જ્યારે યાસર અરાફતે કહ્યું ઇન્દિરા ગાંધી મારા મોટા બહેન છે

ઇમેજ સ્રોત, PHOTO DIVISION
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
13 નવેમ્બર 1974માં ન્યૂ યૉર્કના સંયુક્ત રાષ્ટ્રસંઘના વડામથકે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયેલો હતો.
પેલેસ્ટાઇન મુક્તિ મોરચાના પ્રમુખ યાસર અરાફાતને સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં પ્રવચન આપવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.
પ્રથમ વાર કોઈ રાષ્ટ્રના વડા ના હોય તેવી વ્યક્તિને પ્લેનરી સેશનમાં સામેલ થવાનું સન્માન મળી રહ્યું હતું.
તે વખતે અરાફાતના નીકટના સાથી અને બાદમાં પેલેસ્ટાઇન સરકારના પ્રથમ વિદેશ મંત્રી બનેલા નબિલ શાથને આજે પણ તે દિવસ યાદ છે.
તેઓ કહે છે, "અરાફાતે પ્રથમવાર એ કર્યું, જે અત્યાર સુધી કર્યું નહોતું. તેમણે પોતાની દાઢી કઢાવી નખાવી અને નવો સૂટ પણ પહેર્યો હતો."
"તેમના ખાખી ડ્રેસની ખાસ ઇસ્ત્રી કરવામાં આવી હતી અને તેઓ તેમાં બરાબર ચમકી રહ્યા હતા."
અરાફાત ન્યૂ યૉર્ક ઍરપૉર્ટ પરથી હેલિકૉપ્ટરમાં સીધા સંયુક્ત રાષ્ટ્રસંઘના વડામથકે પહોંચ્યા હતા.
તે જ વખતે કારનો એક કાફલો વૉલડૉર્ફ એસ્ટોરિયા હોટેલ તરફ પણ રવાના થયો હતો, જેથી અરાફાતના દુશ્મનોને એવું લાગે કે તેઓ કારમાં હોટેલ જઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'ઓલિવ બ્રાન્ચની પ્રતિષ્ઠા'

ઇમેજ સ્રોત, AFP
તે દિવસે અરાફાતે પોતાના ભાષણના અંતે બે યાદગાર વાક્યો કહ્યાં હતાં.
તેમણે કહ્યું હતું, "હું અહીં ઓલિવ બ્રાન્ચની (સમાધાન માટેના પ્રયાસોની) પ્રતિષ્ઠા માટે અને સ્વતંત્રતા સૈનિકોની બંદૂક લઈને આવ્યો છું. મારા હાથમાં રહેલી ઓલિવ બ્રાન્ચને પડવા નહીં દેતા."
બીજા દિવસે દુનિયાભરના અખબારોમાં તેમનું ભાષણ સારી રીતે સમાચારોમાં સ્થાન પામ્યું હતું.
તેમના ભાષણના નવ દિવસ પછી સંયુક્ત રાષ્ટ્રસંઘે 3237 નંબરનો ઠરાવ પસાર કર્યો હતો, જેના દ્વારા પીએલઓને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ઑબ્ઝર્વર તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
અરાફાત ઢિંગણા કદના હતા. માત્ર પાંચ ફૂટ ચાર ઇંચ કે તેનાથી પણ નાનું તેમનું કદ હતું અને હંમેશાં મેલાઘેલા દેખાતા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
ભારતના ભૂતપૂર્વ ડિપ્લોમેટ અને સંયુક્ત રાષ્ટ્રસંઘના ઉપ મહામંત્રી રહી ચૂકેલા ચિન્મય ગરેખાન અરાફાતને ઘણીવાર મળ્યા હતા.
તેઓ કહે છે, "અરાફાત સાથે મારે ઘણીવાર મુલાકાતો થઈ હતી. કદાચ સેંકડો વાર અમે મળ્યા હોઈશું, કેમ કે મને સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફથી ગાઝા પટ્ટીમાં મોકલવામાં આવ્યો હતો."
"તેમની ઇચ્છા હોય તો તેઓ બહુ મળતાવડા પણ થઈ જાય. તેઓ નાનકડી દાઢી રાખતા હતા અને હંમેશાં લશ્કરી યુનિફોર્મમાં સજ્જ રહેતા હતા.''
"બહુ સરળ વ્યક્તિ હતા, પરંતુ પેલેસ્ટાઇનનું આંદોલન અને ઇઝરાયલ સાથે સંબંધોની વાત હોય, ત્યારે તેઓ બહુ ગંભીર થઈ જતા હતા. દરેક વાતને તેઓ શંકાની નજરે જોતા હતા."

અરાફાતનો પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images
ગરેખાન કહે છે કે અરાફાતે બહુ મોડેથી લગ્ન કર્યાં હતાં.
પહેલાં એવું કહેતા કે તેમના લગ્ન તો પેલેસ્ટાઇન સાથે થઈ ગયાં છે. બાદમાં તેમણે સુહા સાથે લગ્ન કર્યાં હતાં.
"સુહા ખ્રિસ્તી હતાં, જ્યારે અરાફાત સુન્ની મુસ્લિમ. એવું કહેવાય છે કે સુહા અરાફાતને બહુ જ પ્રેમ કરતાં હતાં. તેમની એક દીકરી હતી, જે હવે મોટી થઈ ગઈ હશે."
તેઓ ગાઝામાં બહુ સામાન્ય અને નાના ઘરમાં રહેતા હતા. તેમનું મકાન બે માળનું હતું.
અરાફાત પહેલા માળે રહેતા હતા, જ્યારે ભોંયતળિયે તેમનાં પત્ની દીકરી સાથે રહેતાં હતાં.
અરાફાતની જીવનકથા લખનારા એલન હાર્ટ લખે છે કે અરાફાત ગમે ત્યાં હોય, કોઈ પણ કાર્ય કરી રહ્યા હોય, કોઈની પણ સાથે હોય ... તેઓ એક જગ્યાએ સ્થિર થઈને બેસી શકતા નહોતા.
તેઓ બે વખત સૂતા હતા. સવારે ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધી અને સાંજે ચારથી છ વાગ્યા સુધી.
તેના કારણે અરાફાત અડધી રાતે સૌથી સજાગ અવસ્થામાં જોવા મળતા હતા.
ગરેખાન કહે છે, "ગમે ત્યારે ઍપૉઇન્ટમૅન્ટ માગો કે મળવાની વાત કરો, ક્યારેય ના ન પાડતા. હંમેશાં રાતના 11-12 વાગ્યે મળતા. રાત્રે જ તેઓ સૌથી વધારે એલર્ટ રહેતા હતા."

પિસ્તોલનું રહસ્ય

અરાફાત હંમેશાં પોતાની કમરમાં એક પિસ્તોલ લટકાવી રાખતા હતા.
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભાષણ કરવા માટે પહોંચ્યા, ત્યારે તેમને જણાવાયું કે સભાગૃહમાં હથિયાર લઈ જવાની મનાઈ છે.
પછી એવો રસ્તો કાઢવામાં આવ્યો કે તેઓ પોતાના ખાખી યુનિફોર્મમાં પિસ્તોલનું હોલ્સ્ટર રાખશે, પણ તેની અંદર પિસ્તોલ નહીં હોય.
સીપીએમના નેતા સીતારામ યેચુરી પણ તેમને ઘણીવાર મળ્યા હતા.
યેચુરી કહે છે, "અરાફાતને પણ ફિદેલ કાસ્ત્રોની જેમ જોરથી ગળે મળવાની આદત હતી."
"એક વાર કેરોમાં મને ભેટી પડ્યા, ત્યારે તેમની કમરેથી પિસ્તોલ ખેંચી લેવાનું મારા માટે બહુ આસાન હતું."
"મેં તેમને કહ્યું પણ ખરું કે તમે સાવચેતી કેમ રાખતા નથી. કોઈ પણ વ્યક્તિ આ કામ કરી શકે છે."
"તેમણે મને એક રહસ્યની વાત જણાવી કે આ પિસ્તોલમાં ગોળી જ નથી."
"તો પછી પિસ્તોલ કેમ રાખો છો એવું મેં પૂછ્યું? અરાફાતે કહ્યું કે તેમને મારવા માટે બહુ લોકો તૈયાર છે, પણ તેમની કમરે પિસ્તોલ જોઈને સો વાર વિચાર કરે."

ઇન્દિરા ગાંધીને બહેન માનતા

ઇમેજ સ્રોત, PHOTO DIVISION
યાસર અરાફાત પોતાની હવાઈ યાત્રાની વાત પણ ખાનગી રાખતા.
યજમાન દેશને જાણ કરવામાં આવતી ન હતી કે તેઓ કઈ જગ્યાએ ઊતરશે.
તેઓ ઘણી વાર ભારત આવતા હતા. તેઓ ઇન્દિરા ગાંધીને પોતાનાં બહેન માનતા હતા.
ચિન્મય ગરેખાન યાદ કરતાં કહે છે, "અરાફાત ભારત આવવાના હોય, પણ પહેલેથી જણાવે નહીં."
"એક કે બે કલાક પહેલાં જ ખબર મળે કે તેઓ આવવાના છે. આમ છતાં ઇન્દિરા ગાંધી હંમેશાં તેમનું સ્વાગત કરવા ઍરપૉર્ટ પર પહોંચી જતાં હતાં."
"તેઓ હંમેશાં ઇન્દિરા ગાંધીને 'માય સિસ્ટર' એમ કહીને બોલાવતા હતા."
1983માં ભારતમાં બિનજોડાણવાદી દેશોનું શિખર સંમેલન યોજાયું હતું.
તેમાં પોતાના પહેલાં જોર્ડનના શાહને ભાષણ કરવાની તક મળી તેનાથી તેઓ નારાજ થયા હતા.
ભારતના ભૂતપૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહ તે સંમેલનમાં મહામંત્રી હતા.
નટવરસિંહ કહે છે, "તે વખતે સંમેલનમાં સવારના સત્રમાં ફિદેલ કાસ્ત્રો અધ્યક્ષ હતા."
"ત્યારબાદ ઇન્દિરા ગાંધી અધ્યક્ષા બન્યાં હતાં. સવારના સત્રમાં મારા ડેપ્યુટી સત્તી લાંબા દોડીને મારી પાસે આવ્યાં અને કહેવા લાગ્યાં કે મોટી મુશ્કેલી ઊભી થઈ છે."
"યાસિર અરાફાત બહુ નારાજ થયા છે અને તાત્કાલિક પોતાનું વિમાન લઈને પરત જતા રહેવા માગે છે."
"મેં ઇન્દિરા ગાંધીને ફોન કર્યો અને કહ્યું કે તમે તરત જ વિજ્ઞાન ભવન પહોંચો. તમારી સાથે ફિદેલ કાસ્ત્રોને પણ લેતા આવજો."
"કાસ્ત્રો સાહેબ પણ આવ્યા અને તેમણે ફોન કરીને યાસર અરાફાતને બોલાવ્યા."
"તેમણે અરાફાતને કહ્યું કે શું તમે ઇન્દિરા ગાંધીને તમારા દોસ્ત નથી માનતા. અરાફાતે કહ્યું કે દોસ્ત નહીં, હું તેમને મારા મોટા બહેન માનું છું. એટલે તરત કાસ્ત્રોએ કહ્યું કે તો પછી નાના ભાઈની જેમ વર્તો અને સંમેલનમાં ભાગ લો."
અરાફાત માની ગયા અને સાંજના સત્રમાં ભાગ લેવા હાજર પણ થઈ ગયા હતા.

'ચૂંટણી પ્રચાર માટે દરખાસ્ત'

ઇમેજ સ્રોત, PIB
રાજીવ ગાંધી સાથે પણ તેમને ઘનિષ્ટ સંબંધો હતા. એવું પણ કહેવાય છે કે તેમણે એકવાર રાજીવ ગાંધીને ચૂંટણીમાં પ્રચાર કરવાની પણ દરખાસ્ત કરી હતી.
ચિન્મય ગરેખાન કહે છે કે રાજીવ ગાંધી બહુ લાગણીશીલ હતા. ઇન્દિરા ગાંધી વાસ્તવાદી હતા અને તેમનો અનુભવ પણ વધુ હતો.
ગરેખાન કહે છે, "રાજીવ ગાંધી જ્યારે પણ અરાફાતને મળતા હતા ત્યારે જોરથી તેમને ગળે વળગી જતા હતા."
"બાદમાં અરાફાતે પોતે મને કહ્યું હતું કે તેમણે રાજીવ માટે ચૂંટણીમાં પ્રચાર કરવાની ઑફર કરી હતી."
"મને લાગે છે કે તેમની આવી દરખાસ્તથી રાજીવ ગાંધી નારાજ થયા નહોતા."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














