You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાર્દિક પટેલના ઉપવાસ : 'પોલીસે અમારા વિસ્તારની કિલ્લેબંધી કરી'
- લેેખક, રોક્સી ગાગડેકર છારા અને પાર્થ પંડ્યા
- પદ, બીબીસી ગુજરાતી
અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલથી બોપલ તરફ જતાં જ લાગે કે અચાનક જ રોડ પર પોલીસની સંખ્યા વધી ગઈ છે.
ગ્રીનવૂડ્સ બંગલોઝમાં પ્રવેશવાનાં તમામ માર્ગ પર પોલીસ ગોઠવી દેવામાં આવી છે.
પોલીસની ગાડીઓ, રાયટ કંટ્રોલ વિહિકલ્સ, તેમજ ટીયરગેસથી સજ્જ પોલીસ જાણે કે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સજ્જ છે.
અહીંથી ઉપવાસ સ્થળ સુધી પહોંચવું સહેલું નથી. કોઈ પણ સામાન્ય વ્યક્તિને અંદર પ્રવેશવાની પરવાનગી નથી.
સોસાયટીના બંગલો છત્રપતિ નિવાસમાં 'જય સરદાર' લખેલી ગાંધી-ટોપી પહેરી યુવાનો ચર્ચા કરતા જોવા મળશે કે કોઈ કામમાં વ્યસ્ત હશે.
આ જૂજ યુવાનો હાર્દિક પટેલના આમરણ ઉપવાસને સમર્થન આપવા માટે અહીં આવ્યા છે.
ઉપવાસ શુક્રવારે સાતમા દિવસમાં પ્રવેશ્યા છે અને હાર્દિકને લાગે છે કે ગમે તે ક્ષણે તેમની ધરપકડ થઈ શકે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
પાટીદાર નેતાઓ માને છે કે, જો પોલીસ બંદોબસ્ત ન હોય તો લોકો મોટી સંખ્યામાં જોવા મળશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસના કહેવા પ્રમાણે, સોસાયટીના રહીશોને અગવડ ન પડે અને 144ની કલમનું પાલન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
રહેવાસીઓને પણ અહીં પોલીસને આઈ-કાર્ડ બતાવ્યા બાદ જ જવા દેવાય છે.
મીડિયાના વાહનો પણ ચેકિંગ વગર અંદર પ્રવેશી શકતાં નથી એટલે સમર્થકો મુખ્ય માર્ગથી જ પાછા ફરી જાય છે, એવું હાર્દિક પટેલના નજીકના સમર્થકો માને છે.
સોસાયટીના રહીશોને પડી રહી છે મુશ્કેલી
જોકે, ધ્રાગંધ્રાના રહેવાસી ગોપાલ પટેલને પોલીસની આ મોટી ટીમ ઉપવાસના સ્થળ સુધી પહોંચતા અટકાવી ન શકી.
તેમને જ્યારે મુખ્યમાર્ગથી પ્રવેશવાની ના પાડવામાં આવી તો તેઓ કાચા રસ્તે, ખેતરો પાર કરીને ઉપવાસના સ્થળે પહોંચ્યા.
બીબીસી સાથે વાત કરતા ગોપાલે જણાવ્યું હતું કે, "અમે ૧૦ લોકો હતા, સાત પકડાઈ ગયા અને અમે ત્રણ લોકો અહીં સુધી પહોંચી ગયા."
જ્યારે ગોપાલને પૂછવામાં આવ્યું કે આવી રીતે જોખમ ખેડીને અહીં સુધી કેમ આવ્યા?
તો તેમણે કહ્યું કે, "મારે ગમે તે ભોગે અહીં પહોંચીને સ્વયંસેવક તરીકે કામ કરવાની ઇચ્છા હતી."
ગ્રીનવૂડ્સ બંગલોના રહીશ લાસિકા બોઝ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "અમારી સોસાયટીના દરેક પ્રવેશદ્વાર પર પોલીસ ચેકપૉઇન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે અને બેરિકૅડિંગ કરી દેવાયું છે. જાણે કે કિલ્લેબંધી કરાઈ હોય એવું લાગે છે."
"અમે અહીં રહીએ છીએ તો પણ અમારે આવતાંજતાં દર વખતે આઈ કાર્ડ બતાવવાં પડે છે, જેમાં લોકોને હેરાનગતિ થાય છે."
"કોઈ ફેરીયા કે સેલ્સમેનને અંદર પ્રવેશવા દેવાતા નથી. અમારે ત્યાં પીવાનું પાણી આપવાવાળો અઠવાડિયામાં એક દિવસ આવે છે."
"પોલીસે મારી સાથે વાત કરાવ્યા બાદ જ તેને સોસાયટીમાં પ્રવેશ આપ્યો."
"તેના વાહનનો નંબર નોંધવામાં આવ્યો. પાણીવાળા તથા તેમના મદદનીશની તસવીરો લેવામાં આવી અને નંબર આપ્યા બાદ જ તેને પ્રવેશવા દેવાયો હતો."
"મારો માળી આવ્યો પરંતુ તેની પાસે આધારકાર્ડ ન હોવાથી તેને પરત મોકલી દેવાયો."
"આ બધુંય એટલા માટે થઈ રહ્યું છે કે હાર્દિક પટેલ અહીંના એક ફાર્મ હાઉસમાં ઉપવાસ પર છે!"
"ગ્રીનવૂડ્સ બહુ મોટી જગ્યા છે અને હાર્દિક જ્યાં ઉપવાસ પર બેઠા છે એ જગ્યા અમારા ઘરથી પણ દૂર છે. છતાં અહીં પોલીસ ખડકી દેવાઈ છે."
જોકે, અમદાવાદ (ઝોન-1)ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ જૉયદીપસીંહ રાઠોડ કહે છે, "અમારી લોકલ પોલીસ અંદર રહેતાં લોકોને ઓળખે છે અને તેમની અવરજવર પર કોઈ રોક-ટોક કે પોલીસ ચેકિંગ પણ નથી."
હાર્દિકને સમર્થન
ગોપાલ જેવા આશરે ૫૦ યુવાનો અહીં જ રહે છે. બહારથી બીજા કોઈ સમર્થક અંદર આવતા નથી. ઉપવાસ સ્થળે આ યુવાનો જ હાલમાં હાર્દિક પટેલના મુખ્ય સમર્થકો છે.
જ્યારે છત્રપતિ નિવાસના ગેટ પર પહોંચો તો લોખંડના બેરિકૅડ પાસે નાના-નાના ટોળામાં ખુરશી પર બેસી ચર્ચા કરતા યુવાનો જોવા મળશે.
જેઓ મોટાભાગે પોતાના સ્માર્ટફોનની મદદથી સોશિયલ મીડિયા પર આંદોલન વિશે વાંચતા કે અપડેટ્સ શેર કરતા દેખાય છે.
કોઈ હાર્દિકને મળવા આવતા દરેક વ્યક્તિનું ધ્યાન રાખે છે, તો કોઈ મીડીયાકર્મીઓ સાથે ઇન્ફોર્મલ ચર્ચા પર ચઢે છે.
જો કોઈ ચર્ચાની શરૂઆત કરે તો પાટીદાર અનામત, ખેડૂતોની સમસ્યાઓ તેમજ હાર્દિક પટેલના ઉપવાસ વિશે ઉત્સાહ સાથે વાત કરે છે. ગાંધીનગરની એક નાની ટુકડી રસોડાનું કામ સંભાળે છે.
અહીં જમનારાઓમાં મુખ્યત્વે મીડિયાકર્મીઓ અને અહીં રહેતા યુવાનો જ છે.
અહીંનું દૃશ્ય 2015ના અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર થયેલા પાટીદાર આંદોલનથી અલગ છે.
એ સમયે મોટી સંખ્યામાં રસ્તાઓ પર આવી જતાં, પરંતુ હવે એટલી સંખ્યામાં સમર્થકો દેખાતા નથી.
પાટીદાર અનામત આંદોલનનાં પ્રવક્તા નિખિલ સવાણી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે આ બંગલો તેમના એક મિત્રની માલિકીનો છે અને હાર્દિકે ભાડે લીધો છે.
શું કહે છે યુવાનો?
કોઈ પાંચ દિવસથી, તો કોઈ ૧૫ દિવસથી છત્રપતિ નિવાસ પર છે.
મોટાભાગના યુવાનો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાટીદારો છે. જેઓ કોઈ પણ ભોગે અનામત ઇચ્છે છે.
મહેસાણામાં ઇલેક્ટ્રૉનિક્સ વસ્તુઓનો શો-રૂમ ધરાવનાર સંદીપ પટેલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે, "હવે તો આ આરપારની લડાઈ બની છે. જો અમને અમારા અધિકાર અત્યારે નહીં મળે, તો ક્યારેય નહીં મળે, કારણ કે આનાથી મોટી લડાઈ તો શક્ય નથી."
જૂનાગઢના રહેવાસી અને કૉમર્સ ગ્રૅજ્યુએટ એવા તેજસ વઘાસીયા કહે છે કે, "હાર્દિકની લડત ચાલુ રહેવી જ જોઈએ. જ્યાં સુધી અમને અનામત નહીં મળે, ત્યાં સુધી અમે ઉપવાસ પર ઉપવાસ કરતા જ રહીશું."
યુવાનો માને છે કે હાર્દિકની આ લડાઈ તેમના અને ખેડૂતો માટે છે. છાવણીમાંથી જો કોઈ હાકલ કરે તો બધા જ ગેટ ઉપર પહોંચી જાય છે.
સંદીપ પટેલ કહે છે, "કોઈ પણ ભોગે અમે હાર્દિકભાઈની ધરપકડ નહીં થવા દઈએ."
ડીસીપી રાઠોડ કહે છે, "અમદાવાદ શહેરમાં કલમ ૧૪૪ લાગુ થયેલી છે, એટલે અમે ચાર કે તેથી વધુ વ્યકિતઓને ભેગી થવા દઈ શકીએ નહીં. જોકે, તેનાથી ઓછી સંખ્યામાં લોકો કે રાજનેતાઓ આવે તો અમે તેમને જવા દઈએ છીએ."
પાટીદાર આંદોલનનું ભાવિ
પાટીદાર અનામત અને ખેડૂતોની લડાઈના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું તો નિખિલ સવાણીએ કહ્યું, "અમે લાંબુ પ્લાનિંગ કર્યું જ નથી. અમને ખબર છે કે અત્યારે હાર્દિકભાઈના ઉપવાસ ચાલુ રાખવા જોઈએ અને અમે એ જ રસ્તે આ લડાઈ ચાલુ રાખીશું."
અહીં હાજર રચિત પટેલ કહે છે, "અમે કોઈ પણ પ્રકારના ડર કે સંકોચ વગર હાર્દિકભાઈને જ્યાં જરૂર હશે, ત્યાં તેમની સાથે રહીશું. અમને આશા છે કે આ લડત અમારા પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી ચાલતી રહેશે."
સવાણીએ કહ્યું કે, સ્થાનિક સ્તરના કિસાન નેતાઓ હાર્દિકને મળવા પહોંચી રહ્યા છે અને ગુરુવારે ગુજરાતભરમાં આશરે ૪૫ સ્થળોએ પાટીદાર સમાજના લોકો ઉપવાસ પર બેઠા હતા.
અમદાવાદની સોલા સિવિલ હૉસ્પીટલથી તબીબોની એક ટીમ દરરોજ બે વખત હાર્દિક પટેલની તપાસ કરવા આવે છે.
સોલા સિવિલ હોસ્પિટલનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નમ્રતા વડોદરીયાએ કહ્યું કે બ્લડ, યુરિનનાં સૅમ્પલ લેવા જરૂરી છે પણ હાર્દિક પટેલ ના પાડી રહ્યો છે.
તેમણે કહ્યું, "બ્લડ અને સુગરનાં સૅમ્પલ્સ અલગઅલગ સમયે લેવાયા હોય એટલે બની શકે કે તેમાં તફાવત આવ્યો હોય."
"ગઈકાલ કરતાં આજના વજનમાં 900 ગ્રામનો તફાવત આવ્યો છે, હાલ હાર્દિક પટેલનું વજન 71.900 છે."
"અમે એમને હજી પણ હૉસ્પિટલાઇઝ થવાની સલાહ આપી રહ્યા છીએ. લિક્વિડ અને અનાજ પણ પેટમાં જવું જરૂરી છે."
"પાણી બંધ કરવાથી શ્વાસ અને હૃદયના ધબકારામાં પણ ફેરફાર આવી શકે છે."
કોંગ્રેસી નેતાઓ દ્વારા મુલાકાત
ઉપવાસના સાતમા દિવસે ગુજરાતના વરિષ્ઠ નેતા સિદ્ધાર્થ પટેલ, અર્જૂન મોઢવાડિયા, કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ પણ તેમને મળવા પહોંચ્યા હતા.
ઉપરાંત સામાજીક કાર્યકર્તા અને ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરીયા પણ હાર્દિકને મળવા પહોંચ્યા હતા.
કોંગ્રેસના નેતાઓ હાર્દિકને મળવા સામાન્ય લોકો ઉપરાંત રાજનેતાઓ પહોંચી રહ્યાં છે. 26મી ઑગસ્ટે કોંગ્રેસના 28 ધારાસભ્યોએ હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી.
કોંગ્રેસી નેતાઓની મુલાકાતોનો ક્રમ ચાલુ જ છે. મુલાકાતીઓમાં કોંગ્રેસી નેતાઓની સંખ્યા વધારે છે.
ગુરૂવારે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિત અન્ય કોંગ્રેસી નેતાઓ હાર્દિકને મળવા આવ્યા હતા.
શેખે મીડીયાને જણાવ્યું કે ગુજરાતમાં ત્રણ મુસ્લિમ ધારાસભ્યો છે અને એ ત્રણેય 'હાર્દિકભાઈને મુસ્લિમ સમાજનો ટેકો' જાહેર કરે છે.
ગુરુવારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કર્નલ દેવેન્દર સહેરાવતે 'પર્સનલ કૅપેસિટી'માં હાર્દિકની મુલાકાત લીધી હતી.
મીડિયા સાથે વાતચીતમાં કર્નલ સહેરાવતે કહ્યું, "આમ આદમી પાર્ટી હાર્દિક પટેલના ઉપવાસમાં તેમની સાથે છે અને ટૂંક સમયમાં દિલ્હીથી ટેકા અંગે ઔપચારિક જાહેરાત કરશે."
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા પ્રફુલ્લ પટેલે હાર્દિકની મુલાકાત સમયે કહ્યું હતું કે ગુજરાત સરકાર હાર્દિકને ઉપવાસ ન કરવા દઈને અને તેમના સમર્થકોને તેમના સુધી નહીં પહોંચવા દઈને 'લોકશાહીનું હનન' કરી રહી છે.
આવી જ રીતે અગાઉ તૃણમુલ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદીએ પણ અનશન પર બેઠેલા હાર્દિકની મુલાકાત લીધી હતી.
ઉપવાસના સાતમાં દિવસે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદો સાથે હાર્દિક પટેલની મુલાકાત માટે આવી પહોંચ્યા હતા.
આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયાએ પણ હાર્દિકની મુલાકાત લીધી હતી.
હાર્દિકને પાણી પિવડાવવાનો પ્રયાસ?
31 ઑગસ્ટ એટલે કે ઉપવાસના સાતમા દિવસે ગઢડાના સ્વામિનારાયણ મંદિરના મહંત એસ.પી. સ્વામી હાર્દિકની મુલાકાતે પહોંચ્યા હતા.
હાર્દિકે તેમની આ મુલાકાતના ફોટો ફેસબુક પર શેર કર્યા છે. તેમાં હાર્દિકે લખ્યું કે તેમણે તેને પાણી પીવા માટે ખૂબ આગ્રહ કર્યો હતો.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર હાર્દિકે પાણી પીવાની ના પાડી હતી. જોકે, સ્વામી પોતાનો આગ્રહ ચાલુ રાખ્યો હતો.
અહેવાલો મુજબ સ્વામીને મળીને હાર્દિક ભાવુક થયો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો