You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું તમે પણ વૉરન બફેટની સફળતાનાં સૂત્રો ફોરવર્ડ કર્યા? એ પ્રોફાઇલ નકલી છે.
જો તમને પણ આ અઠવાડિયામાં ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સ ઍપ પર વૉરન બફેટની સફળતાના 10 સૂત્રો કે અસફળ લોકોની 10 આદતોનું લિસ્ટ મળ્યું છે? તો એ સૂત્રો ફોરવર્ડ કરતાં પહેલાં જાણી લો કે એ સૂત્રો અસલી નહીં પણ નકલી વૉરન બફેટે ટ્વીટ કર્યા છે.
વિશ્વના ધનીકોમાં સ્થાન પામતા 87 વર્ષીય વૉરન બફેટ અમેરિકન રોકાણકાર છે અને વિવિધ કંપનીઓમાં રોકાણ કરવા માટે જાણીતા છે. બફેટની કંપનીએ મંગળવારે જ ભારતની ઑનલાઇન પેમેન્ટ વોલેટ કંપની પેટીએમમાં રોકાણ કર્યાના સમાચાર છે.
જોકે, ગત શનિવારે ટ્વીટર પર તેમની પ્રોફાઇલ જેવા એમના નામના એક અનધિકૃત એકાઉન્ટની શરૂઆતમાં જ ત્રણ લાખ લાઇક્સ મળી અને સોશિયલ મીડિયા પર એને પ્રસિદ્ધિ પણ મળી ગઈ.
એટલું જ નહીં શનિવારથી લઈ અત્યાર સુધીમાં આ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલી વ્યક્તિગત, પ્રેરણાદાયી પ્રકારની પોસ્ટ્સને લગભગ 20 લાખ લાઇક્સ મળી ચૂકી છે.
એ જાણવું જરૂરી છે કે બર્કશાયર હેથવેના સીઈઓ અસલી વૉરન બફેટ છે અને તેમનું પણ પોતાનું ટ્વીટર એકાઉન્ટ છે, પરંતુ તેમણે વર્ષ 2016 બાદ કોઈ જ ટ્વીટ નથી કર્યું.
આ @WarrenBuffet99 એકાઉન્ટ નકલી હોવાનું સ્પષ્ટ રીતે સમજી શકાય છે.
- આ એકાઉન્ટને ચકાસણી બાદ અધિકૃત કરેલા એકાઉન્ટ્સને આપવામાં આવતી 'બ્લ્યૂ ટિક-માર્ક' નથી. વૉરન બફેટ એક મોટું નામ છે, તેમનું ટ્વીટર એકાઉન્ટ હોવું એ પણ મોટી વાત છે, ત્યારે શું ટ્વીટર તેમના એકાઉન્ટની ખરાઈ ન કરે?
- આ એકાઉન્ટ દ્વારા ઑગસ્ટ 25, 2018 ના રોજ પ્રથમ ટ્વીટ અને ત્યાર પછીની અન્ય પોસ્ટ્સ માત્ર પ્રેરણાદાયી સૂત્રો જ છે. તો એ પણ વિચારવું જોઈએ કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ માત્ર આ બધી બાબતો માટે જ કરે તેવું શક્ય છે?
- તેમનું નામ ખોટી રીતે લખવામાં આવ્યું છે. તેમનું નામ Warren Buffett છે નહીં કે, Warren Buffet (નકલી એકાઉન્ટમાં અટકના ખરા સ્પેલિંગમાંથી છેલ્લેથી એક 't' (ટી) લખવામાં નથી આવ્યો)
આ ચિહ્નો ઉપરાંત આ એકાઉન્ટ નકલી હોવાની ચેતવણી આપી હોવા છતાં પત્રકારો અને રાજકીય નેતાઓએ આ નકલી એકાઉન્ટ પર મૂકવામાં આવતી પોસ્ટ્સને શૅર કરવાનું બંધ નથી કર્યું.
આ એકાઉન્ટ દ્વારા અસલી વૉરન બફેટની લાક્ષણિકતાઓની અદ્દલ નકલ કરવામાં આવી છે. જેનાથી આ એકાઉન્ટ અસલી હોવાનો આભાસ થાય છે કે આધુનિક સમયની ઝડપી જીવનશૈલી તથા બેચેની સામે લડવા માટે વૉરેન બફેટ તેમની સદ્ભાવપૂર્ણ શૈલીમાં સલાહ આપી રહ્યા છે.
જેમકે, "લોકો સાથે સારી રીતે વાત કરવાની આદત ક્યારેય જૂની નહીં થાય" અથવા "એક દિવસમાં તમે કેટલા કલાક ખુશ અને તણાવમુક્ત રહો છો?" જેવા સૂચનો આ એકાઉન્ટ પરથી પોસ્ટ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંગળવારે આ એકાઉન્ટ પર મૂકવામાં આવેલી એક પોસ્ટમાં કહેવામાં આવ્યું, "કૃતજ્ઞતા વિના ખુશી ન મળે, માફી વિના શાંતિ ન મળે, સ્વયંશિસ્ત વિના સારી આદત ન વિકસે."
અસલી વૉરન બફેટ આ એકાઉન્ટની પ્રવૃત્તિથી તદ્દન વિપરિત રીતે ટ્વિટર પર વર્તે છે. તે ક્યારેક જ ટ્વીટ કરે છે અને તે પણ પસંદગીની ચોક્કસ બાબતો વિશે.
અસલી વૉરન બફેટે કરેલી ગણીગાંઠી ટ્વીટ્સમાં સફળતાપૂર્વક પોતાના ઉદ્યોગનું સંચાલન કરતી મહિલાઓની પ્રોફાઇલ, અથવા પ્રગતિશીલ અર્થશાસ્ત્ર વિશેના વ્યક્તિગત વિચારો વ્યક્ત કરતી પોસ્ટ્સનો સમાવેશ થાય છે.
જોકે અહીં એક સવાલ એ પણ થાય છે કે એક નકલી પ્રોફાઇલ પરથી વાઇરલ થયેલી પોસ્ટ્સ વર્તમાન સમયમાં હકારાત્મક વાંચન સામગ્રી અને પ્રેરણાદાયી લખાણો માટે આપણી તાલાવેલી દર્શાવે છે? કે પછી આપણને વિશ્વનાં એક સફળ રોકાણકારના પગલે ચાલીને સફળ થવાની આશા છે.
બીબીસીએ આ મામલે વધુ વિગતો મેળવવા માટે @WarrenBuffet99 ટ્વિટર હેન્ડલનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને મોકલવામાં આવેલા પ્રશ્નોનો કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.
હવે આટલું જાણ્યા પછી જો તમને સવાર સવારમાં વાંચવા મળતાં પ્રેરણાદાયી સૂત્રો બાબતે નિરાશા થઈ રહી હોય તો ચિંતા ન કરો. તમે વૉરન બફેટની અનુભવવાણીની ખરાઈ કરેલા કેટલાંક અધિકૃત સૂત્રોને ધ્યાનમાં લઈ શકો છો.
વર્ષ 2017માં વૉરન બફેટે બર્કશાયર હૅથવેના શૅર હોલ્ડર્સને લખેલા વાર્ષિક પત્રમાં લખ્યું હતું "બીજા લોકો તેમનું કામ કેવી રીતે કરે છે તેની ચોક્સાઈ રાખવાને બદલે, આપણે આપણું કામ કેવી રીતે કરવું તેની ચોક્સાઈ વધારે રાખવી જોઈએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો