રૂપિયામાં કડાકો ભારતની અર્થવ્યવસ્થા માટે ફાયદાકારક કેવી રીતે છે?

    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતીય ચલણમાં સતત થઈ રહેલા કડાકા બાદ બુધવારે રૂપિયો ડૉલરની સરખામણીમાં 72.88 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે.

અમેરિકન ડૉલરની સરખામણીમાં રૂપિયાની આ કિંમત સૌથી નીચી છે.

કોંગ્રેસે આ બાબત પાછળ મોદી સરકારની સૌથી ખરાબ આર્થિક નીતિઓને જવાબદાર ઠેરવી છે.

બીજી તરફ નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે આ બાબત પાછળ આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર છે.

આખરે સવાલ એ છે કે કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બૅંક (RBI) ઘટી રહેલા રૂપિયાને શા માટે નિયંત્રણ નથી કરી શકતા.

આ સવાલોના જવાબ જાણવા અમે વાત કરી વરિષ્ઠ અર્થશાસ્ત્રી ઇલા પટનાયક સાથે.

શા માટે રૂપિયો સતત ઘટી રહ્યો છે?

ઇલા પટનાયક જણાવે છે, "ભારતીય રૂપિયો હાલમાં ઘણાં દબાણો તળેથી પસાર થઈ રહ્યો છે જેમાં બાહ્ય દબાણ વધારે છે. આગળ વધતી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોનું નાણું દબાણ હેઠળ છે. અમુક દેશોની જેમ આપણે પણ તેની સામે લડવાના પ્રયાસો કરી રહ્યા છીએ."

તમે આ વાંચ્યું કે નહીં?

"ખનીજ તેલની કિંમતોમાં વૃદ્ધિ થઈ છે. સાથે જ ફેડરલ રિઝર્વ રેટમાં વૃદ્ધિ અને અમેરિકા પાસેથી ઋણ લેવાનો દર વધવાથી જોખમની સ્થિતિ ઊભી થાય છે. જેના કારણે આગળ વધી રહેલી અર્થવ્યવસ્થાની મુદ્રાઓમાં કડાકો નોંધાઈ રહ્યો છે."

"ભારતીય મુદ્રા છેલ્લા ઘણાં સમયથી નિયંત્રિત હતી જેને કારણે એક્સચેન્જ રેટમાં બદલાવ થવાની અપેક્ષા સેવાઈ રહી હતી જેને કારણે આ કડાકો જોવા મળી રહ્યો છે."

RBI મુદ્રામાં થઈ રહેલા ઘટાડાને શા માટે નથી રોકી શકતી?

અમેરિકન વ્યાજ દરોમાં થઈ રહેલા વધારાને પગલે તમામ વિકાસશીલ બજારોની મુદ્રાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આપણી સામે તુર્કીનું નાણું લીરા એક ઉદાહરણ છે જેમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે. હવે તુર્કી એવા રસ્તાઓ શોધી રહ્યું છે જેનાથી આ સંકટમાંથી બહાર નીકળી શકાય.

હવે સવાલ એ ઊભો થાય છે કે ભારતમાં રિઝર્વ બૅંક સતત ડૂબી રહેલા રૂપિયાને કેમ સંભાળી નથી શકતી?

પટનાયક જણાવે છે, "ભારતમાં મોંઘવારી દર અમેરિકાની સરખામણીએ વધુ છે. એવામાં આપણી મુદ્રાને ત્રણ-ચાર વખત પડવો જોઈતો હતો. પરંતુ જ્યારે કેપિટલ ફ્લો હોય છે ત્યારે મુદ્રાનું તાલમેળ હંમેશાં તેના મૂળભૂત સિદ્ધાંતોથી અલગ થઈ જાય છે."

"એવા જો તમે આ તાલમેળને રોકવાના પ્રયાસ કરશો તો તમે મુદ્રાને વધુ મજબૂત કરશો જેનાથી તમારી નિકાસ અને ઉદ્યોગજગતને નુકસાન થશે."

"તમારો ઘરેલું વેપાર પ્રભાવિત થશે, તે પ્રતિસ્પર્ધા નહીં કરી શકે કારણ કે આયાત સસ્તી હશે. એવા જો તમારી મુદ્રામાં બરાબર તાલમેળ નથી, તો આ બાબત અર્થવ્યવસ્થા માટે સારી નથી."

"એવામાં જો આપણી મુદ્રામાં કડાકો નોંધાઈ રહ્યો છે, તો એ સારી વાત છે કારણ કે જ્યારે મુદ્રા પડશે ત્યારે જ મજબૂત બનશે. એવામાં જો આંતરિક અને બાહ્ય કારણોને કારણે મુદ્રાની એક્સચેન્જ રેટમાં બદલાવ થઈ રહ્યો છે તો તે જોવો જોઈએ."

"જો RBIની જવાબદારીની વાત કરવામાં આવે તો સંસદે RBIને મોંઘવારી રોકવાનું કાર્ય સોંપ્યું છે."

જો RBI ઘટાડો રોકે તો શું થાય?

કોંગ્રેસ અને ભાજપ બંને વિપક્ષમાં રહીને સત્તા પક્ષને ભારતીય મુદ્રામાં થઈ રહેલા ઘટાડા મુદ્દે જવાબદાર ઠેરવતા રહ્યા છે.

એવામાં જો RBI રાજનૈતિક દબાવમાં આવીને મુદ્રામાં ઘટાડો રોકવાનો પ્રયાસ કરે તો પરિણામ શું આવશે?

પટનાયક કહે છે, "જો RBI દબાવમાં આવીને કંઈક કરી શકે તો તે વ્યાજદરમાં વધારો કરી શકે કારણ કે રૂપિયામાં થતા ઘટાડાને રોકવાનો માત્ર એક જ રસ્તો છે.”

“બૅંક ઑફ ઇન્ડોનેશિયા પણ એવું જ કરી રહી છે. ત્યાં વ્યાજદર ખૂબ જ વધુ છે. એવા જો RBI પણ એવું કરશે તો તેની ઉદ્યોગજગત પર માઠી અસર પડશે."

સામાન્ય લોકોને RBIથી શું આશા છે?

ભારતના સામાન્ય લોકો રૂપિયામાં થઈ રહેલા કડાકાને અર્થવ્યવસ્થામાં કડાકા રૂપે જુએ છે.

પટનાયક કહે છે, "લોકોને એ આશા હોવી જોઈએ કે RBI કોઈ પેનિક બટનનો ઉપયોગ ન કરે. કારણ કે જો તેઓ દબાવમાં આવીને વ્યાજદર વધારા લાગે તો જે રીતે વર્ષ 2013માં વ્યાજદર વધવાથી અર્થવ્યવસ્થામાં વધુ ઘટાડો નોંધાયો હતો તેવું થશે."

"રૂપિયો 72 કે 73ની આળેગાળે હોય તો તેલ અને મોબાઇલની કિંમતોમાં વધારાથી સામાન્ય લોકો એટલો ફરક નથી પડતો જેટલો ફરક અર્થવ્યવસ્થામાં વ્યાજદર વધવાથી થાય."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો