You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : પાટીદાર અનામત માટે હાર્દિક પટેલનું આમરણાંત અનશન શરૂ
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, અમદાવાદ અને નવી દિલ્હી
ગુજરાતમાં ભાજપની સરકાર અને પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ એક વાર ફરી આમને સામને છે.
આ વખતે હાર્દિક પટેલ પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફીની માગણી સાથે આંદોલન કરી રહ્યા છે.
હાર્દિક પટેલે શનિવારે બપોરે ત્રણ વાગ્યાથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.
સમગ્ર સ્થિતિને પગલે રાજ્યભરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પહેલાંથી જ ગોઠવી દેવાયો હતો.
વળી, બીજી તરફ હાર્દિકના દાવા અનુસાર, પોલીસે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના સમર્થકો અને કન્વીનરોની અટકાયત શરૂ કરી દીધી છે.
હાર્દિકના દાવા મુજબ રાજ્યમાંથી હજારો સમર્થકોની અટકાયત કરવામાં આવી છે.
હાર્દિક પટેલની આ કારણસર 19મી ઑગસ્ટે અટકાયત પણ કરવામાં આવી હતી. તેમની સાથે પાસના અન્ય ત્રણ કન્વીનરોની પણ અટકાયત થઈ હતી.
આ બનાવને પગલે સુરતમાં હિંસક દેખાવો પણ થયા હતા. જોકે, હાર્દિક પટેલને બાદમાં જામીન મળી ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસ તંત્રએ કાયદો અને વ્યવસ્થાની બાબતને કારણ જણાવી ઉપવાસ આંદોલનની મંજૂરી નથી આપી.
પ્લીઝ મદદ કરો
આથી હાર્દિક પટેલે પોતાના નિવાસસ્થાને જ આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી.
દરમિયાન હર્દિક પટેલે આ મામલે બીબીસી સાથે પણ વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું, "સરકારે જે પણ કરવું હોય તે કરે પણ આંદોલન થઈને જ રહેશે."
"ઉપવાસ આંદોલન ચાલુ રહેશે અને સરકાર બંધારણ વિરોધી બની ગઈ છે."
"અમે કોઈ પણ સંજોગોમાં પીછેહઠ નથી કરવાના. સરકાર ભલે જલિયાવાલા બાગ જેવી સ્થિતિનું નિર્માણ કરે અમે લડત ચાલુ રાખીશું"
હાર્દિકે ગુજરાત સરકારની ટીકા કરતું ટ્વીટ કર્યું અને લખ્યું, 'Please Help'
ઉપવાસ માટે સરકારે મંજૂરી ન આપી
અત્રે નોંધનીય છે કે, હાર્દિક પટેલે ગત મહિને અનામતની માંગણી સાથે આમરણાંત ઉપવાસ સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ માટે હાર્દિક પટેલે 25 ઑગસ્ટની તારીખ નક્કી કરી હતી, પરંતુ તેમને પોલીસ તરફથી મંજૂરી નહોતી મળી.
આથી ગત 19મી ઑગસ્ટે ઉપવાસની મંજૂરીને મામલે હાર્દિકે ધરણા કર્યા હતા.
આપને આ પણ વાંચવું ગમશે
જિગ્નેશ મેવાણીનું સમર્થન
ગ્રીનવુડ રિસોર્ટ ખાતેથી બીબીસી સંવાદદાતા સાગર પટેલ જણાવે છે કે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસમાં ટેકો આપવા માટે દલિત નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આવી પહોંચ્યા હતા.
જિગ્નેશ મેવાણીએ કહ્યું,"દેશનું બંધારણ સર્વોચ્ય છે. મતભેદ હોય તો રેલી ધરણા કે આંદોલન કરવાનો અધિકાર બંધારણે આપ્યો છે. આ અધિકારનું હનન કરવાનો અધિકાર કેન્દ્ર કે રાજ્યની સરકારને નથી."
"હાર્દિક પટેલને પોતાના ઘરે અનશન ન કરવા દેવાય અને કોઈને મુલાકાત પણ કરવા ન દેવાય તો તે ચલાવી ન લેવાય."
"દલિત, આદિવાસી અને ઓબીસીના અનામતને આંચ ન આવે એ રીતે હાર્દિક અનામત માગે છે તો અમને કોઈ વાંધો હોઈ જ ન શકે. અમે તમામ શોષિત વર્ગની સાથે છે અને આજે પાટીદારોની સાથે છે."
હાર્દિક પટેલ સાથે મુલાકાત કર્યા બાદ જિગ્નેશ મેવાણીએ પત્રકારોને નિવેદન આપ્યું હતું.
નિવેદનમાં તેમને કહ્યું, "મેં અને હાર્દિકે સરકાર સમક્ષ અન્ય એક માગ કરવાનું નક્કી કર્યું છે કે સરદાર અને આંબેડકરની કોઈ મૂર્તિ બનાવવાના બદલે સરકાર 500 કરોડની એક હૉસ્પિટલ આપે."
'ભાજપના ઇશારે દમન'
શનિવારે ઉપવાસ પર બેસતા પૂર્વે હાર્દિક પટેલે પોતાના નિવાસસ્થાને પત્રકાર પરિષદ યોજીને સમગ્ર પરિસ્થિતિ વિશે પત્રકારો સાથે વાતચીત કરી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યું હતું, "પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવા માફીની માગણી સાથે અમે આંદોલન કરી રહ્યા છીએ."
"પરંતુ પોલીસ તંત્ર ભાજપ સરકારના ઇશારે અમારા હજારો સમર્થકોની અટકાયત કરી રહી છે."
"રાજકોટ, સુરત, મહેસાણા અને અન્ય સ્થળોથી અમારી સાથે જોડાવા માટે આવી રહેલાં લોકોની અટકાયત કરવામાં આવી રહી છે."
"મારા નિવાસસ્થાને દૂધ-પાણી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓની સપ્લાયને પણ રોકવામાં આવ્યો છે."
આ અંગે હાર્દિકે ટ્વીટ પણ કર્યું.
કાયદો અને વ્યવસ્થાના એડીજીપી (એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ) સંજય શ્રીવાસ્તવે બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથે ઇન્ટર્વ્યૂમાં કહ્યું :
"હાર્દિક પટેલના અનશનને પગલે કૉન્સ્ટેબલથી લઈને આઈપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસિઝ) અધિકારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે."
"રાજ્યના અલગઅલગ જિલ્લાઓમાં સશસ્ત્ર બળની ટુકડીઓ ગોઠવી દેવામાં આવી છે. રાજ્યભરમાંથી 209 લોકોની અટકાયત કરવામાં આવી છે."
"સાબરકાંઠામાં સૌથી વધુ 66 લોકોની અટકાયત કરવામાં આવી હતી."
'કોંગ્રેસના ધારાસભ્યની પણ અટકાયત'
હાર્દિકે ઉમેર્યું, "સરકાર અમાનવીય અને નિર્દયી રીતે વર્તન કરી રહી છે. અમદાવાદને જોડતા વિવિધ હાઈ-વે પરથી લોકોને રોકવામાં આવી રહ્યા છે."
"કોંગ્રેસના ધારાસભ્યોને પણ અમારી પાસે આવતા અટકાવવામાં આવી રહ્યા છે."
સરકાર અને પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકતા હાર્દિકે કહ્યું, "અમે ડરવાના નથી અને જો સરકાર આંદોલન બંધ કરવા ઇચ્છે છે, તો તેમણે અમને ગોળી મારીને અમારો જીવ લેવો પડશે."
"હું લોકોને અપીલ કરું છું કે સ્વયંભૂ રીતે ઉપવાસ પર ઉતરી જાવ. અને કોઈએ પણ હિંસા કરવાની નથી."
હાર્દિકે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે. તેમની પોતાની પણ અટકાયત કરવામાં આવશે એવી જાણકારી પ્રાપ્ત થઈ છે.
ઉપવાસ આંદોલન કોંગ્રેસ પ્રેરિત - નીતિન પટેલ
દરમિયાન, સમગ્ર સ્થિતિ મામલે ગુજરાતના ઉપ-મુખ્ય મંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે.
નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું, "આ આંદોલન બિનજરૂરી છે અને તેને કોંગ્રેસ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે."
"અમારી સરકારે સ્વાવલંબન યોજના અને બિન-અનામત વર્ગ માટે પંચ બનાવ્યું છે."
"સરદાર પટેલની કામગારીના સન્માનમાં તેમની ઊંચી પ્રતિમા પણ બનાવવામાં આવી રહી છે."
"પણ બીજી તરફ કેટલાક લોકો આવા નાના આંદોલનો કરીને રાજ્યની શાંતિને ડહોળવાની કોશિશ કરી રહ્યા છે."
વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ શું કહ્યું?
તદુપરાંત વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. અલબત્ત તેમણે ભાજપની સરકાર પણ પ્રહાર કર્યા છે.
તેમણે ટ્વીટ કર્યું, "આંદોલન અઢારેય વર્ણનો અધિકાર છે. અંગ્રેજોની ગુલામીમાંથી અહિંસાના પથ પર આંદોલનના માર્ગે અઢારેય વર્ણએ એક થઈને આઝાદી મેળવી હતી."
"આજે સ્વતંત્ર ભારતમાં આંદોલનના રાષ્ટ્રીય અધિકારને ગુલામીની જંજીરે જકડીને બંધારણની બલિ ચઢાવવાનું પાપ કોણ કરી રહ્યું છે?"
વળી જિગ્નેશ મેવાણીએ પણ હાર્દિક પટેલને ઉપવાસ આંદોલન મામલે સમર્થન આપતું ટ્વીટ કર્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો