018-19 માટે 2897 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ (52 ટકા વધારો) કરવામાં આવ્યું છે.
1 - આર્થિક અને આરોગ્યની બાબત સંકળાયેલી છે
ખરીફ પાક સહિતની ખેત પેદાશો સાથે સામાન્ય માણસની આર્થિક અને આરોગ્ય સંબંધિત બાબતો જોડાયેલી હોય છે.
વળી તેમાં દેશની અર્થવ્યવસ્થાની મજબૂતાઈનો પણ અવકાશ હોવાથી તેનો સીધો ફાયદો સામાન્ય માણસના ખિસ્સાને થઈ શકે છે.
2- બિઝનેસની તક
ખરીફ પાકના એમએસપી મૂલ્ય વિશેનું જ્ઞાન યુવાઓને ઉદ્યોગસાહસિક ક્ષેત્રમાં ઝંપલાવવાની તક આપી શકે છે. આમ તેમાં એક બિઝનેસ પાસું છે.
યુવાઓ ખેડૂતો પાસેથી સીધું જ આ પેદાશો ભાવતાલ ખરીદીને નાના ઉદ્યોગ સ્થાપી શકે છે. તેમાં વૅલ્યૂ એડિશન કરીને તેમાંથી નવી પ્રોડક્ટ બની શકે છે.
3 - સસ્તા ભાવે પોષણયુક્ત આહાર
સસ્તું અને પોષણયુક્ત આહાર ગણાતી રાગી એક એવું ધાન છે જેમાં ઘણા પોષકતત્વો છે. તેમાંથી કેલ્શિયમ સારા પ્રમાણમાં મળે છે.
તેમાંથી પાપડ અને ફરસાણ બનાવી શકાય અને તેને બ્રાન્ડિંગ કરીને વેચી શકાય છે. આનાથી યુવાઓ અને મહિલાઓને એક બિઝનેસનો અવસર મળી શકે અને ઘરોમાં પોષણયુક્ત આહાર પણ મળશે."
4 - કુપોષણ દૂર કરવામાં મદદ
શાળાઓમાં મધ્યાહન ભોજનમાં રાગીના સમાવેશથી કુપોષણ જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ મળી શકે છે. કેમ કે તેમાં ઘણા પોષકતત્ત્વો રહેલા છે. આમ બાળકોના આરોગ્ય માટે તે લાભદાયી છે.
"તદુપરાંત ખરીફ પાક કરવા માટે પાણીનો ખૂબ ઉપયોગ કરવાની જરૂર નહીં હોવાથી તેનાથી જળ સંચય થઈ શકે છે."
5 - મોંઘવારી પર નિયંત્રણ
ખરીફ પાકની માગ વધવાથી ખેડૂતોને આવી પેદાશો કરવામાં પ્રોત્સાહન મળશે અને ડિમાન્ડ સપ્લાયનો રેશિયો જળવાઈ શકે છે.
આમ થવાથી ભાવ સસ્તા રહેશે અને તેનો ફાયદો ગ્રાહકને થશે. માગની સામે પુરવઠાનું પ્રમાણ જળવાઈ રહેવાથી મહદઅંશે ફુગાવો નિયંત્રણમાં રહે છે.
આથી મોંઘવારીને નિયંત્રણમાં રાખી શકવાનો લાભ થઈ શકે છે.
6 - સસ્તા ભાવે અનાજ-કઠોળની ખરીદી
જો ગ્રાહકો જૂથ બનાવી ખેડૂતો પાસેથી સીધું જ અનાજ ખરીદે તો તેમને બજારની સરખામણીએ ઓછા ભાવમાં અનાજ મળી શકે અને ખેડૂતને પણ સારો ભાવ મળે.
કારણ કે ગ્રાહક અને ખેડૂત વચ્ચે કોઈ વચેટિયા નહીં રહેવાથી ભાવમાં ઘટાડો થાય. જેનો અર્થ સસ્તા ભાવમાં અનાજ અને કઠોળ મળી શકે છે.
7 - ખેડૂતો-ગ્રાહક બન્નેને લાભ
મહત્ત્વની બાબત એ છે કે સરકારે ભાવ તો જાહેર કર્યા, પરંતુ હવે તેની ખરીદી પણ કરવી પડશે.
જો સરકારે ટેકાના ભાવે ખરીદી નહીં કરે તો સમસ્યા યથાવત્ રહેશે. ઉપરાંત ખરીદી કરે તો તેના સુવ્યસ્થિત સંગ્રહની પણ વ્યવસ્થા રાખવી પડશે.
વળી છેલ્લે જ્યારે ગ્રાહક પાસે વસ્તુ પહોંચે છે, ત્યારે તેમાં ઘણા પરિબળો ઉમેરાતા ભાવ વધી જતો હોય છે.
પરંતુ ખેડૂતોને ભાવ સરખો મળવાથી તેઓ ઉત્પાદન વધારવા પ્રેરાય છે, તેનાથી પણ સરવાળે ફાયદો ગ્રાહકને મળતો હોય છે.
ખરીફ પાકના નવા ટેકાના ભાવ
દરમિયાન સરકારે ખરીફ પાકોના ટેકાના ભાવમાં આ પ્રમાણે વધારા કર્યા છે.
ત્યારબાદ નાઈઝર સીડ (તેલિબિયા પ્રકારની બીજ)ના એમએસપીમાં 45.11 ટકાનો વધારો કરાયો છે.
તેનું ગત વર્ષનું એમએસપી મૂલ્ય 4050 રૂપિયા હતું જે વધારીને 5877 કરી દેવાયું છે.
અનાજ બાદ કઠોળમાં મગદાળનું એમએસપી મૂલ્ય સર્વાધિક વધારવામાં આવ્યું છે. તેમાં 25 ટકાના વધારા સાથે પ્રતિ 100 કિલો માટે 6975 રૂપિયા એમએસપી નક્કી કરવામાં આવ્યું છે.
જ્યારે તુવેરની દાળના એમએસપીમાં 225 રૂપિયાનો વધારો કરાયો છે. તેનો નવું એમએસપી વર્ષ 2018-19 માટે હવે પ્રતિ 100 કિલો 5675 રૂપિયા છે. તેવી જ રીતે અડદની દાળમાં 3.70 ટકાના વધારા સાથે નવું એમએસપી મૂલ્ય 5600 રૂપિયા કરાયું છે.
ટેકાના ભાવમાં 50 ટકા સુધીનો વધારો
કપાસમાં 28.11 ટકાના વધારા સાથે ટેકાના ભાવ 5150 રૂપિયા પ્રતિ 100 કિલો નક્કી કરવામાં આવ્યા છે.
અન્ય અનાજમાં બાજરીનું નવું એમએસપી 1950 રૂપિયા અને ડાંગરનું 1770 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરાયું છે.
આમ ખેડૂતોના ખરીફ પાક માટે ટેકાના ભાવમાં 50 ટકા સુધીનો વધારો કરાયો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો